ભ્રષ્ટ માણસનો ઉપચાર અને સમાજમાં ફેલાયેલી ગંદકીની સાફસૂફી કોણ કરશે?

Published: 21st October, 2012 08:20 IST

ભ્રષ્ટાચારીને પકડી પાડવાથી ભ્રષ્ટવ્યવસ્થાનો અંત આવવાનો નથી : ભ્રષ્ટાચાર મરકીની માફક ફાટી નીકળ્યો છે અને એણે ઉપદ્રવનું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સ્વચ્છ સમાજની પુન: સ્થાપના બહુ જરૂરી



સો વર્ષ પહેલાં પશ્ચિમ ભારતમાં મરકી (પ્લેગ)ની બીમારી ફાટી નીકળી હતી ત્યારે દરદીનાં સગાંવહાલાંઓ બીમારીને છુપાવતાં. આનું કારણ એ હતું કે મરકીનો ઉપદ્રવ વધુ ફેલાય નહીં એ માટે સરકાર કટિબદ્ધ હતી. બીમારીની જાણ થતાં જ આરોગ્ય ખાતાના માણસો દરદીને ઉપાડી જતા હતા અને બીજા માણસને ચેપ ન લાગે એવી સલામત જગ્યાએ તેને રાખીને તેની સારવાર કરવામાં આવતી હતી. આ બાજુ જે ઘરમાં અને મહોલ્લામાં મરકીનો દરદી સાંપડ્યો હોય ત્યાં તળિયાઝાટક સફાઈ કરવામાં આવતી હતી. રસોડું, પૂજાઘર વગેરેની પવિત્રતા એ સંકટના સમયે ગંદકીની સફાઈની તુલનામાં ગૌણ હતી. કોઈ પણ સંજોગોમાં બીમારી ફેલાતી અટકવી જોઈએ, બીમારનો ઇલાજ થવો જોઈએ અને સમાજની સ્વસ્થતા પુન: સ્થાપિત થવી જોઈએ. રૂઢિચુસ્ત માનસ ધરાવતા સનાતની લોકો સરકારની સ્વસ્થ સમાજ માટેની આક્રમકતાને સમજી અને સ્વીકારી નહોતા શકતા.

આ દેશમાં ભ્રષ્ટાચાર મરકીની માફક ફાટી નીકળ્યો છે. એણે ઉપદ્રવનું સ્વરૂપ ધારણ કર્યું છે. અરવિંદ કેજરીવાલ ધારે તો રોજ એક કૌભાંડ બહાર પાડી શકે એમ છે. સરકારી દફ્તરોમાં અને કૉર્પોરેટ કંપનીઓમાં હજી મોટી સંખ્યામાં પ્રામાણિક માણસો છે. એ લોકો ભ્રષ્ટ વ્યવસ્થામાં ગૂંગળાય છે અને રોજ અરવિંદ કેજરીવાલની ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની ઑફિસમાં જઈને હકીકતો બયાન કરે છે. આમ કેજરીવાલ અને તેમની ટીમ માટે કૌભાંડોની ખોટ પડવાની નથી. પ્રશ્ન એ છે કે ભ્રષ્ટ માણસનો ઉપચાર કોણ કરશે? સમાજમાં જે ગંદકી ફેલાઈ છે એની સાફસૂફી કોણ કરશે? કેજરીવાલની, મિડિયાની, આપણા જેવા સામાન્ય નાગરિકોની નિસ્બત કેવળ ભ્રષ્ટ માણસને પકડીને તેને ઉઘાડો કરવા પૂરતી મર્યાદિત છે કે સ્વચ્છ સમાજની પુન: સ્થાપનાની છે?

પ્રથમદર્શી પુરાવાઓ જોતાં એમ લાગે છે કે રૉબર્ટ વાડ્રા, ડીએલએફ નામની કન્સ્ટ્રક્શન કંપની અને હરિયાણા સરકાર ગુનેગાર છે. પ્રથમદર્શી પુરાવાઓ જોતાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ગુનેગાર છે. પ્રથમદર્શી પુરાવાઓ જોતાં મહારાષ્ટ્રના સિંચાઈકૌભાંડમાં અજિતદાદા પવાર, મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટરો ગુનેગાર છે. પ્રથમદર્શી પુરાવાઓ જોતાં કોલસાની ખાણોની ફાળવણી કરનારા કેન્દ્રના પ્રધાનો, ખાણ મંત્રાલયના અધિકારીઓ અને કેટલાંક ઉદ્યોગગૃહો ગુનેગાર છે. કેન્દ્રના કાયદાપ્રધાન સલમાન ખુરશીદ ખરેખર ગુનેગાર છે કે કેમ એ સ્પષ્ટ થતું નથી, પરંતુ માની લઈએ કે તેઓ પણ ગુનેગાર છે. હજી બીજા અનેક સત્તાધીશો અને શાસકવર્ગના ગુનેગારો પકડાયા નથી કાં હવે પછી પકડાશે. સવાલ એ છે કે આગળ શું? મરકીના દરદીને પકડી પાડવા માત્રથી જેમ મરકીના ઉપદ્રવનો અંત ન આવ્યો હોત એમ ભ્રષ્ટાચારીને પકડી પાડવા માત્રથી ભ્રષ્ટવ્યવસ્થાનો અંત આવવાનો નથી.

મરકીના ઉપદ્રવ વખતની અને અત્યારે ભ્રષ્ટાચારના ઉપદ્રવ વખતની સ્થિતિમાં એક મૂળભૂત ફરક છે. મરકીના ઉપદ્રવ વખતે સ્વસ્થ સમાજની પુન: સ્થાપના કરવી એ એ વખતની સરકારનો એજન્ડા હતો. એનાથી ઊલટું ભ્રષ્ટ વ્યવસ્થાની સફાઈ કરીને સ્વચ્છ વ્યવસ્થાની પુન: સ્થાપના ક્યારેય ન થાય એમાં ભારતના વર્તમાન શાસકવર્ગનું સ્થાપિત હિત છે. આમ શાસકો પોતે સામે ચાલીને કંઈ કરશે એમ અત્યારે તો લાગતું નથી. એક સમયે આ લખનારની એવી ધારણા હતી કે દેશના બે મોટા પક્ષો વ્યવસ્થાકીય સુધારાઓ કરશે, કારણ કે સુચારુ શાસનમાં તેમનું પોતાનું હિત છે અને ૨૧મી સદીમાં ભારતે જો ગણનાપાત્ર સત્તા બનવું હોય તો એ જરૂરી પણ છે. એક પણ રાજકીય પક્ષના એક પણ નેતાએ આજ સુધી વ્યવસ્થાના સંકટ વિશે પ્રામાણિક આત્મનિરીક્ષણ કર્યું હોય એવું જોવા મળ્યું નથી. તેઓ પરસ્પર આક્ષેપબાજી કરે છે, આત્મનિરીક્ષણ નથી કરતા. તો પછી કામ કોણ કરશે? એનાથી પણ વધારે મહત્વનો પ્રશ્ન એ છે કે એ કેવી રીતે થશે? ભ્રષ્ટાચાર જ્યારે વ્યવસ્થાનું અંગ બની જાય છે ત્યારે કોઈ જાતની શરમ બચતી નથી. કેટલાક આફ્રિકન અને દક્ષિણ અમેરિકાના દેશો આનું ઉદાહરણ છે જેને અંગ્રેજીમાં બનાના રિપબ્લિક તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થામાં ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારનો અનુભવ વિશ્વના સમૃદ્ધ ગણાતા દેશોમાંના એક જપાનને પણ કર્યો છે. શું આપણે આપણા દેશને આવું લેબલ લાગવા દઈશું કે પછી કોઈ ઉપાય છે?

છેલ્લા એક વર્ષમાં આના ઉપાય વિશે મેં અનેક વાર લખ્યું છે અને આજે ફરી એક વાર આગ્રહપૂર્વક એની પુનરુક્તિ કરું છું. જેના પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હોય અને જો એના પ્રથમદર્શી પુરાવાઓ હોય તો તેની સામે અદાલતમાં ખટલો ચાલવો જોઈએ. ખટલો માંડતાં પહેલાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસસંસ્થા (ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી) દ્વારા એની તપાસ થવી જોઈએ. આરોપનામું દાખલ થયા પછી વધુમાં વધુ અપીલ સહિત બે વર્ષમાં અદાલતનો ચુકાદો આવી જવો જોઈએ. જો આરોપી ગુનેગાર ઠરે તો તેને સજા થવી જોઈએ અને જો તે ગુનેગાર ન હોય તો તેને બાઇજ્જત નિર્દોષ જાહેર કરવો જોઈએ. ગુનેગાર છટકવો ન જોઈએ અને નિર્દોષ માણસને કલંકમુક્ત કરવો જોઈએ.

આ અશક્ય નથી. આને માટે બે ચીજની જરૂરિયાત છે : એક, નિષ્પક્ષ તપાસસંસ્થા અને બીજી, સક્ષમ ન્યાયતંત્ર. અત્યારે આપણી તપાસસંસ્થાઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ નથી. કૌભાંડીઓ તપાસસંસ્થાઓને પોતાના હિતમાં વાપરે છે. ર્બોફોસકૌભાંડમાં પચીસ વર્ષ પછી હજી આજેય આરોપીઓ સામે આરોપનામાં દાખલ થયાં નથી. મોટા ભાગના કહેવાતા આરોપીઓ ગુજરી ગયા છે. જૈન હવાલાકાંડ, લાલુ પ્રસાદ યાદવના ચારાઘોટાલા, માયાવતીનું તાજ કૉરિડોર કૌભાંડ, ઓમ પ્રકાશ ચૌટાલાનું બેસુમાર સંપત્તિનું પ્રકરણ વગેરે એક સમયે ગાજેલાં કૌભાંડોમાં આજે એક-દોઢ દાયકા પછી પણ કોઈ ગતિ નથી. તેમની સામે આરોપનામાં સુધ્ધાં દાખલ નથી થયાં, સજા થવાની અથવા નિર્દોષ છૂટવાની વાત તો બાજુએ રહીએ. આમ સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસસંસ્થા એ પહેલી જરૂરિયાત છે.

ભારતનું ન્યાયતંત્ર લકવાગ્રસ્ત છે એ જાણીતી હકીકત છે. પરરાષ્ટ્રોએ પણ આની નોંધ લીધી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે વાણિજ્ય સમજૂતી કરે છે ત્યારે જો બે કંપનીઓ વચ્ચે ઝઘડો થાય તો એ સ્થિતિમાં પોતાને ત્યાંની અદાલતોના જુરિસ્ડિક્શન માટે એ આગ્રહ રાખે છે. ભારતમાં સમયસર ખટલાનો નિકાલ થતો નથી એવો અનુભવ છે. સ્થાપિત હિતો ભારતના ન્યાયતંત્રનો ન્યાય મેળવવાની જગ્યાએ ન્યાય ઠેલવવા માટે દુરુપયોગ કરે છે. હરીફોને અદાલતી આટાપાટામાં ફસાવવા માટે ન્યાયતંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રામાણિક જજો ઇચ્છે તો પણ ખટલા નથી ચલાવી શકતા. આ ઉપરાંત આજે નીચલા સ્તરે અદાલતોમાં ભ્રષ્ટાચાર ખદબદે છે. આમ બીજી જરૂરિયાત છે ન્યાયતંત્રમાં ધરખમ સુધારાઓની. જો આ બે સંસ્થાઓ ચુસ્તદુરુસ્ત થઈ જશે તો કૌભાંડીઓ કૌભાંડ કરતાં પહેલાં એક હજાર વાર વિચારશે. જ્યાં સજાનો ભય નથી હોતો ત્યાં જ ગુનાઓ સૌથી વધુ થાય છે.

આ થઈ મરકીના દરદીના ઉપચારની વાત. હવે પ્રશ્ન બચે છે મરકીનો ઉપદ્રવ થાય જ નહીં એવી કેટલીક સફાઈની વાત. આને માટે કેટલાક બંધારણીય અને કાયદાકીય સુધારાઓ જરૂરી છે. સીબીઆઇ કે એવી કોઈ પણ તપાસસંસ્થાને ચૂંટણીપંચ જેવો બંધારણીય દરજ્જો મળવો જોઈએ. આવી જ રીતે ન્યાયતંત્ર સક્ષમ અને ભ્રષ્ટાચારમુક્ત બને એ માટે બંધારણીય દરજ્જો ધરાવતું કાયમી જુડિશ્યલ કમિશન રચવું જોઈએ. સરકારી માલિકીનાં સંશાધનોના વિનિયોગનો અગ્રતાક્રમ નક્કી થવો જોઈએ; જેમ કે પાણીના વપરાશ માટે પહેલા ક્રમે પીવા માટે, બીજા ક્રમે સિંચાઈ, ત્રીજા ક્રમે ઉદ્યોગો. જો આ ક્રમ અફર હોય તો પુણેના રહીશોના ભાગનું અને ખેડૂતોના ભાગનું પાણી લવાસાને ન મળે. જમીન અધિગ્રહણને લગતા કાયદામાં સુધારા થવા જોઈએ. ચૂંટણીને લગતા અને રાજકીય પક્ષોને લગતા કાયદાઓમાં સુધારા કરવા જોઈએ જેથી ચૂંટણી ઓછી ખર્ચાળ થાય. વ્યવસ્થાકીય સુધારાઓનાં અનેક સૂચનો સોનિયા ગાંધીની રાષ્ટ્રીય સલાહકાર સમિતિએ, કાયદા પંચે અને બિનસરકારી સંસ્થાઓએ સૂચવ્યાં છે. શું કરવું જોઈએ એ શાસકો અને શાણા માણસો જાણે છે. અભાવ તેમના ઇરાદાનો છે અને એનાથી પણ મોટો અભાવ નાગરિક સમાજના દબાવનો છે.

કેજરીવાલનું આંદોલન શાસકલક્ષી છે, વ્યવસાયલક્ષી નહીં

શાસકવર્ગ પર દબાવ લાવવાની જરૂર છે. આને માટે નાગરિક સમાજના આંદોલનને વ્યાપક સર્વગ્રાહી બનાવવાની જરૂર છે. અરવિંદ કેજરીવાલને વ્યાપક આંદોલનમાં રસ હોય એવું લાગતું નથી. તેઓ અણ્ણા સાથે હતા ત્યારે પણ તેમનું આંદોલન એકાંગી હતું. તેમનું આંદોલન પહેલેથી જ શાસકલક્ષી રહ્યું છે, વ્યવસાયલક્ષી નથી. એક પછી એક શાસકને ટાર્ગેટ બનાવીને તેઓ જો પોતાના માટે રાજકીય જગ્યા બનાવવા માગતા હોય તો એમાં તેમને કદાચ મર્યાદિત સફળતા મળે પણ ખરી, પરંતુ વ્યવસ્થામાં બુનિયાદી સુધારા થવાના નથી. મિડિયાના ઘોંઘાટથી બહુ ઉશ્કેરાઈ જવાની જરૂર નથી. તેમના માટે આ ટીઆરપીનો ખેલ છે. ૧૫૦ જણ સલમાન ખુરશીદના રાજીનામાની માગણી કરવા આંદોલન કરે એને ઇલેક્ટ્રૉનિક મિડિયા ત્રણ દિવસ સુધી ચોવીસ કલાક બતાવે અને પચાસ હજાર માણસો બુનિયાદી પરિવર્તનની માગણી સાથે એકટાણું જમીને આંદોલન કરે એને માટે મિડિયા પાંચ મિનિટ પણ ન ફાળવે. કેજરીવાલનું પથ્થરઉછાળ રાજકારણ ટીઆરપી વધારી આપતું હોય તો પી. વી. રાજગોપાલની શાંત ક્રાન્તિની કોને પડી છે. ઊલટું કેજરીવાલ અને ઇલેક્ટ્રૉનિક મિડિયા મળીને લોકોને સભ્રમિત કરે છે, નાઉમ્મીદ કરે છે, અંગ્રેજી શબ્દ વાપરીએ તો સિનિક બનાવે છે.

સ્વચ્છ સમાજની રચનાનો આ માર્ગ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK