ઓબામા અમેરિકાના નેહરુ

Published: 11th November, 2012 07:49 IST

બહુસાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાસ્તવિકતાને સામેથી સ્વીકારી તો બાપુના બધાને સાથે લઈને ચાલવાના રાજકારણની પ્રાસંગિકતા અમેરિકામાં સિદ્ધ કરી બતાવીવિશ્વરાજકારણમાં અમેરિકા એટલો મહત્વપૂર્ણ દેશ છે કે ત્યાં યોજાતી પ્રમુખપદની ચૂંટણી પર જગતઆખાની નજર હોય છે. કયો ઉમેદવાર ચૂંટાવાથી કયા દેશને કેટલો ફાયદો કે નુકસાન થશે એની ગણતરીઓ મંડાતી હોય છે. ભારતમાં પણ આ વિશેની ચર્ચા એક મહિનાથી ચાલતી હતી. ભારતની નિસ્બત ભારતના નફા-નુકસાન ઉપરાંત ચીન અને પાકિસ્તાનના નફા-નુકસાનની પણ હોય છે અને એ સ્વાભાવિક છે.

આ વખતની અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં માત્ર બે દેશને છોડીને બીજા કોઈ દેશને એક કે બીજા ઉમેદવારના ચૂંટાવાથી ખાસ ફરક નહોતો પડતો. એ બે દેશ છે ચીન અને પાકિસ્તાન. મિટ રોમ્ની ન ચૂંટાય એમાં ચીનને રસ હતો અને બરાક ઓબામા ન ચૂંટાય એમાં પાકિસ્તાનને રસ હતો. મિટ રોમ્નીએ પ્રચાર દરમ્યાન ઉઘાડું ચીનવિરોધી વલણ અપનાવ્યું હતું અને ધમકી આપી હતી કે ચીન જો એના ચલણ યુઆનનું ડૉલર સામે પુનમૂર્લ્યાંકન નહીં કરે તો તેઓ ચીન સાથેના આર્થિક વ્યવહાર પર પ્રતિબંધ લાદશે. ચીનની આડોડાઈ સામે અમેરિકામાં તીવ્ર રોષ પ્રવર્તે છે. બરાક ઓબામા ન ચૂંટાય એમાં પાકિસ્તાનને રસ એટલા માટે હતો કે ઓબામાએ અમેરિકાના કહેવાતા ત્રાસવાદ સામેના યુદ્ધમાં પાકિસ્તાનને આપેલો પહેલી હરોળના ભાગીદાર દેશ તરીકેનો દરજ્જો છીનવી લીધો હતો. હકીકતમાં આ જ્યૉર્જ બુશનો એક ઢોંગ હતો જે અમેરિકા, પાકિસ્તાન અને જગતના બધા દેશો જાણતા હતા. બરાક ઓબામાએ ફોડ પાડીને બોલ્યા વિના પાકિસ્તાનને ભાગીદાર દેશમાંથી ત્રાસવાદી દેશનો દરજ્જો આપી દીધો હતો. એણે પાકિસ્તાનને જાણ પણ કર્યા વિના પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનનો ખાતમો બોલાવી દીધો હતો. આ ઉપરાંત બરાક ઓબામા પાકિસ્તાન પર દોઢસોથી વધુ ડ્રોન અટૅક કરી ચૂક્યા છે. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો આટલા ખાટા આ પહેલાં ક્યારેય નહોતા.

મિટ રોમ્ની ન ચૂંટાય એવું ઇચ્છનારો બીજો એક દેશ ઇઝરાયલ હોય તો નવાઈ નહીં. આમ તો ઇઝરાયલને રિપબ્લિકન પ્રમુખ વધારે માફક આવે છે, પરંતુ આ વખતે મિટ રોમ્ની એ એટલો બધો ઇઝરાયલપ્રેમ દાખવ્યો હતો, જે ઇઝરાયલને પચે એમ નહોતો. રોમ્નીએ પૅલેસ્ટીનની આકરી નિંદા કરી હતી અને ઇઝરાયલને આરબ દેશોની વચ્ચે ઘેરાયેલું એકલું-અટૂલું બિચારું રાષ્ટ્ર ગણાવ્યું હતું. પૅલેસ્ટીન વિશે જે નીતિ ઇઝરાયલે છોડી દીધી છે એની રોમ્ની વકીલાત કરતા હતા. જો રોમ્ની ચૂંટાય અને જૂની રેગનનીતિ અપનાવે તો ઇઝરાયલે પેલેસ્ટીન સાથે જે થોડા સંબંધ સુધાર્યા છે એના પર પાણી ફરી જાય. આમ રોમ્ની જેવો દોસ્ત ઇઝરાયલને ન પરવડે એ શક્ય છે.

હવે વાત ભારતની. અમેરિકાનો પ્રમુખ ઓબામા બને કે રોમની એનાથી ભારતને કોઈ ખાસ ફરક નહોતો પડવાનો. શીતયુદ્ધના દિવસોમાં ભારતને ડેમોક્રેટિક પ્રમુખો વધારે માફક આવતા હતા. અત્યારના વૈશ્વિકરણના યુગમાં હવે ધંધાને મહત્વ આપનારા રિપબ્લિકન પ્રમુખો વધારે માફક આવે છે એમ કહેવાય છે. બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા કરતાં જ્યૉર્જ બુશે ભારતને વધારે ફાયદો કરાવી આપ્યો હતો. જોકે આમાં ક્લિન્ટન અને ઓબામાના વલણ કરતાં સંજોગોએ વધારે ભાગ ભજવ્યો છે. બિલ ક્લિન્ટન જ્યારે પ્રમુખ હતા ત્યારે ભારતે આર્થિક સુધારાઓ હજી શરૂ કર્યા હતા. આમ છતાંય બીજી મુદત દરમ્યાન (૧૯૯૬-૨૦૦૦) ક્લિન્ટનના વલણમાં ભારતતરફી સ્પષ્ટ ઝુકાવ નજરે પડતો હતો. ઓબામાના તો ગણેશ જ મંદી સાથે મંડાયા હતા એટલે તેમની પ્રાથમિકતા અમેરિકન અર્થતંત્રને બેઠું કરવાની હોય એ સ્વાભાવિક છે. આમાં કેટલાક નર્ણિયો તેમણે ભારતને માફક ન આવે એવા પણ લેવા પડ્યા હતા.

ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોને લાગેવળગે છે ત્યાં સુધી ઓબામાનું વલણ સ્પષ્ટ રીતે ભારતતરફી છે. ભારત લોકતાંત્રિક દેશ છે અને અનેક અવરોધોની વચ્ચે ભારતે લોકતાંત્રિક મૂલ્યોનું જતન કર્યું છે એની ઓબામાએ એકથી વધુ વખત સરાહના કરી છે. ભારતની વિદેશનીતિ મૂલ્યઆધારિત છે એનો પણ ઓબામાએ સ્વીકાર કર્યો છે. તેમણે પાકિસ્તાનને ભારતના કૌંસ (બ્રૅકેટ)માંથી સંપૂર્ણપણે બહાર કાઢી નાખ્યું છે અને ભારતને ચીનના કૌંસમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ ચીનની તુલનામાં ભારતને વધારે પ્રોત્સાહન આપે છે. તેઓ ઇચ્છે છે કે ભારત એક મહાસત્તા તરીકે આગળ આવે અને ખાસ કરીને એશિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. અફઘાનિસ્તાનને થાળે પાડવામાં તેમણે ભારતને ભાગીદાર બનાવ્યું છે. ઈરાનના પ્રશ્ને ભારત અને અમેરિકા વચ્ચેના મતભેદોને તેમણે બાધારૂપ નથી બનવા દીધા. વિદેશનીતિને સંબંધ છે ત્યાં સુધી બરાક ઓબામાના ફરી વાર ચૂંટાવાથી ભારતને લાભ થવાનો છે. બરાક ઓબામા ગાંધીજીના અને જવાહરલાલ નેહરુના મોટા પ્રશંસક છે એ ભારત માટે ગૌરવની વાત છે.

બરાક ઓબામા પોતાને ગાંધીજીના અનુયાયી ગણાવે છે. ગાંધીજીના સૌને સાથે લઈને ચાલવાના (ઇન્ક્લુઝિવ) રાજકારણની પ્રાસંગિકતા તેમણે અમેરિકામાં સિદ્ધ કરી બતાવી છે. બહુસાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ૨૧મી સદીની વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાને એક દિવસ પરાણે અપનાવવી પડે એ પહેલાં ઓબામાએ સામેથી સ્વીકારી લીધી છે. હું એમ કહીશ કે બરાક ઓબામા અમેરિકાના જવાહરલાલ નેહરુ છે.

ભારતના પક્ષોએ ઓબામા પાસેથી ધડો લેવા જેવો


આર્થિક અને રાજકીય લાભાલાભ કરતાંય વધારે મહત્વનો ધડો ઓબામા પાસેથી ભારતના રાજકીય પક્ષોએ લેવા જેવો છે. અમેરિકન રાજકારણમાં હમણાં સુધી જેમની ગણના નહોતી એવા હાંસિયામાં જીવતા લોકોનું મેઘધનુષી ગઠબંધન ઓબામાએ રચી બતાવ્યું છે અને એ કેટલું પરિણામકારી નીવડી શકે છે એ બતાવી આપ્યું છે. લૅટિનોઝ, હેસ્પિનિક્સ (લૅટિન અમેરિકી સ્પૅનિશભાષીઓ), આફ્રિકન અમેરિકન્સ, એશિયન્સ, મજદૂરો અને સ્ત્રીઓ એ ગઠબંધનના ઘટક છે. આ જૂથોની છૂટીછવાઈ શક્તિ સંગઠિત રીતે કેટલી મજબૂત સાબિત થઈ શકે છે એની પહેલી વાર અમેરિકાને અને જગતને પ્રતીતિ થઈ છે. ભારતમાં ખાસ કરીને જે રાજકીય પક્ષો પથકતાવાદી (એક્સક્લુઝિવ) રાજકારણ કરે છે એમને એમાંથી ધડો લેવા જેવું છે. ધર્મનું, પ્રદેશનું, ભાષાનું અને જ્ઞાતિનું સંકુચિત રાજકારણ કરનારાઓની રાજકીય હાટડી તો ચાલતી રહે છે; પરંતુ તેઓ અખિલ ભારતીય સ્વીકૃતિ પામી શકતા નથી. ભારતીય જનતા પાર્ટી આનું દૃષ્ટાંત છે. ભારતનો બીજા નંબરનો સૌથી મોટો પક્ષ ખરા અર્થમાં અખિલ ભારતીય નથી. પૂર્વ ભારતમાં, દક્ષિણ ભારતમાં અને ગૈરહિન્દુઓમાં એનું અસ્તિત્વ જ નથી. આનું કારણ એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું દર્શન અપ્રાસંગિક છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK