પશુઓનું હવે આવી બન્યું છે

Published: Aug 11, 2019, 15:22 IST | અતુલકુમાર શાહ | મુંબઈ

કાર્બન ઍમિશન અને પર્યાવરણના નુકસાનથી બચવા મીટ કન્ઝમ્પ્શનને ઓછું કરવા માટે સમગ્ર વિશ્વમાં બૂમાબૂમ શરૂ થઈ ગઈ છે ત્યારે આપણે ત્યાં આવનારી પંચવર્ષીય યોજનામાં બફેલોના માંસની નિકાસ બમણી કરવાનું આયોજન સરકાર દ્વારા થઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કાર્બન ઍમિશન અને પર્યાવરણના નુકસાનથી બચવા મીટ કન્ઝમ્પ્શનને ઓછું કરવા માટે સમગ્ર વિશ્વમાં બૂમાબૂમ શરૂ થઈ ગઈ છે ત્યારે આપણે ત્યાં આવનારી પંચવર્ષીય યોજનામાં બફેલોના માંસની નિકાસ બમણી કરવાનું આયોજન સરકાર દ્વારા થઈ રહ્યું છે. આખા વિશ્વમાં પર કેપિટા મિટ કન્ઝમ્પ્શન ૪૧.૪ કિલો છે, જ્યારે ભારતમાં એ માત્ર ૪.૪ કિલો છે છતાં પશુઓની કતલ કરીને આપણે ત્યાંથી માંસની નિકાસ કરવાની યોજનાનાં કેવાં વસમાં પરિણામ ભોગવવાં પડી શકે છે એના પર વાત કરીએ

જગતમાં શ્રીમંતો અને ગરીબો વચ્ચેની આર્થિક ખાઈની સ્થિતિ એવી રીતે ઊભી થઈ છે કે એક મુઠ્ઠીભર લોકોનો વર્ગ એવો છે જેને ભૂખ લગાડવા શું કરવું એ પ્રશ્ન છે અને બહોળો વર્ગ એવો છે જેને ભૂખ લાગે તો શું કરવું એ પ્રશ્ન છે. ભારતમાં ૪૨ કરોડ લોકો એવા છે જેમને ખાવા માટે એક ટંક પૂરું ભોજન પણ નથી મળતું અને વિશ્વના સૌથી ટોચના ૩૩ ટકા ગરીબ લોકો ભારતમાં વસે છે. ફાઓના ૨૦૧૮ના રિપોર્ટ પ્રમાણે ભારતનાં ૧૪.૯ ટકા બાળકો જોઈએ એટલી માવજત નથી પામી શક્યાં. ૧૯ કરોડ ૫૧ લાખ બાળકો રોજ ભૂખ્યાં સૂઈ જાય છે. પાંચ વર્ષથી નીચેનાં ૨૧ ટકા બાળકો અન્ડર-નરિશ્ડ છે. પાંચ વર્ષથી નીચેનાં ૧૮.૪ ટકા બાળકોને પૂરી યોગ્ય માવજત પણ નથી મળતી. ચારમાંથી એક બાળક મરવાના વાંકે જીવે છે. આનું મૂળ કારણ જળ, જમીન, જંગલ અને જનાવરની રક્ષા-સુરક્ષા પર આપણી ઘોર ઉદાસીનતા છે, કારણ કે આ ચારેય એકબીજા સાથે માત્ર ઇન્ટર-કનેક્ટેડ નથી, પરંતુ ઇન્ટર ડિપેન્ડન્ટ પણ છે. આ સુરક્ષાચક્રને ગંભીરતાથી નહીં લેવા બદલ માણસે ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે.

પાણીનો વેડફાટ અને માંસ

ઍડ્વોક્સી ગ્રુપના વૉટર એઇડના વડપણ હેઠળ ૨૦૧૮નો રિપોર્ટ બતાવે છે કે ૧૬ કરોડ ૩૦ લાખ લોકો એવા છે જેમને પીવાનું પાણી મેળવવા વલખાં મારવાં પડે છે. ૨૦૩૦માં આ પાણીનો જથ્થો હજી ૨૮ ટકા નીચો જવાનો છે. નીતિ આયોગે બહાર પાડેલા રિપોર્ટ મુજબ ૪૫૦૦  નદીઓ સૂકીભઠ થઈ છે અને ૨૦ લાખ કૂવાઓનાં તળિયાનાં પાણી ઓસરી ગયાં છે. હવે માંસના ઉત્પાદમાં પાણી કઈ રીતે વેડફાય છે એના પર નજર નાખીએ. એક કિલો બફેલો મીટનું ઉત્પાદન કરવામાં ૧૨,૦૦૦ લીટરથી ૧૪,૦૦૦ લીટર પાણી વપરાય છે. જ્યારે એટલા જ ચોખાનું ઉત્પાદન કરવામાં ૨૪૯૭ લીટર પાણી વપરાય છે. ટમેટાંનું ઉત્પાદન કરવામાં ૨૧૪ અને કેળાંનું ઉત્પાદન કરવામાં ૭૯૦ લીટર પાણી વપરાય છે. કોબીનું ઉત્પાદન કરવામાં ૨૩૭ લીટર પાણી વપરાય છે. દૂધનું ઉત્પાદન કરવામાં ૧૧૦૦ લીટર પાણી વપરાય છે. એક કિલો બફેલો મીટનું ઉત્પાદન કરવા માટે ૮થી ૧૧ કિલો ઘાસ અથવા સોયાબીન કે અનાજ ખવડાવવું પડે છે. 

કતલખાનાંઓને હિસાબે માત્ર પાણીનું જ નહીં, પરંતુ પર્યાવરણનું પણ પ્રદૂષણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા મે ૨૦૧૮ના રિપોર્ટ પ્રમાણે વિશ્વના સૌથી વધુ ૧૦ પ્રદૂષિત શહેરોમાં ૮ ભારતનાં શહેરો હતાં. વારાણસી, લખનઉ અને આગરા કરતાં પણ વિશ્વમાં સૌથી ટોચનું પ્રદૂષિત સ્થળ તરીકેનું સ્થાન કાનપુર પામ્યું છે. કેમ કે ટોટલ બફેલો મીટ એક્સપોર્ટમાં ૩૪ ટકા નિકાસ માત્ર ઉત્તર પ્રદેશ કરે છે. ગયા વર્ષે ૨૧,૩૦૦ કરોડના ટોટલ મીટ એક્સપોર્ટમાંથી ઉત્તર પ્રદેશે ૭૨૭૩ કરોડનો ફાળો નોંધાવેલો છે. ગંગાની સાફસૂફી કરવા ગમે એટલા પૈસા ખર્ચો, પરંતુ ગોવંશની કતલ બંધ નહીં થાય ત્યાં સુધી સૌથી વધારે પ્રદૂષિત શહેરોનો ઇલકાબ ભારતને મળતો જ રહેશે. 

ઑક્સફર્ડ યુનિવર્સિટી સંચાલિત ‘નેચર’ નામના મૅગેઝિનમાં અને ફાઓએ પણ હવેની ગ્લોબલ ફૂડ સિસ્ટમને રદબાતલ કરવા પર ભાર મૂક્યો છે. કાર્બન ઍમિશન અને પર્યાવરણના નુકસાનથી બચવા કમસે કમ આ  મીટ કન્ઝમ્પ્શનને ઓછું કરવા માટે સમગ્ર વિશ્વમાં બૂમાબૂમ શરૂ થઈ ચૂકી છે. પર્યાવરણ અને તંદુરસ્તીને બચાવવા માટે ૨૦૦૩માં અમ‌ેરિકાથી શરૂ થયેલી મિટલેસ મન્ડે કૅમ્પેનને યુએઈ સહિત ૩૨ દેશોમાં અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. આખા વિશ્વમાં પર કેપિટા મિટ કન્ઝમ્પ્શન ૪૧.૪ કિલો છે, જ્યારે ભારતમાં એ માત્ર ૪.૪ કિલો છે અને નેપાલ હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં ત્યાં ૯.૯ કિલો વપરાશ છે અને સૌથી દુ:ખની વાત એ છે કે આખા વિશ્વમાં સૌથી ઓછું માંસ ખાનારો ભારત દેશ સૌથી વધારે માંસની નિકાસ કરે છે. સમગ્ર વિશ્વમાં અહિંસા, ભાઈચારો અને કરુણાની નિકાસ કરનાર ભારત દેશ હવે સમગ્ર વિશ્વમાં જીવતાં અને મરેલાં પશુઓનાં લોહી-માંસની નિકાસ કરે છે, જેમાં કુદરતી સંસાધનોનો ખાતમો બોલાય છે. ફળદ્રુપ જમીન વાંઝણી બને છે, હવા અને પાણી પ્રદૂષિત થાય છે અને વિશ્વના લોકો મજાથી પોતાની જીભના ચટકાઓને આ દેશની બરબાદીના ભોગે સંતોષે છે. માત્ર પશુઓનું માંસ નહીં, પરંતુ જીવતાં પશુઓને પણ પાંઉભાજીના તવા પર પટ્ટા બાંધીને જીવતાં શેકવામાં આવે છે અને દર વર્ષની નિકાસ અને એની આવકના આંકડાઓ ચોંકાવનારા છે.  

પર્યાવરણ માટે જોખમી?

ચીનના તજ્જ્ઞોએ લાલ બત્તી સાથે અગમચેતી આપી દીધી છે કે દેશની અંદર થતા માંસના ભક્ષણને ૫૦ ટકાથી ઓછું કરવું અત્યંત આવશ્યક છે જેથી ૧,૮ બિલ્યન ટન્સના કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણને ૧ બિલ્યન ટન સુધી સીમિત કરી શકાય. વિશ્વની સૌથી મોટી ચિંતા સીએફસી હતી જેનો એક મૉલેક્યુલ ઓઝોનના એક લાખ પરમાણુઓને તોડી નાખતો હતો, પરંતુ હવે સૌથી મોટી સમસ્યા જીએચજી એટલે કે ગ્રીન હાઉસ ગૅસની છે, જે હત્યા માટે પાળવામાં આવતાં પશુઓને કારણે પેદા થતી હોય છે. નેધરલૅન્ડ્સમાં આ જીએચજીનું પ્રમાણ મર્યાદાની બહાર જતાં હૅગની ઇન્ટરનૅશનલ કોર્ટે એક લાખ ડૉલરનો દંડ કર્યો છે. એક કિલો બીફ પેદા કરવા માટે ૬.૨ ગૅલનનો ગૅસોલિન વપરાય અને જે નુકસાન થાય છે એટલું પર્યાવરણનું નુકસાન થાય છે અથવા તો મિડ સાઇઝ્‍ડ કાર જો ૧૬૦ માઇલ સુધી ચલાવો અને જે નુકસાન થાય એટલું જ પર્યાવરણનું નુકસાન થાય છે. 

પશુઓને જિવાડવાનો લાભ વધુ

પશુઓને મારી નાખવાને બદલે જિવાડો તો એક સસ્ટેઇનેબલ ઇકૉનૉમિક ડેવલપમેન્ટની સિસ્ટમ પેદા થાય છે. એક પશુને મારી નાખો તો ૬૦,૦૦૦ રૂપિયાની આવક થાય છે અને જિવાડો તો ૬ લાખ રૂપિયા કમાવી આપે છે. ૧૦,૦૦૦ પશુથી ૧ મેગાવૉટ પાવર વીજળી પેદા થઈ શકે છે અને ૨૮.૧ કરોડ પશુની આબાદીથી ૨૮ ગીગાવૉટ ઇલેક્ટ્રિસિટી પેદા થઈ શકે છે જે ભારતની પાવર શૉર્ટેજથી ૮ ગણી વધારે છે. 

બ્રાઝિલમાં ૧૯૬૫માં ૩૦૦૦ ગીર ગાયોને ભારતમાંથી જામસાહેબે ભેટ આપી હતી. તેઓ આની ગંભીરતા સમજ્યા અને આજે ત્યાં આ ગીર ગાયની સંખ્યા ૬૫ લાખ થઈ ગઈ છે અને આપણે ત્યાં આ સંખ્યા બે લાખથી પણ નીચે જઈ ચૂકી છે. સંપૂર્ણ રીતે વિનાશના આરે ઊભેલા વિયેટનામના યુદ્ધ પછીના પુનર્નિમાણમાં સ્વર્ગીય સુષમા સ્વરાજે પાર્લમેન્ટમાં જણાવ્યા મુજબ પશુરક્ષાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. પ્રત્યેક ખેડૂતને એક એકર જમીન અને એક ગાય આપવામાં આવી હતી અને આખા દેશનો પુનરુદ્ધાર થયો હતો. પશુની હત્યા રોકવા માટે કાયદાના મૂળમાં પણ કેટલાક બંધારણીય અને વહીવટી ફેરફાર જરૂરી છે. પશુને લાકડી મારો તો ધ પ્રિવેન્શન ઑફ ક્રૂઅલ્ટીઝ ટુ ઍનિમલ્સ ઍક્ટ ૧૯૬૦ હેઠળ ગુનો બને છે, પણ રાજ્યના ઍનિમલ પ્રિઝર્વેશન ઍક્ટ અંતર્ગત ચાલતાં કતલખાનાંઓમાં પશુને જો તમે સાવ મારી નાખો તો સરકાર તમને  સબસિડી, લોન, ઇન્કમ-ટૅક્સ-માફી વગેરે આપે. સર્વોચ્ચ આદલતની ડિવિઝન બેન્ચના રાધાકૃષ્ણન અને ઘોષ નામના નામદાર જજોએ સુપ્રીમ કોર્ટમાં જલિકુટ્ટીના કેસમાં ૧૦૩ પાનાંનો એક આદેશ આપ્યો છે જે પશુરક્ષા માટે ગીતા સમાન કહી શકાય અને પશુઓને માણસોની જેમ ફન્ડામેન્ટલ રાઇટ્સ છે તેમને શાંતિથી જીવવાનો, ભૂખ્યાં નહીં રાખવાનો અને સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો છે એટલે હદ સુધી કહ્યું છે કે બે માણસ ઝઘડે તો હવે તેઓ એકબીજાને કૂતરો કે ગધેડો એવી ગાળ નહીં આપી શકે, કેમ કે એનાથી પ્રાણીઓનું સન્માન ઘવાય છે. તેમણે તો યુનોને પણ કહ્યું કે તમે માનવ અધિકારની વાત કરી તો પશુઓના મૂળભૂત અધિકાર વિશે કેમ કંઈ ન કર્યું. સર્વોચ્ચ અદાલતના આ આદેશને એના હાર્દ સાથે ખરેખર જો પાળવામાં આવે તો એક પણ પશુના માંસની નિકાસ ન થઈ શકે અને ભારતમાં પણ કરોડો પશુઓને કાયદેસર રીતે જીવતદાન મળી શકે છે. 

ગાંધીજીએ કહ્યું છે કે એક દેશ પોતાનાં પશુ સાથે કેવો વ્યવહાર કરે છે એનાથી એના ચારિત્ર્યના આંકનું મૂલ્યાંકન થઈ જતું હોય છે. પશુઓની મતબૅન્ક કે યુનિયનો ન હોવાથી તેમની વિરુદ્ધ ગમે તેવા નિર્ણયો થઈ શકે છે અને માણસોની વોટબૅન્કની હમણાં પાંચ વર્ષ કોઈ ફિકર નથી. અંતમાં એટલું જ જણાવીશું કે પશુ બચશે તો ગામ બચશે અને ગામ બચશે તો દેશ બચશે. પરમાત્મા પ્રશાસકોને પવિત્ર બુદ્ધિ અર્પે એ જ પ્રાર્થના.

આ પણ વાંચો : વેપારના નામે એક્ઝૉટિક પશુ પંખીઓ પર થતો અત્યાચાર તમને ધ્રુજાવી દેશે

ધરતીકંપ પણ આવે પશુઓની હત્યાથી?

દિલ્હી યુનિવર્સિટીના જાણીતા વૈજ્ઞાનિક ડૉ. મદન મોહન બજાજ, ઇબ્રાહિમ અને વિજયરાજ સિંહ નામના ભારતના ત્રણ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ૧૯૯૫માં રશિયાના મૉસ્કોમાં સામૂહિક હત્યાને કારણે ઉદ્ભવતા તરંગો ધરતીને હલાવવાનુ કામ કરે છે. વિશ્વમાં આવતા ધરતીકંપ, સુનામી અને કુદરતી આફતોનું મૂળ કારણ પશુની હત્યા છે એ રિસર્ચ વિશે જાણીને ત્યાં હાજર રહેલા વૈજ્ઞાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા, જેને હવે રહી-રહીને વધુ રિસર્ચ દ્વારા પુષ્ટિ આપવાનું કામ ચાલુ છે. આ ત્રિપુટીએ સાબિત કર્યું હતું કે રેડિયો, ટીવી, સૅટેલાઇટ અને એક્સપ્લોઝિવ ઍટમબૉમ્બના પણ વિસ્ફોટ તરંગોના આવાગમન પર નિર્ભર હોય છે. રશિયાના વૈજ્ઞાનિકે તો લ્યુનોખોદ નામના મશીનથી ચંદ્ર પરની રજકણને પૃથ્વી પર લાવવાનો સિદ્ધ પ્રયોગ કરેલો છે. આ જ પ્રમાણે ધરતીકંપ પણ તરંગોના આધારે થાય છે જેમાં તેમણે ત્રણ તરંગોની વાત કરી છે, જેમાં પહેલા તરંગો અતિવેગથી પસાર થતા હોય છે. બીજા પ્રકારના તરંગો પ્રમાણમાં ધીમી ગતિવાળા હોય છે, પરંતુ તેઓ પશુઓની હત્યા થાય ત્યારે જેને આઇન્સ્ટાઇન પેઇન વેવ્ઝ કહે છે એવાં વેદનાનાં વાદળોને બાંધતા હોય છે. આવાં વાદળોનાં મોજાં ધીમે-ધીમે એકઠાં થઈને બળવાન થતાં જાય છે. જે સ્થાન પણ ફેરવી શકે છે અને જેમ પાણીનાં વાદળો ફાટે ત્યારે વરસાદ પડે છે એમ આ વેદનાના વાદળનું એક્સપ્લોઝન થાય ત્યારે ભૂગર્ભના ખડકોને પણ તોડી નાખે છે. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK