Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > આપણા વિજ્ઞાનીઓ ફરી ઊપડ્યા ઍન્ટાર્કટિકા

આપણા વિજ્ઞાનીઓ ફરી ઊપડ્યા ઍન્ટાર્કટિકા

21 October, 2012 08:20 AM IST |

આપણા વિજ્ઞાનીઓ ફરી ઊપડ્યા ઍન્ટાર્કટિકા

આપણા વિજ્ઞાનીઓ ફરી ઊપડ્યા ઍન્ટાર્કટિકા




જગદીશચંદ્ર ભટ્ટ

પૃથ્વીનું સૌથી ઠંડુંગાર સ્થળ, એક કરોડ ૪૦ લાખ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી બરફની અફાટ ચાદર, પ્રતિ કલાકે ૨૦૦થી ૨૫૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતો કાતિલ પવન, સમુદ્રમાં તરતી લાખો ટનની મહાકાય હિમશિલાઓ અને માનવવિહીન વસવાટ. પૃથ્વીનો સૌથી ઠંડોગાર કૉન્ટિનન્ટ (ખંડ) ઍન્ટાર્કટિકા. આપણી પૃથ્વીનું સૌથી નીચેનું બિંદુ એટલે કે સાઉથ પોલ (દક્ષિણ ધ્રુવ) આ કોલ્ડેસ્ટ કૉન્ટિનન્ટનો એક હિસ્સો છે. પૃથ્વીના આ સૌથી ટાઢાબોળ સ્થળે જઈને પણ ભારતના સાયન્ટિસ્ટો વિવિધ અને વિશિષ્ટ પ્રકારનાં સંશોધનો કરે છે એ હકીકતથી દેશના સામાન્ય નાગરિકો અજાણ હોય એ સમજી શકાય એવી વાત છે. આમ છતાં તેમનાં જ્ઞાન-માહિતીમાં વધારો થાય એવા નવા ન્યુઝ એ છે કે ભારતના વિજ્ઞાનીઓની અને તેમના સહયોગીઓની નવી ટીમ ૩૨મી સંશોધનયાત્રા માટે ઍન્ટાર્કટિકા જવા તૈયાર થઈ ગઈ છે. ફોડ પાડીને કહીએ તો ઍન્ટાર્કટિકા પરના સંશોધનની ૨૦૧૨-૨૦૧૩ની નવી સીઝન શરૂ થઈ રહી છે અને ગોવામાં આવેલા નૅશનલ સેન્ટર ફૉર ઍન્ટાર્કટિકા ઍન્ડ ઓશન રિસર્ચ (એનસીએઓઆર) દ્વારા એના માટેની તૈયારી પણ પૂરી થઈ ગઈ છે.

 જરા કલ્પના કરો કે પૃથ્વીના આટલા બધા ટાઢાબોળ અને બરફીલા વિસ્તારમાં જઈને ભારતના વિવિધ ક્ષેત્રના સાયન્ટિસ્ટો ફ્ક્ત ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે બહુ ઉપયોગી એવું સંશોધન કરે એ કાર્ય કેટલું પડકારરૂપ અને સાહસપૂર્ણ હોય. જોકે ઍન્ટાર્કટિકા પર જઈને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઑસ્ટ્રેલિયા અને સોવિયેટ રશિયા વગેરે રાષ્ટ્રો પણ સંશોધનાત્મક અભ્યાસ કરે છે. આમ છતાં બરફના વિશાળ રણસમાન ઍન્ટાર્કટિકા પર જતા ભારતના વિજ્ઞાનીઓની તથા તેમના મદદનીશ સ્ટાફની પસંદગી કેવી રીતે થાય છે, ઍન્ટાર્કટિકા જવાની શરૂઆત ક્યારે થઈ, આપણા સાયન્ટિસ્ટો અહીં ચોક્કસ કયા-કયા પ્રકારનું સંશોધન કરે છે, એ સંશોધનનો હેતુ શો છે, અત્યાર સુધીનાં વષોર્માં કેટલી સફળતા મળી છે અને કોઈ નવતર કે વિશિષ્ટ સંશોધન થયું છે કે કેમ, ઍન્ટાર્કટિકાના સરેરાશ માઇનસ ૩૯થી માઇનસ ૪૦ ડિગ્રી સેલ્સિયસ જેટલા અસહ્ય અને ગાત્રો થીજી જાય એટલા ઠંડાગાર વાતાવરણમાં આપણા સાયન્ટિસ્ટો કઈ રીતે અને ક્યાં રહે છે અને તેમની સલામતી માટે કેવી વ્યવસ્થા હોય છે એ બધી થોડીક ટેãક્નકલ છતાં બહુ રસપ્રદ વિગતો જાણવા-સમજવા જેવી તો ખરી જ.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયોમૅગ્નેટિઝમ (આઇઆઇજી, નવી મુંબઈ)ના સિનિયર સાયન્ટિસ્ટ અને ઍન્ટાર્કટિકા જનારી ૩૨મી ટીમના લીડર અજય ધર એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં Sunday સરતાજને કહે છે, ‘ઍન્ટાર્કટિકાનો સમગ્ર કાર્યક્રમ એનસીએઓઆર, ગોવા દ્વારા તૈયાર થાય છે અને ગોવાની ઑફિસ ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સના માર્ગદર્શનમાં કામગીરી કરે છે. અમારી ટીમ નવેમ્બરના પહેલા સપ્તાહમાં ગોવાથી સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેર થઈને ઍન્ટાર્કટિકા જશે. અમારી ટીમમાં લગભગ ૧૦૦ સભ્યો હશે, જેમાં ૩૦ વિજ્ઞાનીઓ અને ૭૦ જણનો લૉજિસ્ટિક સ્ટાફ હશે. આ સ્ટાફમાં મેકૅનિકલ અને ઇલેક્ટિÿકલ એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, કન્સ્ટ્રકશન વર્કર્સ અને ડ્રાઇવર્સ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને વિજ્ઞાનીઓની ટીમમાં હવામાનશાસ્ત્રીઓ, પર્યાવરણશાસ્ત્રીઓ, જીવશાસ્ત્રીઓ, સમુદ્રવિજ્ઞાનને લગતી બાબતોના નિષ્ણાતો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે સંશોધન કરતા વિજ્ઞાનીઓ અને ભૂગર્ભશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ બધા વિજ્ઞાનીઓની પસંદગી ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયોમૅગ્નેટિઝમ, જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી તથા સ્નો ઍન્ડ ઍવલૅન્શ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ વગેરે સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટમાંથી થાય છે. ઉપરાંત દેશની વિવિધ રિસર્ચ લૅબોરેટરીઝ, યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી પણ સાયન્ટિસ્ટોની પસંદગી થાય છે.

જોકે આ તમામ વિજ્ઞાનીઓની અને લૉજિસ્ટિક સ્ટાફની પસંદગીનાં ધોરણો બહુ જ કડક અને ચુસ્ત હોય છે. એટલે કે બધાનું દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઆઇઆઇએમએસ)માં મેડિકલ ચેક-અપ થાય છે. મેડિકલ ચેક-અપમાં સફળ થનારા મેમ્બર્સને ત્યાર પછી બદરીનાથ જતાં વચ્ચે રસ્તામાં આવતા નાનકડા પણ ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવતા ઔલી નામના બરફીલા-પહાડી સ્થળે આવેલા ઇન્ડો-તિબેટન પોલીસ સેન્ટરમાં બરફીલા અને ઠંડાગાર વાતાવરણમાં કઈ રીતે રહેવું એની ખાસ ટ્રેઇનિંગ અપાય છે. આ તાલીમ દરમ્યાન મેમ્બરની શારીરિક અને માનસિક કસોટી થાય છે અને ઍન્ટાર્કટિકા જેવા પૃથ્વી પરના સૌથી ઠંડાગાર વિસ્તારમાં કઈ રીતે રહેવું અને કામગીરી કરવી એ જાણવા-શીખવા મળે છે.’

એનસીએઓઆર (ગોવા)ના ડિરેક્ટર એસ. રાજન Sunday સરતાજને કહે છે, ‘પહેલી ટીમ લગભગ નવેમ્બરના ફસ્ર્ટ વીકમાં બાય ઍર ગોવાથી મુંબઈ થઈને સાઉથ આફ્રિકાના કેપટાઉન જશે. આ ટુકડી કેપટાઉનથી ઇવાન પેપેનીન નામના સ્પેશ્યલ પ્રકારના શિપ દ્વારા સમુદ્રમાર્ગે લગભગ ૧૪-૧૫ દિવસમાં ઍન્ટાર્કટિકાના નવા તૈયાર થઈ રહેલા ભારતી સ્ટેશને પહોંચશે. બીજી ટીમ થોડા દિવસ પછી આ જ રૂટ પર કેપટાઉનથી સ્પેશ્યલ પ્રકારના રશિયન પ્લેન દ્વારા ઍન્ટાર્કટિકાના મૈત્રી સ્ટેશને પહોંચશે.’

 ઍન્ટાર્કટિકા પર ચારે તરફ બરફ જ બરફ હોવાથી અને દરિયામાં પણ તોતિંગ આઇસબર્ગ તરતી હોવાથી આઇસ-બ્રેકર અથવા આઇસ-ક્લાસ પ્રકારનાં ખાસ ટેક્નૉલૉજીથી બનાવેલાં શિપનો ઉપયોગ કરવો આવશ્યક છે. વિશિષ્ટ પ્રકારની શિપ બહુ જ મજબૂત હોવાથી એ એક, બે કે ત્રણ મીટર જાડા આઇસને પણ તોડીને આગળ વધી શકે છે.

અત્યાર સુધીમાં કુલ ૧૦ વખત ઍન્ટાર્કટિકા જઈ આવેલા અજય ધર તેમના બહોળા અનુભવના આધારે Sunday સરતાજને કહે છે, ‘૧૯૮૧-૮૨માં ભારતની પહેલી ટીમ પૃથ્વીના દક્ષિણ ધ્રુવના આ વિશાળ બરફીસ્તાનમાં સંશોધન માટે ગઈ ત્યારથી લઈને આજ સુધીમાં લૉન્ગ ટર્મ પ્રોગ્રામ અને શૉર્ટ ટર્મ પ્રોગ્રામ એમ બે પ્રકારનાં સંશોધન થાય છે. લૉન્ગ ટર્મના પ્રોગ્રામ ૧૦થી ૧૫ વર્ષના અને શૉર્ટ ટર્મ પ્રોગ્રામ એક, ત્રણ અને પાંચ વર્ષના હોય છે. જોકે આ બધા સંશોધન-કાર્યક્રમોનું આયોજન એક નૅશનલ સાયન્ટિફિક કમિટી દ્વારા તૈયાર થાય છે, જેમાં વિવિધ સંસ્થાના વિજ્ઞાનીઓ હોય છે. લાંબા ગાળાનાં સંશોધન આમ તો આખું વર્ષ ચાલે છે અને વિન્ટર મેમ્બર્સ ઍન્ટાર્કટિકામાં ૧૨થી ૧૪ મહિના રહે છે, જ્યારે ટૂંકા ગાળાના સંશોધન સમરમાં એટલે કે ઉનાળામાં થાય છે અને સમર મેમ્બર્સ અહીં ફક્ત ત્રણથી પાંચ મહિના રહે છે.’

ઍન્ટાર્કટિકાનાં ત્રણ સ્ટેશન

ઍન્ટાર્કટિકા પર ભારતની પ્રથમ ટીમ ૧૯૮૨માં ગઈ હતી. એ ટીમમાંના ૨૧ મેમ્બર્સ આમ તો ફ્ક્ત ૧૦ દિવસ ઍન્ટાર્કટિકા પર રહ્યા હોવા છતાં તેમણે ત્યાં જિયોલૉજી (ભૂસ્તરશાસ્ત્ર), જિયોફિઝિક્સ (ભૂ-ભૌતિકશાસ્ત્ર), મિટિયરોલૉજી (હવામાનશાસ્ત્ર), જિયોમૅગ્નેટિઝમ (ભૂચુંબકત્વ વિજ્ઞાન), ઓશનોગ્રાફી (સમુદ્રીવિજ્ઞાન) અને બાયોલૉજી (જીવશાસ્ત્ર) વગેરે જેવા વિષયો વિશે સંશોધન કરીને એક મહત્વની શરૂઆત કરી હતી. જોકે ત્યાર પછી ૧૯૮૩માં ભારતનું પ્રથમ સ્ટેશન દક્ષિણ ગંગોત્રી ઍન્ટાર્કટિકાના આઇસ શેલ્ફ પર શરૂ થયું. દક્ષિણ ગંગોત્રીમાં ૧૯૮૯ સુધી આખા વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારના સંશોધનાત્મક કાર્યક્રમો યોજાતા હતા. જોકે ૧૯૮૯માં દક્ષિણ ગંગોત્રી સ્ટેશન બરફ નીચે દટાઈ જવાથી સલામતીનાં કારણોને ધ્યાનમાં લઈને એને હંમેશ માટે બંધ કરી દેવાયું. આમ છતાં ૧૯૮૯માં જ દક્ષિણ ગંગોત્રીથી લગભગ ૯૦ કિલોમીટર દૂર એક દ્વીપ નજીકના એક ખડકાળ વિસ્તારમાં મૈત્રી નામનું નવું સ્ટેશન શરૂ કરી દેવાયું હતું. આ મૈત્રી સ્ટેશનમાં હાલ આખું વરસ વિવિધ પ્રકારનાં સંશોધન થાય છે. જોકે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભારતી નામના વધુ એક નવા સ્ટેશનનું કન્સ્ટ્રક્શન કાર્ય શરૂ કરી દેવાયું છે, જે ૨૦૧૩માં સંપૂર્ણ કાર્યરત થઈ જશે.

પૃથ્વીનું કુદરતી સુરક્ષાકવચ ઓઝોન

ઍન્ટાર્કટિકા પર પૃથ્વીના કુદરતી સુરક્ષા કવચરૂપે ઓઝોનનું પડ પાતળું પડી રહ્યું છે. કારણ છે, સમગ્ર વિશ્વમાં સતત વધી રહેલું પોલ્યુશન (પ્રદૂષણ). ન માની શકાય એવી બાબત એ છે કે પ્રદૂષણનાં આ બધાં ઝેરી વાદળો છેવટે તો પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ભણી જ જાય છે. સરવાળે મધર અર્થનું સમગ્ર વાતાવરણ પણ ગંદું-ગોબરું થઈ રહ્યું છે. વળી, ભારે ચિંતાજનક બાબત તો એ છે કે ઉનાળામાં અહીં નવો ઓઝોન નથી બનતો, જે પરિસ્થિતિ પૃથ્વીના વિરાટ ગોળાની સલામતી માટે બહુ ખતરનાક ગણાય. ઓઝોન વાયુની વિશાળ ચાદરને કારણે જ આકાશમાં ઝળહળતા સૂર્યનારાયણમાંથી ફેંકાતાં ભારે હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોથી પૃથ્વીની સમસ્ત જીવસૃષ્ટિ હેમખેમ રહી શકે છે. કહેવાનો અર્થ એ છે કે ઍન્ટાર્કટિકા પર ઓઝોનની પ્રાકૃતિક ચાદરમાં કેવી ગતિવિધિ થઈ રહી છે એ વિશે પણ અહીં સતત અભ્યાસ થઈ રહ્યો છે.

ભારતીય વિજ્ઞાનીઓની સિદ્ધિ

૧૯૯૦થી ૨૦૦૫ના સમયગાળામાં પૃથ્વીના સધર્ન હેમિસ્ફિયર (દક્ષિણ ગોળાર્ધ)માં અને ખાસ કરીને ઍન્ટાર્કટિકાના અમુક વિસ્તારમાં મૅગ્નેટિક ફીલ્ડ (ચુંબકીય ક્ષેત્ર)નું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું હતું, જે પ્રમાણ વૈãશ્વક સ્તરના પ્રમાણની સરખામણીએ ઘણું વધુ હતું. આ રિસર્ચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટટ ઑફ જિયોમૅગ્નેટિઝમ (આઇઆઇજી)ના વિજ્ઞાનીઓએ કર્યું હતું. ઍન્ટાર્કટિકાના મૈત્રી સ્ટેશનમાંની ઑબ્ઝર્વેટરી (વેધશાળા) દ્વારા થયેલું આ સંશોધન ભારતીય વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય સ્તરની બહુ મહત્વની સિદ્ધિ ગણાય છે.

મૈત્રી સ્ટેશનમાં ઍન્ટાર્કટિકા પર થતા હવામાનના ફેરફાર વિશે ગહન સંશોધન થાય છે. આ રિસર્ચની મહત્વની અને ઉપયોગી વિગતો ભારતીય હવામાન ખાતાને અપાય છે. આ માહિતીના આધારે ભારતીય હવામાન વિભાગ દેશના ચોમાસા વિશે આગાહી કરી શકે છે.

ઍન્ટાર્કટિકા પર પૃથ્વીના કુદરતી સુરક્ષા કવચરૂપ ઓઝોનની ચાદરમાં મોટાં છિદ્રો પડી રહ્યાં છે. આ ઘટના સમગ્ર વિશ્વ માટે ઘેરી ચિંતારૂપ છે. જોકે ભારતીય સાયન્ટિસ્ટો ઓઝોનની ચાદરમાં થઈ રહેલી આ ગતિવિધિ વિશે સતત અને ઉપયોગી રિસર્ચ કરી રહ્યાં છે.

ભારતીય વિજ્ઞાનીઓએ એન્ટાર્કટિકા પર લગભગ ૨૦૦ જેટલા નવા જીવોની પ્રજાતિ ખોળી કાઢી છે.

આઇસ કોરિંગ

ઍન્ટાર્કટિકા પર નજર નાખો ત્યાં સુધી ફ્ક્ત અને ફક્ત બરફ છવાયેલો છે. સરળ રીતે સમજીએ તો આ સમગ્ર વિસ્તારનો ૯૮ ટકા જેટલો ભાગ બરફથી ઢંકાયેલો છે અને ફક્ત બે ટકા જેટલા હિસ્સામાં પર્વતમાળા અને નાની-મોટી ટેકરીઓ છે. આઇસ કોરિંગ એટલે એન્ટાર્કટિકા પરના જાડા-ઘટ્ટ બરફમાં આઇસ કોરર અને લેક કોરર જેવાં ડ્રિલ મશીનની મદદથી લગભગ ૬૦થી ૭૦ મીટર જેટલું ઊંડું ડ્રિલિંગ (શારકામ) કરવામાં આવે છે. આઇસ કોરિંગનો હેતુ એ હોય છે કે ભૂતકાળમાં બે, ત્રણ કે પાંચ હજાર વર્ષ અગાઉ પૃથ્વીનું વાતાવરણ કેવું હતું અને એમાં સમય જતાં કેવા-કેવા ચેન્જિસ થયા હશે એ વિશે મહત્વની જાણકારી મળી શકે.

ઍન્ટાર્કટિકાનું ગુજરાતી કનેક્શન

૨૦૦૮માં ઍન્ટાર્કટિકા ગયેલી ટીમમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની અમદાવાદની સહયોગી વિજ્ઞાન-સંસ્થા સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરમાં ફરજ બજાવતા ડૉ. સંદીપ ઓઝા અને દીપકકુમાર મારુ જોડાયા હતા. ડૉ. સંદીપ ઓઝા Sunday સરતાજને કહે છે, ‘એ ટીમમાં અમે સી આઇસ પ્રૉપર્ટીઝ વિશે મહત્વનું રિસર્ચ કર્યું હતું. સરળ રીતે સમજીએ તો સમદ્રમાં તરતી વિરાટકાય હિમશિલાઓનું અને જમીન પરના બરફનું વૉલ્યુમ ખરેખર કેટલું છે અને એમાં કેવા-કેવા ફેરફાર થાય છે એ વિશે અમે સંશોધન કર્યું હતું.’

સાયન્ટિસ્ટો અતિ ઠંડકમાં કઈ-કઈ સાવધાની રાખે છે?

ઍન્ટાર્કટિકા પર રહેવું એટલે જીવનું જોખમ નોતરવું. સરળ રીતે સમજીએ તો અહીં શિયાળામાં લગભગ માઇનસ ૩૦થી માઇનસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ અને ઉનાળામાં લગભગ શૂન્યથી ૨૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર રહે છે. ભૂતકાળમાં એક તબક્કે તો અહીંના જિયોમૅગ્નેટિક પોલ (ભૂચુંબકીય ધ્રુવ) પર માઇનસ ૮૯.૨ ડિગ્રી જેટલું કલ્પનાતીત તાપમાન નોંધાયું હતું. વળી અહીં ક્યારેક તો પ્રતિ કલાકના ૨૫૦ કિલોમીટરની પ્રચંડ ઝડપે પવન ફૂંકાય છે, તો બરફનું જીવલેણ તોફાન પણ થાય છે. આવી અતિ જોખમી પરિસ્થિતિમાં લોહી સુધ્ધાં થિજાવી દે એવી ઠંડી, જીવતાં દટાઈ જવાય એવું બરફનું તોફાન અને અતિ તોફાની પવન સામે સંપૂર્ણ રક્ષણ આપે એવા સ્પેશ્યલ પ્રકારના સૂટ, બૂટ, હાથ-પગનાં મોજાં અને સૂર્યનાં ખતરનાક અલ્ટ્રાવાયલેટ કિરણોથી રક્ષણ મેળવવા ખાસ પ્રકારનાં ગૉગલ્સ વગેરેનો ઉપયોગ કરવો ફરજિયાત ગણાય.

જોકે આપણા મૈત્રી સ્ટેશનમાં હીટરની સુવિધા હોવાથી એમાં ૨૦થી ૨૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું સામાન્ય ટેમ્પરેચર રહેતું હોવાથી ભારતીય ટીમ સરળતાથી કામગીરી કરી શકે છે. જોકે વિજ્ઞાનીઓ કે અન્ય કર્મચારીઓ તેમની કામગીરી માટે બહાર નીકળે ત્યારે બે-ત્રણ કે ચારના જૂથમાં જ જાય. વળી સ્ટેશન સાથેના સતત સંદેશવ્યવહાર માટે સાથે વૉકી-ટૉકી અથવા રેડિયો ફરજિયાત રાખવો પડે.

અહીં ન માની શકાય એવી નૈસર્ગિક ઘટના એ બને છે કે વિન્ટરમાં સતત ત્રણ મહિના સુધી સૂર્યનાં દર્શન નથી થતાં. એટલે કે લગભગ રાત્રિ જેવું વાતાવરણ રહે. જ્યારે સમરમાં સતત ત્રણ મહિના સુધી આકાશમાં સૂરજદાદા ઝળહળતા રહે. જરા કલ્પના કરો કે આવી જબરી વિરોધાભાસી પરિસ્થિતિમાં ભલા કોઈ કઈ રીતે રહી શકે.

હવામાનનો અભ્યાસ

ઍન્ટાર્કટિકા પર થઈ રહેલા હવામાનના સંશોધનાત્મક અભ્યાસના આધારે સમગ્ર દુનિયાના અને ખાસ કરીને ભારતના •તુચક્રમાં થઈ રહેલા ફેરફારનો અંદાજ આવી શકે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના હવામાનશાસ્ત્રીઓ ઍન્ટાર્કટિકા પરના હવામાનમાં થતા પરિવર્તનની મહત્વની વિગતો ભારતીય હવામાન ખાતાને આપે છે. છેવટે ભારતીય હવામાન ખાતું એ માહિતીના આધારે વર્ષા •તુ વિશે આગાહી કરી શકે છે.

ભૂચુંબકત્વ વિશે સંશોધન

આપણી પૃથ્વીમાં નૈસર્ગિક ચુંબકત્વ છે. આ ચુંબક્ત્વમાં ફેરફાર થતા રહે છે અને એ વિશે ઍન્ટાર્કટિકા પર સતત સંશોધન પણ થઈ રહ્યું છે. આ પ્રકારના સંશોધનના આધારે પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના નજીકના વાતાવરણમાં અને અંતરિક્ષના ઊંડાણના હિસ્સામાં કેવા-કેવા ફેરફાર થઈ રહ્યા છે એનો અંદાજ આવી શકે છે.

ઍન્ટાર્કટિકાની ભાવિ યોજનાઓ

એનસીએઓઆર, ગોવાના ડિયરેક્ટર એસ. રાજન Sunday સરતાજને કહે છે, ‘૨૦૧૩ના માર્ચમાં ઍન્ટાર્કટિકાના નવા ભારતી સ્ટેશનમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની મદદથી સૅટેલાઇટ-બેઝ્ડ સ્ટેશન કાર્યરત થઈ જશે. હાલ આ પ્રકારનું સૅટેલાઇટ-બેઝ્ડ સ્ટેશન મૈત્રીમાં છે. ભારતીમાં નવું સૅટેલાઇટ-બેઝ્ડ સ્ટેશન શરૂ થઈ જશે એટલે અમને વિવિધ પ્રકારના ડેટા મેળવવામાં બહુ સરળતા રહેશે.’

૨૦૧૨ના ડિસેમ્બરમાં ઇસરો સરલ નામનો નવો સૅટેલાઇટ તરતો મૂકશે, જેની મદદથી સમુદ્રમાં અને જમીન પર ચોક્કસ કેટલો બરફ છે એની સચોટ માહિતી મળી શકશે.

ગ્લોબલ વૉર્મિંગ

હાલ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગની જબરી નુકસાનકારક અસર અનુભવવા મળે છે. ઋતુચક્ર જાણે કે સમૂળગું બદલાઈ ગયું હોય એવું ચિંતાજનક વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ગરમી, ઠંડી અને વરસાદનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ઉપરાંત ઍન્ટાર્કટિકા પરની અતિ-અતિ વિશાળ હિમચાદર ધીમે-ધીમે ઓગળી રહી હોવાના ભયજનક સંકેતો પણ મળી રહ્યા છે. સાયન્ટિસ્ટોના કહેવા મુજબ ઍન્ટાર્કટિકાનો બરફ ઓગળી જાય તો વિશ્વના દરિયાની સપાટી લગભગ ૬૦થી ૭૦ મીટર જેટલી ભયજનક રીતે ઊંચી આવી જાય અને સરવાળે મહાભયાનક જળપ્રલય થાય. જોકે ગ્લોબલ વૉર્મિંગની આ ઇફેક્ટ ખરેખર ટેમ્પરરી (કામચલાઉ) છે કે કેમ એ વિશે પણ બહુ મહત્વનું સંશોધન થઈ રહ્યું છે.

પૃથ્વીનું કુદરતી સુરક્ષાકવચ ઓઝોન

ઍન્ટાર્કટિકા પર પૃથ્વીના કુદરતી સુરક્ષા કવચરૂપે ઓઝોનનું પડ પાતળું પડી રહ્યું છે. કારણ છે, સમગ્ર વિશ્વમાં સતત વધી રહેલું પોલ્યુશન (પ્રદૂષણ). ન માની શકાય એવી બાબત એ છે કે પ્રદૂષણનાં આ બધાં ઝેરી વાદળો છેવટે તો પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ભણી જ જાય છે. સરવાળે મધર અર્થનું સમગ્ર વાતાવરણ પણ ગંદું-ગોબરું થઈ રહ્યું છે. વળી, ભારે ચિંતાજનક બાબત તો એ છે કે ઉનાળામાં અહીં નવો ઓઝોન નથી બનતો, જે પરિસ્થિતિ પૃથ્વીના વિરાટ ગોળાની સલામતી માટે બહુ ખતરનાક ગણાય. ઓઝોન વાયુની વિશાળ ચાદરને કારણે જ આકાશમાં ઝળહળતા સૂર્યનારાયણમાંથી ફેંકાતાં ભારે હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોથી પૃથ્વીની સમસ્ત જીવસૃષ્ટિ હેમખેમ રહી શકે છે. કહેવાનો અર્થ એ છે કે ઍન્ટાર્કટિકા પર ઓઝોનની પ્રાકૃતિક ચાદરમાં કેવી ગતિવિધિ થઈ રહી છે એ વિશે પણ અહીં સતત અભ્યાસ થઈ રહ્યો છે.



Whatsapp-channel Whatsapp-channel

21 October, 2012 08:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK