લોહીવાના દરેક કેસમાં ગર્ભાશય કાઢી નાખવાની જરૂર નથી હોતી

Published: 28th October, 2012 07:02 IST

આ પ્રકારની તકલીફો યુવાન, મિડલએજથી લઈને મોટી વયની ઘણી સ્ત્રીઓમાં જોવા મળે છે. સ્ત્રીઓનો સામાન્ય ગણાતો લોહીવાનો રોગ વધારે લાંંબો સમય ચાલુ રહે તો શરીરમાંનું શુદ્ધ લોહી પણ ઘટવા માંડે છે અને આને કારણે સ્ત્રીનું શરીર રક્તની ઓછપવાળું (ઍનિમિક) થાય છે.આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

માસિક સાત-આઠથી વધુ દિવસ સુધી ચાલે...

પુષ્કળ બ્લીડિંગ કાબૂમાં આવે જ નહીં...

પેટમાં દુખાવો થાય, કમરમાં કળતર રહે...

આ પ્રકારની તકલીફો યુવાન, મિડલએજથી લઈને મોટી વયની ઘણી સ્ત્રીઓમાં જોવા મળે છે. સ્ત્રીઓનો સામાન્ય ગણાતો લોહીવાનો રોગ વધારે લાંંબો સમય ચાલુ રહે તો શરીરમાંનું શુદ્ધ લોહી પણ ઘટવા માંડે છે અને આને કારણે સ્ત્રીનું શરીર રક્તની ઓછપવાળું (ઍનિમિક) થાય છે. એને લીધે શરીરના અવયવોને રક્ત દ્વારા ઓછું પોષણ મળતાં ઘણાં ચિહ્નો પેદા થાય છે. જેમ કે આંખો નીચે કાળાં કૂંડાળાં થવાં, ચહેરાનું નિસ્તેજ થવું, જલદી થાક લાગવો, કામ કર્યા વગર પણ થાક લાગવો, સ્વભાવ ચીડચીડિયો થવો, ઊંઘ ઓછી આવવી, વાળ સફેદ થઈ જવા, કોઈ કામમાં રસ ન પડવો, શરીર આખું તૂટ્યાં કરવું, સ્ફૂર્તિ અને ઉત્સાહનો સદંતર અભાવ રહેવો જેવાં લક્ષણ પેદા થાય છે અને શરીર ફિક્કું-નિસ્તેજ-સફેદ થઈ જાય છે. ક્યારેક-ક્યારેક આવા કેસમાં ચક્કર આવે, વારંવાર તરસ લાગે, શરીરમાં બળતરા થાય અને ક્યારેક બેભાન પણ થઈ જવાય છે.

આવા સંજોગોમાં કેટલાંક પ્રાથમિક પરીક્ષણો કરીને ગર્ભાશયની કોઈ અસાધ્ય રચનાત્મક ખામી નથી એની ખાતરી કરી લેવી જોઈએ. સાથે જ ફાઇબ્રૉઇડ્સની તકલીફ કે કૅન્સર જેવી અન્ય ગંભીર બીમારીઓનું પણ નિદાન કરાવી લેવું જોઈએ.

ગર્ભાશયની કોઈ અસાધ્ય રચનાત્મક ખામી કે કૅન્સર જેવી બીમારી ન હોય તો ગર્ભાશય કઢાવી નાખવાની કોઈ જ જરૂર હોતી નથી. બાકીની તમામ સમસ્યાઓમાં જો ધીરજ રાખીને દવા કરવામાં આવે તો ચોક્કસપણે લોહીવા મટાડી શકાય છે. મોટા ભાગે આજે હૉમોર્ન્સ આપીને પણ માસિક બંધ કરવામાં આવતું હોય છે જે શરીરને હાનિકર્તા પણ નીવડી શકે છે. આ પ્રકારની દવાઓ આપતા ડૉક્ટરો પણ આ બધી જ આડઅસરો જાણતા હોવા છતાં જ્યારે કોઈ પણ ઉપાય કારગત ન નીવડે ત્યારે આ પ્રકારની દવાઓ આપે છે. આયુર્વેદમાં લોહીવાના રોગને સંપૂર્ણપણે મટાડી શકાય છે.

ઉપચાર

સૌપ્રથમ માસિક ખૂબ જ આવતું હોય ત્યારે સ્ત્રીએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ. વધુપડતું માસિક આવે તો પલંગ પર સૂઈને પગ તરફના પલંગના પાયા નીચે ઈંટ મૂકીને એ તરફનો ભાગ ઊંચો રહે એમ ગોઠવવો.

જેમને લોહીવાની તકલીફ હોય તેમણે જ્યાં સુધી આ રોગ કાબૂમાં ન આવે અને માસિક સંપૂર્ણપણે નિયમિત અને પ્રમાણસર ન થાય ત્યાં સુધી સંભોગ ન કરવો.

ખાવામાં તીખો, તળેલો, મસાલેદાર અને મીઠાવાળો ખોરાક બિલકુલ ન લેવો. ખોરાકમાં દૂધ-ઘી, ખડી સાકર-ભાત-ખીર વધુ ખાવાં જોઈએ.

ખોરાકમાં મરચાં, લસણ, કાંદા, ગોળ, બાજરી, સૂરણ, સરગવો, મેથી, રીંગણાં વગેરે ગરમ પદાર્થ બિલકુલ ન લેવા.

શુદ્ધ ફટકડી ૩ રતી + શુદ્ધ ગોરિક ૩ રતી + સુવર્ણ માક્ષિક ભસ્મ ૩ રતી + પ્રવાળપીષ્ટી ૩ રતી + મૌકતિકષ્ટી ૩ રતી આ પાંચેયને ખરલમાં મિક્સ કરી જેઠીમધ સાથે ઘૂંટી એની પડીકીઓ બનાવવી. આ પડીકીઓ દિવસમાં ચાર વાર ખડી સાકરવાળા દૂધ સાથે અથવા તો ગાયના ઘી અને સાકર સાથે લેવી.

રોજ બે ચમચી આમળાંનો મુરબ્બો અથવા બે-ત્રણ આમળાં બાફીને સાકરની ચાસણીમાં પલાળેલાં હોય એ દિવસમાં બે વાર (સવાર-સાંજ) લેવાં. જો જુલાબ વધુ થાય અથવા પેટમાં વધુ ગરબડ જેવું લાગે તો ગભરાવું નહીં. આમળાંની માત્રા ઘટાડવી, પણ બંધ

ન કરવાં.

ઔષધમાં શતાવરી, આમળાં, નાગકેસર, અરડૂસા, લોધ્ર, જેઠીમધ, ગળોસત્વ અને ખડી સાકર આ આઠેય દ્રવ્યો સમભાગે લઈ (૨૦૦ ગ્રામ) બરાબર મિક્સ કરવાં. આમાંથી ૨૦ ગ્રામ ચૂર્ણ તપેલીમાં લઈ એમાં ત્રણ ગ્લાસ પાણી ઉમેરી રાત્રે પલાળી રાખવું. બીજે દિવસે સવારે જ્યાં સુધી એક ગ્લાસ પાણી બાકી રહે ત્યાં સુધી ધીમી આંચ પર ઉકાળવું. ત્યાર બાદ એને ઠારી, ગાળીને પી જવું. સવારની દવા માટે રાત્રે અને રાતની દવા માટે સવારે એમ મિશ્રણને તાજું-તાજું જ પલાળવું અને વાપરવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK