Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ચોમાસાની વિદાય વખતે અને શિયાળાના આગમનના સંધિકાળના સંકેતો કેવા હોય?

ચોમાસાની વિદાય વખતે અને શિયાળાના આગમનના સંધિકાળના સંકેતો કેવા હોય?

14 October, 2012 07:46 AM IST |

ચોમાસાની વિદાય વખતે અને શિયાળાના આગમનના સંધિકાળના સંકેતો કેવા હોય?

ચોમાસાની વિદાય વખતે અને શિયાળાના આગમનના સંધિકાળના સંકેતો કેવા હોય?




સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ

સમગ્ર ભારતમાંથી ચોમાસું ધીમે-ધીમે સમાપ્ત થઈ રહ્યું છે. વરસાદના દિવસો ઓછા થઈ રહ્યા છે. સાથોસાથ આકાશમાં પણ કાળાં ડિબાંગ અને પાણીદાર વાદળાં ઓછાં જોવા મળે છે. હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ ભારતમાં ચોમાસું દેશના પશ્ચિમ ભાગમાંથી એટલે કે રાજસ્થાન તરફથી તબક્કાવાર પાછું ખેંચાઈ રહ્યું છે અને એમ કરતાં આખા દેશમાંથી મેઘરાજાની સવારી પાછી ફરશે. જોકે ચોમાસું સમાપ્ત થવાના આ તબક્કે મુંબઈ સહિત દેશના મોટા ભાગના હિસ્સામાં ગરમીનો પારો થોડોક ઊંચો ગયો છે. અંગ્રેજી મહિના મુજબ અત્યારે ઑક્ટોબર મહિનો છે, જ્યારે ગુજરાતી પંચાંગ મુજબ ભાદરવો મહિનો એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. આ સમયગાળામાં કુદરતી રીતે જ તાપમાન વધુ હોવાથી ભાદરવો તપે છે અથવા ઑક્ટોબર હીટ અનુભવાય છે એમ કહેવાય છે.

જોકે નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓ એવી સ્પષ્ટતા કરે છે કે અત્યારે જે ગરમીનો અનુભવ થાય છે એ કંઈ ઑક્ટોબર હીટને કારણે નથી, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને મુંબઈ સહિત દેશના સમુદ્રકિનારા પર વસેલાં સ્થળોએ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહે એ સ્વાભાવિક ગણાય અને પરિણામે આવાં બધાં જ સ્થળોએ થોડીઘણી ગરમી રહે એ સ્વાભાવિક ગણાય. અત્યારે તાપમાનનો પારો ફ્ક્ત ૧.૫ ડિગ્રી જેટલો જ ઊંચો ગયો છે. વળી થોડીઘણી ગરમી કે ઉકળાટનું કારણ છે ચોમાસાની સમાપ્તિની પ્રાકૃતિક ગતિવિધિ. વરસાદના દિવસોમાં વાતાવરણમાં ઠંડક હોવાથી ટેમ્પરેચર પણ કૂલ-કૂલ હોય. હવે વરસાદદની મોસમ સમાપ્ત થઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ વાતાવરણમાંથી ઠંડક ઘટતી જાય અને એમાં થોડોક પણ ભેજ ઉમેરાય તો ગરમીનો અનુભવ થાય. ઉપરાંત રેઇની સીઝનમાં વરસાદ વરસતો હોવાથી આકાશ તદ્દન ચોખ્ખુંચણક હોય અને વાતાવરણમાંથી બધું પૉલ્યુશન પણ સાફ થઈ ગયું હોય. પરિણામે સૂર્યનાં કિરણોની ગરમીનો વધુ અનુભવ થાય. આ બધાં કુદરતી પરિબળો ભાદરવામાં જોવા મળતાં હોવાથી આપણે ભાદરવો તપે છે એવું કહીએ છીએ જેને ખરેખર ઑક્ટોબર હીટ ન કહેવાય. હકીકત એ છે કે ચોમાસાની સમાપ્તિની નૈસર્ગિક પ્રક્રિયા ઑક્ટોબર મહિનામાં થતી હોવાથી અને આ સમયગાળામાં ગરમીનું પ્રમાણ થોડુંક વધતું હોવાથી આવી પરિસ્થિતિને ઑક્ટોબર હીટ કહેવાય છે.

જોકે પ્રકૃતિનો આ ફેરફાર સમજવા જેવો છે, કારણ કે વર્ષા ઋતુની સમાપ્તિની સાથોસાથ ધીમે પગલે શિયાળાની શરૂઆત પણ થાય છે. વિન્ટરની પા-પા પગલી એટલે વાતાવરણમાં આછી-પાતળી ઠંડકનો અનુભવ થવો. આ બન્ને પ્રકારનાં પરિવર્તનોને કુદરતી સંધિકાળ પણ કહેવાય છે. જોકે ગરમી અને આછેરી ટાઢકના બેવડા ફેરફારની સીધી ઇફેક્ટ માનવશરીર પર થતી હોવાથી લોકોને કફ, શરદી, ઉધરસ અને તાવની તકલીફ પણ થાય છે. એટલે જ ભાદરવો એટલે માંદગીનો મહિનો એમ પણ કહેવાય છે.

વળી આ ઋતુપરિવર્તન દરમ્યાન નવરાત્રિ અને દિવાળીના તહેવારો પણ આવે છે. બહુ ધ્યાનથી અનુભવ કરજો કે નવરાત્રિના અને એ પછીના દિવસોમાં વહેલી સવારે આછેરી ટાઢકનું મજેદાર અને ગમતીલું વાતાવરણ હશે. આ ફેરફાર એટલે જ વિન્ટરનું કૂલ-કૂલ આગમન.

હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ વર્ષા ઋતુની સમાપ્તિની ગતિવિધિ અને વિન્ટરની એન્ટ્રીના સંધિકાળ દરમ્યાન પવનના ડિરેક્શનમાં પણ મોટો ફેરફાર થાય છે. વરસાદની મોસમમાં પવનોની દિશા નૈઋર્ત્યની એટલે કે દક્ષિણની હોય, જ્યારે વિન્ટરની શરૂઆત થાય એટલે પવનોની દિશા નૉર્થ-ઈસ્ટ એટલે કે ઈશાનની થઈ જાય. ભારતનું ચોમાસું દક્ષિણના સમુદ્ર પરથી આવે, જ્યારે શિયાળો ઉત્તરમાંથી આવે. આમ પણ દેશની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ઈશાન ભારત (આસામ, ઓડિશા, મિઝોરમ, મણિપુર, નાગાલૅન્ડ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ) પૂર્વમાં છે અને બરફીલો હિમાલય ઈશાન ભારતની નજીક હોવાથી એ ડિરેક્શનમાંથી ફૂંકાતા પવનોમાં ટાઢકનું પ્રમાણ હોય એ સ્વાભાવિક છે. દિવસો પસાર થતા જાય એમ વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધતું જાય અને દીપાવલીના નવલા અને ઝળહળતા પ્રકાશના અને આનંદસભર દિવસોમાં શિયાળો રીતસર બેસી ગયો હોય. દેશના ઉત્તર ભાગમાં એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર તરફ જઈએ એમ ટાઢનું પ્રમાણ વધતું જાય તથા ટેમ્પરેચરનો પારો વધુ ને વધુ નીચો ઊતરતો જાય. નવેમ્બર-ડિસેમ્બરના આ ઠંડા-ઠંડા કૂલ-કૂલ દિવસોમાં કુદરતપ્રેમીઓ અને હરવા-ફરવાના શોખીનો કાશ્મીર, કુલુ, મનાલી, મસૂરી, શિમલા જેવાં પ્રકૃતિની ગોદમાં સમાયેલાં અને ભરપૂર નૈસર્ગિક સૌંદર્યથી છલકાતાં આ બધાં સ્થળોએ જઈને તન-મનને મોજ-મસ્તીથી તરબોળ કરીને તાજામાજા થઈ જાય.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2012 07:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK