નવરાત્રિમાં ગાવા જેવા લેટેસ્ટ ગરબા

Published: 21st October, 2012 07:37 IST

મુંબઈની નવરાત્રિ તો અન્નકૂટ જેવી હોય છે - જોવા મળે, ખાવા કંઈ ન મળે. હજારો ખેલૈયાઓ, લાખોની સાઉન્ડ સિસ્ટમ અને કરોડોનું આયોજન. સૌ પોતપોતાનું ગ્રુપ બનાવીને શક્તિ પ્રમાણે ત્રેવડ હોય ત્યાં સુધી રમી લ્યે છે.


સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

મુંબઈની નવરાત્રિ તો અન્નકૂટ જેવી હોય છે - જોવા મળે, ખાવા કંઈ ન મળે. હજારો ખેલૈયાઓ, લાખોની સાઉન્ડ સિસ્ટમ અને કરોડોનું આયોજન. સૌ પોતપોતાનું ગ્રુપ બનાવીને શક્તિ પ્રમાણે ત્રેવડ હોય ત્યાં સુધી રમી લ્યે છે.

હીંચનો તાલ સાંભળીને જેના પગમાં લોહી રમણભમણ ન થાવા લાગે તેને હું તો ગુજરાતી જ નથી ગણતો. ગુજરાતી પ્રજા તો ગરબા અને દાંડિયા-રાસની બ્રૅન્ડ-ઍમ્બેસેડર પ્રજા છે. નવરાત્રિના નવ દી ખાવા ન દ્યો તો ચાલે, પણ નાચવા તો દેવું પડે. ચાહે અમદાવાદ હોય કે અમેરિકા, રાજકોટ હોય કે રશિયા; ગુજરાતી છેવટે પોતાના ઘરની અંદર નાનકડો ગરબો મૂકી હાથતાળી પાડીને પણ બે રાઉન્ડ ગરબાના તો લઈ જ લેશે. નવ વર્ષની નાજુકડી દીકરીયુંથી માંડીને પાંસઠ વર્ષનાં બબલગમ જેવાં બા કે ભાભી સુધી બધાં નોરતાંમાં માતાજીના ગરબા પર બે ઠૂમકા તો લગાવી જ લ્યે છે. ગુજરાતી પ્રજા હસતી-ગાતી અને નાચતી પ્રજા છે. ચાલો, આ નવરાત્રિમાં તમે ગણગણી શકો એવા થોડાક લેટેસ્ટ મારા હાથે બનાવેલા ગરબા સીંગજો.

ગરબો ૧.  રાગ : કુમકુમનાં પગલાં પડ્યાં

તેલના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા, ડુંગળીના ભાવ વધ્યા રે...

મોંઘવારી માડી તારા પરચા દીઠા...

સલવાઈ ગ્યા, મૂંઝાઈ ગ્યા, ટીંગાઈ ગ્યા, લાંબા થઈ ગ્યા...

દૂધ-ઘી મોંઘાં થાય, વેજિટેબલ વેચાય

પંદરસોનો ડબ્બો થાય, ક્યાંથી ભજિયાં ખવાય?

કરિયાણું કેટલું થાય, મોંઘી વીજળી વપરાય

ટૅક્સ ભરવામાં વેપારીની રાઇડ બોલી જાય

હોટેલના ભાવ વધ્યા, બૉટલના ભાવ વધ્યા, ડૉક્ટર મોંઘા થયા રે...


ખરેખર કેરોસીન અને પેટ્રોલના ભાવ એટલા વધી ગ્યા છે કે આ જમાનામાં કોઈને કેરોસીન છાંટીને બળી મરવું પણ પોસાય એમ નથી. આટલી મોંઘવારી હોવા છતાં ગુજ્જુઓ એક પણ તહેવાર ઊજવવામાં કદી વીઆરએસ નથી લેતા. આવતી કાલે કમાઈ લેશું... અટાણે નાચી લ્યો બાપુ! જિંદગી એક ઉત્સવ છે.

નવરાત્રિમાં ગુસ્સાવાળી ને માથાભારે પત્નીઓને રાજી રાખવા પણ અમુક પતિદેવો નિ:સ્વાર્થ સેવા આપવા ગરબા જોવા જતા હોય છે. તેમની ચમકતી ટાલ પર શૅરબજારના ડૂબી ગયેલા આંકડા સ્પષ્ટ વાંચી શકાતા હોય છે. પોતાની માટલા જેવી ફાંદને લીધે એ પતિદેવો ગરબાનો એક પણ રાઉન્ડ રમવા માટે શક્તિમાન નથી હોતા (અને ફાંદાળા પુરુષો ગરબા ન રમે એ સમગ્ર ખેલૈયાઓ માટે હિતાવહ પણ હોય છે). એ પતિદેવો ફક્ત પત્ની અને બાળકો માટે સાક્ષાત્ ખ્વ્પ્ સ્વરૂપ હોય છે જે માત્ર ઑડિયન્સમાં ઊભા રહીને તેમની વીસ વરસની દીકરી તેમ જ પત્નીના તાલ નિર્લેપ ભાવે નિહાળી રહ્યા હોય છે. ઍન્ડ અફર્કોસ, તેમને કોઈ છંછેડી ન જાય એ માટે ‘ઑફિશ્યલ બૉડીગાર્ડ’ની ડ્યુટી પણ ભજવતા હોય છે. ઑફ ધ રેકૉર્ડ કહું તો પત્ની જેવી ગરબા રમવામાં મશગૂલ થાય એટલે આ પતિદેવ પોતાની જગ્યાએથી ‘સ્થાનભ્રષ્ટ’ થઈ બહાર નીકળીને ક્યાંય બિયરની ચુસકી કે સિગારેટની ફૂંકણી મારી આવે છે. વળી ગરબામાં હીંચતાલ પછી જેવો ચલતીનો તાલ આવે ને ‘ઘોર અંધારી રૈ રાતલડી’ કાં તો ચલતીમાં ‘ધૂણી રે ધખાવી બેલી...’ જેવું શરૂ થાય એવા આ સાક્ષાત્ ખ્વ્પ્ સ્વરૂપ પતિદેવ પારકાં બૈરાંને રસપૂર્વક નિહાળતાં-નિહાળતાં આખરે પોતાના પર્મનન્ટ અકાઉન્ટના કવરેજમાં આવી જાય છે. લ્યો સાંભળો એ માથાભારે પત્નીઓનો ગરબો વિશ્વના તમામ દુ:ખી પતિદેવો વતી:

ગરબો ૨. રાગ : બહુચરમાંના દેરા પાછળ...

માથાભારે પત્નીઓના ભાયડાઓ સાંભળજો

કોક દી વેલણ મારી લ્યે તો મૂંગા સહન કરજો... (૨)

કોક દી પગાર આંચકી લ્યે તો કાંઈ ન તેને કહેજો

        તમે છાનામૂના સહેજો

વાંઢાઓને પરણવાની સલાહુ ન કરજો... કોક દી...!

કોક દી જમવા ન આપે તો હોટેલમાં જઈ જમજો

        તમે એકટાણાં કરી લેજો

ચંપલ ક્યારેય આંટી જાય તો રેકડી કરી વેચજો... કોક દી...!


દરેક ભારતવાસીના મગજમાં અત્યારે મોંઘવારીનું ટેન્શન છે, દિલમાં પરિવારનું ટેન્શન છે અને નજર સામે દેશનું ટેન્શન છે. ૩૩ કરોડ દેવતાઓના આ દેશમાં દેવતાદીઠ એક-એક કૌભાંડ લગભગ અર્પણ થઈ ચૂક્યું છે. લંપટ નેતાઓ સામે અવાજ ઉઠાવનારા અણ્ણા હઝારે અને બાબા રામદેવને પણ મસ્ત પ્લાનથી તોડી પાડવામાં આવ્યા છે. ભારતની પ્રજાને ‘ભ્રષ્ટાચારમુક્ત ભારત’ની થોડીઘણી આશા કે શ્રદ્ધા જાગી’તી એ પણ હવે ઑક્સિજન પર આવી ગઈ છે ત્યારે દેશની સચ્ચાઈ વ્યક્ત કરતો ગરબો ન લખું તો-તો કાઠિયાવાડીની કલમ લાજે. લ્યો સાંભળો આ સાચકલો ગરબો:

ગરબો ૩. રાગ : ઘોર અંધારી રે...

ઘોર અંધારું રે ભારતમાં એમાં નીકળ્યાં ચાર અસવાર

પેલ્લે ઘોડે રે કોણ ચડે ઈ તો ગાંધીનો અવતાર

પેલ્લે ઘોડે રે અણ્ણા ચડે ઈ તો ઉપવાસનો અવતાર

અણ્ણાજી તમે થાકી રેશો તોય સાંભળશે નહીં સરકાર

સવાસો કરોડનાં રે કૌભાંડો ને અધમણની લુચ્ચાઈ

જમજો-જમજો રે સૌ નેતાઓ તમે જમજો આખી ટર્મ...!

                ઘોર...!

બીજે ઘોડે રે કોણ ચડે ઈ તો •ષિઓનો અવતાર

બીજે ઘોડે રે બાબા રામદેવ ઈ તો યોગ તણો અવતાર

બાબા હાંફી રેશો તોય આવશે નહીં કાળું ધન એકે વાર

સવા મણનું રે સોનું સ્વિસમાં ને અધમણનાં કૌભાંડ

અબજો ભારતવાસી નીંદરમાં છે એટલે ચરે છે સાંઢ...

            ઘોર...!

ત્રીજા ને ચોથા રે ઘોડા તૈયાર પણ કોઈ બેસવા તૈયાર નહીં

તૈયાર થાય એની ઘેરે સીબીઆઇની રેડ પડી જાય ભઈ

સવા મણનાં રે સપનાં છે અને અધમણની સચ્ચાઈ

જાગજો-જાગજો રે સૌ નહીંતર વેચાશો ચેતવે તમને ‘સાંઈ’

                ઘોર...!


આ નવરાત્રિએ જગદંબાનાં ચરણે હું તો એટલી પ્રાર્થના જરૂર કરવાનો છું કે હે જોગમાયા, ભારતને મહાભારત થતું અટકાવી લે. ભાષાવાદ, પ્રદેશવાદ કે કોમવાદના કૅન્સરમાં અમારો ભાઈચારો, અમારો સંપ, અમારી એકતા સાવ વેન્ટિલેટર પર છેલ્લા શ્વાસે છે. હે મા! અમે એવું જરાય નથી કહેતા કે ભારતના તમામ નેતાઓ ખોટા છે, કારણ કે આફ્ટરઑલ એ બધાને અમે જ વોટ આપી-આપીને દિલ્હી કે ગાંધીનગર મોકલેલા છે; પણ જગદંબા! તું આ નવરાત્રિમાં કૈંક એવો ચમત્કાર કર કે ભારતમાં જે સાચા છે, જે ભારતનું ભલું ઇચ્છે છે તેનો વિજય થાય! પછી તે કોઈ પણ પક્ષનો-કોમનો કે રાજ્યનો હોય એનાથી અમારે કોઈ લેવાદેવા નથી.

હે ભગવતી, અમારી ઘણી ભૂલો છે, અમે તારા નામ પર પણ કરોડોનો બિઝનેસ કરી રહ્યા છીએ; પણ તું તો મા છો, અમને માફ કર અને ભારતને સાચી દિશા આપ! જે માતાજી! ડિસ્કો દાંડિયામાંથી ટાઇમ મળે તો બે મિનિટ તમે પણ દેશ માટે કાઢજો! આવતી નવરાત્રિ સુધીમાં સો ટકા મૂહપ્રાર્થનાનો પરચો મળશે. ઑલ ધ બેસ્ટ.

ઑફ ધ રેકૉર્ડ

મારા એક મહિનાના અમેરિકાના પ્રવાસ દરમ્યાન મારી પત્નીએ અનાજનો દાણો મોંમાં ન નાખવાનું વ્રત લીધું એ સાંભળીને હું ખૂબ રાજી થયો. ઇન્ડિયા આવ્યો ત્યારે ખબર પડી કે ઈ ૪૨ હજાર રૂપિયાનું ફ્રૂટ દાબી ગઈ છે! હવે તમે રાજી થાઓ!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK