શ્વાનમૈથુન-માનવમૈથુન વચ્ચેના તફાવતો અને સામ્યો શું?

Published: 3rd November, 2012 19:03 IST

મૈથુન તથા સમાગમ ખરેખર શું ચીજ છે એ વાત ઘણાં બાળકો રસ્તા ઉપર યોજાતા આકસ્મિક શ્વાનમૈથુનને નિહાળીને સમજતાં હોય છે.તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી

મૈથુન તથા સમાગમ ખરેખર શું ચીજ છે એ વાત ઘણાં બાળકો રસ્તા ઉપર યોજાતા આકસ્મિક શ્વાનમૈથુનને નિહાળીને સમજતાં હોય છે. અગાઉની પેઢીઓમાં જ્યારે જાતીય બાબતોને લગતી માહિતીઓનું એક્સપોઝર મર્યાદિત હતું ત્યારે તો શ્વાનમૈથુનનાં દર્શન એ જાતીયતા વિશેની ધારણા કરવાનું અને આડકતરું જ્ઞાન મેળવવાનું એકમાત્ર સાધન હતું. આજની તારીખે પણ જાહેર રસ્તા, ગલીઓ કે મેદાનોમાં ઓચિંતું નિહાળવા મળતું શ્વાનમૈથુન એ બાળકો માટે નિર્દોષ મનોરંજનનો, તરુણો માટે જિજ્ઞાસા-કુતૂહલનો, યુવા વયનાં છોકરા-છોકરીઓ માટે શરમ, ક્ષોભનો, પુખ્ત વયના લોકો માટે મજાક યા અવગણના માટેનો તથા વયસ્કો માટે ઠીક છે જેવાં સાહજિક સંવેદનો જગાવતો પ્રસંગ ગણાય છે. દરેક ઉંમરે અલગ-અલગ લોકો જાહેરમાં યોજાતા શ્વાનમૈથુનને નિહાળી આશ્ચર્ય, આઘાત, ગભરાટ, અકળામણ, ગુસ્સો વગેરે પ્રકારના અનેક ભાવો અનુભવતા હોય છે.

ક્યારેક એકલા માણસોને જો અચાનક શ્વાનમૈથુન ફેસ કરવાનું આવે તો તેઓ હળવાશથી, બારીક નિરીક્ષણ પણ કરી લે છે, પણ તોફાની યુવાનોનાં ટોળાં સામે જો બે કૂતરાઓ સમાગમરત થાય તો તેમને મારી-ભગાડીને ઉશ્કેરાટપૂર્ણ બેરહમીથી અલગ કરવાનો પ્રયત્ન પણ કેટલાક ટીખળીખોરો કરી લે છે. શ્વાનયુગ્મનું સૌથી વધુ આશ્ચર્યજક, નાવીન્યપૂર્ણ તથા જોનારમાં તીવ્ર પ્રત્યાઘાત જન્માવતું પાસું જો કોઈ હોય તો એ આ સમાગમ દરમ્યાનનું ચોંટી જવું યા એકમેક સાથે ગંઠાઈ જવું, બંધાઈ જવું છે.

કૂતરાઓની મૅટિંગ બિહેવિયેર અભ્યાસ માગી લે એવી ચીજ છે. પેટલવર્સ માટે જેની બહુ નવાઈ નથી એ શ્વાનમૈથુન અન્યોને માટે બહુ ઉત્સુકતાપ્રેરક ઘટના હોય છે. માનવમૈથુન અને શ્વાનમૈથુનમાં દેખીતો તફાવત હોય તો એ છે કે મનુષ્યનું મૈથુન હંમેશાં ખાનગીમાં, અંગત ક્ષણોમાં, એકાંતમાં આકાર લે છે. એ સામાજિક રીતે તથા કાયદાથી બાધ અને સુરક્ષિત રખાયું હોવાથી તેનો જાહેર ભોગવટો આમ સમાજોમાં શક્ય નથી. જ્યારે શ્વાનમૈથુન એ અનિવાર્યપણે જાહેર ઘટના બની રહે છે. જોકે આ બન્નેમાં આ સિવાય પણ અનેક તફાવતો અને સામ્યો છે.

કૂતરાઓનું મૈથુન એ લાંબી પ્રક્રિયા હોય છે.

માનવ પુરુષશરીરમાં શિશ્ન કેવળ લોહીના નાના ખાબોચિયાથી (હાડકા-સ્નાયુ વગર) ભરેલું હોય છે જ્યારે શ્વાનનું શિશ્ન એક નાનું હાડકું ધરાવે છે. બાક્યુલમ નામે ઓળખાતા આ હાડકાની મદદથી કૂતરો મૈથુન વખતે યોનિપ્રવેશ કરી શકે છે.

માનવ પુરુષમાં ઉત્તેજના થવાથી શિશ્ન પહેલાં ઉત્થાનિત થાય છે જેથી યોનિપ્રવેશ શક્ય બને છે, જ્યારે આથી વિપરીત કૂતરાઓમાં હાડકાને લીધે વગર ઉત્થાને પણ યોનિપ્રવેશ કરી થઈ છે.

સમાગમની શરૂઆત અર્થાત માઉન્ટિંગ થયા બાદ, શ્વાનશિશ્ન મૂળ (બેઇઝ)ના ભાગ તરફ આવેલ વૅસ્ક્યુલર પેશીઓમાં ફુલાવો થતાં પાછળથી ઇરેક્શન ઉમેરાય છે. સમાગમના થોડા સમય બાદ આ પેશી એટલી વિસ્તરે છે કે શિશ્નનું મૂળ ફૂલી જવાથી ‘શિશ્ન-યોનિ’ મૈથુનરત અવસ્થામાં ‘લૉક્ડ-ઇન’ ઉર્ફે ‘કામ ગઠબંધિત’ સ્થિતિમાં સ્થગિત થઈ જાય છે. થસ્ટ્રિંગ મૂવમેન્ટ પછીનો લગભગ દસથી ત્રીસેક મિનિટ સુધીનો આ સમયગાળો શ્વાનયુગ્મનું વિશિષ્ટ લક્ષણ બની રહે છે. બાયોલૉજિકલી, કૂતરાની શરીર રચનામાં શુક્રાણુ (સ્પમ્ર્સ) સંગ્રહવા માટે માનવપુરુષમાં હોય છે તેવા એપિડિડાઇનિસ યા સેમિનલ વેસિકલ્સ જેવી દેહસંરચના નથી હોતી. આથી માણસોમાં જેમ બે-એક મિનિટમાં સ્ખલન સંપૂર્ણ થઈ જાય છે અને બધું ર્વીય યોનિમાં નિષ્કાસિત થઈ જાય છે એવું શ્વાનમાં બનતું નથી. શ્વાનમાં શુક્રપિંડ યા ટેસ્ટિકલ્સમાંથી ર્વીય સીધું ઉલેચવાનું હોવાથી આ પ્રક્રિયામાં પંદર-વીસ મિનિટ લાગતી હોવાથી આવી લૉક્ડ-ઇન સ્થિતિ નિર્માણ પામે છે. શિશ્ન-યોનિ ગંઠાઈ જવાથી ર્વીય યોનિની બહાર લીક પણ થઈ શકતું નથી.

આ અંતિમ ‘લૉક્ડ-ઇન’ પૉઝિશન બાદ નરશ્વાન દિશા ફેરવીને ઊંધો થઈ જવાથી યુગ્મમાંના નર તથા માદા એમ બન્ને શ્વાનો એકમેકથી વિપરીત દિશામાં ઊંધાં ઊભેલાં જોવા મળે છે. તેમની આ ‘ટાઇ-અપ’ સ્થિતિ ઇજેક્યુલેશન પૂરું થયા બાદ ઉત્થાન મંદ પડતાં પૂરી થાય છે. કેટલાક અણસમજુ બિચકેલ કિશોરોને આવાં ચોંટી ગયેલાં કૂતરાંઓના યુગલને મારીને છૂટા પાડવાની કુટેવ હોય છે, જે કૂતરાઓ માટે ખૂબ જ પીડાકારક, આઘાતજનક તથા જોખમી હોય છે. આમ કરવામાં તેમનાં જનનાંગોને ઈજા પહોંચી શકે છે. યોનિનું સ્નાયુસંકુચન દૂર થયા બાદ, પકડ ઢીલી થયા બાદ જ તેઓ છૂટાં પડી શકે છે.

માનવીય મૈથુનમાં સ્ત્રી-પુરુષ ક્યારેક એક વિશિષ્ટ આસન અજમાવી જુએ છે. જેને ‘પૃષ્ઠભાગથી પ્રવેશ’ કહેવાય એવા આ આસનને શ્વાનસ્થિતિ ઉર્ફે ‘ડૉગી પૉઝિશન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થાત કૂતરાઓ જે રીતે સમાગમરત થાય છે એ રીતે માનવ યુગલ સમાગમરત થાય! જોકે ‘શ્વાનાસન’ પ્રકારનું આ કામાસન શ્વાનોના વાસ્તવિક મૈથુન કરતાં ઘણું ભિન્ન હોય છે. માનવીય મૈથુનમાં શ્વાનયુગ્મ જેવું આસન વધુ આનંદદાયક હોય છે તથા જલદી સ્ખલન કરાવડાવનારું હોય છે, જેથી ‘વિલંબિત સ્ખલન’ જેવી બીમારીમાં એ સારવાર તરીકે સૂચવવામાં આવે છે.

શ્વાન જેવા કેનાઇન પશુઓમાં જ સમાગમ દરમ્યાન લૉકિંગની રચના હોય છે. જે માટે તેમના શિશ્નના મૂળ આગળ ફૂલી શકે એવી ‘બલ્બસ ગ્લેન્ડિસ’ નામની પેશીઓ હોય છે. આ પેશીઓ ફૂલે છે અને માદા શ્વાનના યોનિમાર્ગના સ્નાયુઓ શિશ્નના ફુલેલા ભાગ ફરતે સંકોચાય છે જેથી તે શ્વાનયુગ્મ કામગઠબંધનમાં પરોવાઈ રહે છે. આ વ્યવસ્થાથી સ્ખલિત થતું ર્વીય યોનિમાર્ગથી બહાર નથી આવી શકતું, જે પ્રજોત્પતિ માટે જરૂરી છે.

શ્વાન મૈથુનમાં નર શ્વાન હરહંમેશ કામસંબંધ માટે ઉત્સુક હોઈ શકે છે અને માદા શ્વાન ચોક્કસ ‘હીટ’ પિરિયડ દરમ્યાન જ કામોત્સુક થાય છે. આ સમયગાળો જ માદા માટે ઓવ્યુલેશનનો પણ સમયગાળો બની રહે છે. આમ શ્વાનમાં સમાગમ પ્રક્રિયા પ્રજોત્પતિ આધારે હોવાનું જણાય છે. નવી, પહેલી વાર સમાગમરત થતી માદા ઘણી વાર વ્યાકુળ અને વિહ્વળ થતી જણાય છે. ક્યારેક નર શ્વાન આધિપત્ય જમાવવા માટે પણ મૈથુન કર્મ આચરે છે જેને ‘ડોમિનન્સ માઉન્ટિંગ’ કહેવાય છે. અપવાદરૂપે ક્યારેક માદા શ્વાન પણ નર જેવું વર્તન કરી પોતાનું આધિપત્ય સૂચવવા ‘ડોમિનન્સ માઉન્ટિંગ’ કરે છે.

ગેરમાન્યતા

ક્યારેક કોઈ વ્યક્તિ જાતીય વિકૃત વર્તન કરે તો તે ભયાનક રીતે જાતીય વિકૃત હોય છે

હકીકત

આ વાક્ય ભલે સાચું લાગે, પણ કેટલાક લોકો જીવનમાં ક્યારેક એકાદ જ વાર મનોવિકૃત વર્તન કરતા હોય છે અને બાદમાં પસ્તાવો કરી સુધરી પણ જતા હોય છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK