Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગાયબ છે અંદરનો માણસ

ગાયબ છે અંદરનો માણસ

06 October, 2019 02:03 PM IST | મુંબઈ
અર્ઝ ‌કિયા હૈ - હિતેન આનંદપરા

ગાયબ છે અંદરનો માણસ

ગાયબ છે અંદરનો માણસ


આપણા મનમાં અનેક આકાંક્ષાઓની આકાશગંગા સમાયેલી છે. હજારો ઇચ્છાઓ પોતાની તૃપ્તિ માટે લાઇન લગાવીને બેઠી હોય છે. ગમે એટલું સામર્થ્ય હોય, બધું કંઈ સિદ્ધ થતું નથી. મહત્તા એ છે જે કામ કરીએ એમાં બરકત આણીએ. આપણા પ્રયાસમાં આશા-નિરાશા, સફળતા-નિષ્ફળતા સમાયેલી રહેવાની. જન્મદિવસની કેક આખું વર્ષ નસીબ નથી થતી એ જ રીતે ગમગીન દિવસો રાતપાળી કરે તોય આખું વર્ષ દારુણ નથી જતું. મન્સુર કિસ્મત કુરેશીની પંક્તિઓ સાથે ઘટનાક્રમનો આરંભ કરીએ...  

આંખોનાં દ્વાર ખોલીને શમણા સુધી ગયા



હોવાપણાનો ડર લઈ, ઘટના સુધી ગયા


એમાં નવાઈ શું, જો નિરાશાઓ સાંપડે!

મીઠપની આશે કાં, અમે દરિયા સુધી ગયા?


કોની પાસેથી શું અપેક્ષા રાખવી એ પણ સમજણ માગી લે છે. કરિયાણાની દુકાને જઈને જ્વેલરી ન મગાય અને તનિષ્કના શોરૂમમાં જઈને મેથીની ભાજી ન મગાય. ખરીદીમાં આટલી સાદી સમજણ આપણે રાખીએ છીએ, પણ સંબંધના વિશ્વમાં નથી રાખતા. એને કારણે નારાજગી ને અપેક્ષાભંગના પ્રસંગો સર્જાતા રહે. એમાં પણ આપણે સામેવાળાને દોષી ગણીએ અને આપણો વાંક હોઈ જ ન શકે એવો ગર્વ પાળેલી બિલાડીની જેમ પંપાળીએ. ડૉ. મહેશ રાવલ આત્મનિરીક્ષણ કરે છે...

એક-બે ઘટના ઘટી’તી, એ પછીની વાત છે

જિંદગી ટલ્લે ચડી’તી, એ પછીની વાત છે

તેમનું મળવું અને ચાલ્યા જવું છણકો કરી

જીદ મારી પણ નડી’તી, એ પછીની વાત છે

જિંદગી ટલ્લે ચડવાનાં અનેક કારણો હોઈ શકે. આડેધડ લેવાતા નિર્ણયો માર્ગને એવો ફંટાવે કે જંતરમંતર જેવું મૂંઝાઈ જઈએ. ક્યાંથી પ્રવેશ કર્યો છે અને ક્યાં નીકળવાનું છે એ બે છેડાની વચ્ચે સમય નાના બાળકની જેમ બેબાકળો થઈ જાય. વિચારોની તાસીર છે ગમેતેમ આવવાની અને આપણા ચિત્તનો કબજો લેવાની. એમાંથી કેટલાક ઝબકારા જેવા વિચારો જિંદગીને ટર્નિંગ પૉઇન્ટ આપી શકે, પણ મોટા ભાગના વિચારો બીબાઢાળ થઈને બાથ ભરવા આવે છે. નીપજતું કંઈ નથી ને સમય વેડફાયા કરે. રમેશ પારેખ સ્વની ખોજ કરે છે...  

શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને

દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને?

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા

શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને

ગમે તેવી મુશ્કેલીઓ હોય દેહ મરે એ પહેલાં માંહ્યલો મરવો ન જોઈએ. ઈશ્વરે દેહ આપ્યો છે તો એને ટકાવવાની જવાબદારી આપણી છે. કેટલાક સંજોગો આપણને હસી કાઢતા હોય તો સામે કેટલાક સંજોગોને આપણે હસી કાઢવા જોઈએ. સંતુલન જિંદગીને સુરેખ બનાવે છે. આ સંતુલન એમનેમ નથી આવતું. અનુભવોના આધારે એનું ઘડતર થાય. કેટલીક વાર આપણી ગતિ એવી હોય કે મતિ ફેરવાઈ જાય અને આપણે સમસ્યાઓનો ભોગ બનીએ. સલીમ શેખ સાલસ આધુનિક જીવનશૈલીને વાતવાતમાં સાંકળી લે છે... 

ગાયબ છે અંદરનો માણસ

જીવે તે અવસરનો માણસ

પરપોટાના પડ ઉખાડે

પીત્ઝા ને બર્ગરનો માણસ

અંદરનો માણસ ખોવાઈ ગયો છે. એ અવાજો વચ્ચે દબાઈ ગયો છે. હજારો ચહેરા વચ્ચે તેનો ચહેરો તરડાઈ ગયો છે. ટકવા માટે કરવી પડતી બાંધછોડના જમાનામાં એ વહેરાઈ ગયો છે. પોતાનો ઓરિજિનલ ચહેરો તેને જોવા જ નથી મળતો. અનેક મુખવટાઓના કોઠા ભેદીને છેલ્લે મૂળ ચહેરો લપાયો છે. કેટલીક વાર જીતવું જીવવા કરતાં પણ વધારે અગત્યનું બની જાય છે. સ્પર્ધાત્મક જીવનશૈલી જેમ નચાવે એમ નાચવું પડે છે. અલ્પેશ પાગલ વાસ્તવિકતા દર્શાવે છે...

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને

થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી

આ જિંદગીની રેસમાં આવ્યો છે તો

‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી

ગામમાંથી શહેરમાં આવીને પોતાનું એક નામ કરવાની તાલાવેલી દરેકને હોવાની. સુખી થવા માટે પણ કિંમત ચૂકવવી પડે. નિરાંત હોમીને મિરાત તરફ જવાનું છે. અગવડ ભોગવીને આશાઓને પૂર્ણ કરવાની છે. સુધીર પટેલ નગરજીવનની કરપીણ હકીકત સામે ધરે છે...

કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે?

આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે!

જંગલોમાં જઈ કરે તપ તેને ક્યાંથી હો ખબર?

શહેરની આ જિંદગી પણ એક ધૂણી હોય છે!

ટ્રેનોના હૅન્ડલ પર લટકતી જિંદગીના બે-ચાર દાયકા ક્યારે પૂરા થઈ જાય છે એનો પણ અણસાર રહેતો નથી. મેળવવા માટેના પુરુષાર્થમાં માણવા માટેની જિજીવિષા અળપાઈ જાય. ગમતાં કામો કરવાનું લિસ્ટ ટેબલના ખાનામાં એવું આડે હાથે મુકાઈ ગયું હોય કે હાથવગું ને આંખવગું ન થાય. કેટલાંયે સપનાં રંગીન બનવાની રાહ જોતાં જ વીઆરએસ લઈ લે. રિષભ મહેતા અવસ્થાને આધીન લાચારીને વર્ણવે છે...

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને

હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈ

મહેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં -

એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈ

આ પણ વાંચો : શ્રેષ્ઠ, પવિત્ર, અદ્ભુત, અલૌકિક અને ત્રિકાલ મહિમાવંત નવકાર મહામંત્ર

જે તાળાની ચાવી આપણી પાસે હોય એને છોડીને સંજાગો કોઈક એવું તાળું આપણી સામે મૂકે કે એને ખોલવાના પ્રયાસોમાં ખીલવાની મોસમ વીતી જાય. દિલીપ જોષી જિંદગીને જીવવાની ચાવી આપણા હાથમાં થમાવે છે...

કેદખાનામાં ને ઘરમાં ફર્ક છે બસ આટલો

એકને બારી નથી ને એકને બારી હતી!

ધારણાઓ માત્ર સુખદુઃખની કથાનું મૂળ છે

મન પડે ત્યાં મોજ, કોણે વાત સ્વીકારી હતી?

ક્યા બાત હૈ

મહાભિનિષ્ક્રમણ

ફિલ્મો હું જોતો નથી

એમ નથી

પણ એમાં આવતી ઘટના

વહેલી કે મોડી

મારા જીવનમાં

બની ગઈ હોય છે!

મિત્ર પીઠ પાછળ

ખંજર હુલાવે

એમાં કશું નવું નથી

ગરીબીને કારણે જ

પ્રિયાએ સ્વીકાર ન કર્યો હોય

એવો ‘હીરો’ એકલો જ નથી હોતો

શક્ય છે કે તેણે

પૈસાના અભાવે

અભ્યાસ અધૂરો છોડ્યો હોય

મજૂરી કરી હોય

અને માની સેવા પણ કરી હોય

શું બુદ્ધ એકલાએ જ

મહાભિનિષ્ક્રમણ કર્યું છે?

પત્ની અને બાળકને છોડી

મેં પણ કેટલીય વાર

મહાભિનિષ્ક્રમણ કર્યું જ છે

ફેર માત્ર એટલો કે

બુદ્ધ ખરેખર નીકળી શક્યા

જ્યારે હું -

ફળિયા સુધી પહોંચી

પેશાબ કરી

પાછો સૂઈ ગયો છું

- રમેશ આચાર્ય

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2019 02:03 PM IST | મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ - હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK