સૅન્ડીના સપાટામાં વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જ્યારે પાણીમાં થઈ ગરકાવ

Published: 3rd November, 2012 19:19 IST

સૅન્ડીના સપાટાએ જેને અભૂતપૂર્વ નુકસાન પહોંચાડ્યું છે એવી ન્યુ યૉર્કની ટ્રેન-સિસ્ટમને બરાબર જાણીએઆર્યન મહેતા

સુપરપાવર અમેરિકાને એનાથીયે મોટા સુપરપાવરનો પરચો ગયા અઠવાડિયે થઈ ગયો. એ સુપરપાવર એટલે ઈશ્વર. એણે મોકલેલા વિનાશક વાવાઝોડા સૅન્ડીએ અમેરિકાના પૂર્વકાંઠાનાં ન્યુ યૉર્ક, ન્યુ જર્સી જેવાં રાજ્યોને રીતસર થંભાવી દીધાં. અંધારી રાતે જેની ચમકતી સ્કાયલાઇનનો ફોટો લોકો ઘરની દીવાલો પર સજાવીને રાખે છે એ મૅનહટનની સ્કાયલાઇન પર અંધારપટ છવાઈ ગયેલો. પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેરનો ભરચક રોડ એટલી હદે ભેંકાર હતો કે એના પર ક્રિકેટ રમી શકાય. જોકે જેણે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું એ હતી ન્યુ યૉર્કની જીવાદોરી ગણાતી રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ન્યુ યૉર્ક સબવે. આ

ટ્રેન-સર્વિસનાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં એટલી હદે પાણી ભરાઈ ગયાં કે અમુકનાં તો બહારથી માત્ર થોડાં પગથિયાં જ દેખાતાં હતાં. સદ્ભાગ્યે આ સૅન્ડી વાવાઝોડાની આગોતરી ચેતવણીને કારણે આ સબવે સિસ્ટમ અગાઉથી જ બંધ કરીને એનાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનો બંધ કરી દેવાયેલાં, નહીંતર મોટી જાનહાનિ થઈ હોત. ૧૦૬૨ કિલોમીટરના પાટા અને ૪૬૮ સ્ટેશનોમાં ફેલાયેલી ન્યુ યૉર્કની આ સબવે સિસ્ટમ સ્ટેશન્સની સંખ્યાની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યારે સમાચાર આવ્યા છે કે એમાંથી મોટા ભાગનું પાણી કાઢી નાખવામાં આવ્યું છે અને આ સબવે સિસ્ટમના ઘણા રૂટ ફરીથી શરૂ થઈ ગયા છે. આ અમેરિકા છે એટલે આગામી બે-એક દિવસમાં કદાચ સબવે સિસ્ટમ ફરીથી અગાઉની જેમ જ રફ્તારથી દોડવા માંડશે.

ઈસવીસન ૧૮૬૯થી પ્રાયોગિક ધોરણે અને ૧૯૦૪થી પહેલી અન્ડરગ્રાઉન્ડ લાઇન સાથે શરૂ થયેલી આ ન્યુ યૉર્ક સબવે વિશ્વની સૌથી જૂની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોવાનો મોભો ધરાવે છે.

મુસાફરોની સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો ન્યુ યૉર્ક સબવેનો દરરોજ સરેરાશ ૫૩ લાખ લોકો ઉપયોગ કરે છે. ન્યુ યૉર્કની ૮૨.૪૪ લાખની વસ્તીની સામે આ મુસાફરોનો આંકડો સરખાવીએ ત્યારે ખ્યાલ આવે છે કે મોટા ભાગના લોકો આ સર્વિસનો લાભ લે છે. આથી જ એ વિશ્વની સાતમા નંબરની સૌથી વ્યસ્ત રેલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છે.

સબવે સિસ્ટમ ન્યુ યૉર્કના મૅનહટન, બ્રુકલિન, ક્વીન્સ અને બ્રોન્કસ જેવા વિસ્તારોને જોડે છે.

આ સબવેના ૪૬૮માંથી ૪૬૩ રૂટ આખું વર્ષ ચોવીસે કલાક ચાલુ રહે છે એટલું જ નહીં, મોટા ભાગના રૂટ ન્યુ યૉર્કના સૌથી વ્યસ્ત બિઝનેસ વિસ્તાર મૅનહટન થઈને પસાર થાય છે.

સબવે નામ સાંભળીને આપણને સહેજે એવો વિચાર આવે કે આ ટ્રેન-સિસ્ટમ આખેઆખી જમીનની અંદર ભૂગર્ભમાં જ કામ કરતી હશે, પરંતુ વાસ્તવમાં એવું નથી. સબવેનો મૅનહટનને આવરી લેતો વિસ્તાર ભૂગર્ભમાં છે, જ્યારે એ સિવાયનો મોટા ભાગનો વિસ્તાર કાં તો આપણી દિલ્હી મેટ્રોની જેમ જમીનથી ઉપર છે અથવા તો નૉર્મલ રોડની સમાંતરે જાય છે.

આપણે ત્યાંની લોકલ ટ્રેન્સને જેમ ફાસ્ટ અને સ્લોમાં વિભાજિત કરવામાં આવી છે એ જ રીતે ન્યુ યૉર્ક સબવેમાં પણ બધાં જ સ્ટેશને ઊભી રહેતી લોકલ અને અમુક જ સ્ટેશને હૉલ્ટ કરતી એક્સપ્રેસ સર્વિસિસ છે. આપણે ત્યાં ટ્રેનને નામ અપાય છે; જ્યારે ન્યુ યૉર્કમાં સબવેમાં નામ ઉપરાંત ૧, ૨, ૩, ૪, ૫, A, B, C, D વગેરે આંકડા અને મૂળાક્ષરોથી પણ ઓળખવામાં આવે છે. અહીં ૧, ૬, ૭, C, G, L, M  લોકલ રૂટ છે; જ્યારે ૨, ૩, ૪, ૫, A, B, D, E એક્સપ્રેસ રૂટ છે. વળી આ રૂટમાં રશ-અવર, મિડ-ડેઝ, ઈવનિંગ્સ, વીક-એન્ડ્સ, લેટ-નાઇટ, ઑલ-ટાઇમ્સ વગેરે ભાગ પણ પડે છે; પરંતુ એની ઇન્ફર્મેશન સિસ્ટમ એટલીબધી પાવરફુલ છે કે ભાગ્યે જ કોઈ મુસાફર રૂટની માહિતીમાં કન્ફ્યુઝ થાય. આ વિવિધ રૂટને યાદ રાખવાનું સરળ બનાવવા માટે દરેક રૂટના નંબર અને મૂળાક્ષરને ચોક્કસ કલર પણ આપવામાં આવ્યો છે; જેમ કે ૧-૨-૩ લાલ, ૪-૫-૬ લીલો, A-C-E  બ્લુ, B-D-F-M કેસરી વગેરે.

ન્યુ યૉર્ક સબવેનાં ઘણાંબધાં સ્ટેશનની રચના આપણા દિલ્હીનાં મેટ્રો સ્ટેશન જેવી જ છે. ધારો કે અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હોય તો મુખ્ય રસ્તા પરથી અંદર ઊતરતાં ઘણાંબધાં પ્રવેશદ્વારોમાંથી એમાં પ્રવેશી શકાય છે. પ્રવેશતાં જ એ વિસ્તાર આવે જ્યાં મુસાફર પોતાની ટિકિટ કે મેટ્રોકાર્ડ વેન્ડિંગ મશીનમાંથી ખરીદીને સ્વાઇપ કર્યા પછી પ્રવેશી શકે છે. આ વિસ્તારમાં જાતભાતની દુકાનો અને વિવિધ રૂટની ટ્રેન પકડવા માટેના રસ્તા આવેલા હોય છે.

આપણે ત્યાં ફરિયાદો થતી હોય છે કે મોટા ભાગની આપણી જાહેર જગ્યાઓ શારીરિક રીતે અક્ષમ લોકોને મદદરૂપ થાય એ રીતે ડિઝાઇન થયેલી હોતી નથી. ૧૯૯૦ પહેલાં બંધાયેલાં ન્યુ યૉર્ક સબવેનાં મોટા ભાગનાં સ્ટેશનોમાં પણ શારીરિક રીતે અક્ષમ લોકોને ધ્યાનમાં રાખીને કોઈ જાતની સુવિધાઓ ઊભી કરાયેલી નહોતી; પરંતુ ૧૯૯૦માં જ અમેરિકન્સ વિથ ડિસેબિલિટી ઍક્ટ પસાર થયો અને તમામ જાહેર સ્થળોની સાથોસાથ સબવેને પણ સુવિધાજનક લિફ્ટ, પ્લૅટફૉર્મની બિલકુલ અડીને એ જ લેવલ પર ઊભી રહેતી ટ્રેન્સ વગેરેથી સજ્જ કરવામાં આવ્યાં.

જીવનની આપાધાપીમાં દોડતા રહેતા લોકોના જીવનનો મોટા ભાગનો સમય ટ્રેનમાં અપ-ડાઉનમાં વીતી જતો હોય છે એ સત્ય મુંબઈગરાઓથી વધુ સારી રીતે કોણ સમજી શકે? આ સત્ય ન્યુ યૉર્ક સબવેના સત્તાધીશોને બરાબર સમજાઈ ગયું છે. આથી જ તેમણે ૧૯૮૭થી મ્યુઝિક અન્ડર ન્યુ યૉર્ક નામનો પ્રોગ્રામ સ્પૉન્સર કરવો શરૂ કર્યો છે. દર વર્ષે ન્યુ યૉર્કની મેટ્રોપૉલિટન ટ્રાન્સપોર્ટ ઑથોરિટી સંખ્યાબંધ અરજીઓમાંથી ૩૫૦ જેટલા પર્ફોર્મન્સને સિલેક્ટ કરે છે જેઓ આખા વર્ષ દરમ્યાન પચીસ સૌથી વ્યસ્ત સ્ટેશનો પર સાત હજાર જેટલા જાહેર મ્યુઝિક-પફોમન્સ આપે છે. જાતભાતનાં દેશી-વિદેશી મ્યુઝિક વગાડતા આ કલાકારોને લીધે સબવે મ્યુઝિકની આખી એક પરંપરા ત્યાં ઊભી થઈ છે.

માત્ર મ્યુઝિક જ નહીં, મેટ્રોપૉલિટન ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ ભૂતકાળમાં સબવે સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે.

ન્યુ યૉર્કની સબવેની દરેક ટ્રેનમાં સરેરાશ આઠથી ૧૧ ડબ્બા હોય છે. હાલમાં ન્યુ યૉર્કમાં દોડતી બધી જ સબવે ટ્રેન્સના ડબ્બાઓનો સરવાળો કરીએ તો ૬૪૦૦ જેટલો થવા જાય છે.

મૅનહટનની ૧૯૧મી સ્ટ્રીટની ૧૮૦ ફૂટ નીચે આવેલું સબવે સ્ટેશન આખી સિસ્ટમનું સૌથી ઊંડું સ્ટેશન છે.

ન્યુ યૉર્ક સબવે વિશ્વની સૌથી જાણીતી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. આથી હૉલીવુડની ફિલ્મોમાં પણ એ ખાસ્સી દેખાઈ છે.

૨૦૦૧માં ૯/૧૧ના હુમલા પછી ન્યુ યૉર્ક સબવેમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એ હુમલા વખતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની નીચેના ભાગથી પસાર થતી સબવે લાઇન્સને પણ ભારે નુકસાન પહોંચેલું.

જોકે તમામ આધુનિક સગવડો અને સુરક્ષા-વ્યવસ્થા છતાં વરસાદી પાણી સામે ન્યુ યૉર્ક સબવે ઊણી ઊતરે છે એ વખતોવખત જોવામાં આવ્યું છે. કલાકના પોણાબે ઇંચની રફ્તારથી વરસાદ પડે તો પણ સબવેની અંદર પાણી ધસી આવે છે અને ઘણાબધા રૂટને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવા પડે છે. સબવે સિસ્ટમમાંથી વરસાદી પાણી બહાર કાઢવા માટે કુલ ૨૬૯ પમ્પિંગ-સ્ટેશન્સ બનાવવામાં આવ્યાં છે.

ગયા વર્ષે ત્રાટકેલા હરિકેન આઇરિનને કારણે ન્યુ યૉર્ક સબવેને એના ઇતિહાસમાં પહેલી વાર બંધ કરવામાં આવેલી. કુદરતના પ્રકોપને કારણે સબવે બંધ થયાનો એ પહેલો અને આ વખતે સુપરસ્ટોર્મ સૅન્ડીને કારણે સબવે બંધ થયાનો બીજો બનાવ છે.

ન્યુ યૉર્ક સબવેના સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે સૅન્ડી વાવાઝોડાને કારણે સબવેને થયેલું નુકસાન એના સમગ્ર ઇતિહાસનું સૌથી મોટું નુકસાન છે. દરિયાની સપાટીની ખાસ્સાં નીચે આવેલાં ઘણાં સ્ટેશન્સમાં તો રીતસર પાટાથી લઈને છત સુધીનું બધું જ પાણીમાં ડૂબેલું હતું.

અત્યારે શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે સબવેના અમુક રૂટ ચાલુ થયા છે, પરંતુ ઘણાબધા રૂટ પર હજી પાણી ભરાયેલાં છે અને વીજળીનું નામનિશાન નથી. વળી શૉર્ટ-સર્કિટના ભયે પૂરી ચકાસણી વિના વીજળીની સપ્લાય ફરીથી શરૂ કરવાનું જોખમ પણ લેવાય એવું નથી. આ વખતે સબવેમાં ઘૂસી ગયેલું પાણી દરિયાનું ખારું પાણી છે જે ઇલેક્ટિÿક સાધનોને તદ્દન ખરાબ કરી દે છે.

સૌપ્રથમ આખી સબવે સિસ્ટમમાંથી પૂરેપૂરું પાણી બહાર કાઢવામાં આવશે. ત્યાર પછી એમાં એકઠો થયેલો ભંગાર દૂર કરવામાં આવશે અને ત્યાર પછી સમગ્ર સિસ્ટમને ચોખ્ખા પાણીથી ધોવામાં આવશે. એવી દુર્ઘટના વખતે ઘણીખરી વસ્તુઓ રિપેર કરવા કરતાં એને બદલી નાખવાનું વધુ સુગમ પડે છે. સબવેની અતિ જરૂરી એવી સિગ્નલિંગ સિસ્ટમને પૂર્વવત્ બનાવવામાં સૌથી મોટો ખર્ચ થશે.

સૅન્ડીને કારણે સબવે સિસ્ટમને ખરેખર કેટલું નાણાકીય નુકસાન થયું છે એનો એક્ઝૅક્ટ આંકડો તો બહાર પાડવામાં નથી આવ્યો, પરંતુ એવું અનુમાન થઈ રહ્યું છે કે આ આંકડો અમુક અબજ ડૉલરને આંબી જશે. આ તમામ ખર્ચ આપત્તિના સમયે નાણાં આપતી ફેડરલ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સી આપશે. કદાચ અમેરિકન કૉન્ગ્રેસ આ માટે અમુક બજેટ ફાળવે એ પણ શક્ય છે.

વષોર્થી ન્યુ યૉર્ક સબવે સિસ્ટમમાં ઉંદરનો ત્રાસ રહ્યો છે અને સામાન્ય સંજોગોમાં પોણાત્રણ કરોડ ઉંદરો આખી સબવે સિસ્ટમમાં ફરતા રહે છે, પરંતુ સબવેમાં ભરાયેલા પાણીને કારણે તરવામાં કુશળ એવા ઉંદરો ન્યુ યૉર્ક શહેરમાં ધસી આવશે અને નુકસાન તથા રોગચાળાનો ત્રાસ વર્તાશે એવી ભીતિ પણ સેવાઈ રહી છે.

ખરા અર્થમાં ન્યુ યૉર્કની લાઇફલાઇન એવી સબવેને અમેરિકનો બહુ થોડા દિવસમાં દોડતી કરી દેશે એ તો નિ:શંક વાત છે. એનું એક કારણ એ પણ છે કે અમેરિકામાં આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીમાં બરાક ઓબામા ન્યુ યૉર્કવાસીઓના મત ગુમાવવા ન જ ઇચ્છે. અત્યારે થોડા દિવસમાં સબવેના બધા રૂટ્સ ફરીથી સ્ટાર્ટ થઈ જશે એવું કહેવાય છે, પરંતુ અગાઉની જેમ કુલ કૅપેસિટીથી એને દોડતા કરવામાં મહિનાઓનો સમય વીતી જશે એ પણ એટલી જ નક્કી વાત છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK