Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દીવો બની ઝળહળું

દીવો બની ઝળહળું

27 October, 2019 03:48 PM IST | મુંબઈ
અર્ઝ ‌કિયા હૈ‌ - હિતેન આનંદપરા

દીવો બની ઝળહળું

દીવો બની ઝળહળું


દિવાળીનું પર્વ આપણા તનમનમાં ઉજાસ પાથરી રહ્યું છે. તહેવારો ક્યારેય જૂના થતા નથી. ખરેખર તો ભારતીયતા આ તહેવારોને કારણે જ ટકી છે. અકળાઈ ગયેલી હયાતીને હાશ આપવા, કામકાજના ભારમાં ઝૂંટવાઈ ગયેલો સમય પરિવાર સાથે ગાળવા અને બેએક ઘડી નિરાંતે બેસી જાત સાથે વાત કરવાની તક દિવાળીમાં મળે છે. હકારનો હાશકારો લઈને આ પ્રકાશનું પર્વ આવે છે. મયંક ઓઝાના શેરથી ચેતનાના વિશ્વમાં પ્રવેશ કરીએ.

એક નિશ્વાસને સજાવી જો



વાંસળી લે ને ફૂંક મારી જો


એ જ દીવો હજીય સળગે છે

એક મહેફિલ હજી જમાવી જો


વાંસળીમાં છિદ્ર પડે પછી જ એ વાગવાયોગ્ય બને. જિંદગી પણ આપણને સાર્થક બનાવવા અનેક પરીક્ષા લે છે. વેદનાની વાટ પસાર કરીને પછી સંતોષને માર્ગે પહોંચાય છે. સુખ અને સંતોષમાં ફરક છે. લક્ષ્ય સ્પષ્ટ હશે તો અડધી માનસિક મથામણ આપોઆપ જ ઓસરી જશે. કેટલીક વાર આપણે જેને લક્ષ્ય માનતા હોઈએ છીએ એ પડાવ નીકળે છે. પડાવનું પણ પોતાનું મહત્વ છે. વિસામો લેવા એ જરૂરી છે, પણ આંખે ચશ્માં હોય અને વાંચવા બેસીએ તો અક્ષરોની ભેળસેળ થઈ જાય એમ જિંદગીને આપણે સમજણનાં ચશ્માં વગર વાંચીએ તો લક્ષ્ય અને લાલસા વચ્ચે ભેળસેળ થવાની શક્યતા રહેવાની. ઇન્કમ ટૅક્સમાં સેલ્ફ-અસેસમેન્ટ ટૅક્સ નામનો શબ્દપ્રયોગ થાય છે. એ જ રીતે આપણે જાતનું સેલ્ફ-અસેસમેન્ટ કરવું જોઈએ એવું મેહુલ પટેલ ‘ઈશ’ કહે છે...

લાગણીની શ્યાહીમાં બોળી અને ભીનો કરો

બાદમાં એ શબ્દનો કાગળ પર દીવો કરો

ફેરફારો થઈ જશે જાતે જ મારા વક્તમાં

મારી આ ઘડિયાળનો કાંટો જરા સીધો કરો

ઘડિયાળ અટકી જાય તો સમય ખોટો બતાવે. આપણો પ્રવાસ અટકી જાય કે ભટકી જાય તો આ જીવનનો ફેરો ખોટો ઠરે. નિર્ણય ખોટા લેવાય એ સાહજિક છે, કારણ કે જે-તે ઉંમરે જેટલી પરિપક્વતા હોય એ રીતે આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. ઉપાધિ ખાલી એટલી છે કે કેટલાક નિર્ણય એટલા મોંઘા પડે કે એની અસર આજીવન વર્તાતી રહે. ગમતી છોકરી કે નોકરી પૂરતી આ વાત સીમિત નથી, પણ જિંદગીને જીવવાની સાચી રીત વિશે આપણે ક્યારેય નથી વિચારતા. અસ્પષ્ટતા અનિર્ણાયકતા તરફ લઈ જાય અને અંતે ઉજાસને બદલે ધુમ્મસ હાથમાં આવે. પંકજ વખારિયા મિત્રભાવે ખભા પર હાથ મૂકી નિસબતથી વાત કરે છે...

ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડી વાર

સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડી વાર

અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં

અંતરમાં એક દીવો કરી, બેસ થોડી વાર

અંતરમાં દીવો કરવા માટે રૂ નહીં, પણ રૂહને જાગ્રત કરવાની છે. આપણો આત્મા સ્વયં એક અપ્રગટ શક્તિ છે. એનો ફોટો પાડી શકાતો નથી, પણ ઘણી વાતો ફોડ પાડીને એને કરીએ તો એ સાચો માર્ગ જરૂર દર્શાવે છે. જીવનમરણનો કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ ભયંકર આપત્તિ હોય અને આ પાર કે પેલે પારનો નિર્ણય લેવાનો હોય ત્યારે એક વાર અંતરના અવાજને હાક મારી જોજો. તમને નિરાશ નહીં કરે. આપણાં મંતવ્યો સમીકરણને આધારે રચાતાં હોય છે, જ્યારે ભીતરનો અવાજ સમીકરણ નહીં, સત્યને અનુસરે છે. સુરેશ પરમાર ‘સૂર’ કહે છે એ અવસ્થા વિશે સમજાય તો જિંદગી જીવવાનો ઝોક બદલાઈ શકે...

ભીતરે પણ થઈ શકે, મોંસૂઝણું

એક દીવો ત્યાંય બળતો રાખજે

આપણે ત્યાં દીવાનું આગવું મહત્વ છે. એનું અસ્તિત્વ નાનું પણ મહત્તા મોટી. એમાં પણ ઘીનો દીવો પર્યાવરણની દૃષ્ટિએ પણ અગત્યનો છે. ઘરમાં એકલા હો અને એકલતા સાલતી હોય ત્યારે એક નાનકડો દીવો તમારો સંગાથી બની શકે છે. પવનથી આપણે એની રક્ષા કરીએ તો પીડાથી આપણી એ રક્ષા જરૂર કરશે. હેમાંગ જોષીની પંક્તિઓમાં પરંપરાની સાથે નિર્દેશિકા પણ ગૂંથાઈ છે...

એટલે તો ટેરવું કંકાવટીમાં ન્હાય છે

સ્વપ્ન, શ્રદ્ધા, લાગણીનો ત્યાં જ સંગમ થાય છે

હાથની આડસ કરી લે તો બધું સચવાય, દોસ્ત!

ઘરમાં દીવો, ખુલ્લી બારી ને પવન ફૂંકાય છે

રોશનીનો આ ઉત્સવ ખરેખર રોશન ત્યારે થાય જ્યારે એમાં સમજણનો ઉમેરો થાય. અક્કડ અને અહંકારી વલણની હાર થાય તો રાજકોટના પેંડા મગાવીને ગરીબ બાળકોને ખવડાવવા જોઈએ. ડૉ. મહેશ રાવલ જિંદગી પ્રત્યેનો પ્રામાણિક નિષ્કર્ષ આપે છે...

શક્ય છે કાલ બદલાય મારું વલણ

સાવ નહીં તો જરા પીગળું પણ ખરો

વિશ્વ બે સૂર્યનો તાપ ક્યાંથી ખમે

ક્યાંક દીવો બની ઝળહળું પણ ખરો

નાનકડો દીવો કંઈ જોજનો સુધી પ્રકાશ નથી પાથરવાનો, પણ એ પોતાની આસપાસનો નાનકડો વિસ્તાર અજવાળે એની મહત્તા પણ કંઈ ઓછી નથી. પાદરમાં પરમેશ્વર વસતો હશે કે નહીં એની ખબર નથી, પણ આંગણામાં તો અંતરયામી જરૂર શ્વસતો હશે, કારણ કે એમાં પરિવારની પ્રીત સમાયેલી છે. ભરત ભટ્ટ ‘તરલ’ ઋણાનુબંધનો મહિમા કરે છે...

પ્યારની સાથે અહીંયા જિંદગી સંગીન છે

તું મને તારા સ્મરણની બંદગી આપી શકે!

એટલો સંતોષ છે કે આ ગઝલ દીવો બની

તું કદી તારી નજરની રોશની આપી શકે

સૌને લાભ અને શુભ ફળે એવી શુભેચ્છા સાથે રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ અર્પણ...

અગધપગધ રચિયો ડામચિયો

તે પર મેલ્યો દીવો રે!

અજવાળે અજવાળું ખેલે

ઝલમલ ઝલમલ જીવો રે!

ક્યા બાત હૈ

પાટ પર દીવો પેટાવી બેઠો છું

ચાંદો સૂરજ ચોકી બાંધી

નભ ચેતાવી બેઠો છું

 

પવન બધા પરકમ્મા કરતા

નવખંડ ધરતી ના’તી

દશે દિશાઓ મંગળ ગાતી

છાયા સકલ સમાતી

આખા અક્ષત, અક્ષર આખા

વખત વધાવી બેઠો છું

 

નહીં પિંડ, બ્રહ્માંડ નહીં

નહીં પુરુષ, નહીં નારી

ઝીલે બુંદ કોઈ બાળકુંવારી

બીજમાં ઊઘડે બારી

સ્તંભ રચી બાવન ગજ ઊંચે

બાણ ચડાવી બેઠો છું

 

ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા

જ્યોતશિખાઓ ચડી

ચંદ્રકળાએ ચડી ગગનમાં

અનહદ નૂરની ઝડી

ઈંગલા પિંગલા શૂનગઢ સોબત

શિખર સજાવી બેઠો છું

- દલપત પઢિયાર

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2019 03:48 PM IST | મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ‌ - હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK