Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ઓબામા જીતી તો ગયા, પણ પડકારો અસામાન્ય

ઓબામા જીતી તો ગયા, પણ પડકારો અસામાન્ય

11 November, 2012 08:07 AM IST |

ઓબામા જીતી તો ગયા, પણ પડકારો અસામાન્ય

ઓબામા જીતી તો ગયા, પણ પડકારો અસામાન્ય




નો નૉન્સેન્સ - રમેશ ઓઝા





૨૦૦૮નું વર્ષ અમેરિકા માટે ઐતિહાસિક અને નિર્ણાયક બન્ને હતું. ઐતિહાસિક એટલા માટે કે અમેરિકાના લોકતાંત્રિક ઇતિહાસમાં પહેલી વાર એક અશ્વેત આફ્રિકન અમેરિકન નાગરિક અમેરિકાનો પ્રમુખ બન્યો હતો અને એ પણ ભારે બહુમતી સાથે. નિર્ણાયક એટલા માટે કે અમેરિકન નાગરિકોએ પહેલી વાર જગતકાજીપણું છોડવાની, રાજાપાઠમાંથી બહાર આવવાની, દેવું કરીને પણ ઘી પીવાની ચાર્વાકનીતિ છોડવાની અને પછેડી જોઈને સોડ તાણવાની ડેમોક્રેટિક પાર્ટીના અશ્વેત ઉમેદવાર બરાક ઓબામાની સલાહો કાને ધરી હતી. ત્યારે એમ લાગતું હતું કે અમેરિકનો ભાગ્યશાળી છે. તેમને એક સમજદાર અને વિવેકી નેતા મળ્યો છે જે એક તરફ કપરી વાસ્તવિકતા તરફ અંગુલીનર્દિેશ કરે છે અને બીજી બાજુ નવઅમેરિકાની રચના કરવા માટે પ્રેરણા પણ આપી શકે છે. નેતૃત્વના તમામ ગુણ એ માણસમાં જોવા મળ્યાં હતા.

કમનસીબી એવી કે બરાક ઓબામાના ભવ્ય વિજયની સાથે જ અમેરિકામાં અને યુરોપમાં મંદી બેસી ગઈ જેમાં અમેરિકન પ્રમુખ ઓબામાની અને અમેરિકનોની કસોટી થવાની હતી. મંદી પણ સાધારણ નથી, ૧૯૨૯ની યાદ અપાવે એવી છે. ૧૯૨૯ની મંદી વખતે વિશ્વઅર્થતંત્રના કેન્દ્રમાં અમેરિકા અને યુરોપના દેશો હતા અને વૈશ્વિકરણની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ વખતની મંદી વખતે વિશ્વઅર્થતંત્રનું કેન્દ્ર બદલાઈને અમેરિકા અને યુરોપની જગ્યાએ એશિયાના દેશોનું બની ગયું છે અને વૈશ્વિકરણ આજના અર્થતંત્રની વાસ્તવિકતા છે. ચીન, રશિયા અને ભારતના સહયોગ વિના અમેરિકા ધારે તો પણ એકલે હાથ મંદીનો સામનો ન કરી શકે. કાઠિયાવાડના ઠાકોરબાપુઓને વાસણ વેચવાના દિવસો આવ્યા હતા એવી અમેરિકાની હાલત છે. બરાક ઓબામાએ મંદીના કપરા દિવસોમાં બાપુઓને વાસણ વેચવાં ન પડે એનું ધ્યાન રાખવાનું હતું. બાપુઓનું ખમીર જળવાઈ રહે એનું ધ્યાન રાખવાનું હતું, બાપુઓ જૂના તોરમાંથી બહાર નીકળીને વાસ્તવિકતા સ્વીકારતા થાય એ જોવાનું હતું, બાપુઓને ગઢમાંથી નીચે ધરતી પર ઉતારવાના હતા. ટૂંકમાં, મંદીના કપરા દિવસોમાં અમેરિકનોની આબરૂ જાળવીને વાસ્તવિકતા સાથે પનારો પાડવાનો હતો અને આર્થિક પરિવર્તનો કરવાનાં હતાં. એક રીતે જોઈએ તો ઓબામાને સત્તા અને સાડાસાતી બન્ને સાથે મળ્યાં હતાં.



મારું માનવું છે કે આમાં બરાક ઓબામા સફળ નીવડ્યા છે; પરંતુ અમેરિકનો, ખાસ કરીને શ્રીમંત શ્વેત અમેરિકનો નિષ્ફળ નીવડ્યા છે. ૨૦૦૮માં જે અમેરિકનો નાણાકીય વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર થયા હતા એ અમેરિકનોને ૨૦૧૨માં એવું લાગવા માંડ્યું હતું કે તેઓ તેમનું સ્થાન અને પ્રતિષ્ઠા ગુમાવી રહ્યા હતા. ૧૯૫૦ અને ’૬૦ના દાયકામાં કાઠિયાવાડના બાપુઓની આવી જ માનસિકતા હતી. તમે ઇરાક અને અફઘાનિસ્તાનમાંથી પગ ખેંચી લો, તમે ઈરાનને લલકારવાનું ટાળીને માત્ર ચેતવણી આપો, તમે સિરિયાના મામલામાં દરમ્યાનગીરી ન કરો, ૧૯૮૬માં કારણ વિના લિબિયા પર હુમલો કરનાર અમેરિકા ૨૦૧૧ની ક્રાન્તિ વખતે લિબિયાથી પોતાને દૂર રાખે, તમે અર્થતંત્રમાં આડોડાઈ કરનારા ચીન પર પ્રતિબંધ ન લાદો એ તે કંઈ ચાલે? અમેરિકા આટલું નબળું?

અમેરિકન બાવડાંનું બળ બતાવનારાં માત્ર બે જ કામ ચાર વર્ષ દરમ્યાન ઓબામાએ કર્યા હતાં. એક, પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનની કરવામાં આવેલી હત્યા અને બીજું, પાકિસ્તાન પર કરવામાં આવેલા ડ્રૉન અટૅક્સ. એકમાત્ર પાકિસ્તાનને છોડીને બીજા કોઈ દેશને અમેરિકાની મનસ્વિતાનો અનુભવ થયો નથી. આમ એક બાજુ મંદી, મંદીના કારણે વધતી બેકારી અને બીજી બાજુ વિદેશનીતિમાં વહેવારુપણાને નામે અપનાવવામાં આવતું મોળું વલણ શ્વેત જમણેરી અમેરિકનોને માફક નહોતું આવ્યું. ઐશ્વર્ય વિનાનો અમેરિકન હોય? આ તેમની સીધીસાદી સમજ હતી. તેઓ વધુ ને વધુ પ્રતિક્રિયાવાદી અને ઓબામાવિરોધી વલણ અપનાવતા થયા હતા. ૨૦૦૮માં જે ઓબામા તેમને વ્યવહારમૂર્તિ લાગતા હતા તે ૨૦૧૨માં નર્બિળ લાગવા માંડ્યા હતા. ૨૦૦૮માં જે ઓબામાને સર્વત્ર વધાવવામાં આવ્યા હતા તે ઓબામા ૨૦૧૨માં જીતશે કે કેમ એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. એક સમયે એવું લાગવા માંડ્યું હતું કે કદાચ ઓબામા હારી જશે. આમ પણ પૉપ્યુલર વોટની દૃષ્ટિએ ઓબામાને માત્ર બે ટકાની જ સરસાઈ મળી છે. અમેરિકાની ચૂંટણીપદ્ધતિ વિચિત્ર છે. વિજય ઇલેક્ટરોલ વોટ દ્વારા નક્કી થાય છે, પરંતુ પ્રજાના વોટ કોને કેટલા મળ્યાં એ પૉપ્યુલર વોટ દ્વારા સ્પષ્ટ થાય છે. પૉપ્યુલર વોટમાં ઓબામાં માંડ-માંડ જીત્યા છે.

બરાક ઓબામાએ ઝડપથી નીચે જઈ રહેલા અર્થતંત્રને સંભાળી લેવાની સફળ કોશિશ કરી છે. મંદીનો સામનો કરવામાં યુરોપના દેશો કરતાં અમેરિકાનો દેખાવ પ્રમાણમાં સારો છે. વિદેશનીતિમાં તેમણે સંયમ દાખવ્યો છે. સાધારણ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બાવડાંનું બળ બતાવીને તથા રાષ્ટ્રવાદનો ઊભરો પેદા કરીને લોકપ્રિયતા જાળવી રાખવાની લાલચ દરેકને થતી હોય છે, પરંતુ બરાક ઓબામાએ એવા ટૂંકા રસ્તાઓ અપનાવ્યા નથી. તેમની ધીરજ કાબિલે તારીફ હતી. આગળ કહ્યું એમ ધીરજ શ્વેત જમણેરી અમેરિકનોએ ગુમાવી દીધી હતી. આ વખતનો ચૂંટણીપ્રચાર જોશો તો ખ્યાલ આવશે કે પ્રતિક્રિયાવાદી વલણ કેવું તીવ્ર હતું. આવો પ્રતિક્રિયાવાદ શીતયુદ્ધના દિવસોમાં પણ જોવા નહોતો મળતો. સામાજિક પ્રfનો વિશે રિપબ્લિકન પક્ષના ઉમેદવાર મિટ રોમ્નીએ આ યુગમાં આશ્ચર્ય થાય એવું રૂઢિચુસ્ત વલણ અપનાવ્યું હતું. જોકે આમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી. ગરાસ લૂંટાઈ જાય અને આપણે આપણી હયાતીમાં જ અપ્રાસંગિક બની જતા હોઈએ ત્યારે આ પ્રકારની વિવેકરહિત પ્રતિક્રિયા સ્વાભાવિક છે.

બરાક ઓબામા ધૈર્યવાન અને વ્યવહારુ છે એનો પરિચય તો જગતને થઈ ચૂક્યો છે, પરંતુ તેઓ રાજકીય રણનીતિમાં પણ પાવરધા છે એ આ વખતે જોવા મળ્યું. અમેરિકા ક્રમશ: કૉસ્મોપોલિટન બની રહ્યું છે અને આ તથ્યનો ઓબામાએ ચતુરાઈપૂર્વક લાભ લીધો હતો. લૅટિનો, આફ્રિકન, હિસ્પાનિક અને એશિયનોની વસતિ વધી રહી છે. ચૂંટણીમાં વિજય મેળવવામાં અમેરિકન શ્વેત પ્રજા નિર્ણાયક ભાગ નથી ભજવી શકતી એ આ વખતની ચૂંટણીએ બતાવી આપ્યું છે. જમણેરીઓના પ્રતિક્રિયાવાદી વલણના પરિણામે અમેરિકન સમાજમાં અભૂતપૂર્વ ધ્રુવીકરણ પેદા થયું હતું અને એ ધ્રુવીકરણને ઓબામાએ ઘનીભૂત કર્યું હતું. મિટ રોમ્નીના મહિલાવિરોધી વલણને પરિણામે સ્ત્રીઓએ પણ બરાક ઓબામાને મત આપ્યા હતા. આમ ઓબામાને જિતાડવામાં શ્વેત જમણેરી અમેરિકનો અને મિટ રોમ્નીનાં પ્રતિક્રિયાવાદી વિધાનોએ મદદ કરી હતી. રાજકીય નિરીક્ષકો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને ડિવાઇડેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા તરીકે ઓળખાવી રહ્યા છે એમાં શબ્દરમત નથી, કંઈક અંશે સત્યાંશ પણ છે.

ખેર, બરાક ઓબામા જીતી ગયા છે અને બીજાં ચાર વર્ષ રાજ કરશે. તેમની સામેના પડકારો અસામાન્ય છે અને તેઓ એ જાણે પણ છે. જીત પછીનું તેમનું પ્રવચન આની ખાતરી કરાવે છે. તેમના પ્રવચનમાં સૌથી મહત્વની વાત તેમણે મહત્વના પ્રશ્ને સર્વસંમતિ સાધવાની કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ રોમ્નીનો સહયોગ મેળવવા પ્રયત્નો કરવાના છે. રોમ્નીને તેઓ પ્રધાનમંડળમાં લેશે એવી પણ વાત વહેતી થઈ છે. દેવાનો બોજો ઘટાડીને અને રોજગારીની તકો પેદા કરીને અર્થતંત્રને પાટે ચડાવવું એ પ્રમુખપદની બીજી મુદતમાં તેમની  પ્રાથમિકતા હશે. તેમણે કહ્યું છે કે આપણે સંકટમાંથી ઊગરી ગયા છીએ, પરંતુ શ્રેષ્ઠ સમય હજી આવવાનો બાકી છે. તેમણે તેમના પ્રવચનમાં અમેરિકન ઐશ્વર્યની નવી વ્યાખ્યા કરી છે. તેમના શબ્દો અહીં ટાંકવા જેવા છે : ‘આપણી પાસે દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ ધન છે, પરંતુ એ આપણને શ્રીમંત નથી બનાવતું. આપણી પાસે સૌથી શક્તિશાળી સૈન્ય છે જે આપણને સશક્ત નથી બનાવતું. આખી દુનિયામાં આપણી યુનિવર્સિટીઓ શ્રેષ્ઠ છે અને આપણી સભ્યતા અનોખી છે માટે એમ નહીં સમજતા કે જગત આપણે દરવાજે લાઇન લગાવશે. અમેરિકાને મજબૂત બનાવનારું પરિબળ એ સંબંધો છે જે અનોખી વિવિધતા ધરાવતા અમેરિકાને, કૉસ્મોપોલિટન અમેરિકાને વિશિષ્ટ ઓળખ આપે છે.’

બરાક ઓબામા આ શબ્દો દ્વારા તાત્વિક રીતે ભારતની કદર કરી રહ્યા છે એવું નથી લાગતું? બાવડાં બતાવવાનો યુગ આથમી ગયો છે અને સહઅસ્તિત્વ એ એકમાત્ર હાથવગો માર્ગ છે એ બરાક ઓબામા અમેરિકનોને કહી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2012 08:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK