Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ષડાવશ્યક-પરમાત્માએ પ્રરૂપેલું આત્મશુદ્ધિ માટેનું એક અનુપમ અનુષ્ઠાન

ષડાવશ્યક-પરમાત્માએ પ્રરૂપેલું આત્મશુદ્ધિ માટેનું એક અનુપમ અનુષ્ઠાન

29 December, 2019 03:24 PM IST | Mumbai
Chimanlal Kaladhar

ષડાવશ્યક-પરમાત્માએ પ્રરૂપેલું આત્મશુદ્ધિ માટેનું એક અનુપમ અનુષ્ઠાન

ષડાવશ્યક-પરમાત્માએ પ્રરૂપેલું આત્મશુદ્ધિ માટેનું એક અનુપમ અનુષ્ઠાન


જૈન ધર્મમાં ષડાવશ્યક વિશે ઘણું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે, પરંતુ ઘણાને પ્રશ્ન એ થાય છે કે આ ‘ષડાવશ્યક’ એટલે શું? તેનો ઉત્તર છે કે તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલું આત્મશુદ્ધિ માટેનું એક અનુપમ અનુષ્ઠાન તે ‘ષડાવશ્યક’ ષડ+આવશ્યક = ષડાવશ્યક. ‘ષડ’ એટલે છ અને આવશ્યક એટલે કરવાયોગ્ય અવશ્ય ક્રિયાઓ. આત્મશુદ્ધિ માટે જે છ ક્રિયાઓ અવશ્ય કરવાયોગ્ય છે તેને ષડાવશ્યક કહેવાય છે. આ છ આવશ્યક આ પ્રમાણે છે. (૧) સામાઇઅ-સામાયિક, (૨) ચઉવીસત્થો-ચતુર્વિશંતિસ્તવ, (૩) વંદણા-વંદન, (૪) પડિક્કમણ-પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ-કાયોત્સર્ગ અને (૬) પચ્ચક્ખાણ-પ્રત્યાખ્યાન.

પ્રથમ આવશ્યક સામાયિક વડે સાવધ યોગની વિરતી કરાય છે. સાવધ એટલે પાપમય કે પાપને ઉત્પન્ન કરનાર, યોગ એટલે વ્યાપાર કે પ્રવૃત્તિ અને વિરતી એટલે હિંસાદી પંચાસ્ત્રથી વિરામ પામવાની ક્રિયા. તાત્પર્ય કે સામાયિક વડે પાપમય કે પાપને ઉત્પન્ન કરનારી પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવે છે. સામાયિક એટલે સમાયની ક્રિયા. સમાય એટલે સમનો આય. સમ એટલે સમત્વ, સમભાવ કે મધ્યસ્થતા. આય એટલે લાભ કે પ્રાપ્તિ. જે ક્રિયા વડે આત્માને સમત્વ, સમભાવ કે મધ્યસ્થતાની પ્રાપ્તિ થાય તેને સામાયિક કહે છે. મધ્યસ્થતા એટલે રાગદ્વેષથી રહિતપણું. આપણા શાસ્ત્રકારો વારંવાર કહે છે કે મધ્યસ્થતા પ્રાપ્ત કર્યા સિવાય ધર્મને યોગ્ય થવાતું નથી.



બીજું આવશ્યક છે ચતુર્વિશંતિસ્તવ. ચતુર્વિશંતિસ્તવ વડે આપણા ૨૪ તીર્થંકરોની ભાવપૂર્વક સ્તવના-ભક્તિ કરાય છે. કીર્તન કરાય છે. ત્રીજું આવશ્યક એટલે વંદન. વંદન વડે ગુણવાન એવા ગુરુનો વિનય કરાય છે. ગુણવાન એટલે મૂળ ગુણ-પંચમહાવ્રત તથા ઉત્તર ગુણ. સમિતિ, ગુપ્તિ, પિંડવિશુદ્ધિ વગેરેથી મુક્ત. ગુરુ એટલે ધર્મગુરુ. તે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર સમજવા. વિનય એટલે બાહ્ય અને અંતરંગ ભક્તિ-તાત્પર્ય કે વંદન વડે ધર્મગુરુ પ્રત્યે બાહ્ય કે અંતરંગ ભક્તિ દર્શાવવામાં આવે છે.


ચોથું આવશ્યક છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ વડે સ્ખલિત આત્માની નિંદા, ગર્હા અને આલોચના કરવામાં આવે છે. સ્ખલિત એટલે ધર્મમાર્ગથી સ્ખલિત થયેલો, વ્રતનિયમમાં વિરાધના પામેલો. નિંદા એટલે આત્મસાક્ષીએ ભૂલોનો એકરાર કરવો તે. ગર્હા એટલે ગુરુસાક્ષીએ ભૂલોનો એકરાર કરવો. આલોચના એટલે ક્યાં ક્યાં - કેવા કેવા પ્રકારની ભૂલો થઈ છે તે શોધી કાઢી ગુરુ સમક્ષ પ્રગટ કરવાની ક્રિયા. તાત્પર્ય એ જ કે પ્રતિક્રમણ વડે પોતાની ભૂલો ક્યાં ક્યાં, કેવી કેવી રીતે થઈ છે તે શોધી કાઢવામાં આવે છે અને તેનો ગુરુ સમક્ષ એકરાર કરીને યોગ્ય પ્રાયશ્ચિત વડે આત્માની ગુમાવેલી શુદ્ધિને પુન: પ્રાપ્ત કરવામાં આવે છે. પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ. પ્રતિ એટલે પાછું અને ક્રમણ એટલે ફરવું. આત્માનું પોતાના મૂળ શુદ્ધ સ્થાને પાછું ફરવું તેને પ્રતિક્રમણ કહે છે. પ્રતિક્રમણ ભાવથી ચાર પ્રકારે અને કાળથી પાંચ પ્રકારે થાય છે. મિથ્યાત્વમાં રહેલો આત્મા સમ્યકત્વમાં આવે તે મિથ્યાત્વ પ્રતિક્રમણ કહેવાય છે. અવિરતિમાં રહેલો આત્મા વિરતિ ભાવમાં આવે તે અવિરતિ પ્રતિક્રમણ કહેવાય છે. કષાયમાં રહેલો આત્મા સમભાવમાં આવે તે કષાય પ્રતિક્રમણ કહેવાય છે અને પ્રમાદમાં રહેલો આત્મા આરાધનામાં ઉત્સાહવંત થાય તે પ્રમાદ પ્રતિક્રમણ કહેવાય છે. આ ચાર ભાવ પ્રતિક્રમણો છે. દિવસના કરાય તે દેવસિક પ્રતિક્રમણ, રાત્રિના કરાય તે રાઈ પ્રતિક્રમણ, પક્ષના અંતે કરાય તે પાક્ષિક પ્રતિક્રમણ, ચાતુર્માસના અંતે કરાય તે ચાતુર્માસિક પ્રતિક્રમણ અને સંવત્સરના કરાય તે સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય છે. આ પાંચેયને કાળ પ્રતિક્રમણ કહે છે. પાંચમું આવશ્યક છે કાઉસગ્ગ. કાઉસગ્ગ વડે ભાવવણની ચિકિત્સા કરાય છે. ભાવવણ એટલે રક્ત દૂષિત થવાથી કે બીજા કોઈ કારણે શરીરમાં ગૂમડું થયું હોય તેને દ્રવ્યવ્રણ કહેવાય. અને આત્માના જ્ઞાનદર્શન અને ચારિત્રગુણમાં વિકૃતિ થઈ હોય તેને ભાવવ્રણ કહે છે. ચિકિત્સા એટલે પદ્ધતિસરનો ઉપચાર. કહેવાનું એ જ કે કાઉસગ્ગ વડે આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમાં થયેલી વિકૃતિને સુધારવામાં આવે છે. શાસ્ત્રકારોએ કાઉસગ્ગની સરસ વ્યાખ્યા આપતા કહ્યું છે કે સ્થાન, મૌન અને ધ્યાનની નિશ્ચલતા એટલે કાઉસગ્ગ. સ્થાન વડે કાયાની, મૌન વડે વાણીની અને વાણી વડે મનની સ્થિરતા એ જ કાઉસગ્ગનું મુખ્ય સ્વરૂપ છે.

આ પણ વાંચો : આવું આમ કેમ અને તેમ કેમ નહીં?


છઠ્ઠું અને છેલ્લું આવશ્યક છે-પચ્ચક્ખાણ. પચ્ચક્ખાણ વડે સંયમગુણની ધારણા કરાય છે. જેમ કે નવકારશી, ષોરસી, પુરિમઢ્ઢઅવઢ્ઢ, એકાસણું, આયંબિલ, નિવ્વી, ઉપવાસ, અણુવ્રત, મહાવ્રત વગેરે. પચ્ચક્ખાણનો અર્થ છે પ્રતિ+આખ્યાન= પ્રત્યાખ્યાન. પ્રતિ એટલે વિરુદ્ધ ભાવથી. આખ્યાન એટલે કહેવું. તે જે કથન અવિરતિના વિરુદ્ધ ભાવથી કરાય તે પ્રત્યાખ્યાન. તાત્પર્ય કે અસંયમનો ત્યાગ કરવા અંગેની પ્રતિમાને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. પ્રતિક્રમણ એ ચોથું આવશ્યક છે, પણ તેની મુખ્યતાને લીધે ષડાવશ્યકની સમસ્ત ક્રિયાને પ્રતિકમણ કહેવામાં આવે છે. ષડાવશ્યક આત્મશુદ્ધિ ઇચ્છનાર હર કોઈ માટે યોજાયેલા છે. વિશ્વના કોઈ પણ દેશના કે કોઈ પણ જાતિનાં સ્ત્રી-પુરુષો તેનું વિધિસર અનુષ્ઠાન કરીને પોતાના આત્માની શુદ્ધિ કરી શકે  છે. એ રીતે સર્વકલેશોથી મુક્ત થઈને પરમાત્મપદને પામી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 03:24 PM IST | Mumbai | Chimanlal Kaladhar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK