રુચિતા શાહઅકબરનાં નવ રત્નોમાં રહીમનું નામ જાણીતું છે. અકબરના દરબારમાં તેઓ રાજકવિ હતા. તેમનું આખું નામ હતું અબ્દુલ રહીમ ખાનખાના. રહીમ ખૂબ મોટા દાનવીર હતા. જોકે તેમની એક ખાસિયત એ કે દાન કરતી વખતે તેઓ નજર ઝુકાવી દેતા. આ વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ. બધાને આશ્ચર્ય થયું કે આ વળી કેવું દાન? દાન આપતાં વળી નજરો ઝુકાવી દેવાનું શું કારણ હશે? વાત વહેતાં-વહેતાં સંત તુલસીદાસ સુધી પહોંચી ગઈ. તુલસીદાસજીએ રહીમને એક દુહો મોકલાવીને એનું કારણ પૂછ્યું. દુહો હતો કંઈક આ મુજબનો...
ઐસી દેની દેનજુ કિત સીખે હો સેન
જ્યોં જ્યોં કર ઊંચો કરો ત્યોં ત્યોં નીચે નૈનતુલસીદાસજીનો દુહો વાંચીને રહીમ સમજી ગયા કે આ સંત તો પોતે જ ઘણા જ્ઞાની છે છતાં મારા મોઢે કહેડાવવા માગે છે એટલે તેમણે પણ ચતુરાઈપૂર્વક જવાબ આપ્યો,
દેનહાર કોઈ ઔર હૈ ભેજત જો દિન-રૈન
લોગ ભરમ હમ પર કરે તાસો નીચે નૈન૮૪ વર્ષના વેણીભાઈ પી. દોશી સાથેના આખા વાર્તાલાપમાં ઉપરનો પ્રસંગ સહજ યાદ આવી ગયો. શ્રીમંતાઈનો કેફ તો તેમને માથે નથી જ ચઢ્યો, પણ સાથે લોકોની મદદ કર્યા પછી મનમાં જરા અમસ્તો પણ અહં સવાર ન થઈ જાય એ માટે તેઓ સતર્ક રહે છે. ‘હું તો કંઈ કરતો જ નથી. બધું શ્રેય ઈશ્વરને જાય છે. હું તો માત્ર નિમિત્ત છું.’ આવો સૂર આડકતરી રીતે પણ તેમના પ્રત્યેક વાક્યમાં ધ્વનિત થાય છે. પોતાનો મોટો બંગલો હોવા છતાં વેણીભાઈ છેલ્લાં ૬૦ વર્ષથી પાલિતાણાના બાળાશ્રમનાં બાળકો સાથે રહે છે. ત્યાં આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતાં બાળકોને પાંચથી ૧૨ ધોરણ સુધીનો શૈક્ષણિક અભ્યાસ કરાવાય છે. એક જમાનામાં વેણીભાઈએ પોતે પણ બાળાશ્રમમાં જ અભ્યાસ કયોર્ છે.
પોતાનું શાહી મકાન છોડીને બાળાશ્રમમાં રહેવાની શું જરૂર છે એવું પૂછતાં જવાબમાં વેણીભાઈ કહે છે, ‘ઘરે ભૌતિક સુખોની વચ્ચે રહીને મદદ ન થાય; જ્યારે આર્થિક, માનસિક અને શારીરિક ફાળો આપવો હોય ત્યારે તમારે તમારી દુનિયા છોડીને તેમની દુનિયામાં પ્રવેશ કરવો પડે. આમેય હું જે કરું છું એ સેવા છે જ નહીં. હું તો ઋણ અદા કરું છું. બાળાશ્રમ નાનકડું ક્ષેત્ર છે જે માટે કંઈક કરીને મારા માથે ચડેલા અનેકના ઉપકારનો કંઈક બદલો તો વાળી શકું.’
અત્યાર સુધી આ બાળાશ્રમમાંથી ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે. અત્યારે ૮૮ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એ સૌમાં સંસ્કાર-સિંચનનું કામ વેણીભાઈએ ઉપાડ્યું છે. તેમનું કહેવું છે, ‘ત્રણ પ્રકારે જ્ઞાન આપી શકાય. ગુરુભગવંતની જેમ, જેઓ બોધ આપીને સમજાવે. શિક્ષક જે બોધ આપે અને સોટી પણ મારે અને ત્રીજો ફોજદાર જે સોટી મારીને જ વાત કરે. ત્રણેય કંઈક જ્ઞાન જ આપવા માગે છે, પણ ત્રણેયની પદ્ધતિ જુદી છે. અમારા આશ્રમમાં જ્યારે કોઈ વિખવાદ થાય અને મારા સુધી વાત પહોંચે ત્યારે પ્રેમથી સમજાવીને કામ લઉં છું. વિદ્યાર્થીઓ પાસેથી ભરપૂર પ્રેમ અને આદર મળે છે.’
સાહિત્યપ્રેમ
વેણીભાઈને વાંચવાનો અને વંચાવવાનો ખૂબ શોખ છે. દર દિવાળીએ તેઓ સદવિચારોનો પ્રસાર કરવા માટે કેટલાંક પ્રેરણામય પુસ્તકોની વહેંચણી કરે છે. એમાં ખૂબ ચીવટપૂર્વક વિચારોની પસંદગી કરીને એને મીઠાઈના પૅકેટની જેમ લોકોના ઘરે મોકલાવીને સારા વિચારોને વહેતા મૂકે છે. પોતાના આ શોખ વિશે તેઓ કહે છે, ‘સારા વિચારો જ સંસ્કારઘડતરનો પાયો છે. સારા વિચારોને લોકસમૂહ સુધી પહોંચાડવાથી સારા સમાજનું ઘડતર થઈ શકે છે. મારી પાસે ઘણુંબધું સાહિત્ય છે એને હું હવે કમ્પ્યુટરાઇઝ્ડ કરાવવાનો છું જેથી ઘણા લોકો સુધી એને પહોંચાડી શકાય.’
બીજી એક મહત્વની વાત એ છે કે વેણીભાઈએ ક્યારેય ખોટું ન બોલવાનો નિયમ વષોર્ પહેલાં લીધો છે. એ વિશે તેઓ કહે છે, ‘હું ખોટું નથી બોલતો અને જ્યારે પણ એવી સ્થિતિ ઊભી થાય ત્યારે મૌનવ્રત લઈ લઉં છું. બને એટલી ઓછામાં ઓછી હિંસા થાય એ રીતે જીવન જીવું છું.’
વ્યાવસાયિક વિકાસપાલિતાણા પાસે આવેલા મોખડકા ગામના મૂળ વતની વેણીભાઈની જીવનગાથા ખૂબ રસપ્રદ છે. બાળાશ્રમમાં જ ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ કયોર્ છે. આગળ ભણવું હતું પણ નબળી આર્થિક સ્થિતિને કારણે ન ભણી શક્યો એમ જણાવીને તેઓ ઉમેરે છે, ‘નાના ગામમાં હવે કમાણી માટે શું કરવું. મુંબઈ આવી ગયો. બે વર્ષ અહીં નોકરી કરી, પરંતુ એ ન ફાવી એટલે ફરી મુંબઈ છોડીને મારા ગામ આવી ગયો. એ સમયે ગામમાં મરચાંની સીઝન હતી. ત્યારે નાના પાયે થોડાં મરચાં ખરીદીને એને વેચીને વેપાર શરૂ કયોર્. એમાં સારીએવી પ્રગતિ થઈ છે.’
વેણીભાઈની પાલિતાણામાં આદર્શ વસ્તુ ભંડાર નામની દુકાન છે. તેમણે શરૂ કરેલા મરચાંના વ્યવસાયમાં એટલી પ્રગતિ થઈ કે આજના દિવસે પણ તેમનાં મરચાંની દેશ-વિદેશમાં નિકાસ થાય છે. જોકે આજ સુધી તેમણે ક્યારેય એની કોઈ જાહેરાત નથી કરી. કોઈ પણ જાતની પબ્લિસિટી વગર પણ વિકાસ સધાયો છે એની તેમને ખુશી છે. તેઓ કહે છે, ‘જાહેરખબરો આપીએ તો એનો બોજો છેલ્લે ગ્રાહકો પર જ નાખવો પડે. ગુણવત્તા અને કિંમત સાથે બાંધછોડ નથી ગમતી.’
અનોખો સ્વજન-મેળોવેણીભાઈએ થોડાં વષોર્ પૂર્વે એક અનોખો સ્વજન-મેળો યોજ્યો હતો. એમાં પોતાના વષોર્ જૂના નોકરો, વાળંદ, દરજી અને ધોબી જેવા લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ હતો તેમના જીવનમાં ક્યાંક જરા અમસ્તા પણ મદદરૂપ બનેલા લોકોનું ઋણસ્મરણ કરવું. આ અનોખા અવસરમાં સહભાગી બનેલા તમામ લોકોનું ભેટ અને જરૂરિયાતમંદોને રોકડ રકમથી અભિવાદન કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન અનેક સંસ્થાઓને પણ દાન અપાયાં હતાં. પાલિતાણામાં શેત્રુંજી નદીના ડૅમ પાસે તેમણે ચબૂતરો અને પાણીની પરબ બંધાવી છે. એના નિભાવની જવાબદારી પણ તેઓ સંભાળે છે.
મકસદ
પોતાના જીવનની મુખ્ય મકસદ વિશે વેણીભાઈ કહે છે, ‘મારું એક જ લક્ષ્ય છે કે જે સ્થિતિમાં હું જન્મેલો એ જ સ્થિતિમાં મારે મરવું છે. હું જન્મ્યો ત્યારે ખાલી હાથ હતા. મૃત્યુ પામું ત્યારે પણ મેં જે કંઈ મેળવ્યું છે એ બધું વહેંચીને જવું છે. છોડીશ તો જ સમાધિમરણ મળશે.’