Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હવે થાય તે ખરું

હવે થાય તે ખરું

13 October, 2019 04:27 PM IST | મુંબઈ
અર્ઝ ‌કિયા હૈ - ‌હિતેન આનંદપરા

હવે થાય તે ખરું

હવે થાય તે ખરું


કેટલીક ઘટના આપોઆપ થાય છે. વાદળ બંધાવા માટે પ્રેશર કુકરની જરૂર નથી પડતી. સૂરજનાં કિરણો આ કામ કરી આપે છે. સાગરથી હજારો કિલોમીટર દૂર હોય તોપણ નદી પોતાનો રસ્તો પોતાની મેળે કરી જ લે છે. માટીમાં સુષુપ્ત અવસ્થામાં પડેલું બીજ વરસાદ આવતાં અંકુરિત થાય છે. કુદરત પાસે પોતાની એક સિસ્ટમ છે જે મુજબ સર્જન-વિસર્જનનું ચક્ર ચાલ્યા કરે. ‘મરીઝ’ જીવનસફરની વાત દાર્શનિક રીતે કહે છે...

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી



અમૃત મળે તો શું કરું? એમાં અસર નથી


આવાગમન છે બન્ને જગતમાં સતત ‘મરીઝ’

પૂરી જે થાય એવી જીવનની સફર નથી


અશ્વત્થામા વિશે કહેવાય છે કે તે અમર છે. બાકી પ્રત્યેક જીવની આ સૃષ્ટિમાં એન્ટ્રી-એક્ઝિટ ચાલતી રહેવાની. અમર રહેવાનું વરદાન પણ આકરું નીવડી શકે. એકવિધતા જિંદગીને બાઝી ન પડે એટલે જ કદાચ કુદરતે આપણને જન્મારાના ફેરા આપ્યા છે. જન્મ સમયની તાજગી વૃદ્ધાવસ્થામાં નથી રહેવાની. એટલે અસ્ત થવાની પણ પોતાની મહત્તા છે. મૂળ વાત છે પોતાનાં પગલાં આંકી જવાની. દિલેર બાબુ એક પગલું આગળ જઈ શાશ્વત‌ીની વાત છેડે છે...

તું ઝરૂખેથી જરા ડોકાય છે

વિશ્વ આખું ચાંદનીમાં ન્હાય છે

જે તરફ તારાં મળે પગલાં મને

ત્યાં જવાનું મન વધારે થાય છે

કેટલીક જગ્યાએ જવાનું મન થવું જ જોઈએ. મુંબઈ જેવા શહેરમાં રહેતા હો અને નૅશનલ પાર્કમાં આંટો મારવા કે એને આત્મસાત કરવા ન જાઓ તો એ ગુનો ગણાય. કૉન્ક્રીટના જગતમાં કુદરતનો વિસામો ગોતી લેવો પડે. એના ખોળામાં માથું મૂકીને જે નિરાંત પ્રાપ્ત થાય એ સોનાની લગડી જેવી કહેવાય. અમર પાલનપુરી જે વાત પ્રેમિકાને કહે છે એ વાતને ઊલટાવીને જોઈએ તો કુદરત આપણને કહેતી સંભળાશે...

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ

સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ!

અંતર હંમેશાં પ્રેમમાં અંતરાય થાય છે

રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ!

ગુજરાતી મિડ-ડેમાં જેમના પ્રવાસલેખોની શ્રેણી નિયમિત છપાતી હતી તે નિસર્ગપ્રેમી પ્રવાસી મનીષ શાહ ‘નિકોબાર પ્રથમવાર’ પુસ્તકમાં લખે છે એ વાત ગાંઠે બાંધવા જેવી છે. ‘મા પ્રકૃતિએ કાયમ નવાં-નવાં પરિમાણોથી આશ્ચર્યચકિત, અભિભૂત કર્યે જ રાખ્યો છે. હિમાલયના પહાડો, ઉત્તર-પૂર્વનાં જંગલો, લદ્દાખ, કચ્છ, રાજસ્થાનના રણપ્રદેશો હોય કે ચોમેરથી ઘેરી વળેલા મહાસાગરની અફાટ જળરાશિ... કુદરતે મને કાયમ ચરણમાં, શરણમાં રાખ્યો છે, સાચવ્યો છે. શ્રી કુદરતં શરણમ્ મમઃ’ જિંદગીમાં પૅશન હોય તો જ એ દીપી ઊઠે. તળમાં ઊતર્યા વગર તારતમ્ય પામી શકાય નહીં. લગડી જેવું એક તારણ મગજમાં ઝબકારો મારે એ માટે ઘણી રાહ જોવી પડે. જલન માતરી જિંદગીને હકારાત્મક રીતે આલેખે છે...

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે

ઊંડે ગયા વિના કહીં મોતી પમાય છે?

અંધારાં જેની જિંદગીને વીંટળાય છે

વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

કોઈ પણ પ્રવાસ અગવડો વગર સંપન્ન થતો નથી. એ જ રીતે કેટલીયે વાર વિકાસ પણ વિનાશ વગર સંભવ થતો નથી. મેટ્રો કારશેડ માટે આરે કૉલોનીનાં વૃક્ષો પાડવાની ઝુંબેશ પર્યાવરણવાદીઓએ આદરી હતી, પણ હાઈ કોર્ટે તેમની માગણી સ્વીકારી નથી. એના કારણે ખોરંભે ચડેલા શેડનું કામ શરૂ થવાની આશા જાગી છે. પર્યાવરણ પ્રત્યે મમત્વ હોવું જ જોઈએ. વૃક્ષો તો ભગવાન જ છે એમાં કોઈ બેમત નથી; પણ કેટલીક વાર સંવેદનશીલતા, જાગૃતિ અને પ્રગતિ એમ ત્રણ પરિબળો વચ્ચે જોખવાનું આવે ત્યારે અગત્યનો નિર્ણય લેવો પડે. આ નિર્ણય કદાચ કારમો પણ લાગે. ટૂંકા ગાળાના નુકસાન અને લાંબા ગાળાની સમજણ વચ્ચેની સરખામણી કરવી પડે. રસ્તાની વચ્ચે આવતાં મંદિરો ને ધર્મસ્થાનકો પણ તોડવાં પડે છે. મુકુલ ચોકસીની વાત એક મનોચિકિત્સકના પ્રિસ્ક્ર‌િપ્શન તરીકે લેવા જેવી છે...

તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને

ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને

છાતી આ અકબંધ રહેશે તો કશું પણ ના થશે

જેના ટુકડા થાય છે તેની જ તો ગઠરી બને

ઘણી અઘરી પરિસ્થિતિઓ દેશમાં સર્જાઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે બિહાર બિહામણું ને બિચારું બની ગયું છે. મંદીનો માર ઉદ્યોગજગતમાં સુપેરે વર્તાઈ રહ્યો છે. લાઇન ઑફ કન્ટ્રોલ પર આપઘાતી આતંકીઓ તાકીને બેઠા છે. પાકિસ્તાન પોતે પાયમાલ થઈને પણ ભારતને કનડ્યા કરવાનું. આગલા હાથમાં કટોરો રાખી પાછલા હાથથી કારતૂસ ખરીદવાનું કરતૂત એના લોહીમાં છે. નકારાત્મકતાનો નિમ્ન નાચ કરવામાં એ પાવરધું છે. શયદા સાહેબની વાત કદાચ બે સદી પછી એને સમજાય તો સમજાય...

સુધારા કે કુધારા ધોઈ નાખ્યા અશ્રુધારાએ

ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે

હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?

બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે

એકબીજાને કામ આવવાનો અભિગમ આપણા પાડોશીથી લઈને પાડોશી દેશ સુધી જરૂરી છે. આવો અભિગમ કેળવવા અહંકારને છોડી આત્મીયતા અપનાવવી પડે. આ બહુ અઘરું કામ છે. સુનીલ શાહ કહે છે એમ આઉટ ઑફ ધ બૉક્સ થિન્કિંગ જરૂરી છે...

જૂની છે એ ખબર, ચાંદમાં દાગ છે

દોસ્ત! એ પૂર્વગ્રહ મૂકીને આવીએ

રોજની આ તડપ, ને વ્યથાની કથા

થાય છે, આ બધું ભૂલીને આવીએ

ક્યા બાત હૈ

બોલી રહ્યો છે કાગ, હવે થાય તે ખરું

ઝટ ઊંઘમાંથી જાગ, હવે થાય તે ખરું

 

સામે ઊભો છે નાગ, હવે થાય તે ખરું

ભાગી શકે તો ભાગ, હવે થાય તે ખરું

 

આ તો છે કાગવાણી જરા એ વિચારજે

તાગી શકે તો તાગ, હવે થાય તે ખરું

 

જુલ્મો સિતમની જ્યાં કંઈ ફરિયાદ કરતા તે

લે લૂંટમાં એ ભાગ, હવે થાય તે ખરું

 

કાળી અંધારી રાત ને તોફાન ચોતરફ

ને થરથરે ચરાગ, હવે થાય તે ખરું

 

માળીની વાત શું કરું, માળીના કારણે

મૂરઝાય જોને બાગ, હવે થાય તે ખરું

 

બન્ને ઊભા છે પ્રેમના એવા વળાંક પર

આપે છે કોણ ત્યાગ, હવે થાય તે ખરું

 

વર્ષી રહી છે એક તો જોને અગન અને

સૌના અલગ છે રાગ, હવે થાય તે ખરું

 

કાજળની કોટડી મહીં ‘જુગ્નૂ’ હજુ સુધી

ના લાગ્યો છે દાગ, હવે થાય તે ખરું

- જુગ્નૂ ધ્રોલવી

(કાવ્યસંગ્રહઃ ગઝલગંગા)

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 04:27 PM IST | મુંબઈ | અર્ઝ ‌કિયા હૈ - ‌હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK