Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > અદૃશ્ય ઘોડો દોડાવતા આ ડાન્સે તો ભારે કરી

અદૃશ્ય ઘોડો દોડાવતા આ ડાન્સે તો ભારે કરી

11 November, 2012 08:01 AM IST |

અદૃશ્ય ઘોડો દોડાવતા આ ડાન્સે તો ભારે કરી

અદૃશ્ય ઘોડો દોડાવતા આ ડાન્સે તો ભારે કરી







સંકેત શાહ

જુલાઈ મહિનામાં એક સાઉથ કોરિયન ગીત રિલીઝ થયું અને ત્યારથી એ એવું હિટ થયું કે સૅન્ડી વાવાઝોડાની જેમ આખી દુનિયામાં ફેલાઈ ગયું. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી બાન કી મૂન પણ એના પર ડાન્સ કરે અને વેસ્ટ ઇન્ડીઝનો ક્રિસ ગેઇલ પણ એના પર ડાન્સ કરે. બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કૅમેરનને પણ એમાં રસ પડે અને ગૂગલના ચૅરમૅન એરિક શ્મિટ પણ એના પર ફિદા થઈ જાય અને યુટ્યુબ પર તો આ ગીતનું એવું પ્રચંડ મોજું આવ્યું કે ગણતરીના દિવસોમાં એને જોનારા લોકોની સંખ્યા સાઠ કરોડને પણ વટાવી ગઈ. એટલું જ નહીં, એ યુટ્યુબના ઇતિહાસનો ત્રીજા નંબરનો સૌથી વધુ જોવાયેલો વિડિયો બની ગયો અને હવે એ યુટ્યુબ પર સૌથી વધુ ‘લાઇક’ મેળવેલા ગીત તરીકેનો ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ મેળવવા જઈ રહ્યું છે. આ ગીત એટલે સાઉથ કોરિયન પૉપસ્ટાર PSYનું ગીત ‘ઓપન ગન્ગનમ સ્ટાઇલ’. રિલીઝ થયું ત્યારથી આ ગીત પૉપ્યુલરિટીની એક પછી એક પાયદાન ચડી જ રહ્યું છે. આવો, આપણે પણ આ ગન્ગનમ સ્ટાઇલને ઓપન કરીએ.

‘ઓપન ગન્ગનમ સ્ટાઇલ’ એવું મુખડું અને સાંભળતાંવેંત કાન અને જીભ પર ચીપકી જાય એવી કૅચી ટ્યુન ધરાવતા આ ગીતનો ગાયક છે સાઉથ કોરિયાનો પૉપ, રૅપ, હિપહૉપ સિંગર પાર્ક જે સૅન્ગ, જે પોતાને PSY તરીકે ઓળખાવે છે. આ ગન્ગનમ સ્ટાઇલ ગીતના વિડિયોમાં આ જ ગોળમટોળ સિંગર વાંદરાની જેમ કૂદાકૂદ કર્યે રાખે છે.

લગભગ ચાર મિનિટના આ ગીતના વિડિયોમાં આ ભાઈ બાળકોના રમતના મેદાન પર, બસની સીટો પર ચડીને, તબેલામાં ઘોડાઓની વચ્ચે, લિફ્ટની અંદર, બરફના વરસાદની વચ્ચે, સબવેની અંદર, રેલવેસ્ટેશન પર સોનાબાથની અંદર, સ્વિમિંગ પૂલના પાણીમાં અને ઈવન ટૉઇલેટની અંદર પણ આ ગીત ગાતો-ગાતો ડાન્સ કરે છે.



આ ગીતની પૉપ્યુલરિટીમાં એનાં ખાસ પ્રકારનાં ડાન્સ-સ્ટેપ ‘ઇન્વિઝિબલ હૉર્સ રાઇડિંગ’નો પણ ફાળો છે. ઘોડા પર બેઠા હોઈએ એવી રીતે બે પગ પહોળા રાખવાના, એક હાથ લગામ તાણી રાખી હોય એમ લાંબો રાખવાનો અને બીજા હાથે જાણે હવામાં ચાબુક વીંઝતા હોઈએ એમ ઉપર ચડાવીને ગોળગોળ ફેરવવાનો એટલે થઈ ગઈ ‘ગન્ગનમ સ્ટાઇલ’!

ભેજામાં ન ઊતરે એવી ચિત્ર-વિચિત્ર હરકતોને કારણે આ ગન્ગનમ સ્ટાઇલ ગીત આપણા ‘કોલાવેરી ડી’ કરતાં પણ અનેકગણું હિટ થઈ ગયું, પરંતુ ખરેખર આ ગન્ગનમ સ્ટાઇલ એટલે શું એની ચર્ચા ભાગ્યે જ થઈ છે. હકીકતમાં આ ગન્ગનમ એ સાઉથ કોરિયાની રાજધાની સોલના એક જિલ્લાનું નામ છે અને આ સિંગર PSY આ જ જિલ્લાનો વતની છે. તેનું કહેવું છે કે અમારા ગન્ગનમ ગામના વતનીઓ બધા અમેરિકાના બેવર્લી હિલ્સની જેમ વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે, એકદમ ટ્રેન્ડી છે અને ક્લાસી છે. છતાં એ લોકો ક્યારેય સામે ચાલીને બડાશો હાંકતા નથી કે જુઓ, અમે કેવા વરણાગી છીએ. આ ભાઈ આગળ કહે છે કે મારું ‘ઓપન ગન્ગનમ સ્ટાઇલ’ ગીત એ વાસ્તવમાં અમારી ગન્ગનમ સ્ટાઇલની નકલ મારતા કૉપીકૅટ લોકોની મજાક ઉડાવે છે.

આ ગીત ‘કે પૉપ’ એટલે કે કોરિયન પૉપ સૉન્ગ તરીકે ઓળખાય છે અને એ સ્વાભાવિક રીતે જ કોરિયન ભાષામાં છે. એની પહેલી પંક્તિનો ભાવાનુવાદ કંઈક આવો થાય છે : દિવસ દરમ્યાન લાગણીશીલ અને હૂંફાળી રહેતી એક ક્લાસી છોકરી, જેને પોતાની સ્વતંત્રતાનો પ્યાલો કઈ રીતે પીવો એની ખબર છે. આવી છોકરીનું હૈયું રાત નજીક આવે એમ વધુ ને વધુ હૉટ થતું જાય છે. હુંય એક એવો છોકરો છું જે દિવસે તેના જેવો જ હૂંફાળો હોઉં છું અને મારી કૉફીનો પ્યાલો ઠંડો પડે એ પહેલાં જ ગટગટાવી જાઉં છું.’

આ ગીતમાં આવતું ‘ઓપન’ એટલે અંગ્રેજી ઓપન-ખોલવું એવું નહીં, પણ દક્ષિણ કોરિયાઈ શબ્દ ‘ઓપ્પા’ છે, જેને ત્યાંની સ્ત્રીઓ પોતાનાથી મોટા પુરુષમિત્ર કે મોટા ભાઈ માટે વાપરે છે. કોરિયન પૉપ મ્યુઝિકરસિકો પોતાના ફેવરિટ પૉપસ્ટાર્સ માટે પણ ‘ઓપ્પા’ શબ્દ વાપરે છે.


ગન્ગનમ સ્ટાઇલનાં ડાન્સ-સ્ટેપ્સ આપણે ત્યાં આ વર્ષે નવરાત્રિમાં પણ જોવા મળેલાં, પરંતુ અદૃશ્ય ઘોડેસવારીનું આ સ્ટેપ ફાઇનલ કરતાં પહેલાં PSYએ કાંગારુ, રીંછ, પાંડા જેવાં પ્રાણીઓની સ્ટાઇલ પણ વાપરેલી.

ઇન્ટરનેટના આગમન પછી ‘ફ્લૅશમૉબ’નું ચલણ ખાસ્સું વધ્યું છે. કોઈ ભીડભાડવાળી જાહેર જગ્યા પર અચાનક અમુક જથ્થામાં લોકો ભેગા થાય અને ડાન્સ અથવા તો કશીક રાડારાડી કરીને થોડી વારમાં પાછા ગાયબ થઈ જાય. ૧૨ સપ્ટેમ્બરે અમેરિકાનો પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર આખો લોકોથી ભરાઈ ગયો અને સૌ ગન્ગનમ સ્ટાઇલ ડાન્સ કરવા માંડેલા. એ પછી તો ઘણા દેશોમાં આવાં ફ્લૅશમૉબ એકઠાં થયેલાં અને સૌએ ગન્ગનમ સ્ટાઇલનો ડાન્સ કરેલો. લૉસ ઍન્જલસમાં આવા એક જાહેર પર્ફોર્મન્સમાં ખુદ ગાયક PSY પણ લોકોના ટોળામાંથી પ્રગટ થયેલો.

ગન્ગનમ સ્ટાઇલની પૉપ્યુલરિટી પછી એની સાથે જોડાયેલી ઘણીબધી વસ્તુઓ પણ રાતોરાત પૉપ્યુલર થઈ ગયેલી, જેમ કે ગન્ગનમ રિલીઝ કરનારી કંપની વાયજી એન્ટરટેઇનમેન્ટના શૅર પચાસ ટકા ઊંચકાયા હતા, જ્યારે ગાયક PSYના પપ્પાની સેમિકન્ડક્ટર બનાવતી કંપનીના ભાવમાં તો પાંચસો ટકાનો ઉછાળો આવેલો. સાઉથ કોરિયાની જ સૅમસંગ કંપનીએ પોતાના ‘ગૅલેક્સી નોટ-ટૂ’ના કૅનેડામાં ઉદ્ઘાટન વખતે PSYને બોલાવીને તેની પાસે ગન્ગનમનો ડાન્સ કરાવેલો.

ગન્ગનમ સ્ટાઇલની પૉપ્યુલરિટીને પરિણામે એની પાર વિનાની પૅરડી પણ થઈ છે અને એના વિડિયોઝ પણ ફરતા થઈ ગયા છે. લોકો ગન્ગનમ સ્ટાઇલનાં પોતપોતાનાં વર્ઝન્સના વિડિયોઝ રેકૉર્ડ કરી-કરીને યુટ્યુબ, ફેસબુક જેવી સાઇટ્સ પર અપલોડ કરી રહ્યા છે. કૅલિફૉર્નિયાના એક જાહેર સ્વિમિંગ પૂલના ૧૪ લાઇફગાર્ડે ઉત્સાહમાં આવીને ગન્ગનમની જેમ પોતાનો ‘લાઇફગાર્ડ સ્ટાઇલ’ નામનો વિડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો એ જોઈને તેમના સત્તાધીશો એટલા ગુસ્સે ભરાઈ ગયા કે એ બિચારાઓને નોકરીમાંથી જ કાઢી મૂક્યા એમ કહીને કે કોઈ પણ કર્મચારી પોતાના અંગત ફાયદા માટે જાહેર પ્રૉપર્ટીનો ઉપયોગ કરી શકે નહીં! પછી તો ખુદ PSYએ એ સત્તાધીશોને જાહેર અપીલ કરી કે એ બિચારાઓ તો માત્ર આનંદ ઉઠાવી રહ્યા હતા, તેમને નોકરીમાંથી ન કાઢો, પ્લીઝ.

સાઉથ અને નૉર્થ કોરિયાને બાપે માર્યા વેર છે. સાઉથ કોરિયાના ગન્ગનમની લોકપ્રિયતા પછી નૉર્થ કોરિયાએ સાઉથ કોરિયન સરકારની મજાક ઉડાવતો વિડિયો ‘આઇ ઍમ યુશિન સ્ટાઇલ’ પોતાની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કર્યો!

ગન્ગનમ સ્ટાઇલ પછી સિંગર PSYની પૉપ્યુલારિટી પણ રાતોરાત વધી ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં થયેલા એના લાઇવ પર્ફોર્મન્સિસમાંના એકમાં તેણે પૉપસ્ટાર બ્રિટની સ્પિયર્સને પણ ગન્ગનમ ડાન્સ શીખવાડેલો!

૩૪ વર્ષનો PSY અત્યારે સાઉથ કોરિયાનો સૌથી મોટો પૉપસ્ટાર ગણાવા માંડ્યો છે. લાઇવ પર્ફોર્મન્સમાં તે પોતાની સેન્સ ઑફ હ્યુમર અને લેડી ગાગા, બિયોન્સ નોલ્સ જેવાં સ્ટાર્સની મિમિક્રી કરવા માટે જાણીતો છે. ૨૦૦૨માં એ ગાંજો રાખવાના આરોપસર પકડાયેલો અને એને કારણે તે પોતાના દાદાની અંતિમક્રિયામાં પણ હાજર નહોતો રહી શક્યો. ૨૦૦૬માં તેણે પોતાની ગર્લફ્રેન્ડ યૂ હાઇયોન સાથે લગ્ન કર્યા અને અત્યારે તેને ટ્વિન્સ દીકરીઓ પણ છે. તે બે કોરિયન ફિલ્મો, ટીવી-સિરીઝ પણ કરી ચૂક્યો છે અને અત્યારે એક શોના જજ તરીકે પણ આવે છે.



સાઉથ કોરિયામાં ૨૧ મહિના ફરજિયાત લશ્કરી તાલીમ લેવાનો નિયમ છે, પરંતુ PSYએ માત્ર બે જ મહિના આ તાલીમ લીધી અને એનો કેસ પણ તેની સામે ચાલી રહ્યો છે.

તેનાં કુલ ચાર પૉપ આલબમ્સમાંથી બે પર તો ત્યાંની સરકારે ૧૮ વર્ષથી નીચેના લોકોને ન વેચી શકાય એવો પ્રતિબંધ ફટકારેલો છે.

PSY અમેરિકાની બૉસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યો છે, પણ તેનું અંગ્રેજી સાવ ભાંગ્યું-તૂટ્યું જ છે.

ગયા મહિને બૅન્ગકૉકમાં ટીનેજરોનાં બે ગ્રુપ એક રેસ્ટોરાંમાં જમી રહ્યાં હતાં. એમાંથી એક ગ્રુપે ગન્ગનમ ગીત પર ડાન્સ કરવો શરૂ કર્યો. ધીમે-ધીમે બન્ને ગ્રુપ વચ્ચે વધુ સારો ડાન્સ કરવા માટે કૉમ્પિટિશન શરૂ થઈ ગઈ. આ ચડસાચડસી એવી તીવ્ર થઈ કે એક ગ્રુપે રિવૉલ્વર કાઢીને ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો. કુલ પચાસ રાઉન્ડ ગોળીઓ છૂટી, પરંતુ સદ્ભાગ્યે કોઈને ઈજા ન થઈ.

ઍપલ કંપનીના ઑનલાઇન મ્યુઝિક સ્ટોર આઇટ્યુન્સના ઇતિહાસમાં પણ ગન્ગનમ સ્ટાઇલ સૌથી વધુ ડાઉનલોડ થનારા ગીતનો દરજ્જો ભોગવી રહ્યું છે.

ઇન્ટરનેટ પર ગન્ગનમ સ્ટાઇલ ગીતનો ક્રેઝ સતત ઊંચો જ જઈ રહ્યો છે. અત્યારે એ સમગ્ર ઇન્ટરનેટના ટ્રાફિકનો ૦.૭ ટકા હિસ્સો પોતાની તરફ વાળી રહ્યું છે એટલું જ નહીં, એને લીધે રોજની લગભગ દસ હજાર ડૉલરની જાહેરખબરની આવક ઊભી થઈ રહી છે. યુટ્યુબ પર અપલોડ થયેલા ઑફિશ્યલ ગન્ગનમ વિડિયોને દર કલાકે લગભગ એક હજાર કૉમેન્ટ્સ મળી રહી છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે એને મળેલી કુલ કૉમેન્ટ્સનો આંકડો છે ૨૬,૩૦,૯૨૫!

અત્યારે ઇન્ટરનેટ અને સમગ્ર વિશ્વના મિડિયામાં લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક ગન્ગનમને વખાણનારા અને બીજા ગન્ગનમને વખોડનારા. તમે એમાંથી કઈ સાઇડ પર છો? બાય ધ વે, તમે ‘ગન્ગનમ સ્ટાઇલ’ વિડિયો જોયો?

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2012 08:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK