Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > છે સમસ્યા રોજની

છે સમસ્યા રોજની

08 September, 2019 03:25 PM IST | મુંબઈ
અર્ઝ ‌કિયા હૈ - ‌હિતેન આનંદપરા

છે સમસ્યા રોજની

છે સમસ્યા રોજની


દેશ પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપસર પૂર્વ નાણામંત્રી તરીકે ગફલા કરનારા ચિદમ્બરમ્ અને કૉંગ્રેસના કદાવર નેતા ડીકે શિવકુમાર જેવા નેતાઓની ધરપકડ થાય એ થાળીવાજું વગાડીને વધાવવા જેવી ઘટના છે. એક દાયકામાં સંપત્તિ લાખોથી કરોડો અને કરોડોથી અબજો સુધી કઈ રીતે પહોંચી શકે એની કુનેહ પ્રાપ્ત કરવા બદલ એમના લેક્ચર રખાય તો માઇક ફાટી પડે. હિંદી ફિલ્મોમાં આવતો સંવાદ ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ’ વિવેક કાણે ‘સહજ’ની પંક્તિઓમાં સાર્થક થતો જણાય છે... 

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું



આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું


રાખો શરત તો એટલું સમજીને રાખજો

ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું


ભ્રષ્ટાચારની સમસ્યા ભલે ઓછી થઈ છે પણ નાબૂદ થઈ નથી. કાશ્મીરની સમસ્યાએ છેક સિત્તેરના આરે પહોંચી ‘હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત’ની આશા જન્માવી છે.  અર્થતંત્રની ખોરવાયેલી ગતિએ ચિંતા ઊભી કરી છે. મંદી કાગળ પરથી નીકળી રસ્તા પર રખડવા નીકળી પડી છે. મોબ લિંચિંગનો ઉપદ્રવ વકરતો જાય છે. આ બધી સમસ્યાઓમાં એક જટિલ અને સંકુલ સમસ્યા એનઆરસી (ધ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ની છે. આ સમસ્યાનું મુખ્ય પગેરું ૧૯૭૧માં થયેલા ભારત-પાક યુદ્ધ પછી સર્જાયેલા બાંગ્લાદેશ તરફ નીકળે છે. એ સમયે બાંગ્લાદેશમાંથી હિજરત કરીને આવેલા લોકો ગેરકાયદે રીતે આસામમાં વસવા લાગ્યા. તેની સંખ્યામાં ઉત્તરોત્તર થયેલા વધારાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભય ફેલાયો અને પોતાનું અસ્તિત્વ ખતરામાં આવશે એવી શંકા થવા લાગી. ભાવેશ ભટ્ટ આ વિવાદને કાવ્યાત્મક રીતે દર્શાવે છે...

છે કોનો મારી ઉપર હક વધારે એ બાબત

તરસ ને આંસુની વચ્ચે ઘણો વિવાદ થયો

તરત ઉમેરો જગતમાં થઈ ગયો તારો

કે જે ક્ષણેથી તું મારી ભીતરથી બાદ થયો

ઑગસ્ટની આખરમાં જે યાદી બહાર પડી એમાં લગભગ 19 લાખ લોકો બાદ હતા. આ લોકો પોતાની નાગરિકતા પુરવાર ન કરી શક્યા. નાગરિકતા નોંધણીની આવડી મોટી કાર્યવાહી હોય ત્યારે માનવીય ભૂલો થવાની અપાર શક્યતા રહેવાની. એટલે સરકાર ચાર મહિનાનો ગાળો અને કાનૂની મદદ આપવાનું ઠરાવ્યું છે. આ સમયગાળામાં જે લોકો બાદ થયા છે એમનામાં ઉચાટનો ઉમેરો થયા કરશે. સંજુ વાળા કહે છે, એવી અનૂભૂતિ થશે... 

અહીંથી ઉઠાવીને ઓ પાર ફેંક્યો

જણસ રદ્દી જાણી લગાતાર ફેંક્યો

નગર નાગરિકતાનો આચાર ફેંક્યો

ત્વચા જેમ વળગેલ વ્યવહાર ફેંક્યો

એક તરફ સવાલ માનવતાનો છે તો બીજી તરફ સવાલ ગેરકાયદે ઘૂસણખોરીનો છે. બંને પક્ષ પાસે પોતપોતાની દલીલો છે. મમતા બેનરજી જેવાઓ ગેરકાયદેને પણ કાયદેસર દરજ્જો આપવાનું વલણ ધરાવે છે. આપણે લિવ-લાઇસન્સના ધોરણે કોઈને અગિયાર મહિના ફ્લેટ ભાડે રહેવા આપ્યો હોય અને એ માણસ ફ્લેટ પચાવી પાડે તો? દેશહિતમાં શાસકે કેટલાક આકરા નિર્ણયો લઈ અકારા થવું પડે. પરશુરામ ચૌહાણ સ્વ-નિરીક્ષણ કરે છે...

કદી જીતી ગયો છું તો કદી હારી ગયો

સતત હું જાતની સાથે જ સ્પર્ધામાં રહ્યો

છતાં ભટકી ગયો સાચું પગેરું શોધવા

કદી કાશી અને ક્યારેક મક્કામાં રહ્યો

આસામમાં જે કવાયત થઈ છે એને અન્ય રાજ્યોમાં કરવાનો નિર્ણય કદાચ ભવિષ્યમાં લેવાઈ શકે. આસામમાં બાંગ્લાદેશીઓ, મિઝોરમમાં ચકમા તથા પશ્ચિમ બંગાળમાં ગોરખાઓની સમસ્યા છે. સાધનસંપન્ન દેશ હોય તો આ બધાનો નિભાવ કરી શકે, પણ જ્યાં ગરીબી પહેલેથી જ એનાકોન્ડા જેવી વિકરાળ હોય અને સાધનો હંમેશાં ટાંચાં પડતાં હોય ત્યાં અતિરિક્ત જવાબદારીઓથી કેડ નમતી જાય. હજારો લોકો હોય તો આમતેમ ભળી જાય પણ વાત લાખો લોકોની હોય ત્યારે આ અતિક્રમણનો ભોગ સ્થાનિક નાગરિકો બનવાના. ડૉ. મહેશ રાવલ એક સોંસરવો સવાલ પૂછે છે...

સમજણ વિષેની ગેરસમજણ ક્યાં સુધી

આ જાત સાથે છેતરામણ ક્યાં સુધી?

ઉત્તર વગરના પ્રશ્નના અસ્તિત્વને

દઈ નામ માણસનું, આરક્ષણ ક્યાં સુધી?

આરક્ષણના મુદ્દે પણ મતમતાંતર પ્રવર્તે છે.

ઘણી વાર હોશિયાર વિદ્યાર્થીઓ અનુસૂચિત

જાતિ-જનજાતિના ન હોવાને કારણે યોગ્યતા હોવા છતાં પ્રવેશથી વંચિત રહી જાય છે. પોતાનાથી ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને આગળ જતાં જોઈને તેમણે નારાજગી દબાવી દેવી પડે. કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરવાની વાસ્તવિકતા ચાલતી આવી છે. આક્રોશને આડે પાટે ન ચડાવવાનો નિર્દેશ શૈલેન રાવલ આપે છે...

ગેરસમજણ સામટી ફેલાવ ના

દુશ્મનોની જેમ તું બોલાવ ના

એક તો મનથી બહુ દાઝેલ છું

ગત-સમયનું તાપણું સળગાવ ના

આસામમાં છેક ૧૯૫૧માં વસતી ગણતરી થઈ ત્યારે પાકિસ્તાનથી આવેલા ગેરકાયદે વસાહતીઓની વાત છેડવામાં આવી હતી. 1961ના અહેવાલ પ્રમાણે આ આંકડો લગભગ ૨.૬૧ લાખ લોકોનો હતો. ૧૯૪૮થી ૧૯૭૧ના ગાળામાં પૂર્વ પાકિસ્તાનથી હિજરતીઓ અહીં આવીને વસતા રહ્યા ને બાંગ્લાદેશના નિર્માણ પછી આંકડો વધતો ગયો. તેની સામે વિરોધ કરવા આસામની વિદ્યાર્થી પરિષદે ૧૯૭૯માં ઝુંબેશ ઉપાડી, જે છ વર્ષ ચાલી. આ ઝુંબેશ ૧૯૮૫માં વિરામ પામી જ્યારે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ‘આસામ ઍકોર્ડ’ પર સહી કરી. બેજાન બહાદરપુરી હિજરતીઓની વેદના વ્યક્ત કરે છે...

નિહાળીને મને લોકો કરે છે બંધ દરવાજા

ખબર પડતી નથી કેવીય બદનામી ધરાવું છું

જરા શોહરત મળી કે દોસ્તો પણ થઈ ગયા દુશ્મન

પછી લાચાર થઈ ‘બેજાન’ ગુમનામી ધરાવું છું

વાંક કોનો એ પ્રશ્ન પૂછાય તો એની લાંબી ચર્ચા નીકળે. એક દેશમાંથી અન્ય દેશમાં વસવા જતા લોકો મોટે ભાગે જીવનનિર્વાહ માટે જતા હોય છે. પોતાના દેશમાં તક ઓછી હોય અને સાધનોની ખોટ વર્તાતી હોય ત્યારે આ પગલું ભરવું પડે. કાયદાકીય રીતે પ્રવેશ શક્ય ન હોય ત્યારે ગેરકાયદે માર્ગોનો સહારો લેવો પડે. મેક્સિકોથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકોની સમસ્યા લાંબા સમયથી ચાલતી આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે લાંબી દીવાલ બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો જે ખર્ચાળ હતો. ભાવિન ગોપાણી સમસ્યાની છણાવટ કરે છે...

છે સમસ્યા રોજની, બે ચાર તો ઊભી જ છે

જો મળે ના ભીતરે તો બ્હાર તો ઊભી જ છે

હોય મોટો બંગલો કે હોય નાનું ઝૂંપડું

ઉંબરા પર એક સ્ત્રી લાચાર તો ઊભી જ છે

આ પણ વાંચો : શું કામ વધુ વરસાદને મુંબઈ ખમી નથી શકતું?

નમોની સરકારે કેટલીક જટિલ સમસ્યાઓનો પટારો ખોલ્યો છે. ઉકેલ અઘરો હોવા છતાં એની સામે લડવાની હામ ભીડી છે. અનિર્ણાયકતાનો અરસો ઓગળી રહેલો અનુભવાય છે. કાચાપોચાની બદલે કઠોર થઈને લેવાતા નિર્ણયો સરદાર પટેલની અચૂક યાદ અપાવે. કીર્તિકાન્ત પુરોહિત અનુભવી બિઝનેસમૅનની જેમ ચેતવણી આપે છે...

એ ફરી આવે, કોઈ ગૅરંટી નહીં

આ ઘડી બસ એક જ વખત હોવાની

આ રકમ કરજે આજ સરભર નહીં તો

કાલના પાને એ પરત હોવાની

ક્યા બાત હૈ

આવ્યું ન આવનાર સમસ્યા કશી નથી

ખૂલ્લાં પડ્યાં છે દ્વાર સમસ્યા કશી નથી

કાણા છે હાથ મારા, કરી દે ક્ષમા મને

બાકી હે આપનાર સમસ્યા કશી નથી

પથ્થર સમો આ ચહેરો જરા ઘાટ પામશે

આંસુ છે ધારદાર સમસ્યા કશી નથી

આશા છે એકની અને આદત બીજાની છે

હા હોય કે નકાર સમસ્યા કશી નથી

ઈશ્વરનું ઘર આ જગ અને મહેમાન આપણે

યજમાન છે ફરાર સમસ્યા કશી નથી

ચૂંથી ગયા છે રાતને કંઈ કેટલા વિચાર

બાકી બચી સવાર સમસ્યા કશી નથી

વ્યવહાર એ તૂટેલો કઈ રીતે જોડવો

આશા છે તારતાર સમસ્યા કશી નથી

મસમોટો બંધ ઊર્મિ ઉપર મેં ચણી દીધો

ઝીણી પડી દરાર સમસ્યા કશી નથી

- રઈશ મનીઆર

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 03:25 PM IST | મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ - ‌હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK