Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > બૅન્કની બે-ચાર લોન ઉપાડીને પણ એક વાર અમેરિકા જવા જેવું

બૅન્કની બે-ચાર લોન ઉપાડીને પણ એક વાર અમેરિકા જવા જેવું

03 November, 2012 07:18 PM IST |

બૅન્કની બે-ચાર લોન ઉપાડીને પણ એક વાર અમેરિકા જવા જેવું

બૅન્કની બે-ચાર લોન ઉપાડીને પણ એક વાર અમેરિકા જવા જેવું




સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

(ફ્લૅશબૅક : ડાયરાની ટીમ સાથેના અમારા અમેરિકાના પ્રવાસનું લાઇવ ટેલિકાસ્ટ)

અમેરિકા લજામણો ને લલચામણો દેશ છે. લોકો ક્યાંય નિયમો તોડતા નથી. કુંભના મેળામાં બાવાઓ રખડતા હોય એમ અમે છએ કલાકારો પ્રોગ્રામ ન હોય ત્યારે અમેરિકામાં ફરવા નીકળી જઈએ છીએ. અહીં શુક્ર-શનિના વીક-એન્ડમાં જ પ્રોગ્રામ કરવાના હોય છે અને સોમથી ગુરુ તો અફસોસ જ કરવાનો રહે છે. મારી સાથે આવેલા મંજીરાવાદક ચકો અને મિત્ર અતુલને અંગ્રેજી જરાય ફાવતું નથી છતાંય ઈ બેટા ‘યા-યા’ કરતા ગમે ઈ ધોળિયા પાંહે ગરી જાય છે ને વાતું કરવા લાગે છે. ઈ બેય એટલું જ વિચારે કે સલવાય તો સામાવાળા, કાઠિયાવાડી ક્યાંય પાછા ન પડે!

અમેરિકામાં તમે ક્યાંય જાહેરમાં થૂંકો કે પિચકારી મારો તોય બસો ડૉલરની પેનલ્ટી લાગે છે.

આ નિયમ સાંભળીને ચકો તરત બોલ્યો, ‘કેવો ગરીબ દેશ છે કે પબ્લિકને સખે થૂંકવા પણ નથી દેતો. સાંઈરામભાઈ આના કરતાં તો આપણો ભારત કેવો મહાન દેશ કહેવાય... બસો-પાંચસો કરોડનું તો રોજ આપણે થૂંકી નાખીએ છીએ.’

ત્યાં વળી અતુલે ટાપસી પુરાવી, ‘હા હોં ચકા, આપણા બાવન રૂપિયા સામે આ બિચાડા એનો એક ડૉલર આપે છે. આના કરતાં આપણો દેશ સો ટકા દાતાર છે. આ અમેરિકનો ઇન્ડિયા આવે તો આપણે તેમને તેમના એક ડૉલરના બાવન રૂપિયા ગણી દઈએ છીએ! આમેય વાપરવાના તો ભારતમાં જ છેને!’

પરંતુ અમેરિકામાં આપણા ગુજરાતીઓય જબરી જમાવટ કરીને બેઠા છે. બાબુભાઈ બૉબ તરીકે ઓળખાય છે. રવજીકાકા રેક થઈ ગ્યા છે. કાનજીભાઈને સૌ કેક કહીને બોલાવે છે તો ગોરધનભાઈ જેન્સ થઈ ગ્યા છે. ચરોતરના આપણા પટેલભાઈઓ પાસે અમેરિકાની નેવું ટકા હોટેલો છે. યુએસમાં હોટેલને મોટેલ કહે છે. ફ્લોરિડામાં મારા એક પટેલમિત્રની શૉપ પર હું ગયો તો ત્યાં ઉપર ર્બોડ માર્યું’તું કે ‘પટેલ ઍન્ડ રૉબર્ટ બ્રધર્સ’.

મેં વળી મારા મિત્રને ટણી કરી, ‘ભાઈ, આપણી દુકાન પર ‘પટેલ બ્રધર્સ’ જ લખાય, આ રૉબર્ટને શું કામ ભેગો રાખ્યો છે?’

ઈ પટેલ ભાઈબંધ ક્યે, ‘સાંઈરામ, ધીરે બોલો. આ શૉપમાં ઇન્વેસ્ટમેન્ટ બધું રૉબર્ટનું જ છે. આપણી તો ખાલી બુદ્ધિ છે. આ ધોળિયાવને ક્યાં ધંધો કરતાં આવડે છે?’

મારા દિલમાંથી વાહ નીકળી ગયું.

અમેરિકામાં ઘરે કૂતરો પાળવો હોય તો એનું પણ લાઇસન્સ લેવું પડે છે. રોજ સાંજે કૂતરાને વૉક કરાવવા નીકળવું પડે છે. એને રોજ નવડાવવું ને ખવડાવવું પણ ફરજિયાત છે. યુએસના કૂતરા પણ બહુ ડિસિપ્લિનવાળા છે, મહેમાનની વાંહે સીધા ભોંકવા નથી માંડતા. ચોખા-ચોખા રૂંછાળા ગલૂડિયાને માખણના પિંડા જેવી ગોરી-ગોરી બાયું એવું વહાલ કરે છે કે આ દૃશ્યો જોઈને અમારા મંજીરાવાદક ચકાથી બોલાય ગ્યું, ‘હે ભગવાન, આવતો અવતાર કદાચ મને માણસ ન બનાવે અને કૂતરો બનાવે તો અમેરિકાનો કૂતરો જ બનાવજે!’

શિકાગોમાં એક ગુજરાતીના ઘરે અમે પહોંચ્યા તો વળી તેણે દરવાજે ર્બોડ મારેલું કે Beware from Parrot (પોપટથી સાવધાન રહેજો). મને પ્રશ્ન થયો કે કૂતરાથી સાવધાન તો હવે આપણા દેશમાં પણ ઘણા ઘરની બહાર લખાવે છે, પણ આ પોપટથી સાવધાન શું કામ? મેં વળી દોઢા થઈને તેમની પાસે મારી શંકાનું સમાધાન માગ્યું, ‘વડીલ, પોપટ તો એકદમ નિર્દોષ પક્ષી છે. એનાથી ડરવાનું શા માટે?’

વડીલે તોપ ફોડી, ‘સાંઈરામભાઈ, આ અમેરિકાનો પોપટ છે. ઈ બહુ ચાલાક છે. અજાણ્યા કોઈ માણસને ભાળીને જોરથી સીટી વગાડે છે એટલે મારો કૂતરો ગ્રાઉન્ડમાંથી ગમે ત્યાંથી દોડીને મેમાનને બટકાં ભરી જાય છે. બે-ચાર મેમાનોની તો પિંડિયું ચિરાઈ ગયાના દાખલા છે.’

અમારી ટીમને તો અંતરાસ આવી ગઈ. પોપટને વંદન કરીને અમે તો પિંડિયું સાચવતાં-સાચવતાં પ્રોગ્રામમાં ભાગ્યા.

બાકી અમેરિકા તો ખરેખર માણવા જેવો દેશ છે. બૅન્કની બે-ચાર લોનું ઉપાડીને પણ એક વાર તો અમેરિકાનો પ્રવાસ ખેડજો જ હોં! આ તમને મારી મફત સલાહ છે. આયાં કોઈ ક્યાંય રોડ પર હૉર્ન નથી મારતું, કચરો નથી નાખતું, જ્યાં-ત્યાં થૂકતું નથી. પશ્ચિમની સંસ્કૃતિ બહુ ખરાબ છે એવાં સતત આપણે ગાણાં ગાઈએ છીએ, પણ અમે અહીં મહિનો રોકાયા ત્યારે ખબર પડી કે આ પ્રજા પાસેથી આપણે શિસ્ત અને અનુશાસન તો શીખવા જેવાં છે. રાત્રે બે વાગ્યે પણ ટ્રાફિક-પોલીસ વગર જ પબ્લિક સિગ્નલનું સન્માન કરે છે. દર દસમી મિનિટે આજુબાજુનો કોઈ તમને કહી જાય છે, ‘બૉસ, આ અમેરિકા છે, અહીં આવું ન ચાલે!’

અને છેલ્લે ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાની દશા યુએસમાં કેવી છે ઈ આ કવિતા પરથી સમજી લો:

ગુજરાતી ભાષા છે ઑક્સિજન ઉપર યુએસમાં

ગુજરાતીઓ પણ હવે ફૅશન ઉપર યુએસમાં

ગાંઠિયા-ભજિયાંની જગ્યાએ છે સબવે સૅન્ડવિચ

રોટલા ને છાશ વેકેશન ઉપર યુએસમાં

હાય હની, સ્વીટહાર્ટ, માય લવ, ડાર્લિંગ બોલ્યા કરે

દેશ આખો જીવે સંબોધન ઉપર યુએસમાં

ડિયર-બિયર નૉન-વેજ ને ડાન્સમાં ગરકાવ સૌ

ભારતીયો છે રેવૉલ્યુશન ઉપર યુએસમાં

લાસ વેગસી બનીને લૉસ ટોટલ થઈ ગયા

જીવીએ છીએ પ્રિãસ્ક્રપ્શન ઉપર યુએસમાં

મમ્મી-પપ્પા આવશે તો કૅરટેકરનો ખર્ચ નહીં

ફૅમિલી વૅલ્યુઝ સસ્પેન્શન ઉપર યુએસમાં

ચોખ્ખા-ચોખ્ખા દેશમાં છે કેવી ડર્ટી પાર્ટીઓ

મર્યાદા તો છે, પણ પેન્શન ઉપર યુએસમાં

એ બિચાડા શું કરે, આમાં એનો ક્યાં વાંક છે?

કંઈ નથી કહેવું આ જનરેશન ઉપર યુએસમાં

રિયલ એસ્ટેટમાં રિયલિટી એવી ખોવાઈ ગઈ

લાગણી ને પ્રેમ રિસેશન ઉપર યુએસમાં

શબ્દોને પણ સફોકેશન થાય છે લ્યો સાંભળો

‘સાંઈરામ’ તો છે સંશોધન ઉપર યુએસમા

ઑફ ધ રેકૉર્ડ

સમજીને પાછો ફર

વિશ્વનો છેડો છે તારું ઘર...

- કવિ ઉમાશંકર જોશી


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2012 07:18 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK