ભારતના સૌથી વયોવૃદ્ધ ગુજરાતી ટેસ્ટ-ક્રિકેટરની શૉકિંગ દાસ્તાન

Published: 21st October, 2012 08:03 IST

૮૪ વર્ષ પૂરાં કરનાર દીપક શોધન કહે છે કે મને પહેલી ટેસ્ટ-ઇનિંગ્સમાં સદી ફટકારતો રોકવા મારા કેટલાક સાથીઓએ ત્યારે જાણીજોઈને જ પોતાની વિકેટ ફેંકી દીધી હતી, મારા જેવો ગુજ્જુભાઈ ઐતિહાસિક સેન્ચુરી ફટકારી દે એ જોવાનું કદાચ તેમને જરાય પસંદ નહોતુંક્લેટન મુર્ઝેલો

ત્રણ દિવસ પહેલાં ૮૪મા વર્ષમાં પ્રવેશ કરનાર ભૂતપૂર્વ ટેસ્ટપ્લેયર દીપક શોધન પ્રથમ ટેસ્ટઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર પહેલા ભારતીય ખેલાડી છે, પરંતુ ટેસ્ટકરીઅરની શરૂઆતની જ મૅચમાં સદી ફટકારી ચૂકેલા ૧૨ ભારતીયોમાંથી તેઓ બહુ ઓછા ફેમસ છે.

ભારતના પાંચ સૌથી ઓલ્ડેસ્ટ ટેસ્ટપ્લેયરોમાં તેઓ એકમાત્ર ગુજરાતી છે.

દીપક શોધન તરીકે જાણીતા આ લેફ્ટી બૅટ્સમૅનનું મૂળ નામ રોશન હર્ષદલાલ શોધન છે. અમદાવાદમાં જન્મેલા અને ભારત ઉપરાંત બરોડા તથા ગુજરાતની રણજી ટીમ વતી રમી ચૂકેલા શોધન વયોવૃદ્ધ છે, પરંતુ હજીયે જો દિવસ દરમ્યાન અમદાવાદની આસપાસ કોઈ વિસ્તારમાં તેમને જવાનું હોય તો સૅન્ટ્રો પોતે ડ્રાઇવ કરીને ત્યાં પહોંચે છે. ક્રિકેટનું વળગણ તેમને હજી પણ પહેલાં જેવું જ છે અને એટલે જ તક મળે ત્યારે યુવાનોની ક્રિકેટને માણે છે અને અઠવાડિયામાં બે વાર મિત્રો સાથે બ્રિજ (પત્તાંની રમત) પણ રમી લે છે.

વૈષ્ણવ વણિક પરિવારના દીપક શોધનનું મૂળ વતન અમદાવાદ છે અને આ શહેરના સેટેલાઇટ વિસ્તારની સત્યાગ્રહ છાવણી કો-ઑ. હાઉસિંગ સોસાયટીમાં પુત્ર પરાગ સાથે રહે છે. પરાગ શોધનનો પુત્ર શ્યામલ અને પુત્રવધુ ભૂમિકા જાણીતાં ફૅશન ડિઝાઇનર્સ છે. દીપક શોધનનાં પુત્રી ઈશા મુંબઈમાં તેમનાં પરિવાર સાથે રહે છે.

વષોર્ની વેદના વ્યક્ત કરી

ડિસેમ્બર ૧૯૫૨માં કલકત્તામાં પાકિસ્તાન સામેની મૅચથી યાદગાર ટેસ્ટકરીઅર શરૂ કરનાર શોધન ત્યાર પછી માત્ર બે ટેસ્ટ રમ્યા હતા, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆતની વાતો ભલભલાને વિચારતા કરી દેનારી છે. ખુદ શોધને પોતાના કડવા અનુભવ વિશે ખાસ કોઈ તીવ્ર પ્રત્યાઘાત નથી આપ્યા, પણ વષોર્થી હૃદયમાં રહેલી વેદના વ્યક્ત કરવાનું પણ નથી ટાળી શક્યા.

૧૯૫૨માં વેસ્ટ ઇન્ડીઝમાં ભારતની જે ટેસ્ટસિરીઝ રમાવાની હતી એના કૅપ્ટન વિજય હઝારે હતા અને એ ટૂર માટે માનસિક રીતે તૈયાર થવા તેમણે એ પહેલાંની પાકિસ્તાન સામેની કલકત્તાટેસ્ટમાં રમવાનું ટાળ્યું હતું. હઝારેને બદલે એ ટેસ્ટમાં રમવા મળ્યું એ બદલ શોધન પોતાને નસીબદાર માને છે, પરંતુ એમાં અનુભવેલી માનસિક પીડા છુપાવી નથી શકતા. તેઓ કહે છે, ‘પાકિસ્તાનની ફસ્ર્ટ ઇનિંગ્સ પછી મેં અમારા બૅટિંગ-ઑર્ડર પર નજર કરી ત્યારે મને સમજાયું કે મારે છેક આઠમા નંબરે બૅટિંગ કરવા જવાનું છે. જોકે ટેસ્ટ ટીમમાં આવવા મળ્યું એ પણ ઘણું કહેવાય એવું વિચારીને મેં મન મનાવી લીધું હતું.’

સદી કેવા સંજોગોમાં પૂરી કરી?

પાકિસ્તાનના ૨૫૭ રનના જવાબમાં ભારતે શરૂઆત સાધારણ કરી હતી, પરંતુ ૧૭૯મા રનમાં છઠ્ઠી વિકેટ પડી જતાં ભારત મુસીબતમાં મુકાઈ ગયું હતું. એ સમયે શોધન ક્રીઝ પર આવ્યા હતા અને દત્તુ ફડકર સાથે તેમની સારી ભાગીદારી જામી હતી. જોકે દત્તુ ફડકર ૫૭ રનના પોતાના સ્કોર પર સાતમી વિકેટના રૂપમાં આઉટ થયા ત્યારે ભારતનું ટોટલ ૨૬૫ રન હતું એટલે પાકિસ્તાનના ૨૫૭ રન ત્યારે પાર થઈ ચૂક્યા હતા. ફડકરની વિકેટ પછી શોધનની દસમી વિકેટ પડી ત્યાં સુધીમાં ત્રણ નવા બૅટ્સમેનો શોધન સામે ક્રીઝ પર આવ્યા હતા અને એમાં ઑફ સ્પિનર ગુલામ અહમદ તેમના છેલ્લા પાર્ટનર હતા.

શોધનની વ્યથાની કથાનો ટર્ન અહીં જ આવે છે જેને શબ્દોમાં ઢાળતાં તેઓ કહે છે, ‘હું સેન્ચુરી ન કરી શકું એ માટે મારા પછીના ક્રમે બૅટિંગ કરવા આવેલા બે પ્લેયરોએ વિકેટ ફેંકી દીધી હતી. મેં મારા પાર્ટનરોને ટીમનું ટોટલ બને એટલું વધારવા મને સાથ આપવા કહ્યું હતું. તેમણે ‘જરાય ચિંતા ન કરો’ એવું મને કહ્યું હતું, પરંતુ એ સાથે હિટિંગ કરવાની શરૂઆત પણ કરી દીધી હતી. જોકે એ છેલ્લા બૅટ્સમેનોમાં આખરે મારી સાથે જોડાયેલા ગુલામ અહમદ ખરા જેન્ટલમૅન હતા. મને ખાતરી હતી કે તેઓ વિકેટ નહીં ફેંકે.’

અહમદ ૨૦ રને નૉટઆઉટ રહ્યા હતા અને ભારતની ઇનિંગ્સમાં શોધન આઉટ થનારા છેલ્લા પ્લેયર હતા. અહમદનો સુંદર સાથ તેમને મળ્યો હતો અને તેમણે ૧૫ ફોરની મદદથી બનેલા ૧૧૦ રનના પોતાના સ્કોર પર એ મૅચના પાકિસ્તાનના સૌથી સફળ પેસબોલર ફઝલ મહમૂદના બૉલમાં વિકેટ ગુમાવી હતી.

અમરનાથે અભિનંદન આપ્યાં

અહમદનાં વખાણ કરવાની સાથે શોધને દિલમાં રહેલી બીજી કેટલીક રસપ્રદ વાતો પણ કરી છે. તેઓ કહે છે, ‘અહમદ મૂળ બોલર હતા એટલે મારે જ થોડું રિસ્ક લેવાનું હતું. ઉપરાઉપરી બે ફોર ફટકારીને હું સેન્ચુરીની નજીક પહોંચી ગયો હતો અને પછી એ ઐતિહાસિક સદીનો અવસર આવી પહોંચ્યો હતો. જોકે મારી એ સિદ્ધિ વિશે મારા બધા સાથીખેલાડીઓ મને ખુશ નહોતા લાગ્યા. ફ્રેન્કલી કહું તો કોઈ ગુજ્જુભાઈ સેન્ચુરી ફટકારે એ કદાચ તેમને પસંદ નહોતું. હું પૅવિલિયનમાં પાછો આવી રહ્યો હતો ત્યારે કૅપ્ટન લાલા અમરનાથે મેદાન પર આવીને મને અભિનંદન આપ્યાં હતાં. મને બરાબર યાદ છે કે પાકિસ્તાનના કૅપ્ટન અબ્દુલ હફીઝ કાદર અને વિકેટકીપર ઇમ્તિયાઝ અહમદે પણ મને કૉન્ગ્રેચ્યુલેશન્સ આપ્યા હતા.’

કૅરિબિયનોને જીતવા ન દીધા

શોધનને ઐતિહાસિક સદી પછી વેસ્ટ ઇન્ડીઝની ટૂર માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. વિજય હઝારેના સુકાનમાં ટ્રિનિદાદમાં રમાયેલી એ સિરીઝની પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં શોધને ૪૫ રન બનાવ્યા હતા. જોકે ત્યાર પછી તેમને બે મહિને કિંગસ્ટનની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો હતો. એ વિશે શોધન કહે છે, ‘એ છેલ્લી ટેસ્ટના ટૉસ બાદ હું બીમાર પડી ગયો હતો. હું ઓપનિંગમાં જાઉં એવી ટીમની ઇચ્છા હતી, પરંતુ હું સાથીઓની ઇચ્છા પૂરી નહોતો કરી શક્યો અને પછી એ ઇનિંગ્સમાં બૅટિંગ કરવા જ નહોતો ઊતરી શક્યો. બીજા દાવમાં ટીમના મૅનેજર હોટેલ પર આવ્યા હતા અને ગ્રાઉન્ડ સુધી મારી સાથે રહ્યા હતા. મને દસમા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવ્યો હતો. મને ત્યારે પણ ઘણો તાવ હતો, પરંતુ મેં ક્રીઝ પર ટકી રહેવાનો નર્ધિાર કયોર્ હતો અને ૧૫ રને નૉટઆઉટ રહ્યો હતો.’

વેસ્ટ ઇન્ડીઝે ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૨૬૪ રનની લીડ લીધી ત્યાર પછી બીજા દાવમાં ભારતને ૪૪૪ રનનું ટોટલ અપાવવામાં શોધનનું મોટું યોગદાન હતું. તેમણે ભારતનો બીજો દાવ વહેલો સમેટાતો રોક્યો એના કારણે જ કૅરિબિયનોને બીજા દાવમાં ૧૮૧ રનનો ટાર્ગેટ મેળવવા માત્ર ૧૪૫ મિનિટ મળી હતી જેમાં તેમણે ૪ વિકેટે ૯૨ રન બનાવ્યા હતા અને છેવટે મૅચ ડ્રૉ થઈ હતી.

ટૂંકી કરીઅરનો અફસોસ નથી

એકંદરે શોધનને ટેસ્ટકરીઅર માત્ર ત્રણ મૅચ પૂરતી સીમિત રહી એનો જરાય અફસોસ નથી. તેઓ કહે છે, ‘પહેલી જ ટેસ્ટઇનિંગ્સમાં હું સદી ફટકારીશ એવું મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું. પહેલી વાત એ છે કે હું કલકત્તાની એ ટેસ્ટ રમીશ એ પણ નક્કી નહોતું. વિજય હઝારેએ આરામ લીધો એટલે મને મોકો મળ્યો હતો. આઠમા નંબરનો બૅટ્સમૅન પહેલી જ ઇનિંગ્સમાં સદી ફટકારે એવી આશા કોઈને પણ ન હોય. જોકે મારા નસીબમાં એ સફળતા લખાઈ હતી.’

શોધન બીજા ઘણા વિષયો પર પણ બોલ્યા

ભારતીય ટીમમાં પૉલિટિક્સ : અમારા વખતમાં ટીમમાં બહુ પૉલિટિક્સ હતું. એના પ્રમાણમાં અત્યારનું ટીમ-પૉલિટિક્સ કંઈ જ ન કહેવાય. ૧૯૫૩માં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં ટીમમાં એક પ્લેયરનું બધા પર શાસન ચાલતું હતું. હું એ વ્યક્તિનું નામ નહીં આપું, પણ તેઓ જે પ્રમાણે કહેતા હતા એમ જ બધા કરતા હતા. મારો પફોર્ર્મન્સ સારો હોવા છતાં મને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પછી ક્યારેય ટીમમાં નહોતો લેવામાં આવ્યો.

ક્રિકેટનો અતિરેક : હવે તો બહુ મૅચો રમાય છે. જોકે હું ટીવી પર ખૂબ ઓછી મૅચો જોઉં છું, કારણ કે આંખો વધુ નબળી પડી જવાનો મને ડર રહે છે. ક્યારેક માત્ર હાઇલાઇટ્સ જોઈ લઉં છું.

કોહલી પર આફરીન : મારી દૃષ્ટિએ અત્યારે વિરાટ કોહલી બેસ્ટ બૅટ્સમૅન છે. તે સતત સારું પફોર્ર્મ કરી રહ્યો હોવાથી બીજાથી અલગ પડે છે. અગાઉ તે વિકેટ ફેંકી દેતો હતો, પરંતુ થોડા વખતથી તે ઘણી દૃઢતા અને એકાગ્રતાથી રમે છે. મને અન્ડર-૧૯ વલ્ર્ડ કપનો ચૅમ્પિયન-કૅપ્ટન ઉન્મુક્ત ચંદ પણ બહુ ગમે છે. તે ભલભલા પ્રેશરમાં મગજ ઠંડું રાખીને રમે છે.

વન-ડે ન રમવા મળ્યાંનો રંજ : વન-ડે ક્રિકેટ ૧૯૭૦ના દાયકાથી શરૂ થઈ હતી અને હું એ પહેલાં રમ્યો હોવાથી વન-ડેનો યુગ મેં ગુમાવ્યો હતો. હું બહુ સારી ફટકાબાજી કરતો હતો એટલે વન-ડેમાં ઘણો સફળ થયો હોત.

વ્૨૦ જરાય નથી ગમતી : વ્૨૦ મને જરાય પસંદ નથી. આ ફૉર્મેટની ક્રિકેટ પ્લેયરની બૅટિંગ બગાડી નાખે છે.

ભારતના પાંચ સૌથી જૂના જીવંત ટેસ્ટપ્લેયરો

માધવ મંત્રી

જન્મ : ૧-૯-૧૯૨૧ (ઉંમર : ૯૧ વર્ષ ૫૦ દિવસ)

પી. આર. પંજાબી

જન્મ : ૨૦-૯-૧૯૨૧ (ઉંમર : ૯૧ વર્ષ ૩૧ દિવસ)

કંવર રાયસિંહ

જન્મ : ૨૪-૨-૧૯૨૨ (ઉંમર : ૯૦ વર્ષ ૧૮૮ દિવસ)

મધુસૂદન રેગે

જન્મ : ૧૮-૩-૧૯૨૪ (ઉંમર : ૮૮ વર્ષ ૨૧૭ દિવસ)

દીપક શોધન

જન્મ : ૧૮-૧૦-૧૯૨૮ (ઉંમર : ૮૪ વર્ષ ૩ દિવસ)Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK