એક સમયે દેશમાં એક ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આવતાં વષોર્માં દેશમાં અનેક ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ હશે

Published: 21st October, 2012 08:23 IST

એફડીઆઇ આવવાથી દેશની શું હાલત થશે એ જાણવું હોય તો ૨૦૦ વર્ષ જૂના ભૂતકાળને ચકાસી લેવો પડશેમારી પાસે વાત કરવા માટે તો અનેક મુદ્દાઓ છે, પણ અત્યારના તબક્કે જો સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય તો એ મુદ્દો એફડીઆઇનો એટલે કે ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો છે. મૂળભૂત રીતે હું વિદેશી મૂડીરોકાણનો વિરોધી છું એવું કહી શકાય. રાષ્ટ્રને સ્વનિર્ભર બનાવવાને બદલે જો અન્ય દેશના સહારે અને બીજા દેશના ચલણના આધારે ઊભું કરવાની નીતિ સાથે હું સહમત નથી. આઝાદી સમયે જ કહેવાયું હતું કે રાષ્ટ્રને શક્ય હોય એટલું ઝડપથી સ્વનિર્ભર બનાવવામાં નહીં આવે તો આ રાષ્ટ્ર કાયમ માટે પંગુતા ભોગવતું થઈ જશે. આર્થિક નિષ્ણાતો પણ આ હકીકત સ્વીકારશે. આઝાદીનાં આટલાં વર્ષો પછી આજે જ્યારે માંડ આપણે આપણા પગ પર ઊભા રહી શકીએ એવી અવસ્થા પર આવ્યા છીએ ત્યારે એફડીઆઇને અમલમાં મૂકવાથી ફરી એક વખત આ દેશની સ્વનિર્ભરતા પર લગામ આવશે.

એફડીઆઇ આવવાથી દેશની શું હાલત થશે એ જાણવું હોય તો ૨૦૦ વર્ષ જૂના ભૂતકાળને ચકાસી લેવો પડશે. સદીઓ પહેલાં અંગ્રેજોની એક કંપની વેપારધંધો કરવા માટે આ દેશમાં દાખલ થઈ હતી. નામ હતું એનું ઈસ્ટ ઇન્ડિયા કંપની. દેશમાં આવેલી આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હેતુ વેપાર કરવાનો હતો, પણ વેપાર કરતાં-કરતાં તેમને તકલીફ પડવી શરૂ થઈ એટલે કંપનીના વહીવટદારોએ સ્થાનિક રાજકારણ અને સ્થાનિક નીતિ-નિયમોમાં દખલ કરવાની શરૂઆત કરી. જેમણે કોઈએ અંગ્રેજો સાથે પનારો પાડ્યો હશે કે કામ કર્યું હશે એ સૌને ખબર હશે કે અંગ્રેજો હંમેશાં શૉર્ટકટ શોધતા હોય છે, તેમને કોઈને હિન્દુસ્તાનીઓની જેમ હાર્ડ-વર્ક કરવાની આવડત નથી. એ સમયે સરકાર હતી નહીં, રાજાશાહીનો યુગ હતો એટલે અંગ્રેજો માટે એ પણ લાભદાયી પુરવાર થયું. અંગ્રેજો પોતાની જરૂરિયાત મુજબના નિયમો માટે રાજાને ખુશ કરતા અને આ ખુશીના બદલામાં પોતાને અનુકૂળ હોય એવા નિયમો બનાવડાવતા. મારું માનવું છે કે રાજકારણ ત્યારે જ રમવામાં આવતું હોય છે જ્યારે પોતાને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની માનસિકતા હોય. અંગ્રેજોને પોતાને અનુકૂળ વાતાવરણ બનાવવું હતું એટલે તેમણે ભારતીય રાજાશાહીમાં રસ લઈને જરૂરી કહેવાય એવા કાયદાઓ પણ બનાવડાવ્યા. આ કાયદાઓ બનાવતી વખતે અંગ્રેજોએ ક્યારેય એવું વિચાર્યું નહોતું કે તેમણે આ દેશમાં શાસન કરવું છે, પણ અનુકૂળતા સર્જાવા લાગી અને વેપાર-ધંધા ઉપરાંત રાજ કરવાની બીજી આવક પણ થવી શરૂ થઈ એટલે અંગ્રેજોએ શાસન કરવાની દિશામાં પણ ગંભીરતાપૂર્વક વિચારવાનું નક્કી કરવા માંડ્યું અને એક દિવસ એવો આવી ગયો કે અંગ્રેજો દેશમાં શાસન કરવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગયા અને દેશ પર કબજો કરી લીધો. મારી વાત આ કબજાની માનસિકતા સાથે શરૂ થાય છે.

ઇતિહાસ મારો ફેવરિટ વિષય રહ્યો છે. ભારતના ઇતિહાસનો મેં અભ્યાસ કર્યો છે. આ અભ્યાસનાં તારણોને મેં અહીં ટૂંકમાં વર્ણવ્યાં છે. જો ભારતની માનસિકતા બદલાશે નહીં અને રૂપિયાને વૈશ્વિક રૂપ આપવાની દોડમાંથી એ હટશે નહીં તો આ ઇતિહાસનું પુનરાવર્તન થશે. ફરક માત્ર એટલો હશે કે આ વખતની એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બદલે નાની-નાની અનેક ઈસ્ટ ઇન્ડિયા કંપની દેશ અને દેશની આર્થિક નીતિઓ પર આક્રમણ કરશે. મારી વાત અને મારી આ ધારણા સહેજ પણ ખોટી નથી. શૅરબજાર જુઓ.

ભારતીય શૅરબજારમાં વિદેશી મૂડીરોકાણને છૂટ આપ્યા પછી આજે ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (એફઆઇઆઇ)નું મૂડીરોકાણ એ હદે વધી ગયું છે કે એ ધારે ત્યારે દેશના શૅરબજારના ઇન્ડેકસને ઉપર-નીચે કરી શકે છે. ઇન્ડિયન સ્ટૉક માર્કેટ હવે દેશના સ્ટોકબ્રોકરના હાથમાં નહીં, પણ દુનિયાના ખમતીધરોના હાથમાં છે. એફડીઆઇનો મારો વિરોધ પણ આ જ કારણે છે. જો એફડીઆઇ અટકાવવામાં નહીં આવે કે એમના પર અંકુશ મૂકવામાં સહેજ પણ કચાશ રહી જશે તો દેશની સામાન્ય દુકાનો અને સામાન્ય વેપારીઓ મરી જશે અને ખરીદદારો વિદેશી વેપારીઓના હાથમાં આવી જશે, જેની અસરરૂપે બનશે એવું કે આપણે કયું નમક ખાવું એ પણ એ વિદેશી વેપારીઓ નક્કી કરશે અને માર્કેટમાંથી કયા સાબુને ગુમ કરી દેવા એ પણ એ લોકો જ નક્કી કરશે. ઇલેક્ટ્રૉનિક માર્કેટમાં સોની, પૅનૅસૉનિક જેવી કંપની માટે દેશના દરવાજા ખોલી નાખ્યા એમાં તો આપણા દેશની કહેવાય એવી નૅશનલ, બીપીએલ, ઓપ્ટોનિકા જેવી ઇલેક્ટ્રૉનિક બ્રૅન્ડ સાવ બંધ જ થઈ ગઈ. કોકા કોલા આવી એટલે થમ્સ-અપ અને લિમ્કાએ વેચાઈ જવું પડ્યું. હવે વોલમાર્ટ આવશે એટલે દેશી મૉલની હાલત પણ એવી જ થશે.

આ ખરાબ, આ પણ ખરાબ...

છેલ્લા થોડા સમયથી હું અણ્ણાજીના સહાકાર્યકર એવા અરવિંદ કેજરીવાલનાં નિવેદનો જોઈ રહ્યો છું. આ નિવેદનોમાં આક્ષેપબાજીઓ છે અને આ પણ ખરાબ અને પેલો પણ ખરાબ એવા ભાવ સાથે પુરાવાઓ રજૂ કરવામાં આવે છે. મારું માનવું છે કે આ જે કંઈ થઈ રહ્યું છે એ ખોટું છે. જો બધા જ ખરાબ હશે, બધી પાર્ટી ખરાબ હશે તો કોને આ દેશનું શાસન સોંપવું એ પ્રશ્ન ચોક્કસપણે ભારતની જનતાના મનમાં જન્મશે. હું માનું છું કે આ પ્રકારે બધા ખરાબ કહેવાની નીતિ ખોટી છે, દેશ માટે અહિત સર્જનારી છે. મારો કહેવાનો મતલબ એવો નથી કે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા છે કે એ કરવાની મનાઈ કરવી જોઈએ. હું કહેવા એ માગું છું કે આ આક્ષેપોના કારણે લોકોના મનમાંથી રાષ્ટ્રવાદની ભાવના સાવ વીસરાઈ જાય તો એ ખોટું છે. અત્યારે દિલ્હીમાં ચાલતા આક્ષેપો સાંભળીને યુવાનોના મનમાં એવો ભાવ જન્મવા લાગ્યો છે કે રાજકારણમાં છે એ તમામ લોકો ખરાબ છે, જે સંપૂર્ણ સત્યવચન નથી. આ ક્ષેત્રમાં પણ ચોખ્ખો ભૂતકાળ ધરાવતા લોકો છે જ અને કાર્યરત છે. હું કોઈને રોકવાનું કામ તો ન કરી શકું, પણ આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાનું કામ કરતા લોકોને એટલી વિનંતી ચોક્કસપણે કરી શકું કે તે જ્યારે પણ કોઈ ભ્રષ્ટાચારીને ખુલ્લો પાડે ત્યારે તેની સાથે-સાથે સાફ અને સ્વચ્છ કારકિર્દી ધરાવતાં રાજકારણીઓને પણ પ્રકાશમાં લાવવાનું કામ કરવું જોઈએ, જેથી લોકોના માનસમાં રાજકારણ માટે માત્ર નકારાત્મકતા જ નહીં, હકારાત્મકતાનો પણ પ્રવેશ થાય.

ગોવિંદાચાર્ય

પ્રખર વિવેચક, સમાજશાસ્ત્રી અને ઇતિહાસકાર કે. એન. ગોવિંદાચાર્યનો જન્મ ૨ મે, ૧૯૪૩ના દિવસે થયેલો. માસ્ટર ઇન સાયન્સ થયા પછી તેમણે તરત જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જવાબદારી સંભાળી લીધી હતી. ૧૯૭૦નો દાયકો ગોવિંદાચાર્ય માટે અત્યંત મહત્વનો રહ્યો. તેમણે જયપ્રકાશ નારાયણ સાથે રહીને અનેક નવા વિષયો પર કામ કર્યું, સાથોસાથ જે. પી. મૂવમેન્ટ તરીકે ઓળખાતી ક્રાન્તિયાત્રામાં પણ સક્રિયપણે ભાગ લીધો. આ જે. પી. મૂવમેન્ટ પછી ગોવિંદાચાર્યને સંઘની જવાબદારીમાંથી મુક્ત કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને એ પછી બીજેપીના સક્રિય રાજકારણમાં મૂક્યા, જ્યાંથી ગોવિંદાચાર્યે ૨૦૦૦માં સંપૂર્ણ નિવૃત્તિ લીધી અને જયપ્રકાશ નારાયણે ચીંધેલા રસ્તે સ્વદેશી જાગરણ મંચ તથા સ્વદેશી વિચારધારા નામની સંસ્થા શરૂ કરી. આ સંસ્થા દેશની વિદેશી રાજનીતિઓની નુક્તેચીની કરવાનું કામ કરે છે,સાથોસાથ સ્વદેશી બજારને બચાવવાનું કામ પણ કરે છે. મહાત્મા ગાંધી ખાદી અને અન્ય સ્વદેશી ચીજવસ્તુ વાપરવાનો આગ્રહ કરતા, જ્યારે ગોવિંદાચાર્ય ભારતમાં બનતી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે છે અને રખાવે છે. તેમની સંસ્થાઓએ એક લાખથી વધુ લોકોને સ્વદેશી ચીજવસ્તુ વાપરવાના શપથ લેવડાવ્યા છે. સ્વદેશી વિચારધારાને બળવાન બનાવવા માટે ગોવિંદાચાર્ય સ્વખર્ચે જઈને પ્રવચનો કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK