આ દિવાળીએ કાઠિયાવાડી ઍરલાઇન્સ શરૂ થાય તો?

Published: 11th November, 2012 07:40 IST

છેલ્લા છાસઠ-છાસઠ રવિવારથી ‘સાંઈરામનું હાયરામ’ સહન કરનારા મારા વહાલા વાચકમિત્રોને ઍડ્વાન્સમાં નૂતન વષાર્ભિનંદન.સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

છેલ્લા છાસઠ-છાસઠ રવિવારથી ‘સાંઈરામનું હાયરામ’ સહન કરનારા મારા વહાલા વાચકમિત્રોને ઍડ્વાન્સમાં નૂતન વષાર્ભિનંદન. આ ધનતેરસે ઈશ્વરનાં ચરણે મંગલ પ્રાર્થના કે આપ બધાના બૅન્કના તમામ હપ્તા ભરાઈ જાય. ગુજરાતીઓ માત્ર ધનમાં જ રસ લ્યે છે એના જેટલો જ આવતા વર્ષે ગૌ-ધન બચાવવામાં અને ગોરધન (ક્રિષ્ન)ને ભજવામાં પણ રસ લ્યે એવી અભ્યર્થના. કાળીચૌદશે તમામ ભારતવાસીઓના ઘરનો કકળાટ અને ઉકળાટ દુશ્મન-દેશોમાં ટ્રાન્ફસર થઈ જાય તેમ જ આ દિવાળી ખરા અર્થમાં દેશનો દી વાળે એવી પ્રાર્થના કરું છું.

મુંબઈગરાઓ રોજેય નવું અને નોખું ચાખવા ને કરવા ટેવાયેલા અને સર્જાયેલા છે. કિંગફિશર ઍરલાઇન્સનો ખરખરો લગભગ થઈ ગ્યો છે, પરંતુ કોઈ પણ ડોમેસ્ટિક કે ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં તમે બેસો એટલે જે-તે કંપની દ્વારા સુરક્ષા-સંબંધિત સૂચના દિગ્વિજય સિંહની કૉમેન્ટની જેમ તમારે સાંભળવી જ પડે.

સૌપ્રથમ કેવી સૂચનાઓ પ્લેનમાં આપવામાં આવે છે ઈ વાંચ્યા બાદ એનું કાઠિયાવાડીકરણ કરીશું:

નમસ્કાર. ઇન્ડિગો કી ઉડાન ત્-૩૭૦ પર હમ સભી યાત્રીઓં કા સ્વાગત કરતે હૈં. હમારા વિમાન રાજકોટ સે મુંબઈ જાએગા. યે દૂરી પૈંતાલીસ મિનટોં મેં પૂરી કી જાએગી. ઇસ ઉડાન કે મુખ્ય કપ્તાન પ્રદીપ ગોલમાલકર હૈં ઔર સહકપ્તાન વિનય મ્હાત્રે હૈં. ઔર મૈં ઉડાન કી મુખ્ય કર્મીદલ ક્રૂ વિનિતા શિંદે આપકા સ્વાગત કરતી હૂં.

ઇસ ઉડાન કે સભી કર્મચારી હિન્દી, અંગ્રેઝી ઔર મરાઠી બોલ સકતે હૈં. ઉડાન કી તૈયારી કે લિએ કુર્સી સીધી રખેં. ટ્રે ટેબલ બંધ કર દેં. સામાન કો ઉપર લગે સામાનકક્ષ મંે રખ દેં. ટેક-ઑફ ઔર લૅન્ડિંગ કે વક્ત ખિડકિયાં ખુલી રખેં. સરકારી નિયમોં કે અનુસાર ઇસ સમય ઇલેક્ટ્રૉનિક ઉપકરણ બંદ રખેં. મોબાઇલ ફોન સ્વિચ-ઑફ કર દેં, ક્યોંકિ ઇસસે ઉડાન ભરતે વક્ત તક્નીકી ખામી હો સકતી હૈ.

ઉડાન મેં મદિરા પીના ઔર ધૂમ્રપાન કરના મના હૈ. સભી જગહ ધૂમ્ર અનુષંગિક યંત્ર લગાએ ગએ હૈં. અબ હમ સુરક્ષા સંબંધિત સૂચનાએં દેંગે. કૃપા કરકે વિમાન કર્મીદલ કી ઔર ધ્યાન દેં.

આપકી કુર્સી કી પેટી ઇસ તરહ સે બાંધી જાતી હૈ. કૅબિન મેં હવા કા દબાવ કમ હોને પર ઑક્સિજન નકાબ અપને આપ હી ઉપરી પૅનલ સે નીચે આ જાએગા. પહલે ઉસ નકાબ કો ઇસ તરહ સે પહનેં. ખુદ નકાબ પહનને કે બાદ હી દૂસરોં કી મદદ કરેં. વિમાન મેં આઠ આપાતકાલીન દ્વાર હૈં. રક્ષા જૅકેટ કુર્સી કે નીચે હૈ. ઉસે ઇસ તરહ સે પહનેં. ઝ્યાદા જાનકારી કે લિએ સુરક્ષાપત્ર સામને કી કુર્સી મેં રક્ખા હૈ. ધ્યાન દેને કે લિએ ધન્યવાદ. હમ આપકી સુખદ યાત્રા કી કામના કરતે હૈં.

પ્લેનમાં બેસનાર દરેક મુસાફરને આ લગભગ ગોખાઈ ગયું છે. હવે નવા વરસે નવી રીતે વિચારો : ધારો કે કાઠિયાવાડી ઍરલાઇન્સ શરૂ થાય તો? કાઠિયાવાડી ઍરલાઇન્સમાં કૅબિન-ક્રૂ બહેને ચમકતાં ચણિયાચોળી અને ભાઈએ કેડિયું-ચોરણી અને માથે પાંચાળી પાઘડી પહેરી હશે. આગળની આખી સૂચનાઓનું પોસ્ટમૉર્ટમ કાઠિયાવાડી અંદાજમાં કહેશે:

એ બાપલા સૌને રામ-રામ... કાઠિયાવાડી હવાઈયાત્રાનું આ બલૂન... એલા કયા નંબરનું છે? જરાક બારીની બહારથી વાંચી લેજો! આ બલૂન ઊપડવાની અણી માથે સે. હવે તમે અટાણે હાલતી ગાડીએ મોબાઇલ ચાલુ રાખી અમારી અણી નો કાઢતા. આપણા પાયલોટ મંગળુભા અને જોરુભા છે. હિંમત રાખજો. તેણે પીધો નહીં હોય તો રાજકોટથી મુંબઈ પિસ્તાળીસ મિનિટમાં પોગસું ને પીધો હશે તો બાવીહ મિનિટમાં, હમજ્યા? હું રવજી તમારા બાપાનો નોકર નથી. આ તો ભાઈબંધની ઍરલાઇન્સ છે એટલે ટાઇમપાસ સારુ નોકરી કરું છું. ગુજરાતી સિવાય એકેય ભાષા બલૂનમાં કોઈને નથી ફાવતી. અંગ્રેજીમાં કોઈએ ટઇડ-ટઇડ કરવું નહીં!

હાલો હવે સટાસટ સંધાય સાગમટે મોબાઇલ ને લૅપટૉપ ઠારી નાખો. પસી ઊડવામાં કાંઈ લોચો પડે તો લાગે-બાગે લોહીની ધાર, આપણી ઉપર કાંઈ નહીં. બારીયું ઉઘાડી રાખજો એટલે બાપગોતર પેલી વાર બલૂનમાં બેઠા હો તો હેઠે જોવાની મોજ પડે. સહુ-સહુના પટ્ટા આવડે એવી રીતે બાંધી લ્યો ને ઘચકાવીને બાંધજો, પસી કેતા નહીં કે કીધું નહીં!

સીટું સખણી રાખજો. લાંબો વાંહો કરવામાં વાંહે બેઠેલાનાં ગોઠણ છોલાઈ જાહે. ખાવાની થાળીયુંનું ટેબલ અટાણથી ખુલ્લું નો રાખવું. ભૂખડીબારસ ભેગા થયા લાગો છો. બલૂન ઊપડશે એટલે ગોંડલના ગાંઠિયા ને ચટણી મફત મળશે, હમજ્યા?

બીજું ખાસ કે તમારાં કરમ કૂતરા લઈ ગ્યા હઈશે તો બલૂનમાં હવાનું દબાણ ઓછું થાંહે ને પસી ઑક્સિજનની આવી પીરી કોથળીયું લબૂક દેતી એની મેળે હેઠી પડશે. પણ બે કોથળી પોર કોક લુખ્ખો કાઢી ગ્યો સે એટલે ભાઈગ હશે એના જ માથે કોથળી પઈડશે! બીજી ભાભીયુંની સેવા કરતાં પેલાં પોતે કોથળી પેરી લેવી. હરખપદૂડા થવામાં જાનથી જાહો. પસી કેતા નહીં કે કીધું નહીં!

આ બલૂનમાં આઠેક કમાડ છે એવું સાંભળ્યું છે, પણ મને તો એક જ જઈડ્યો સે. બીજાં સાત તમને મળે તો તમારી રીતે ગોતી લેજો. મળે ને ખૂલે તો તમારા ભાઈગ. બલૂનને જો પાણીમાં ઊતરવું પડે તો આમ તો કાંઈ વેત રેશે નહીં, પણ છતાંય ટાણું ર્યે તો સીટ હેઠેનું રક્ષાજૅકેટ છોકરાના દફ્તરની જેમ પહેરી લેજો કે નળીયું ફુલાવી મગન મળે ન્યાથી નીકળી જાજો. ને પાછું કહું છું - બીડીયું-ચલમ ઠારી નાખજો. બલૂનમાં ઍરહૉસ્ટેસ સવિતાબહેન, ચંપાબહેન, રંજનબહેન આ ત્રણેય અમારા કુટુંબની જ દીકરીયું છે એટલે સંધાયને બેનની નજરૂથી જોજો. મુંબઈ ઊતરીને એકાદને લેવા પડે ને લમધારવા નો પડે ઈ ધ્યાન રાખજો. પછી કોઈ હગું નહીં થાય. પાયલોટનું મગજ બહુ ગરમ છે ને તમે જાનમાં નથી આઈવા. યાદ રાખજો; સીટ જ ભાડે લીધી છે, આખું બલૂન નહીં... લ્યો... હાલો હવે ઊપડો. આટલા રૂપિયામાં આટલું જ હોય વળી! રામ રામ!

કાઠિયાવાડી ઍરલાઇન્સની સૂચનાઓ નવા વરસે નવી રીતે વાંચ્યા બાદ આવતા રવિવારે રાહ જોજો. સુરતની હુરટી ઍરલાઇન્સ અને મહેસાણી ઍરલાઇન્સ વેઇટિંગમાં છે...

ઑફ ધ રેકૉર્ડ

આ SMS કયા પક્ષમાં ગણવો ઈ વાચકો વિચારી લ્યે. રજનીકાન્તની ફિલ્મોમાં તેને ગ્પ્ષ્ કાર અને ગુજરાતી ફિલ્મોમાં નરેશ કનોડિયાને દેશી જીપ. આને કહેવાય અન્યાય... કેન્દ્ર સરકારનો ગુજરાતને હળાહળ અન્યાય!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK