
અમારો મુદ્દો ભ્રષ્ટાચાર છે; પણ આ ભ્રષ્ટાચારની સાથોસાથ આવતા દિવસોમાં અમે સ્વદેશી નીતિને પણ એટલું જ મહત્વ આપવાના છીએ, રાધર આપી રહ્યા છીએ. હરિયાણામાં તો અમે રીતસરનું એક કૅમ્પેન ચલાવ્યું હતું જેને કારણે લોકો મલ્ટિનૅશનલ કંપનીઓની પ્રોડક્ટ્સ વાપરવાને બદલે ગૃહઉદ્યોગની પ્રોડક્ટ્સ વાપરતા થયા. સ્વાભાવિક રીતે લોકોના માનસમાં આવેલા આ ચેન્જને કારણે અપર ક્લાસની લાઇફ-સ્ટાઇલમાં સ્પષ્ટપણે દેખાય એવો કોઈ ચેન્જ તો ન આવ્યો; પણ તેમના ભાગમાં સારી ચીજવસ્તુઓ વાપરવાનું આવ્યું, જ્યારે શ્રમિક અને જરૂરિયાતવાળા વર્ગના લોકોને આજીવિકા માટે એક દિશા મળી અને આ દિશાને કારણે હરિયાણાનાં કેટલાંક ગામડાંની બહેનોને કામ મળતું થયું. મને લાગે છે કે આ દેશને બચાવવા માટે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જેટલો જરૂરી છે એટલી જ જરૂર સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશની છે. મલ્ટિનૅશનલ કંપનીઓ દેશમાં પ્રવેશે છે ત્યારે સ્થાનિક રોજગારીની વાતો કરે છે, ઑફિશ્યલી પ્રૉમિસ પણ કરે છે અને એ માટેના નિયમોનું પાલન કરવાનું બંધારણ પણ સ્વીકારે છે; પરંતુ છ-આઠ મહિના પછી ર્કોટમાં ઍફિડેવિટ કરીને એ બંધારણના નિયમોમાંથી છૂટી જાય છે. બંધારણની કઈ કલમનો બેનિફિટ આ કંપનીઓ લે છે એ એક આખો જુદો મુદ્દો છે અને એ મુદ્દા વિશે અમે આંદોલન કરવાના છીએ એટલે એની વધુ ચર્ચા હું અત્યારે નથી કરતો, પણ એટલું ચોક્કસ કહીશ કે મલ્ટિનૅશનલ કંપનીઓ પોતાના સ્વાર્થથી જ આ દેશમાં આવી છે અને પોતાના હિત વિના એ એક પણ સ્ટેપ ભરતી નથી. કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીના નામે પણ આ કંપનીઓ એ જ કામ કરતી હોય છે જે કામથી ડાયરેક્ટલી કંપનીને કે કંપનીના સ્ટાફને બેનિફિટ થતો હોય છે. હમણાં એક કંપનીએ પોતાની ફૅક્ટરીના રીજનમાં પાકી સડક બનાવી. રસ્તાને કારણે બધા ખુશ થઈ ગયા, પણ અમારી ટીમે તપાસ કરી ત્યારે ખબર પડી કે ડિરેક્ટરના ઘરથી ફૅક્ટરી સુધી જવાના રસ્તાને કંપનીએ પાકો કર્યો હતો.
બીજી એક કંપનીની વાત કરું. આ કંપનીએ ફૅક્ટરીની પાસે રહેલાં બે ગામને શુદ્ધ પાણી આપવા માટે ગ્રામપંચાયતને વૉટર ફિલ્ટર પ્લાન્ટ બનાવી આપ્યો. હકીકત એ છે કે ફૅક્ટરીનું કેમિકલવાળું પાણી ગામની નદીમાં ભળે છે એટલે કંપનીના મૅનેજમેન્ટે આ વૉટર ફિલ્ટર પ્લાન્ટ ફિટ કરાવવો પડ્યો છે. આ દેશની સરકાર અને સરકારમાં બેઠેલા પ્રધાનો જ્યાં સુધી સ્વાર્થભાવ નહીં છોડે ત્યાં સુધી કૉર્પોરેટ ક્ષેત્ર પાસેથી નિ:સ્વાર્થભાવની અપેક્ષા રાખવી નકામી છે. આવતા મહિનાઓમાં કેટલાંક સ્ટેટમાં ઇલેક્શન આવી રહ્યું છે. આ ઇલેક્શનમાં સત્યની સાથે ચાલનારા લોકોની પસંદગી કરવી બહુ જરૂરી છે. આ પસંદગી કરતી વખતે રાજકારણને નહીં પણ રાજભાવને જોવો જોઈએ એવી મારી બધાને રિક્વેસ્ટ છે.
ખેતીનું કોઈ મૂલ્ય નથી હવેરૉબર્ટ વાડ્રાના ભ્રષ્ટાચાર વિશે સ્પષ્ટતા કર્યા પછી અમને અનેક એવા કેસ મળી રહ્યા છે જેમાં ગવર્નમેન્ટે હેતુફેર કરી જમીનનો મૂળ હેતુ બદલીને એને ઍગ્રિકલ્ચર લૅન્ડને બદલે સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન માટે અલૉટ કરી દીધી હોય. હરિયાણા, બંગાળ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી છેલ્લા પંદર દિવસમાં ઓછામાં ઓછા પંદર હજાર લેટર અમને મળ્યાં છે. આ બધા લેટરમાં આ જ વાત કહેવામાં આવી છે કે અમારી જમીનનો હેતુ બદલીને ઍક્વાયર કરી લેવામાં આવી છે. ઍક્વાયર થયેલી આ લૅન્ડ દેખાડે છે કે આજની સરકારને ખેતીમાં નહીં પણ ઉદ્યોગમાં રસ છે. ગુજરાતમાંથી પણ આ જ ફરિયાદ સાંભળવા મળી છે. ગુજરાત બીજેપીના એક સમયના વિધાનસભ્ય કનુભાઈ કળસરિયાને હું એક વાર મળ્યો છું. કનુભાઈ પણ આ મુદ્દે ગુજરાત સરકારથી નારાજ હતા. તેમણે તો નિરમાના સિમેન્ટ પ્લાન્ટ સામે આંદોલન ચલાવ્યું હતું અને ફાઇનલી સુપ્રીમ ર્કોટમાંથી એ પ્લાન્ટના સ્થળાંતરના ઑર્ડર પણ મેળવ્યા. ખેતી માટેની આ ઉદાસીનતા ભારતના અંધકારમય ભવિષ્યનો નિર્દેશ કરે છે. ઉદ્યોગથી ક્રાન્તિ આવી શકે, પણ કૃષિથી દેશની સધ્ધરતા આવે. દરેક રાજ્યમાં એક એવી વ્યક્તિ આગળ આવે જે સરકારની ઉદ્યોગલક્ષી નીતિનો વિરોધ કરે તો આ દેશના ખેડૂતોએ પરેશાન થવાનું છોડી દેવું પડે. આગળ કહ્યું એમ કનુભાઈ કળસરિયા આવી જ વ્યક્તિ છે જેમણે જમીન બચાવવા માટે પોતાની જ પાર્ટીનો વિરોધ કર્યો અને છેવટે સત્યનો વિજય થયો.
રાજકારણ એટલે શું?રાજનીતિ આવડે એ રાજકારણ નહીં પણ રાજને કારણસભર રીતે ચલાવી શકે એ રાજકારણ છે એવું મારું માનવું છે. ચાણક્ય કહેતા, ‘જે રાજમાં સ્વાર્થહીનતા નહીં હોય અને જે રાજમાં સ્વનર્ભિરતાની વાત હશે એ રાજ અન્ય રાજની સરખામણીમાં અગ્રિમ સ્તર પર પહોંચશે.’
અત્યારના રાજકારણમાં આ બન્ને વાતની બાદબાકી થઈ ગઈ છે જે પૂરી કરવાની જવાબદારી હવે દેશની જનતાની છે. મને લાગે છે કે હવે લોકોએ પાર્ટી કરતાં પાર્ટીના ઉમેદવારને વધુ મહત્વ આપવું જોઈએ. જો ઉમેદવાર સારો હશે, સાચો હશે અને જેન્યુઇનલી કામ કરે એવો હશે તો જે-તે વિસ્તાર, રાજ્ય અને દેશનું હિત થશે.
અરવિંદ કેજરીવાલ૧૯૬૮ની ૧૬ ઑગસ્ટે હરિયાણાના હિસાર ગામમાં જન્મેલા અરવિંદ કેજરીવાલ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન નામની સંસ્થા ચલાવે છે અને ભારતમાં ઘૂસેલા ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. એક સમયના અણ્ણા હઝારેના રાઇટ હૅન્ડ એવા અરવિંદ કેજરીવાલે પૉલિટિક્સમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કર્યા પછી તેમના અને અણ્ણા વચ્ચે મતમતાંતર શરૂ થયા છે. આઇઆઇટીમાંથી મેકૅનિકલ એન્જિનિયરિંગ ભણનારા અરવિંદ કેજરીવાલે પોતાની પ્રોફેશનલ કરીઅરની શરૂઆત તાતા સ્ટીલથી કરી હતી, પણ ૧૯૯૨માં તેમણે સમાજસેવાના હેતુથી જૉબ છોડીને મધર ટેરેસાના મિશનરીઝ ઑફ ચૅરિટીઝ અને રામકૃષ્ણ મિશનની સાથે જોડાવા ઉપરાંત ઇન્ડિયન રેવન્યુ સર્વિસની એક્ઝામ પાસ કરી. ૨૦૦૬માં તેમણે લાઇફ-ટાઇમ સમાજસેવા કરવાનો નિર્ણય લીધો અને ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના જૉઇન્ટ કમિશનરપદેથી રાજીનામું આપ્યું. છેલ્લા એક મહિનાથી અરવિંદ કેજરીવાલ દેશના અલગ-અલગ રાજકારણીઓનાં કૌભાંડો ખોલી રહ્યા છે જેમાં સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રા અને નીતિન ગડકરીનો સમાવેશ છે.
આઇઆઇટી = ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી