Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મોટર વેહિકલ અમેન્ડમેન્ટ ઍક્ટમાં કેન્દ્ર-રાજ્ય સરકાર આમને-સામને શું કામ?

મોટર વેહિકલ અમેન્ડમેન્ટ ઍક્ટમાં કેન્દ્ર-રાજ્ય સરકાર આમને-સામને શું કામ?

15 September, 2019 02:52 PM IST | મુંબઈ
ભક્તિ ડી દેસાઈ

મોટર વેહિકલ અમેન્ડમેન્ટ ઍક્ટમાં કેન્દ્ર-રાજ્ય સરકાર આમને-સામને શું કામ?

ટ્રાફિક

ટ્રાફિક


કેન્દ્ર સરકારે મોટર વાહન અધિનિયમ, ભારત (મોટર વિહિકલ અમેન્ડમેન્ટ એક્ટ, ઇન્ડિયા)માં સપ્ટેમ્બર 1, 2019થી દેશભરમાં લાદેલા સુધારાઓને લઈ, વધેલા દંડનો આંકડો સાંભળતાં ભારતના વાહનમાલિકોના હોશ ઊડી ગયા હોય એવું જણાઈ રહ્યું છે.

વિવિધ રાજ્યોના લોકોની ભાવના અને પ્રતિક્રિયાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર મોટર વિહિકલ અમેન્ડમેન્ટ એક્ટમાં રાજ્ય સ્તરે લોકોને રાહત આપવાના પ્રયત્ન કરી રહી છે. આમાં સૌપ્રથમ ગુજરાત સરકારે પહેલ કરી અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું કે તેઓએ આ એક્ટની 50 કલમમાં ફેરફાર કર્યો છે અને દંડની રકમ ઘટાડી છે. એ પછી યુનિયન મિનિસ્ટર ફોર રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ, નીતિન ગડકરીએ પ્રતિક્રિયા આપી કે સરકારનો હેતુ રસ્તા પર વધતા જતા અકસ્માત તથા એનાથી થતાં મૃત્યુ પર નિયંત્રણ લાવવાનો છે. આમાં સરકારને પૈસા વધારી દંડના પૈસા મેળવવામાં નહીં, પણ લોકોની સુરક્ષામાં વધુ રસ છે. તેઓના મતે દરેક રાજ્ય આ અધિનિયમમાં ફેરફાર કરે તો એમાં કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી એમ પણ જણાવ્યું હતું. ગુજરાત સરકારથી પ્રેરિત થઈ બીજેપી શાસિત ઘણાં રાજ્યોએ દંડ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મહારાષ્ટ્ર સરકારે તો ઇલેક્‍શનને ધ્યાનમાં રાખીને હાલપૂરતું આ કાયદાના નવા નિયમોનું અમલીકરણ જ મોકૂફ રાખ્યું છે.



અહીં મજાની વાત એ છે કે જેઓ નિયમ બનાવે છે, એ લોકો પણ ઘણી વાર આવા ગુના કરી બેસતાં હોય છે. જેમ કે નીતિન ગડકરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કબૂલ કર્યું હતું કે હાલમાં જ એમની ગાડી જ્યારે બાંદ્રા-વરલી સી લિન્કથી પસાર થઈ રહી હતી ત્યારે એની ગતિ વધતાં તેઓ પાસેથી ઓવર સ્પીડિંગ માટે ભારે દંડ વસૂલવામાં આવ્યો હતો. અહીં વાત રાજા કે રંકની નથી અથવા રાજકારણી કે સામાન્ય વ્યક્તિની પણ નથી, મુદ્દો એ છે કે જો ગાડી ચલાવતી વખતે વ્યક્તિને પોતાની સુરક્ષા માટે અમુક નિયમોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે તો પરિણામે દેશમાં માર્ગ અનુશાસનનું પાલન થશે અને અકસ્માતમાં ઘટાડો થશે.


વૈશ્વિક ચિંતાનો વિષય

ભારતમાં અકસ્માતનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. માર્ગ અકસ્માત પર થયેલા એક અધ્યયનમાં એક વાત સામે આવી છે કે ગાડી ચલાવતી વખતે અકસ્માત થવાનાં મુખ્ય કારણોમાં એક કારણ એ છે કે ડ્રાઇવરનું ધ્યાન ગાડી ચલાવવાની સાથે કૉલ કરવામાં, મેસેજ જોવામાં અથવા નવાં નોટીફિકેશન માટે ફોન તરફ જોવામાં ક્ષણભર માટે ભટકી જાય છે અને આ જ ક્ષણ એના માટે તથા સામેથી આવનારાં વાહન કે વ્યક્તિ માટે ઘાતક બની જાય છે અને અકસ્માતમાં પરિણમે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માર્ગ અકસ્માતના અહેવાલ મુજબ ભારતમાં થતા અકસ્માતોમાંથી પણ પ્રાણઘાતક અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધારે છે. ઘણી વાર જો અકસ્માતમાં વ્યક્તિ થોડા સમય માટે જીવતી હોય તોયે હૉસ્પિટલ પહોંચે એટલો સમય એની પાસે હોતો નથી અને એનું મૃત્યુ થઈ જાય છે. એક નોંધપાત્ર વાત એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં વર્ષ 2018ના રોડ સેફ્ટીના ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ મુજબ ડિસેમ્બર, 2018સુધીમાં વાર્ષિક રોડ ટ્રાફિકને કારણે થતા અકસ્માતોને કારણે થયેલા મૃત્યુની સંખ્યા 13.5 લાખ પર પહોંચી ગઈ છે. આ અહેવાલમાં આલેખાયેલું એક કડવું સત્ય એ છે કે 5 વર્ષથી 29 વર્ષની વયજૂથના લોકોમાં થતાં મૃત્યુનું મુખ્ય કારણ રોડ ટ્રાફિક ઇન્જરીઝ જ છે. બેદરકારીથી બનતી આવી દુર્ઘટનાઓથી લોકોનું જીવન બચાવવા અમુક કડક પગલાં લેવાં એ કાળની ગરજ છે.


જો સામાન્ય બુદ્ધિથી વિચાર કરીએ તો માર્ગ સલામતી તથા વધતા જતા માર્ગ અકસ્માતને અટકાવવા કેન્દ્ર સરકારે મોટર વિહિકલના અધિનિયમમાં કરેલા સુધારામાં દંડની ભારે કિંમત એક વ્યક્તિના જીવથી વધારે તો નથી જ.

ઍમ્બ્યુલન્સને હવે માર્ગ મળશે

મોટર વાહન અધિનિયમમાં થયેલા સુધારાઓનો એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો એ છે કે એમ્બ્યુલન્સને માર્ગ ન આપનારા વાહનમાલિક પાસેથી રૂપિયા 10,000 દંડ વસૂલવામાં આવશે જ્યારે પોતાના અંગત લોકો એમ્બ્યુલન્સમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે રસ્તા પરની દરેક ગાડી એમ્બ્યુલન્સને જગ્યા આપે એવો આગ્રહ દર્દીનાં સગાં-વ્હાલાનો હોય છે, જે સ્વાભાવિક છે, છતાં દયા અને કરુણાથી સભર ભારતના નાગરિક, દર્દીઓને હૉસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તો માંગે ત્યારે એને અટકાવીને પોતે કઈ રીતે આગળ જવું, એ જ વિચાર કરે છે. આવી ક્રૂરતાભરી માનસિકતા ધરાવનાર લોકો માટે રૂપિયા 10,000 દંડ વસૂલવો અત્યંત જરૂરી છે. કદાચ માણસાઈથી નહીં ને દંડ તરીકે આટલી મોટી રકમ ભરવાના ડરથી વાહનો એમ્બ્યુલન્સને રસ્તો આપશે અને દર્દીને જલ્દી સારવાર મળી શકશે.

સુવિધા પણ આપો

બોરીવલીમાં રહેતા વેપારી ઝૈનિત સોની મુંબઈમાં અને મુંબઈની બહાર કારમાં પ્રવાસ કરે છે. તે આ એક્ટ વિષે કહે છે, ‘નવા નિયમો મુજબ અમારું નુકસાન વધારે છે. એનું કારણ એ છે કે જ્યાં સુધી ઓવર સ્પીડનો પ્રશ્ન છે, રસ્તાઓની પરિસ્થિતિ જોતાં જો બોરીવલીથી દાદર જવું હોય તો એ 27 કિલોમીટરના અંતરમાં સ્પીડ માટે અવકાશ મળતો જ નથી. આ બધા નિયમો લાગુ કરવા જ હોય તો સામે ઇન્ફ્રાસ્ટ્રકચમાં પણ સુધારા કરવા જરૂરી છે. જુલાઈ મહિનાથી મુંબઈમાં ફોર વ્હીલર માટે ગેરકાયદે પાર્કિગ માટેનો દંડ રૂપિયા 23,250 કરી નાખ્યો, પણ પહેલાં એક વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે અહીં ગાડીઓની સંખ્યા પ્રમાણે પૅ એન્ડ પાર્ક માટે કેટલી જગ્યા આપી છે? જો કોઈ કામ માટે ગયાં હોઈએ અને પાર્કિંગ ન મળે તો પાંચ-દસ મિનિટ માટે ગાડી ક્યાંક ઊભી રાખવાનો સમય આવે જ છે. કારણ લાંબે સુધી પાર્કિંગનો કોઈ વિકલ્પ જ નથી મળતો. તો એવામાં અમારે કરવાનું શું?’

આવી જ સમસ્યા વિષે ઇનોવામાં ગાંધી માર્કેટથી બોરીવલી અને શહેરના અન્ય ભાગમાં પ્રવાસ કરનારાં ચેતના કામથ કહે છે, ‘દરેક કાયદાના લાભ-ગેરલાભ હોય જ છે, એમ આ કાયદામાં પણ ફાયદા-નુકસાન લોકો ભોગવી જ રહ્યા છે. જ્યાં સુધી નિયમોનો પ્રશ્ન છે, જેમ કે સીટ બેલ્ટ લગાડવો, સ્પીડનું ધ્યાન રાખવું, લાઇસન્સ તથા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા આ બધાની મને કોઈ ફિકર નથી. કારણ કે હું ગાડી ચલાવું કે કોઈ બીજું, આ બધા નિયમો પાળવા વિષે હું કટિબદ્ધ છું અને રહીશ, પણ મારા મતે આ દંડની કિંમત વધારે પડતી જ છે. બીજો એક મુદ્દો એ છે કે મારે શહેરમાં પાર્કિંગની જગ્યાના અભાવને કારણે ડ્રાઇવરની સહાયતા લેવી પડે છે. ઘણી વાર અમુક જગ્યાએ ખૂબ જ થોડા સમય માટે જવાનું થાય અને પાર્કિંગ ન મળવાથી કોઈને મળવાનો સમય પણ સચવાય નહિ અને કાયદેસર પાર્કિંગની જગ્યા શોધવામાં મોડું થઈ જાય. આ બધો વિચાર પણ સરકારે કરવાની જરૂર છે.’

વધેલો દંડ આવકાર્ય

ગોરેગામમાં રહેતા કિંજલ સોમૈયા મોટર વિહિકલ એક્ટમાં થયેલા સુધારા માટે પોતાનો મત આપતા કહે છે, ‘જે લોકો નિયમ તથા કાયદાનાં દાયરામાં રહે છે એણે દંડમાં થયેલા વધારાને લઈને ડરવાની જરૂર જ નથી અને જે લોકો નિયમોનું પાલન નથી કરતા એ એક વાર ભારે દંડ આપશે તો બીજી વાર એ વાતનું ધ્યાન રાખશે. આ બધા દંડ રોડ સેફ્ટી માટે લેવામાં આવે છે. આમાં આપણું પોતાનું અને અન્ય લોકોનું હિત સમાયેલું છે. જ્યાં સુધી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો પ્રશ્ન છે, મારું માનવું છે કે દંડની કિંમત રૂપિયા એક લાખ કરે તોયે ઓછા છે. કારણ, આ એક એવો ગુનો છે, જેની કિંમત ઘણી વાર ગાડી ચલાવનાર અથવા એ ગાડીમાં પ્રાવાસ કરનાર સાથીદાર જ નહીં, પણ નિયમથી ચાલનારા, જે પણ એ અકસ્માતના સંપર્કમાં આવે છે, એ એવી રીતે ભોગવે છે કે ઘણી વાર એના જીવની આહુતિ અપાઈ જતી હોય છે, અહીં ‘કરે કોણ અને ભરે કોણ’ એવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે. પોતાની સુરક્ષા માટે કારમાં સીટ બેલ્ટ બાંધવો અથવા મોટરસાઇકલ, બાઈક કે ટૂ વ્હીલર પર પ્રવાસ કરનારે હૅલ્મેટ પહેરવાનો હું આગ્રહ રાખું છું. મને યાદ આવે છે કે મારી પાસે ટૂવ્હીલર હતું, અને બે વાર મારો અકસ્માત થયો હતો. એક વાર તો હું ઉછળીને બીજી તરફ પછડાયો અને મને બંને વાર પગ પર, હાથ પર, શરીર પર મૂઢ માર વાગ્યો અને ક્યાંક ટાંકા પણ આવ્યા, પણ મેં હૅલ્મેટ પહેરી હોવાથી મારો જીવ બચી ગયો. એથી હું આ બધા નિયમોનાં પાલનને આવકારું છું.”

ગેરકાયદે પાર્કિંગ માટે તે ઉમેરે છે, “મારી પાસે ફોર વ્હીલર છે. અહીં ગેરકાયદે પાર્કિંગના વધારેલા દંડ માટે મને ફરિયાદ છે કે મારી સોસાયટીની બહાર લાઇનથી ગાડીઓ લાગેલી હોય છે, જે સોસાયટીની જ છે કારણ પાર્કિંગ માટે કોઈ વ્યવસ્થા છે જ નહીં અને જ્યારે ગાડીઓ માટે એના પૂરતી પાર્કિંગની જગ્યા આપવામાં ન આવતી હોય તો લોકો પાસે આટલો ભારી દંડ પાર્કિંગ માટે કઈ રીતે વસૂલી શકાય? સરકારે નવા બિલ્ડર્સ સામે કોઈ શરત એવી મૂકવી જોઈએ કે જેટલી પણ ગાડીઓ હોય, એને માટે સોસાયટીમાં પાર્કિંગની વ્યવસ્થા બિલ્ડિંગ બાંધતી વખતે જ કરવામાં આવે. અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ સામે મોટો પડકાર વરસાદમાં પાણી જમા થવાનો હોય છે. આ બધી એક બીજા સાથે સંકળાયેલી વ્યવસ્થાઓ છે. આવી ઘણી સુવિધાઓ, જેમ કે, રાત્રે વાહન ચલાવતી વખતે બીજી તરફના સામેથી આવતાં વાહનોની લાઇટ આંખ પર ન ફેંકાય, મુંબઈ-પૂના પ્રવાસમાં મારા અનુભવ પ્રમાણે પૂરતી સ્ટ્રીટ લાઇટનો અભાવ- આ બધી સુવિધાઓ તથા ઇન્ફ્રાસ્ટ્રકચરને સારું બનાવવા તરફ પણ સરકારે ધ્યાન આપવાની જરૂરત છે. આ એક્ટના સુધારાનો હેતુ દંડ વસૂલવાનો નથી અને લોકોની સુરક્ષાનો છે એ વાત મને માન્ય છે, પણ જરૂર છે તો લોકોને વિવિધ મીડિયા દ્વારા પોતાની સુરક્ષા માટે જાગ્રત કરવાની અને સરકારના આ હેતુથી અવગત કરાવવાની.’

આજ સુધી ભારતના કેટલાએ લોકો માર્ગ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા આવ્યા અને વારંવાર એ જ ગુનો કરી એનો દંડ પણ ભરતા આવ્યા છે. કારણ, સામાન્ય માણસના ગજવાને પોષાય એવો વ્યાજબી દંડ ભરવાથી લોકો આદી થઈ ગયા છે અને એથી આવા ગુના ફરી-ફરી કરવા એમને પોસાય છે. જે ગુના ગજવાને પોસાય છે એ જીવ પર કેટલા હાવી થઈ શકે છે એ વાતનો વિચાર કોઈ કરતું હોય એવું લાગતું નથી.

આ પણ વાંચો : એન્જિનિયરિંગ હૈ સદા કે લિએ, લેકિન...

બન્ને સરકાર ઘડી શકે

અહીં મોટર વાહન અધિનિયમના સુધારાઓ અંગે ભારતીય રાજકીય પ્રાધ્યાપક, લેખક, કટારલેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવી એક વિશ્લેષક તરીકે અભિપ્રાય આપતાં કહે છે, ‘રોડ પર થતા અકસ્માતો અટકાવવા હોય અને ટ્રાફિકના નિયમો લાગુ કરવા આ સુધારા કેન્દ્ર સરકારે કર્યા છે. ભૂલ કરે એ માણસને કડક શિક્ષા થવી જોઈએ અને એ એટલી સખત થવી જોઈએ, એ બાબતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે મતભેદ છે. એમણે રાખેલો રૂપિયા 10,000નો દંડ સામાન્ય માણસને પોષાય એમ નથી. એટલા માટે ગુજરાત સહિત અમુક રાજ્યોએ આ દંડ ઘટાડવાનો નિર્ણય લીધો છે. નીતિન ગડકરીએ કહ્યું છે કે રાજ્ય સરકાર આ દંડમાં ફેરફાર કરી શકે છે.”

કેન્દ્ર સરકારના નિર્ણયમાં રાજ્ય સરકારે કરેલા ફેરફાર વિષે તેઓ આગળ કહે છે, ‘આપણા સંવિધાનમાં ત્રણ પ્રકારની સત્તા છે. કેટલીક સત્તા માત્ર કેન્દ્ર સરકાર વાપરી શકે, કેટલીક માત્ર રાજ્ય સરકાર જ વાપરી શકે અને અમુક એવી બાબત છે કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, બંને કાયદા ઘડી શકે. મોટર અથવા વાહનોને લગતા કાયદા આવી સત્તા હેઠળ આવે છે, જેમાં કાયદા બંને સરકાર ઘડી શકે છે, આ બાબતમાં કોઈ રાજકારણ નથી.’

નગીનદાસભાઈ ભારતનાં લોકોની ટ્રાફિક સેન્સ અંગે ટીકા કરતાં કહે છે, “આપણા લોકો રસ્તાના સુરક્ષા-નિયમોને લઈ એટલા બેદરકાર રહે છે કે તેઓને સખત શિક્ષા થવી જોઈએ, એ મારો અંગત અભિપ્રાય છે. આપણે ત્યાં દર વર્ષે લગભગ ત્રણ લાખ જેટલા માર્ગ અકસ્માતો થાય છે અને એમાંથી દર વર્ષે દોઢથી બે લાખ લોકો એમાં મૃત્યુ પામે છે. એથી હું કેન્દ્ર સરકારના આ સુધારાનું સમર્થન કરું છું.’

ગાડીની ક્ષમતાના માપદંડ

ગાડીઓની ઓવર સ્પીડને લઈને એક વાતનું ધ્યાન જો લોકો રાખે તો એમને ક્યારેય આનો દંડ આપવાનો સમય ન આવે; ભારતનાં રસ્તાઓ પર ચાલનારી નાની ગાડીઓથી લઈને મોટી કારનું સ્પીડ-ઓ-મિટર જોઈએ તો એક વાત સમજાય કે તે 110થી વધારે જ હોય છે, પણ ઘણી નાની ગાડીઓ ગમે તેવા સારા રસ્તા પર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ લેવા પણ સક્ષમ નથી હોતી. કારણ, એ ગાડીઓ શહેરની અંદર 60થી 80 કિલોમિટર પ્રતિ કલાક ચાલી શકે એ દૃષ્ટિકોણથી જ સર્જાયેલી હોય છે. અને એ વજનમાં હલકી હોય છે. જો આવી ગાડીઓની ઝડપ એની ક્ષમતા કરતાં વધારીને ચલાવવામાં આવે તો તે ધ્રૂજે છે અથવા નિયંત્રણથી બહાર ચાલી જાય છે. બીજી એક વાત એ છે કે રસ્તાઓ કેવા છે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. હજી એક મુદ્દો એ પણ છે કે આપણી ગાડીનાં ટાયર, એની ગુણવત્તા, એમાં રહેલું દબાણ, આ બધાં માપદંડનું ધ્યાન રાખી ગાડીની ક્ષમતા મુજબ ગતિ નક્કી કરવી જોઈએ. એક સંસ્થાએ ટાયરનાં પ્રેશર પર કરેલા સર્વે મુજબ રસ્તા પર ચાલનારાં વાહનોમાં 60 ટકાથીયે વધારે વાહનોનાં ટાયર અયોગ્ય દબાણ ધરાવે છે.

વાહન સાથે જોડાયેલા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન કરવા વ્યાજબી દંડ ભરી લોકો સત્તા પાસેથી તો છૂટી જાય છે, પણ અકસ્માતરૂપી મોટી કિંમત ચૂકવે છે. જો હવે તેઓ પોતાની સુરક્ષા પ્રત્યે જાગ્રત થશે, તો સમજાશે કે મોટર વાહન અધિનિયમ હેઠળ એક વાર કરેલી ભૂલની રૂપિયામાં મોટી કિંમત ચુકવવાથી ભારતીયોનો રોડ સેફ્ટીપ્રત્યેનો ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ અભિગમ ક્યાંક સાવચેતી અને સાવધાનીમાં પરિણમશે અને કુદરતે અર્પેલી જીવનરૂપી અણમોલ ભેટ બચી શકશે.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 02:52 PM IST | મુંબઈ | ભક્તિ ડી દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK