લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૪

Published: 11th November, 2012 07:29 IST

દિવાળી તો આ આવી, હવે બધી તૈયારી કરવી જોઈએ.વર્ષા અડાલજા

દિવાળી તો આ આવી, હવે બધી તૈયારી કરવી જોઈએ.

કાજલ લોખંડવાલા માર્કેટમાં જતી અને જાતભાતની વસ્તુઓથી ઊભરાતા મોટા સ્ર્ટોસ જોઈને ખુશ થતી. આખો રસ્તો લાઇટનાં તોરણોથી ઝગમગવા લાગ્યો હતો. બધે જ સેલનાં પાટિયાં ઝૂલતાં હતાં. અખબારો જાહેરાતોથી ઊભરાતાં હતાં. કારના શોરૂમના ઉદ્ઘાટનની અને એના પ્રમોશનની જાહેરખબરનું થોડા સમય પહેલાં જ શૂટિંગ કર્યું હતું. આજકાલમાં જ જાહેરખબર આવવાની શરૂ થવાની હતી. એક અંગ્રેજી ફૅશન-મૅગેઝિનની કવરગર્લ તરીકે પણ ફોટોશૂટ થયું હતું. જાણીતા ફૅશન-ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ રોહિત ખન્નાએ ડિઝાઇન કરેલાં ઇન્ડો-વેસ્ટર્ન વસ્ત્રો પહેર્યા હતાં.

આજે મૅગેઝિન સ્ટૅન્ડ પર મુકાવાનું હતું. હોંશભેર કાજલ નીકળી પડી હતી. જાણે આજે જ દિવાળી હોય એમ ચોતરફ ઝાકઝમાળ હતી. લોકો ઉત્સાહથી ખરીદી કરતા હતા.

નાની-મોટી રેસ્ટોરાં લંચના સમય પહેલાંથી જ ભરચક હતી.

અવારનવાર જે ન્યુઝ-સ્ટૅન્ડ પરથી તે ફૅશન-મૅગેઝિન ખરીદતી હતી એ સ્ટૉલ પર પહોંચતાં જ યાદવ ખુશખુશાલ થઈ ગયો અને ઊછળી જ પડ્યો:

‘આપ કા ફોટુ મેમ! પતા થા

આપ આએગી.’

યાદવે ઉત્સાહથી બે-ત્રણ કૉપી કાજલના હાથમાં મૂકી દીધી. તે જોતી જ રહી ગઈ. તાજ હોટેલના સ્વિમિંગ-પૂલ પાસે સુંદર હીંચકા નજીક તે પીકૉક બ્લુ અનારકલી ડ્રેસમાં ઊભી હતી : ઓ માય ગૉડ! આ જ તે હતી? કાજોલ? બ્લુ સ્ટોન અને ડાયમન્ડ જ્વેલરી, સહેજ એક તરફ ઝૂકેલો ચહેરો, ફૂલોની ડાળ જેવી લચીલી કાયા, બ્લુ ઝાંયના કૉન્ટૅક્ટ લેન્સિસ પહેરેલી. પાંદડિયાળી આંખો, સહેજ ખુલ્લા હોઠ, પવનમાં ઊડતા વાળ...

કાજલ તાકી જ રહી. આટલી સુંદર હતી તે! કરણ તો મૅગેઝિનના કવર પરની તસવીર જોઈને પાગલ જ થઈ જશે. યાદવે આશાથી ધરી રાખેલી

ત્રણ-ચાર કૉપી તેણે ખરીદી લીધી. યાદવ બીજા ઘરાકની પળોજણમાં પડ્યો. રસ્તાની ધારે ઉત્સાહથી ઊભરાતી કાજલ ઊભી રહી. કોને બતાવું?

કોશિશ કરીને પણ નામ યાદ ન આવ્યું. ઘરે કોણ હતું જે તેના આનંદમાં ભાગીદાર બને? કરણ ત્રણ દિવસથી મળ્યો નહોતો. ટ્વિન ટાવરના બીજા બિલ્ડિંગનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. સૅમ્પલ ફ્લૅટ થતાં બારેક મહિના તો ખરા જ. ત્યાં સુધી એનું શૂટિંગ થવાનું નહોતું.

તેના ઘરના લોકો મૅગેઝિન પરનો તેનો ખૂબસૂરત ફોટો જોશે? ના રે, ફૅશન-મૅગેઝિન ખરીદે જ શું કામ?

જોરથી ધક્કો લાગ્યો. તે પડતાં-પડતાં રહી, પણ એક કૉપી તો હાથમાંથી પડી જ ગઈ. થોડું પાણી પડેલું હતું એનો કાદવ લાગ્યો. ચિડાઈને તે બોલવા જતી હતી કે એક સ્ત્રીએ બાળકનો હાથ પકડીને તેને પાસે ખેંચી લીધું.

‘સૉરી, શિવ બહુત શરારતી હૈ...’ બોલતાં તે શિવને વઢવા લાગી : આમ રસ્તા પર દોડાદોડી કરાય? જો દીદીનું મૅગેઝિન પડી ગયું. કિતના પૈસા હૈ, આપકો દે દૂંગી.

‘ના-ના,’ કાજલથી બોલાઈ ગયું, ‘પૈસા નથી જોઈતા. રસ્તા પર કેમ દોડે છે? કેટલી ભીડ છે રસ્તા પર?’

પેલી સ્ત્રી ભાગવા માગતા શિવને પકડવાની કોશિશ કરતી હતી. તેનો પતિ બપોરનું અખબાર ખરીદી રહ્યો હતો. કાજલ ઘડીક ઊભી રહી. કદાચ અખબારની બાજુમાં જ પડેલા મૅગેઝિન પરથી તેને આ દંપતી ઓળખી જાય અને બે સારા શબ્દ કહે. કાજલે ગૉગલ્સ ઉતારી લીધાં, પણ કોઈનું ધ્યાન નહોતું. શું ખરીદી કરવી છે એની વાતો કરતું દંપતી ચાલ્યું ગયું.

થોડી પળ વીતી ગઈ.

કોની રાહ જોતી હતી તે? કોણ ઓળખવાનું હતું તેને? સૌ પોતાના સ્વજનો સાથે શૉપિંગનો આનંદ માણી રહ્યા હતા. હવે ઑટો કરી લેવી જોઈએ. ખાલી ઑટો દેખાઈ નહીં. તેણે ચાલવા માડ્યું. જરા આગળ એક ઑટો ઊભી રહી. કોઈ ઊતરી રહ્યું હતું. કાજલ ઝડપથી પહોંચી ગઈ.

‘અરે, કાજલ તું?’

કાજલ અનુને જોતાં હસી પડી.

‘લે, આમ મળી જઈશું એનો ખ્યાલ પણ નહોતો. ચાલ, લંચ લઈએ. પછી મારું ઘર બતાવું.’

‘નૉટ અ બૅડ આઇડિયા.’

‘અહીંની બધી રેસ્ટોરાં ભરેલી છે. ચાલ, કોઈ શાંત જગ્યાએ જઈએ.’

બન્ને બહેનપણીઓ ઑટોમાં બેસી ગઈ.

€ € €

સાવિત્રીબહેને ગરમ મોહનથાળનાં ચોસલાં પાડી ડાઇનિંગ ટેબલ પર થાળી ઠરવા મૂકી. ઘરમાં લોટ શેકાવાની અને કેસરની મીઠી સુગંધ ફેલાઈ ગઈ હતી.

દિવાળીનાં વધામણાં શરૂ થઈ ગયાં હતાં. સાંજ પડતાંમાં તો સોસાયટીનાં બાળકો કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડવા ઊતરી પડતાં હતાં. ઘણાં ઘરોના બારણે વીજળીનાં તોરણો ઝબૂકતાં હતાં. અગ્રવાલે નવી કાર ખરીદી હતી અને હંમેશની જેમ પૂજાનો પ્રસાદ આપી ગયા હતા. સવારે જ ચંદ્રિકાબહેનનો ફોન હતો:

‘ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેવું છે? તમારા માટે મીઠાઈનો ઑર્ડર લઉં? આ વર્ષે તમારે તો સ્પેશ્યલ દિવાળી છે ખરું!’

તેમને નવાઈ લાગી હતી : દિવાળીમાં તેમના માટે વિશેષ શું છે?

તરત તેમણે જ જવાબ આપ્યો હતો : તમારાં તો ત્રણેય સંતાનો કેવાં જાતમહેનતથી આગળ આવ્યાં! ઘરે કાર આવી અને નાની દીકરી તો બધાથી મુઠ્ઠીઊંચેરી નીકળી. લો, જુહુના સાડી સ્ટોરનું તેનું કૅટલૉગ બહુ સરસ છે હોં! હું સાડી લઈ આવી. શોરૂમમાં કાજલનું મોટું પોસ્ટર છે. આ વખતે દિવાળીના આપણા ગેટ-ટુ-ગેધરમાં કાજલને લાવજો, એક પ્રેરણાદાયી પ્રવચન...

સાવિત્રીબહેને માંડ પૂરી વાત સાંભળી. કાજલ જુદી રહેવા ચાલી ગઈ છે એ વાત હજી જ્ઞાતિમાં અને મિત્રોમાં ફેલાઈ નથી, પણ કૉમ્પ્લેક્સમાં સૌ જાણે છે. મિસિસ અગ્રવાલે તો એક વખત તેમને કહ્યું પણ ખરું : હાય રામ! દીકરી ઘર છોડીને ચાલી ગઈ? મેં કાનોકાન ઝઘડો સાંભળ્યો હતો. મારી દીકરી સામે મોં ખોલે તો અગ્રવાલજી તો બરાબર ફટકારે. પ્રિયા કી ભી શાદી કર ડાલો, નહીં તો...

મિસિસ અગ્રવાલે તો મોં પર કહ્યું, પીઠ પાછળ કહેનારા પણ હશેને! ઘરમાં શાંતિનાં ડહોળાયેલાં જલ હજી જંપ્યાં નથી ત્યાં મીઠાઈનો ઑર્ડર લેવો કે ન લેવો એની મનમાં અવઢવ ચાલતી હતી. તરુણે જ સાવિત્રીબહેનને હંમેશની જેમ દિવાળી ઊજવવાનો આગ્રહ કર્યો : તે જ્યાં છે ત્યાં સુખી છે. તે આપણા વિશે વિચારતી નથી તો આપણે શું કામ દુ:ખી થવું? દિવાળી તો ઊજવવાની જ, પપ્પાનો મૂડ પણ થોડો ઠીક થશે.

તેમણે તરુણને આગ્રહ કર્યો હતો : ગમે-તેમ કરીને મારી કાજલનું સરનામું લાવી આપને!

‘શું કામ હાથે કરીને અપમાન વહોરવા જવું છે?’ માના હાથમાં વીસ હજાર રૂપિયા મૂકી તરુણ ચાલ્યો ગયો.

મોહનથાળનાં ચોસલાં પાડતાં સાવિત્રીબહેનનો હાથ થંભી ગયો.

કાજલને નથી ઘરકામ આવડતું, નથી રસોઈ. શું કરતી હશે? શું જમતી હશે? શું તે ઘરને લગીરે યાદ નહીં કરતી હોય! પ્રિયાએ પણ એમ જ કહ્યું છે : મમ્મી, તું નકામી ચિંતા કરે છે; તે એકલી રહે છે, ભણે છે અને કમાય છે. તેને જેવું જોઈતું હતું એવું જીવન જીવી રહી છે. અહીંથી નીકળીને તે ખુશખુશાલ છે, તું પણ છેડો ફાડી નાખ.

પણ કાગળ ફાડી નાખી શકાય, મન પરની લાગણીઓને ઉતરડી નાખવી શું સહેલું છે! બસ, તેના સરનામાની જો ખબર પડે તો થોડો, તેમણે હાથે બનાવેલો નાસ્તો બહારથી જ આપીને...

ડોરબેલ રણકી ઊઠી.

ઘરમાં કોઈ નથી. પ્રિયા, ધીરુભાઈ ઑફિસ જવા નીકળ્યાં છે અને તરુણ લોનાવલા ગયો છે. સાવિત્રીબહેને બારણું ખોલ્યું. નવાઈ પામી ગયા.

‘અરે તમે? શું થયું? તબિયત સારી નથી?’

ધીરુભાઈ ચૂપચાપ અંદર આવ્યા અને સોફામાં બેસી પડ્યા. સાવિત્રીબહેન પાણીનો ગ્લાસ લઈ આવ્યાં. પાસે બેસીને પીઠ પર હાથ ફેરવ્યો. તે હાંફી રહ્યા હતા. પાણી પી સ્વસ્થ થવા મથતાં તેમણે કહ્યું, ‘સ્ટેશનથી પાછો આવ્યો. ઑફિસ જવાનું મન જ ન થયું. જે થયું...’

તે ધ્રૂજી ઊઠ્યાં.

‘હજી તો પુલ પર હતો અને કાનમાં ઈયરપ્લગ ભેરવી મોબાઇલ પર મ્યુઝિક સાંભળતી બે જુવાન છોકરીઓ... ટ્રેન નીચે...’

તેમણે છાતી પર માથું ઢાળી દીધું. સાવિત્રીબહેનનું હૃદય વળ ખાઈ ગયું. મુંબઈમાં રેલવે-ટ્રૅક પર કપાઈ મરતા લોકોની વાત હવે જાણે રોજની થઈ ગઈ છે. અખબારમાં જ્યારે પણ રેલવે-ટ્રૅક અકસ્માતના મૃત્યુ-આંક પ્રગટ થાય છે ત્યારે હૈયું દ્રવી ઊઠે છે, પણ આજે નજરોનજર છિન્નભિન્ન લોહી ભરેલાં અંગો જોઈને પતિ ભાંગી પડ્યા હતા. એમાં યુવાન છોકરી બોલતાં તેમના સ્વરે અનુભવેલા કંપ પરથી સાવિત્રીબહેન સમજી શક્યાં કે તેમની નજર સામે કોનો ચહેરો ઝબકી ઊઠ્યો હશે!

મા-બાપની અદૃશ્ય લાગણીઓના ઘેરા રંગ સંતાનો નરી આંખે જોઈ શકતાં હોત તો? સાવિત્રીબહેન જાણે છે. વિજ્ઞાને શોધેલા જાદુઈ રસાયણથી કાગળ પરના અદૃશ્ય અક્ષરો ઉકેલી શકાય છે, પણ મમતાની લિપિ કોણ વાંચી શકે? કાજલે આ દૃશ્ય જોયું હોત તો?

સાવિત્રીબહેને ઊભા થતાં કહ્યું, ‘દુ:ખ તો થાય. રોજ આવું વાંચીને કાળજું કઠણ કર્યે છૂટકો. હું સરસ ચા બનાવું. આપણે સાથે પીએ.’

સાવિત્રીબહેને રસોડામાં એક તરફ મોહનથાળની થાળી ઢાંકી દીધી અને ચાનું પાણી મૂક્યું.

€ € €

કાજલે લૅચ-કીથી બારણું ખોલ્યું.

‘કમ ઇન અનુ. વેલકમ હોમ.’

અંદર દાખલ થતાં અનુ સ્તબ્ધ થઈ ગઈ. કેટલું સરસ ઘર! એકલી કાજલનું. સુવાંગ.

‘ચાલ, તને બતાવું.’

કાજલ સાથે ઘરમાં ફરી અનુ આરામદાયક ચૅરમાં બેઠી. તેની નજર ચારે તરફ ફરી વળી. સોફા, કાર્પેટ, ક્રૉકરી, ઝુમ્મર બધું જ કીમતી અને ક્લાસિક. આ બધો ઠઠારો તો કરણનો જને! મનના એક ખૂણાને ઈર્ષાનો તણખો બાળી રહ્યો : આ બધું કાજલને મળ્યું એમાં તેનો પણ નાનકડો હિસ્સો હતો એ વાત જાણે કાજલ વીસરી જ ગઈ! ક્યારેય એક નાનુંસરખું થૅન્ક યુ પણ નહીં. કાજલના પહેલા ફોટોશૂટના ર્પોટફોલિયો પછી કરણે જ થોડા રૂપિયા, અહેસાનના ભાવે તેના હાથમાં મૂક્યા હતા. બસ, વાત પૂરી થઈ ગઈ હતી. કાજલને ઘડી-ઘડી આત્મવિશ્વાસ આપ્યો, ધરપત આપી, ઍડ-એજન્સીઓમાં ફરી પીઆરવર્ક કરવાની પ્રેરણા આપી એ બધાની થોડા હજાર રૂપિયા આપીને કરણે કિંમત ચૂકવી દીધી હતી અને આ બધું પોતાના પ્રતાપે પામી હોય એમ કાજલ ગર્વથી પૂછતી હતી : અનુ, કેવું લાગ્યું ઘર?

‘મસ્ત છે યાર. યુ આર વેરી લકી.’

કાજલે ફ્રિજમાંથી પેપ્સીની બૉટલ કાઢી અને બે ગ્લાસ ટ્રેમાં લઈને આવી. ટેબલ પર મૂકતાં કહ્યું, ‘મને પણ જોતાં જ ગમી ગયું. કરણે તો તરત જ સોદો કરી નાખ્યો.’

પેપ્સીનો ઠંડો ઘૂંટ ભરતાં અનુએ કાજલના અહમ્ના ફુગ્ગામાં ઝીણું છિદ્ર પાડી દીધું.

‘તેં ઘર છોડી દીધું એની ખબર પડી તો મને એમ કે તું અને કરણ ફટાફટ પરણી ગયાં હશો.’

કાજલ પરાણે હસી, ‘બસ, થોડી વાર છે. પહેલી કંકોતરી તને જ આપીશ.’

અનુને મજા પડી, ‘એટલે તમે લગ્નનું હજી કંઈ નક્કી નથી કર્યું? વેરી સૅડ.’

કાજલનો હાથ કંપી ગયો. પેપ્સી જરા છલકાઈ, ‘લે, એમાં સૅડ શું? ખુશ થવા જેવી વાત નથી? મારું ભણવાનું પૂરું થાય પછી...’

અનુએ શબ્દોના પાસા પટમાં ફેંક્યા, ‘જોજે મોડું ન થાય, સાંભળ્યું છે... એટલે કે ગૉસિપ કૉલમ યુ નો... કરણ તો અત્યારે મૅરેજ માર્કેટમાં મોસ્ટ એલિજિબલ બૅચલર ગણાયને! તેની મમ્મી તેમની આંખના રતન માટે કોડીલી કામણગારી કન્યાની કુંડળીઓ વાંચી રહ્યાં છે!

‘વૉટ? ના-ના, એવું બને જ નહીં.’

અનુ હસી પડી ડંખીલું, ‘અરે ભઈ, આ તો તારી એક શુભેચ્છક અને પ્રશંસક તરીકે તને ચેતવી. આજકાલ કઈ ઍડ ચાલે છે?’

‘ઍડ તો મળે છે, રૅમ્પ-વૉકિંગ પણ હમણાં કર્યું - નવા જ ફૅશન-ડિઝાઇનર વિકી મલ્હોત્રા માટે. બસ, એક મોટા બ્રેકની રાહ જોઉં છું. પરીક્ષાની તૈયારી, જિમ... લાઇફ ઇઝ બ્યુટિફુલ અનુ.’

‘સરસ. ચાલ, પહેલાં થોડું શૉપિંગ કરીશું? ત્યાં લંચનો ટાઇમ થશે. તારે પણ દિવાળીની ગિફ્ટનું શૉપિંગ હશેને!’

કાજલ શૂઝ પહેરવાના બહાને નીચું જોઈ ગઈ. કોના માટે શૉપિંગ કરે? મમ્મીની સસ્તી સાડીઓ, પ્રિયાનાં સ્ટ્રીટ-માર્કેટનાં સલવાર-કમીઝ, પપ્પાનાં થોડાં ઝાંખાં થઈ ગયેલાં શર્ટ્સ સાંભરી આવ્યાં : હમણાં તેમના માટે ઢગલો શૉપિંગ કરે, પણ... પછી... તે લોકો સ્વીકારે... ન સ્વીકારે. જવા દે. તેમના નસીબમાં નહીં, બીજું શું?

ઘર બંધ કર્યું. બન્ને નીચે ઊતરી.

‘બાપ રે! બહુ શાંતિ છે નહીં કાજલ? મને તો ગભરામણ જ થાય, પણ તને તો ગમતું જ હશે. જોને તારા ઘરે તને કેટલો અવાજ અને પૉલ્યુશન લાગતાં હતાં!’

કાજલે ઑટોને હાથ ઊંચો કર્યો. અનુ અચાનક મળી ગઈ. તે ઘરે પણ આવી તેથી તે ખુશ થઈ ગઈ હતી. મનમાં ગુદગુદી થઈ હતી : ચાલો, કોઈકે તો તેના સુખનું સરનામું જોયું. અનુને નક્કી તેની જિંદગી શો-કેસમાં ગોઠવેલી કોઈ અતિસુંદર કીમતી વસ્તુ જેવી લાગતી હશે. જુએ તો નક્કી છક્કડ જ ખાઈ જાય. અગર તેના ઘરના લોકો એક વાર પણ જુએ તો નક્કી છક્કડ જ ખાઈ જાય. ખબર પડે કે મને જાકારો આપીને કેવી ભયંકર ભૂલ કરી છે! થોડો પણ સંબંધ રાખ્યો હોત તો તે પણ સૌને ગમતી વસ્તુઓ ખરીદી આપત.

‘તું તો ચૂપ જ થઈ ગઈ? ઑટો, બસ-બસ...’

બન્ને ઊતરી. અનુએ પૈસા આપ્યા.

‘ચાલ, એટલા તો હું પણ સાડીના ફૉલમાંથી અને પાર્ટટાઇમ જૉબમાંથી કમાઈ લઉં છું.’

‘તું જૉબ કરે છે?’

‘છે નાનું કામ એક. ચાલ શૉપિંગ કરીએ.’

અનુએ યાદ કરીને ઘરના બધા માટે સરસ ભેટવસ્તુઓ ખરીદી, ગિફ્ટ બંધાવી. કાજલ અનુના ચહેરા પર છલકાતો આનંદ જોઈ રહી. તેને યાદ આવ્યું : પપ્પા-મમ્મી ત્રણે ભાઈ-બહેનોને દિવાળીમાં કપડાં અને ફટાકડા અપાવવા લઈ જતાં. પછી છેલ્લે આઇસક્રીમ. સસ્તું ફ્રૉક પહેરીને પણ કેટલો આનંદ થતો હતો! ત્રણ-ચાર વર્ષથી તે સાથે ખરીદી માટે ગઈ નહોતી. સસ્તી ચીજવસ્તુઓ જોઈને તેનું મોં ચડી જતું. આજે તેની પાસે મોંઘીદાટ વસ્તુઓ હતી, પણ...

અનુએ બે હજાર રૂપિયાનું એક પર્સ જોઈને મૂકી દીધું. પૈસા ચૂકવ્યા અને થેલીઓ લઈને બન્ને બહાર નીકળી. એક મિનિટ કહેતાં કાજલ ફરી અંદર ગઈ. થોડી વારમાં બહાર આવી અને અનુના હાથમાં પૅકેટ મૂક્યું:

‘ધિસ ઇઝ ફૉર યુ. મને યાદ કરજે. તારું પર્સ.’

‘અરે... પણ.’

‘પણ ને બણ. નાની ગિફ્ટ છે યાર. આપણી ફ્રેન્ડશિપની સ્મૃતિ. ચાલ, અહીં જ બેસીએ.’

બન્ને એક રેસ્ટોરાંમાં દાખલ થયાં. થોડી વારે ટેબલ મળ્યું. વાતો કરતાં-કરતાં લંચ લીધું. કાજલે ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવ્યું. નાઇસ ટુ મીટ યુ, કીપ ઇન ટચ - કહેતાં બન્ને છૂટાં પડ્યાં. કાજલે લૅચ-કીથી બારણું ખોલ્યું.

તહેવારના ઉત્સવના માહોલમાંથી સૂના ઘરમાં પ્રવેશતાં કાજલ જરા ખચકાઈ. કામવાળી બાઈ રાહ જોતી ઊભી હતી.

‘ઐસા ખડા રહને કા ટેમ નહીં.’

કામે વળગતાં તે બોલતી રહી : દિવાલી મેં ચાર દિન કી છુટ્ટી સમજે મૅમ!

કાજલ ગભરાઈ ગઈ.

‘પ્લીઝ, છુટ્ટી મત લેના, દિવાલી કા ડબલ બોનસ.’

તે સામે ઊભી રહી અને બોલી, ‘પૈસે કા રોબ મત દિખાઓ. ફૅમિલી કે સાથ ઘૂમને કા નઈ ક્યા? અપના પૈસા આપકે પાસ રખો.’

કાજલ છોભીલી પડી ગઈ. પોતાનું ફૅમિલી તો અફર્કોસ કરણ! તે ઉપરાઉપરી ફોન કરતી રહી. કરણનો ફોન સ્વિચ્ડ-ઑફ હતો. ધબ્બ દઈને ફોન પછાડ્યો અને બેડરૂમમાં બે-ત્રણ પુસ્તકો લઈને આડી પડી. વાંચવામાં મન ન લાગ્યું. ત્યાં સેલફોનની સ્ક્રીન પર લાઇટ ઝબૂકી. કરણનો મેસેજ! તે કૂદકો મારીને બેઠી થઈ ગઈ. મેસેજ હતો : હની, બે દિવસ હજી નહીં મળી શકું. તું ફોન નહીં કરતી, હું જ કરીશ. લવ યુ કરણ.

બાઈ જતાં-જતાં બારણું જોરથી પછાડતી ગઈ. શાંત ઘરમાં પડઘો પડ્યો. કરણ મળવા નહીં આવે, ફોન પણ નહીં કરવાનો? અનુના શબ્દો સેલફોનના મેસેજની જેમ ઝબૂકી ઊઠ્યાં : કરણની મમ્મી કોડીલી કન્યાઓની કુંડળી જુએ છે.

નસોમાં ધમધમ લોહી વહેવા માંડ્યું. કરણના ફ્લૅટની સામેનો દરિયો છાતીમાં ઊછળવા લાગ્યો. આજુબાજુ પાણી ફરી વળ્યાં હોય એમ તેને ગૂંગળામણ થવા લાગી. સપાટી પર આવવા તેણે હવામાં હાથ વીંઝ્યા. કરણ... કરણ... વમળની જેમ નામ ઘૂમરી ખાવા લાગ્યું. દાંત ભીંસીને કાજલે કરણને ફોન કર્યો : ધ નંબર યુ આર ટ્રાઇંગ ટુ રીચ ઇઝ સ્વિચ્ડ-ઑફ. તકિયાનો ઘા કરીને કાજલ પલંગમાં પડખું ફેરવી ગઈ.

€ € €

‘આજે ધનતેરસ છે તરુણ, પણ દિવસ કેવો ખરાબ ઊગ્યો છે!’

લીવ ઍન્ડ લાઇસન્સ પર શંકરે મલાડમાં વન બેડરૂમનો ફ્લૅટ રાખ્યો છે. ત્યાં ત્રણે મિત્રો આવતા-જતા રહે છે. વિદેશી શરાબનો માલ પણ ઘણી વાર હોય છે. કોઈ વાર અર્જન્ટ ડિલિવરી કરવી પડે છે. તરુણે પીત્ઝા ઑર્ડર કર્યો છે. રાહ જોતાં તે ટીવી પર ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યાં શંકરે ચિંતાથી કહ્યું.

તરુણે રિમોટમાં મ્યુટનું બટન દાબ્યું, ‘કેવી વાત કરે છે શંકર? આજે ધનતેરસ છે અને તું સપરમા દહાડે આવી અશુભ વાત કરે છે? હું બે દિવસ તિથલ રિસૉર્ટમાં ડિલિવરી કરવા શું ગયો કે... બોલ? શું આભ તૂટી પડ્યું?’

‘યાર, પ્રકાશનો પત્તો નથી.’

તરુણ ચમકી ગયો, ‘એટલે? સમજાય એવું બોલ.’

‘અરે ભાઈ, સમજવાનું કંઈ નથી. તને ખબર છેને કે ગોયલસાહેબની પાર્ટી હતી. તેમના ફૉરેન ગેસ્ટ માટે ઍરર્પોટથી ઍરર્પોટની વ્યવસ્થા ને હોટલબુકિંગ-કાર બધું જ આપણા માથે હતું. પાર્ટીમાં દારૂ તો આપણો જ...’

‘બધી ખબર છે. ગોયલની લપ છોડ ને પ્રકાશની વાત કર!’

‘ભારે અધીરો. પરમ દિવસે કામ ખતમ થયું, પેમેન્ટ થઈ ગયું...’

‘એટલે પૈસા લઈને ઊપડ્યો હશે કોઈ કન્ટ્રીબારમાં અને છોકરીના ચક્કરમાં અટવાયો હશે. આવી જશે. આ ડૉરબેલ. મારો પીત્ઝા તો આવી ગયો.’

તરુણ પીત્ઝાનું બૉક્સ લઈને પાછો આવ્યો, ‘ચલ ખા, લહેર કર.’

‘તરુણ. મેં હૉસ્પિટલોમાં જોયું, તેની ફેવરિટ બારગર્લને પણ મળી આવ્યો; પરંતુ પ્રકાશના કંઈ ખબર નથી. પચીસ ફોન કર્યા. સ્વિચ્ડ-ઑફ.’

તરુણના હાથમાં પીત્ઝાનો ટુકડો રહી ગયો. પ્રકાશના ખબર નથી? કદાચ પકડાઈ ગયો હોય... મારામારી... ખૂન... તરુણ કંપી ઊઠ્યો. તેણે પીત્ઝા નીચે મૂકી દીધો અને શંકરની સામે જોયું. બન્નેની આંખોમાં એક જ પ્રશ્ન હતો. શંકરે ડોકું ધુણાવ્યું:

‘ના, લૉક-અપમાં તો ન જ હોય. આપણને જામીન માટે ફોન કરે, સંદેશો મોકલે... મને સમજણ નથી પડતી શું કરવું.’

‘તેના ઘરે ગયો છે તું? તેની કોઈ ખાસ જગ્યા હોય...’

‘ના, ઘરે જવા જેવું છે જ ક્યાં? તને ખબર છે કે દારૂડિયો બાપ છે. તેને પ્રકાશની સાથે પૈસાની જ લેવાદેવા અને ખાસ જગ્યા કે દોસ્ત જે ગણો તે આપણે જ. તરુણિયા, કાલ ઊઠીને અમે બે પણ સાથે દુનિયાને અલવિદા કરી દઈએ તો તું એકલો જ રડવાવાળો... એય... રડીશ કે નહીં?’

તરુણ ચિડાઈને બોલ્યો, ‘શું ધડ અને માથા વિનાની વાત કરે છે?’

શંકર બેસી પડ્યો. તેનો ચહેરો ઝંખવાયો. છાતી પર માથું ઢાળી દીધું.

‘ખરું કહું છું યાર, તમારા જીવનનો કોઈ અર્થ તો હોવો જોઈએ! કોઈના માટે જીવવું, કમાવું... ત્યારે કેવી લાગણી થતી હશે! તમે સાંજે ઘરે પાછા ફરો ત્યારે ટમટમતા દીવડાનું તેજ આંખમાં લઈને કોઈ ઉંબરે રાહ જોતું હોય.’

શંકર...

શંકર ક્યાં અહીં હતો? દાદા... મા-બાપ... નાની બહેન... નદીના પૂરમાં ફુગાયેલાં શરીરની લાશો... કાકા મુંબઈ લઈ આવ્યા પછી કદી પાછળ જોયું નહોતું. પણ આજે અચાનક શું થયું હતું તેને! તરુણ તેની પીડા સમજ્યો. ત્રણે મિત્રો વચ્ચે વણલખી સમજૂતી હતી કે કદી અંગત વાતો ઉખેળવી જ નહીં. મમ્મીએ એક વખત કહેલું એ હંમેશ માટે તેને યાદ રહી ગયું હતું : બેઠી ભોંય કદી ખોદવી નહીં. એમાંથી ભોરિંગ નીકળે કે સોનાનો ચરુ કોણ જાણે છે?

તે સાચે જ સદ્ભાગી હતો. માતા-પિતા, પ્રિયા... કાજલના નભ પાસે તે અટકી ગયો. તેની આસપાસ સ્વજનો હતા.

તે તરત ઊભો થઈ ગયો. શંકરને ધબ્બો માર્યો અને ઉત્સાહથી કહ્યું, ‘ચલ, કમ ઑન શંકર. થોડું રખડીએ. પ્રકાશ કોઈ દિવસ છૂપો રહે?’

‘પણ...’

તરુણે શંકરને હાથ પકડીને ઊભો કર્યો : ચલ તો ખરો.

તે જાણે સાથે ઘસડાયો. પ્રકાશના ઘરે તે કદી ગયો નહોતો. શંકરને ડ્રાઇવિંગ સોંપીને તે ચૂપચાપ બારીની બહાર તાકી રહ્યો. શંકરનો મૂડ તે જાણતો હતો. પ્રકાશના ખબર નહોતા. બન્નેનું કોઈ નહોતું અને બન્ને એકમેકના હતા. વાત કરવા પૂછ્યું, ‘તું ગયો છે તેના ઘરે?’

‘હા, આઈ હતી ત્યારે જતો. બહુ પ્રેમથી જમાડતી. તેના ગયા પછી તો પ્રકાશ છોડની જેમ મૂળમાંથી ઊખડી જ ગયો.’

ત્રણ માળની એક જર્જરિત ચાલીની સામે શંકરે કાર ઊભી રાખી. આજુબાજુ થોડી ખુલ્લી જગ્યા હતી. ત્રણ-ચાર ઑટો ઊભી હતી. તરુણને યાદ આવ્યું : ઘણા વખત પહેલાં પ્રકાશે વાત-વાતમાં કહ્યું હતું કે તેનો બાપ રિક્ષા-ડ્રાઇવર હતો. અહીં તે લોકો વધુ રહેતા હશે.

તે અને શંકર બન્ને ઊતર્યા. લાંબી ચાલીમાં હારબંધ ઓરડીઓ હતી. બહાર જાતભાતનો સામાન ખડકાયો હતો. ઓરડીઓમાં પણ લોકો સામાનની જેમ એકમેક પર ખડકાયા હતા.

તૂટેલો અંધારિયો દાદર ચડતાં તરુણને વાસ આવવા લાગી. દીવાલો પરથી પોપડા ખરતા હતા. પતરાના ડબ્બામાં ક્યાંક તુલસી હતી. સામાનમાંથી ભેજની વાસ આવતી હતી. ગરીબાઈની, કોહવાતા સમયની ગંધથી તરુણને ઊબકો આવી ગયો. એક ઓરડી પાસે જતાં બન્ને બહાર ઊભા રહી ગયા. ચાર-પાંચ પુરુષો અને એક-બે સ્ત્રીઓ ટોળું વળીને બેઠાં હતાં. એક છેડે પ્રકાશ બેઠો હતો. વધેલી દાઢી, મેલાં કપડાં... બન્નેને જોતાં જ તે ઊઠીને બહાર આવ્યો. વધુ પૂછવાની જરૂર નહોતી.

‘મેલા તો. આખરે દારૂ મારા બાપને પી ગયો.’

શંકરે ગુસ્સાથી કહ્યું, ‘ફોન તો કરવો હતો?’

‘શું કરવા? તમારા જેવાની કાંધ પામવા જેટલો બાપ નસીબદાર નહોતો.’

‘પણ પૈસા?’

‘હોતા માઝા કડે. ઊભો રહે, આવું.’

તેણે અંદર જઈને તે સ્ત્રીને કંઈ કહ્યું, બહાર આવ્યો અને સાથે ચાલવા લાગ્યો. દાદરા ઊતરીને બધા કારમાં બેઠા. પ્રકાશે ઊંડો શ્વાસ લીધો:

‘હું મોકળો થઈ ગયો. મુક્તિ બાપાને અને મને પણ.’

શંકર ચૂપચાપ કાર ચલાવતો રહ્યો. તરુણ હજી સ્તબ્ધ હતો : એકના મૃત્યુમાંથી બીજાને જીવન મળતું હતું. બાપના મૃત્યુ પર દીકરો હળવાશ અનુભવતો હતો!

પ્રકાશે શંકરના ખભે હાથ મૂક્યો, ‘બસ, અહીં મને ઉતારી દે અને ખિસ્સામાં હોય એટલા રૂપિયા આપી દે. અરે યાર, ખબર છે તારા ખિસ્સામાં પૈસા હશે. હોણાર જ. તું મને શોધવા નીકળે ખાલી ગજવે? શક્ય નાહી.’

શંકરે પાંચસોની થોડી નોટો આપી. નોટોથી હવા ખાતો તે ઊતરી પડ્યો. પાછું વળ્યાં વગર ચાલવા માંડ્યો. તરુણ ચૂપ હતો. પ્રકાશને કંઈ કહેવાથી એક વાર ઝઘડો થઈ ગયો હતો. થોડે દૂર લાઇટ ઝબૂકતી હતી : ગૅલેક્સી રેસ્ટોરાં ઍન્ડ બાર.

શંકરે કાર સ્ટાર્ટ કરી. તરુણ સરી જતી બત્તીઓમાંના અક્ષરો વાંચતો રહ્યો : બાર. હવે પ્રકાશ બારબાળા સાથે નાચશે, પૈસા ઉડાવી દેશે. પૈસા ક્યાંથી આવતા હતા ને કેવા ઠેકાણે જતા હતા!

તુલસીક્યારે પાણી રેડતી, નવરાત્રિનું પૂજન કરતી મા, પક્ષીઓને ચણ નાખવા જતા પિતા, ઉંબરા પૂજતી પ્રિયાનો મમતાભર્યો ચહેરો નજર સામે ઊભરી આવ્યો.

હવે તે ભુલભુલામણીમાં પ્રવેશી ગયો હતો. મહાભારતના યુદ્ધમાં ધુરંધર લોકો હતા, ખુદ ઈશ્વર પોતે પણ. શું ખરેખર અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી નીકળવાનો રસ્તો કોઈ જ ન બતાવી શક્યું?

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK