Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જૂની કથા કહું છું

જૂની કથા કહું છું

07 July, 2019 10:04 AM IST |
અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

જૂની કથા કહું છું

જૂની કથા કહું છું


દરેક જણને કંઈક કહેવું છે. મનની વાત કોઈક અંગતની પાસે મન ખોલીને મૂકવી છે. મસ્તિષ્કમાં ઘોળાતા વિચારોને વાચા આપવી છે. સર્જકો માટે તો વ્યક્ત થવું એ ઉચાટ પણ છે અને ઉપાય પણ છે. મૂંઝારો વ્યક્ત ન થાય તો એનો વિસ્ફોટ થઈ શકે. તાજેતરમાં દિનકર જોષીના ૮૩મા જન્મદિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો હું લખતો ન હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત. રાહી ઓધારિયાના શેરથી કહેવાની વાત પેટછૂટી કહી જ દઈએ...

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત



બેસો, કહું છું તમને હું મારા મર્યાની વાત


વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને

મારા મહીંથી ધીમે-ધીમે હું સર્યાની વાત


આકાશમાંથી ખરતા સિતારા સૌને જોવા ગમે, પણ જિંદગીમાંથી ખરવાનું આવે ત્યારે એ ખરા અર્થમાં મરવાનો અર્થ ધારણ કરી લે. મૃત્યુને આવકારવું કે સ્વીકારવું સહેલું નથી છતાં આખરે એ કરવું તો પડે જ. જિંદગીભર શીખવાની રસમમાં રિસેસ તો આવવાની. એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ નક્કી છે. વચ્ચેની સફરને આપણે શોભાવવાની છે. રાકેશ હાંસલિયા વાસ્તવિકતા તરફ નિર્દેશ કરે છે...

એ જ ટોળાથી અલગ પડતા નથી

જાતને ક્યારેય જે મળતા નથી

શું કહું એને કૃપા કે અવકૃપા?

પાંદડાં આ વૃક્ષનાં ખરતાં નથી

ઈશ્વરે વૃક્ષના માધ્યમથી અનેક સંદેશ માનવજાતને આપ્યા છે. જેમ દેશ ચલાવવા માટે બંધારણનું પાલન કરવું પડે એમ જિંદગીને ઉન્નત કરવા વૃક્ષસંહિતાનું પાલન કરવામાં આવે તો વેરઝેરનાં વાવાઝોડાં નબળાં પડી જાય. અનુકૂળતા આવે ત્યારે ઊગવાની અને સમય આવે ત્યારે આથમી જવાની તૈયારી એ વૃક્ષત્વ છે. ધરતી અને આકાશ પાસેથી લઈને અનેકગણું પાછું આપવાનો ધર્મ વૃક્ષ નિભાવે છે. આપણા ધર્મની વાત કરીએ તો એ વન-સાઇડેડ વધારે જોવા મળશે. સ્વાર્થ શબ્દની આગળ નિઃ લગાડવા માટે ખાસ્સા કોઠા ભેદવા પડે. નિનાદ અધ્યારુ સંવેદનશીલતા અને સ્પષ્ટતાને સાંકળી લે છે...

દિલમાં આયાતોની મોસમ

આંખો ભગવદ્ગીતા થઈ ગઈ

વર્તુળ બારા આવો તો કહું

કોની, કેવી ત્રિજ્યા થઈ ગઈ

ધાર્મિક એકતા દેશના વિકાસ માટે અત્યંત આવશ્યક છે. જેટલી જરૂર એક્સપ્રેસવે કે હાઇવેની છે એટલી જ જરૂર ધર્મો વચ્ચેનું અંતર ઘટાડવાની છે. ઝારખંડમાં મૉબ લિન્ચિંગના બનાવ હોય કે દિલ્હીના ચાંદની ચોકમાં મંદિરની તોડફોડની ઘટના હોય, આખરે આ બધા કિસ્સા દેશના મોઢા પર સણસણતા તમાચા જ છે. ન્યુ ઇન્ડિયા માત્ર ટેક્નૉલૉજી આધારિત પ્રણાલી, વ્યવસ્થાપન સુધારો, અવકાશી હરણફાળ, કૃષિક્રાન્તિ, જળક્રાન્તિ જ નહીં, પણ નાગરિકોની માનસિકતામાં પણ ધરખમ સુધારો માગે છે. ચશ્માં પર લેબલ લગાડેલાં હોય તો દૃશ્ય ખંડિત દેખાવાનાં. આ લેબલ ઉખાડવાની જરૂર છે. પ્રવીણ શાહ આપણને સ્પષ્ટતાની વધારે નજીક લઈ જાય છે...

કંઈ જ વિચારવું નથી આજે

કોઈનું માનવું નથી આજે

ના નરો વા ના કુંજરો વા કહું

સત્ય ઉથાપવું નથી આજે

સત્યને આપણે રગદોળ્યું છે, મચકોડ્યું છે, હંફાવ્યું છે, ધિબેડ્યું છે, ગૂંગળાવ્યું છે અને એના પર ખિલ્લાવાળાં બૂટ પહેરીને આપણે ચાલ્યા છીએ. સત્ય કડવું હોય છે એટલે કોઈને માફક નથી આવતું. બ્રેડ પર ચોપડાતા અમૂલ મસ્કાની જેટલી સહજતા સત્ય પાસે નથી. એ તો સૅન્ડવિચ ખાધા પછી ફેંકી દીધેલા કાગળિયામાં છપાયેલી કોઈ અખબારી ઘટનામાં ગડી વળીને છુપાયેલું હોય. એને શોધવા જેટલી સજ્જતા અને સમય બન્ને મિસિંગ છે. નીરવ વ્યાસ આવી જ કોઈ ઘટનાના સારતત્ત્વની છાનબીન કરે છે...

હાથમાં પ્યાલી તો આવી ખૂબ પણ

કંઈક ધ્રુજારી રહી, એકંદરે

આપણા મળવાની સચ્ચાઈ કહું?

એ અદાકારી રહી, એકંદરે

પ્રત્યેક જણમાં એક અદાકાર છુપાયો હોય છે. પોતાની વાત કહેવા-મનાવવા માટે અનુકૂળ ચહેરો ધારણ કરી લે. જોકે સામેવાળાની ચકોર આંખોમાં એ પકડાયા વગર રહેતો નથી.  માપવા-પામવા વચ્ચેનો અર્થ રાજેશ બ્રહ્મભટ્ટ રાજ સમજાવે છે...

ક્યાં કશું પણ પામવાની વાત છે

મૂળ મનને ત્યાગવાની વાત છે

આવ કાળીનાગનો કિસ્સો કહું

એષણાઓ નાથવાની વાત છે

કશું હોય તો એનો ત્યાગ કરવાનો અર્થ સરે. બૅન્કનો પટાવાળો કે ગલીના નાકે બેઠેલો કરિયાણાવાળો પ્રધાનમંત્રીના પદને ત્યાગી દે એનો કોઈ અર્થ નથી, કારણ કે જે એની પાસે છે જ નહીં એનો ત્યાગ કેવી રીતે હોઈ શકે? અહીં કોઈને ઉતારી પાડવાનો ઉદ્દેશ નથી, પણ અશોક જાની આનંદ કહે છે એ વાત ઘણાય સ્પષ્ટવક્તાઓમાં જોઈ શકશો...

લાગતું જેવું મને બિન્દાસ્ત કહી દઉં છું જુઓ

સાચું કહું! હું તો જીવું છુ બસ કોઈ દર્પણ સમું

કેટલીક વ્યક્તિ આપણને નથી ગમતી તો નથી જ ગમતી. ગમે એટલા પ્રયાસો કરો તો પણ હૃદય એને સ્વીકારવાની ના જ પાડે. જગ્યાની જેમ વ્યક્તિનાં પણ વાઇબ્રેશન્સ હોય. ઘણી વાર તો મુલાકાત અડધી મૂકીને ભાગી જવાનું મન થાય. લક્ષ્મી ડોબરિયા આ હકીકત બયાં કરે છે...

સરવાળા-બાદબાકીની જ્યાં શક્યતા નથી

એ વાતને વધારવામાં પણ મજા નથી

હું આંખ આડા કાન ભલેને કરી લઉં

કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી

કેટલાક નિર્ણય અંદરથી જ આવતા હોય. એને ટાળીએ કે દબાવીએ તો આખરે અફસોસ જ હાથમાં આવે. શીતલ જોશી કોર્ટની પરિભાષામાં આપણને સમજાવે છે...

આપ એને અનુસરી જુઓ

આપનામાં ઠરાવ બેઠો છે

તું કહે છે દલીલ ઊભી છે

હું કહું છું, બચાવ બેઠો છે

સ્વત્વને બચાવવાની ગડમથલમાં ઘણી વાર ઘા-ઘસરકા સહન કરવા પડે. એ જખમ બનીને ઘર કરી જાય તો જીવનસફર અળપાઈ જાય. પ્રવીણ શાહ વાસ્તવિકતાને સ્વીકારે છે...

રણઝણી ઊઠતા ભીતરથી રોમ-રોમ

ક્યાં હવે એવા નિનાદો થાય છે

જિંદગી છે, શું કહું, શું ના કહું

કેવું કેવું અહીં, જવા દો, થાય છે

ક્યા બાત હૈ 

સહરાને, ઝાંઝવાને જૂની કથા કહું છું

સ્પર્શ્યો તો વાદળોને એ વારતા કહું છું

 

છે ફર્ક ક્યાં વધારે? શબ્દો જુદા કહું છું

તું જેને કે’છે શ્વાસો એને હવા કહું છું

 

આવે છે એ સવાલો, વેરીને સ્મિત આછું

‘ને હુંય ઉત્તરોમાં બસ ‘હા’ કે ‘ના’ કહું છું

 

બેસું છું જઈ સભામાં ભ્રમરોની સાથે સાંજે

ફૂલોને છેડવાના નુસખા નવા કહું છું

 

સમજી શકો તો સમજો, મોઘમની આ છે ભાષા

હોઠોને મૌન રાખી મારી વ્યથા કહું છું

 

છે જાણ કોઈને ક્યાં, છેલ્લી સફર છે મારી

એ ‘આવજો’ કહે છે, હું ‘અલવિદા’ કહું છું

 

મિલિંદ ગઢવી

(ગઝલસંગ્રહઃ રાઈજાઈ)

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 10:04 AM IST | | અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK