Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > સુવર્ણભૂમિ મ્યાનમાર

સુવર્ણભૂમિ મ્યાનમાર

15 September, 2019 03:00 PM IST | મુંબઈ
દર્શિની વશી

સુવર્ણભૂમિ મ્યાનમાર

સોનેરી દેશ એવો મ્યાનમાર આઠે બાજુએથી પેગોડા અને બૌદ્ધ મંદિરો તથા સ્તૂપોથી ઘેરાયેલો છે. મોટા ભાગનાં મંદિરોની ટોચ સોનાથી મઢાયેલી છે, જેનો આકાશી નજરો શબ્દોમાં વર્ણવી શકાતો નથી.

સોનેરી દેશ એવો મ્યાનમાર આઠે બાજુએથી પેગોડા અને બૌદ્ધ મંદિરો તથા સ્તૂપોથી ઘેરાયેલો છે. મોટા ભાગનાં મંદિરોની ટોચ સોનાથી મઢાયેલી છે, જેનો આકાશી નજરો શબ્દોમાં વર્ણવી શકાતો નથી.


ભૂતકાળનો બર્મા અને ઇતિહાસનો બ્રહ્મદેશ એટલે વર્તમાનનો મ્યાનમાર દેશ. મ્યાનમાર દેશ ભારતનો પડોશી દેશ છે. ભારતનાં સેવન સિસ્ટર રાજ્યોમાંનાં કેટલાંક રાજ્યોને અડીને મ્યાનમાર આવેલું છે, એટલે મ્યાનમાર પણ આપણાં સેવન સિસ્ટર રાજ્યોની જેમ એટલું જ નૈસર્ગિક સૌંદર્યથી ઉભરાય છે. નૈસર્ગિક સૌંદર્ય ઉપરાંત અહીં બીજું ઘણું છે, જે તેને એક પર્ફેક્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન તરીકે ખ્યાતિ અપાવે છે તો ચાલો આજે મુલાકાત લઈએ સુવર્ણનગરી મ્યાનમારની...

મ્યાનમાર એશિયા ખંડનો જ એક ભાગ છે, જેની ઉત્તરમાં ચીન, પશ્ચિમમાં ભારત, બાંગ્લાદેશ અને હિન્દ મહાસાગર તથા દક્ષિણ અને પૂર્વ બાજુએ ઇન્ડોનેશિયા છે. વર્તમાનમાં તેની રાજધાની નૅપિતાઓ છે પરંતુ તે અગાઉ તેની રાજધાની યેન્ગોન હતી, જે પૂર્વે રંગૂન તરીકે ઓળખવામાં આવતી હતી. અહીંની મુખ્ય ભાષા બર્મી છે અને અહીંના લોકો બર્મીશ તરીકે ઓળખાય છે. અહીંનું ચલણ કયાત છે. દેશની રાજધાનીની જેમ મ્યાનમારના નામમાં પણ અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે. બ્રિટિશરાજમાં દેશનું નામ બર્મા પડ્યું હતું પરંતુ બ્રિટિશ શાસન બાદ જ્યારે સૈનિકોના હાથમાં ૧૯૮૯ની સાલમાં સત્તા આવી ત્યારે તેઓએ ફરીથી અહીંનાં નામો બર્મી ભાષામાં ફેરવી દીધાં હતાં અને આમ વર્તમાન મ્યાનમાર અને રંગૂન નામ અમલમાં આવ્યાં હતાં. મ્યાનમાર કુદરતી સૌંદર્યના ખજાનાની સાથે કૃષિ, કુદરતી ગૅસ, ખનીજ અને કીમતી ધાતુઓથી પણ સંપન્ન છે.



સુવર્ણ જ સુવર્ણ


તમે ક્યારેક સાંભળ્યું હશે કે મ્યાનમારનાં શહેરો પરથી આકાશમાં ઉડાન ભરીએ ત્યારે નીચે સોનેરી ચાદર પાથરેલી હોય તેવું દેખાય છે. તેનું કારણ છે, અહીં થોડાથોડા અંતરે આવેલાં બુદ્ધમંદિરો, પેગોડા અને સ્તૂપો, જે સોનાથી મઢેલાં છે. તેને લીધે આખું મ્યાનમાર ઉપરથી સુવર્ણભૂમિ લાગે છે! એક બાજુ વૃક્ષોનું ગાઢ સામ્રાજ્ય અને તેમાં વચ્ચેવચ્ચે આવેલા પહાડ અને ટેકરી પર બનાવવામાં આવેલાં બૌદ્ધમંદિરો જાણે જંગલોની ગાઢતાને ફાડીને બહાર આવતાં હોય એવું દૃશ્ય જન્માવે છે તો બીજી તરફ નદીઓની ધારા જેની બાજુમાં બનેલાં નાનકડાં ઘરો જાણે કોઈ ચિત્રકારનું ચિત્ર જોતાં હોઈએ એવો અનુભવ કરાવે છે. અહીં અસંખ્ય સુવર્ણ મંદિરો આવેલાં છે, જેનું એક ઉદાહરણ આપું તો મ્યાનમારમાં આવેલા બગાન નામના શહેરની આસપાસ ૧૨૦૦ સુવર્ણ મંદિર છે. એવું કહેવાય છે કે ૧૧થી ૧૩મી સદી દરમિયાન અહીં ૧૨,૦૦૦ સુવર્ણ મંદિર બાંધવામાં આવ્યાં હતાં. મ્યાનમારમાં સોનાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. અહીં સુધી ઔષધિ, બ્યૂટી પ્રોડક્ટ અને ખાસ પ્રસંગોમાં બનાવવામાં આવતી વાનગીમાં પણ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે.

pagoda


શ્વેડેગોન પેગોડા ઘણું જૂનું છે. અંદાજે ૨૫૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. સોનેરી રંગનું આ પેગોડા ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવેલું છે જેની ખરી સુંદરતા ફોટોમાં નહીં પરંતુ અહીં આવીને જ માણી શકાય છે.

પેગાન અને યેન્ગોન

પેગાન અને યેન્ગોન એ મ્યાનમારની ભૂતકાળની રાજધાનીઓ તો છે, તે ઉપરાંત આ બન્ને શહેર તેનાં ઐતિહાસિક સ્થાપત્યોને લીધે પ્રખ્યાત છે. પેગાન પ્રથમ મિલેનિયમ દરમિયાન મ્યાનમારની રાજધાની હતું. ૧૧મી સદી સુધી તે ખૂબ જ સુંદર હતું પરંતુ ધીરેધીરે તેની કાળજી કરવાનું ઓછું થતું ગયું અને તેના પરિણામસ્વરૂપે અહીં આવેલાં મંદિરોને પણ નુકસાન થતું ગયું. આજે અહીં તે સમયનાં મંદિરો અને સ્તૂપો તો છે પરંતુ ખંડિત હાલતમાં છે. તે છતાં તેને જોતાં અંદાજ આવે છે કે તે સમયે આ સ્થાન કેટલું ભવ્ય અને એટ્રેક્ટિવ હશે! એવું જ બીજું એક શહેર છે યેન્ગોન, જે થોડાં વર્ષ પૂર્વે મ્યાનમારની રાજધાની હતું. યેન્ગોન અહીંનું મુખ્ય અને મોટું શહેર છે, જ્યાં લગભગ ૩૦ લાખ લોકો રહે છે. અહીંની ઇમારતોમાં બ્રિટિશ સામ્રાજ્યની ઝલક જોવા મળે છે. મૉડર્ન ઇમારતો અને મૉડર્ન કલ્ચરની સાથે યેન્ગોને તેની પરંપરાગત વારસાની પણ યોગ્ય રીતે જાળવણી રાખી છે. અહીં ઘણી બાબતોમાં ભારતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. તેનું કારણ છે, ભારતમાં જ્યારે બ્રિટિશ એરા ચાલતો હતો ત્યારે મ્યાનમાર તેનું મુખ્ય બિઝનેસ હબ હતું. જેણે આજથી ૫૦ વર્ષ પહેલાં આ શહેરને જોયું હશે અને આજે જોયું હશે તો તેને તેમાં વધુ ફેરફાર દેખાશે નહીં. કેમ કે છેલ્લાં ૫૦ વર્ષોમાં અહીં વધુ કોઈ બદલાવ આવ્યો નથી. અહીં ફરવા માટે બે દિવસ પૂરતા છે. યેન્ગોનમાં લગભગ ૨૫૦૦ વર્ષ જૂનું શ્વેડેગોન બૌદ્ધમંદિર પણ આવેલું છે, જે ૯૮ મીટર જેટલું ઊંચું છે. આ મંદિરનું બાંધકામ અને કારીગરી સ્પષ્ટપણે દર્શાવે છે કે દાયકાઓ પૂર્વે મ્યાનમાર કેટલો સંપત્તિવાન દેશ હતો! આ મંદિરના ઘુમ્મટની ફરતે ૭૦૦૦ હીરા અને કીમતી રત્નો જડેલાં છે. તેની ચોટી પર ૭૬ કેરેટના હીરાનો મુગટ છે. આટલાં વર્ષો દરમિયાન નોંધાયેલી અનેક કુદરતી હોનારતને લીધે મંદિરને ઘણું નુકસાન પહોંચ્યું છે, જેને લીધે મંદિરના કેટલાક ભાગનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આવું જ બીજું એક મંદિર છે, સોનેરી સુલે બૌદ્ધમંદિર. ઘણા લોકો આ મંદિરને અહીંનો મુખ્ય એટ્રેક્ટિવ પૉઇન્ટ ગણાવે છે. ૪૬ મીટર ઊંચું આ મંદિર આશરે ૨૦૦૦ વર્ષ જૂનું છે.

pangon

મ્યાનમારની અગાઉની રાજધાની પેગાન છે જે એક પ્રાચીન શહેર ગણાય છે. અહીં અનેક મંદિરો આવેલાં છે, જે અત્યારે બિસમાર હાલતમાં છે. એને જોતાં ખ્યાલ આવી જાય છે કે એ સમયે આ શહેરની ભવ્યતા કેવી દુર્લભ હશે.

બગાન

યેન્ગોનથી લગભગ ૮૦૦ કિલોમીટરના અંતરે બગાન આવેલું છે. અહીં હજારોની સંખ્યામાં બુદ્ધનાં મંદિરો આવેલાં છે, જે દૂરથી અત્યંત સુંદર દેખાય છે. બગાન ઑલ્ડ સિટી છે, એવી ધારણા સાથે જો તમે અહીં આવશો તો તમારી ધારણા અહીં આવીને ખોટી પડી શકે છે! અહીંનાં સ્થાપત્યોનું આર્કિટેક્ચર અને શહેરનું કલ્ચર તમને અનેક સૈકા પૂર્વેના સમયમાં લઈ જશે. અહીં ૨૦૦૦થી અધિક બૌદ્ધમંદિરો તો છે જ સાથે અઢળક મોનેસ્ટ્રી અને પેગોડા પણ છે. નાનકડા લાગતા બગાનમાં ટુરિસ્ટને જોઈતી તમામ સવલત મળી રહે છે. પરંતુ જો તમે અહીં આવીને નાઇટ પાર્ટીમાં મહાલવા જવાનું વિચારી રહ્યા હોવ તો તમે નિરાશ થશો. ટૂંકમાં મ્યાનમાર માટે બગાનનું મહત્ત્વ સમજવું હોય તો આ સ્થળ તે દેશ માટે એટલું જ મહત્ત્વ રાખે છે, જેટલું તાજમહલ ભારત માટે! અહીં ખાસ જોવા જેવાં ધાર્મિક સ્થળોની યાદીમાં આનંદા ટેમ્પલ, સ્વેઝીગોન પેગોડા, સુલામાની ટેમ્પલનો સમાવેશ થાય છે. ધાર્મિક સ્થળો ઉપરાંત અહીં પૉપ માઉન્ટેન નેશનલ પાર્ક પણ આવેલો છે. ખૂબ જ સુંદર સરાઉન્ડિંગ ધરાવતો આ પાર્ક એક નવો અનુભવ કરાવી જશે.

hot-air-ballon

અહીં હોટ ઍર બલૂન ખૂબ પોપ્યુલર છે, જેનું કારણ છે અહીં આવેલાં અગણિત બૌદ્ધ મંદિરો અને સ્તૂપો. જે આ હોટ ઍર બલૂનમાં બેસીને ઉપરથી જોઈ શકાય છે.

મંડલય

મંડલય એ મ્યાનમારનું કલ્ચરલ કૅપિટલ ગણાય છે. સાંસ્કૃતિક બાબતે આ શહેર ઘણું વેલ્ધી ગણાય છે. મંડલય એ બગાનથી ૧૮૦ કિલોમીટરના અંતરે આવેલું છે. મ્યાનમારનું બીજું સૌથી મોટું શહેર પણ છે. અહીં આવેલાં ટ્રી હાઉસ, કૉફી શોપ્સ અહીંની શાન ગણાય છે. અહીંનું પ્રમુખ આકર્ષણ ૭૯૦ ફૂટ ઊંચી મંડલય હિલ છે, જેના પરથી જ આ શહેરનું નામ પડ્યું હતું. બરમીસ બુદ્ધિસ્ટ માટે આ અતિ મહત્ત્વનું ધાર્મિક સ્થળ છે. આ ઉપરાંત સ્વેનાન્દો મોનેસ્ટ્રી અહીંનું બેસ્ટ એટ્રેક્શન છે. કહેવાય છે કે આ મોનેસ્ટ્રીને તે સમયના રાજાએ તેમના પિતાની યાદમાં બનાવી હતી. જે મ્યાનમારનું રૉયલ ફૅમિલીનું એક માત્ર બાકી રહી ગયેલું ઓરિજિનલ સ્ટ્રક્ચર છે. આવી જ રીતે બીજું છે, યદાનબોન ઝૂઓલૉજિકલ ગાર્ડન, જે અહીં ઘણું ફૅમસ છે, જેની અંદર ૩૦૦થી વધારે પ્રકારનાં એનિમલ છે, જેમાં બર્મીસ ટર્ટલનો પણ સમાવેશ થાય છે. મંડલયની ટ્રીપ કર્યા વિના મ્યાનમારથી પાછા ફરીએ તો ટ્રીપ અધૂરી ગણાય છે.

ઈંલે લેક

ઈંલે લેક અહીંની એક ઈમ્પોર્ટન્ટ ડેસ્ટિનેશન છે. તળાવ છે એટલે સુંદર તો હોય જ! અહીં આવવું હોય તો વહેલી સવારે આવવું. જ્યારે ઊગતા સૂર્યના પ્રકાશમાં આ સ્થળની સુંદરતા અનેક ગણી ખીલી ઊઠે છે. મંડલયથી વહેલી સવારે અથવા રાત્રીની બસમાં બેસીને આ લેક સુધી પહોંચી શકાય છે. આ બન્ને સ્થળ વચ્ચે પાંચ કલાકનો રન છે. હરિયાળી અને બૌદ્ધ ધર્મનાં ધાર્મિક સ્થળોથી ઘેરાયેલું આ તળાવ કોઈ પણ ટુરિસ્ટને નિરાશ કરી શકશે નહીં. આ લેક ૪૫ સ્કવેર માઇલમાં ફેલાયેલું છે. આ તળાવની અંદર તરતાં ગાર્ડનો અને અંડરવૉટર બુદ્ધ ટેમ્પલો પણ છે. તળાવની અંદર અનેક પ્રકારના દરિયાઈ જીવો રહે છે, જેમાંનાં કેટલાંક તો દુનિયામાં પણ બીજે જોવા નહીં મળે. લેકમાં વળી શું જોવાનું હોય, એવો વિચાર જો તમને આવે તો તમને જણાવી દઈએ કે અહીં તળાવમાં ફ્લોટિંગ ગાર્ડન ઉપરાંત બાજુમાં ફિશિંગ વિલેજ, હોટ સ્પ્રીંગ્સ છે. આ સિવાય અહીં નજીકમાં હેંડીક્રાફ્ટ વિલેજ પણ છે, જ્યાંથી ઍન્ટિક અને યુનિક વસ્તુઓ મળી જશે. અહીં પણ અનેક મંદિરો આવેલાં છે. મ્યાનમારમાં જોવા જેવાં સ્થળોની યાદીમાં આ ડેસ્ટિનેશનનું નામ ટોચના ક્રમે રાખવું જોઈએ.

અન્ય આકર્ષણો

અહીં આવેલું હમિંગન બેલ આમ તો કદમાં નાનું છે પરંતુ તેની પ્રસિદ્ધિ એટલી જ વિશાળ છે. અહીં ધાર્મિક સ્થળે વિશ્વનો સૌથી મોટો ઘંટ મૂકવામાં આવેલો છે. આવું જ બીજું એક સ્થળ છે તાઉનગી, જે એક સમર રિસોર્ટ છે પરંતુ ધીરેધીરે અહીં ટુરિસ્ટોનું વહેણ વધી રહ્યું છે. જેનું કારણ છે અહીંનું સુંદર અને મનમોહક વાતાવરણ! અહીં એક ગુફા પણ આવેલી છે, જેનું નામ પિંડાયા છે. ચૂના અને પથ્થરમાંથી બનેલી આ ગુફાની અંદર બુદ્ધની વર્ષો જૂની અનેક મૂર્તિઓ અને પેઇન્ટિંગ દોરવામાં આવેલાં છે.

મ્યાનમાર અને ભારત વચ્ચે આવેલો મહેલ

નાગાલૅન્ડનું લોન્ગવા ગામ ભારત અને મ્યાનમારની સરહદે આવેલું છે. જ્યાં રાજવી પરિવારનો મહેલ આવેલો છે. પરંતુ આ મહેલ એટલે ખાસ છે કેમ કે તે બન્ને દેશની સરહદ પર આવેલો છે. આથી આ મહેલનો એક ભાગ ભારતમાં અને બીજો ભાગ મ્યાનમારમાં આવે છે! ભારત અને મ્યાનમાર દેશ વચ્ચે ૧૯૭૧ની સાલમાં બોર્ડર બની હતી પરંતુ આ મહેલ તો વર્ષો જૂનો છે. આશરે ૧૫મી સદીમાં આ મહેલ બંધાયો હતો. મહેલમાં રહેતાં લોકો જમે છે ભારતમાં અને સૂએ છે મ્યાનમારમાં! એટલે કે મહેલનું રસોડું ભારતની સીમા હેઠળ આવે છે જ્યારે શયનખંડ મ્યાનમારની સીમામાં આવે છે. અહીંના લોકો કહે છે કે બન્ને દેશ વચ્ચે માત્ર સીમા બની છે પરંતુ લોકોની વચ્ચે સીમા બની નથી. અહીં સરહદ પર રહેતાં લોકોમાં એકબીજા પ્રત્યે પ્રેમ જોવા મળે છે. બન્ને દેશના લોકો એકબીજાની ભૂમિ પર ૧૬ કિલોમીટર સુધી વિઝા વિના પ્રવાસ કરી શકે છે. બોર્ડર પર હોવાથી અહીં ૨૪ કલાક બન્ને દેશની આર્મી જોવા મળે છે. જો ભારતમાં રહીને આ મહેલ જોવાનો ચાન્સ ન મળ્યો હોય તો મ્યાનમારમાં જાવ ત્યારે અચૂક આ ગામ અને મહેલ જોવા જેવો છે.

જાણી અજાણી વાતો....

મ્યાનમારના લગભગ ૮૯ ટકા લોકો બૌદ્ધ ધર્મ ફોલો કરે છે.

મ્યાનમારમાં કોઈ રણપ્રદેશ નથી.

અહીં ઘણા લાંબા સમય સુધી સૈન્યનું શાસન રહ્યું હતું. ૧૯૬૨ની સાલ સુધી અહીંની પ્રજા સૈન્યના નિયંત્રણ હેઠળ હતી.

આ દેશના લોકો અનેક માન્યતાઓ ધરાવે છે. જેમ કે બાળકના જન્મના અઠવાડિયાની અંદર તેનું નામ રાખવામાં આવતું નથી. સોમવાર, શુક્રવાર અને જન્મદિવસના દિવસે અહીં કોઈ વાળ કાપતું નથી વગેરે...

મ્યાનમારમાં આવેલા પેગોડા વિશ્વમાં સૌથી સુંદર હોવાનું કહેવાય છે, જેને જોવા માટે ખાસ લોકો દેશ-વિદેશમાંથી અહીં આવે છે.

અમેરિકાના એક પ્રતિષ્ઠિત મૅગેઝિને મ્યાનમારને વિશ્વનો ત્રીજો સૌથી સુંદર દેશ ગણયો છે.

મ્યાનમાર કૅશલેસ દેશ નથી. અહીં ઘણી જગ્યાએ દર વખતે ક્રેડિટ કાર્ડ સ્વીકારતાં નથી, જેથી હમેશાં પૉકેટમાં કૅશ રાખવી જરૂરી બને છે.

ટૅક્નોલૉજીની બાબતમાં મ્યાનમાર ઘણો પાછળ છે. અહીં એક પેજ લોડ થતાં લગભગ ૧ મિનિટનો સમય લાગી જાય છે.

મ્યાનમાર કૃષિસંપન્ન દેશ છે, જેથી દેશની જીડીપીનો કુલ ૫૦ ટકા જેટલો હિસ્સો કૃષિ ક્ષેત્રનો છે.

મ્યાનમારમાં આજે પણ ઘણી મહિલાઓ તેમના ગળામાં ધાતુથી બનેલી બંગડી પહેરે છે.

મ્યાનમાર પાસે ઢગલાબંધ નેચરલ સ્રોત હોવા છતાં આ દેશ ગરીબ દેશ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો : યુરોપનો હેલ્ધી અને વેલ્ધી દેશ ઑસ્ટ્રિયા

ક્યારે અને કેવી રીતે જશો?

મ્યાનમાર અને ભારતના ઋતુચક્રમાં કોઈ વધુ ફેરફાર નથી. નવેમ્બરથી એપ્રિલ સુધીનો સમયગાળો પીક હોય છે. આ સમયગાળા દરમિયાન ખૂબ ભીડ હોય છે. જાન્યુઆરીથી જૂન સુધી અહીં અનેક તહેવારો યોજવામાં આવે છે. મ્યાનમાર ભારતનો પડોશી દેશ છે. ભારતથી મ્યાનમાર સુધી પહોંચવા માટે રોડ તેમજ હવાઈ માર્ગનો વિકલ્પ લઈ શકાય છે. દિલ્હીથી મ્યાનમાર સુધી પહોંચવા માટે સીધી ફ્લાઇટ અવેલેબલ છે, જે વધુ કોસ્ટલી પણ નથી.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 03:00 PM IST | મુંબઈ | દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK