લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૯

Published: 7th October, 2012 07:32 IST

કાજલ? અહીં? ગોરાઈ બીચના બદનામ કૉટેજના ડ્રિન્ક અને કાર્ડ-સેશનમાં? પેલા યુવાન પર ઢળી પડીને ચુંબન કરતી કાજલ મારી જ બહેન છે?વર્ષા અડાલજા   

પૈસા લેવા લંબાયેલો તરુણનો હાથ પાછો પડ્યો.

કાજલ? અહીં? ગોરાઈ બીચના બદનામ કૉટેજના ડ્રિન્ક અને કાર્ડ-સેશનમાં? પેલા યુવાન પર ઢળી પડીને ચુંબન કરતી કાજલ મારી જ બહેન છે?

તરુણના લોહીમાં ભડકો થઈ ગયો, હાથ સળવળી ઊઠ્યાં: ઉપરાઉપરી ઝીંકી દઉં તેને ગાલ પર. હમણાં ને હમણાં ઢસડી જાઉં ઘર સુધી ને પૂરી દઉં રૂમમાં.

પરસેવાનાં ફૂટી નીકળેલાં બૂંદ-બૂંદથી તેનું કસાયેલું શરીર તગતગી ઊઠ્યું. તે ધનુષની પણછની જેમ તંગ થઈ ગયો. બે ડગલાં આગળ ચાલ્યો. ઝટકાથી વાળ લહેરાવતી કાજલે તેની સામે જોઈને સ્મિત કર્યું.

ભાઈ-બહેનની નજર એકમેકને માપતી રહી. તરુણને ડાંટતી હોય એમ કાજલ અદબ વાળી ટટ્ટાર ઊભી રહી, શ્વેત આરસપહાણના શિલ્પ જેવી. સૌદર્યમંડિત અને ઠંડીગાર.

કરણે પત્તાં નીચે પાથર્યા. જીતની બાજી. બન્ને હાથ ઊંચા કરતો તે ખડખડાટ હસી પડ્યો : કાજલ, વી વન ધ ગેમ.

બીજાઓએ બૂમાબૂમ કરી મૂકી. કાજલ કરણ પાસેથી વૉલેટ લઈ આવી. ખોલ્યું. નોટોથી ભરચક હતું. થોડી નોટો ખેંચી કાઢી. એને રમાડતી કેટલા પૂછતી હોય એમ તરુણ સામે જોયું.

તરુણે સખત અદબ વાળી દીધી. કાજલને કોથળાની જેમ ઘસડતી અહીંથી લઈ જવી જોઈએ એવી તીવþ ઇચ્છાને દાબી દેવાની કોશિશ કરી રહ્યો. પગ મૂળિયાં બની જમીનમાં ઊતરી ગયાં હોય એમ થડના ઠૂંઠાની જેમ સ્તબ્ધ ઊભો હતો.

કાજલ તો તેને ઓળખતી પણ નહોતી ત્યાં મારવાનું શું? એક શબ્દ પણ કહેવાનો તેને શો હક હતો? કાજલે સ્પષ્ટ જ કહ્યું હતું : હું સ્વતંત્ર છું. મારી જિંદગી મારી મેળે, મને ગમશે એમ જ જીવીશ. પછી કંઈ કહેવા-કરવાનું શું બાકી રહેતું હતું?

કાજલના ચહેરા પર હજીયે સ્મિત રમતું હતું. તેની લિપિ તરુણ ન જાણે! : હા તરુણ, તું શું વિચારે છે એ જાણું છું. યસ આઇ વિલ લિવ લાઇફ ઑન માય ઓન ટમ્ર્સ. મારી જિંદગી પર તમારા કોઈનો અધિકાર નથી. આપણા કુટુંબમાં મારી ગિરવી મૂકેલી જિંદગી મેં ક્યારની છોડાવી લીધી છે.

તરુણે પૈસા લઈ લીધા અને જવા માટે ફર્યો. હસવાના અવાજો વચ્ચે એક મીઠો અવાજ સંભળાયો, તેની પીઠ પર વીંઝાયેલો : હે, યૉર ટિપ!

પણ તરુણ તરત કૉટેજની બહાર નીકળી ગયો. પાછળ બારણું વસાઈ ગયું. બીચ તરફ તે ઝડપથી ચાલતો રહ્યો. શંકર દેખાયો નહીં. ઘેરાયેલા અંધકારમાં અંદાજે ખડકો પર પગ ટેકવતો છેક પાણીમાંના તેના માનીતા ખડક પર જઈને બેસી પડ્યો. ઠંડીમાં હવા થીજી ગઈ હતી. દૂર-દૂર ક્યાંક મન મૂકીને વરસાદ વરસી રહ્યો હતો, પણ આકાશ ખુલ્લું હતું અને ચંદ્ર પરથી રેશમી પટોળાની જેમ વાદળાંઓ સરકી રહ્યાં હતાં. ભરતી હતી. એક પ્રેમીના કામાતુર આવેગથી ધસી આવતાં મોજાં ખડકો સાથે અથડાઈને ઊંચે રૂપેરી છોળ ઊડતી હતી.

તરુણની સ્ાામેથી કાજલનું યુવકને ચુંબન... એ વ્યંગભર્યું સ્મિતનું દૃશ્ય ખસતું નહોતું : મૉડલ બનવા માટે કાજલ આ સીડીનાં પગથિયાં ચડી રહી હતી? કોણ હતા એ લોકો? ક્યાં મળી હતી કાજલ તેમને? કાજલ તે યુવક સાથે બીજું શું-શું કરતી હશે? કાજલના હાથમાંનું ભારેખમ વૉલેટ નોટોથી ભરચક. કામલીલા માટે જાણીતી કૉટેજમાં ત્રણ યુવાનો સાથે. નોટોનું વજનદાર વૉલેટ લઈ ઊભેલી કાજલ. આ બધાના સરવાળાનો જવાબ કેટલો બીભત્સ અને ભયંકર હતો.

તેને જોરજોરથી ચીસો પાડવાનું મન થઈ આવ્યું. શા માટે ભાગી આવ્યો ત્યાંથી? કાજલનો પગ કૂંડાળામાં પડી ગયો હતો, નક્કી. તેને બહાર ખેંચી કાઢવી જોઈએ.

પણ કયા અધિકારથી?

કાજલે સંબંધનો કોઈ અણસાર આપ્યો નહોતો તો કયો સંબંધ અને કયો હક?

દૂર મેઘતાંડવ ચાલતું હશે. દરિયો તોફાને ચડ્યો હતો. મહાકાય જાનવર એનાં વિકરાળ ભયંકર જડબાં ફાડતું ધસી આવે એમ એક મોટું મોજું પ્રબળ વેગથી એવું ધસી આવ્યું કે ખડક લગભગ ડૂબી ગયો. તરુણ અડધો ભીંજાઈ ગયો. ચમકીને ઊભા થતાં જોયું તો દરિયો આગળ ધસી આવ્યો હતો અને ચોતરફ પાણીથી તે ઘેરાઈ ગયો હતો. બીચ દૂર રહી ગયો હતો. અંધકારમાં દૂર એક આકાર કળાતો હતો. એ હાથ હલાવી રહ્યો હતો. શંકર જ હશે. હવે? અહીંથી જલદી નહીં નીકળે તો આ વિકરાળ મોજાં એના લક્ષ્યને છોડવાનાં નહોતાં. તે સાચવીને કમરપૂર પાણીમાં ઊતર્યો. એટલી વારમાં તો પાણી તેના ખભા સુધી ચડી ગયાં હતાં. નીચેથી રેતી સરકવા લાગી હતી અને તે પાણીના વેગમાં તણાવા લાગ્યો. ખડકની ટોચ હજી દેખાતી હતી. તેણે તરાપ મારી બે હાથે મજબૂત પકડી લીધી. અણીદાર પથ્થરોથી હાથમાં છાલાં પડ્યાં. ખારા પાણીની અસહ્ય બળતરા અને ધસી આવતાં મોજાંના લોઢના મારથી શરીર પર મૂઢમારની સખત પીડા થવા લાગી. વીફરેલાં મોજાં પાશવી ઝનૂનથી ધસી આવતાં હતાં. ખડકની ટોચ ડૂબી ગઈ. ચડતા પાણીમાં તે ડૂબવા લાગ્યો.

મૃત્યુ સાવ નજીક, શ્વાસ જેટલું. તેની તગતગતી આંખોથી તાક માંડી રહ્યું હતું. શિકારનો કોળિયો કરતાં મોજાંએ તેને પાણીમાં ઊંડે ખેંચવા માંડ્યો. હજી તેણે પૂરી તાકાતથી પાણીમાં ડૂબેલી ટોચ પકડી રાખી હતી. ઝનૂની જિજીવિષાથી તેણે કસાયેલું શરીર ડૂબેલા ખડકને આધારે ઊંચુ કર્યું અને ધસી આવેલાં મોજાંની પીઠ પર સવાર થઈ ફંગોળાતો, ડૂબતો કાંઠે ફેંકાઈ ગયો.

મોતનું તાંડવ જોઈ રહેલા શંકરે તેને ઢસડીને દૂર ખેંચી લીધો અને પછી વરસી પડ્યો, ‘મરવા ગયો હતો અંદર? ખબર નથી મુંબઈમાં બીચ પર, પાણીમાં ખડક પર બેઠેલા કેટલા લોકો ડૂબી ગયા છે! દરિયાનું રૂપ તો જો? જંગલી હાથીના મદઝરતા ટોળા જેવાં મોજાં તને જીવતો મૂકત? તારી હિંમત, તારું કસરતી શરીર અને તારી કિસ્મતે તને બચાવ્યો. તને આજે કંઈ થાત તો તારાં મા-બાપને, બહેનોને હું શું મોં બતાવત? થયું છે શું તને?’

શું થયું છે શું કહે? રેતીમાં લાશની જેમ પડેલા તરુણની આંખમાં મૃત્યુનો નહીં તેની બહેન કાજલનો ચહેરો હતો. પૈસા ભરેલું વૉલેટ અને વ્યંગભર્યું સ્મિત. જેની પાસે રોજ પોતાના સંસ્કારનાં બણગાં ફૂંક્યાં હતાં તેને કયા મોઢે કહેવું કે કૉટેજમાં તેની જ નાની બહેન યુવાનો સાથે મોજ માણી રહી હતી!

થોડી વાર તરુણને પડ્યો રહેવા દઈને શંકરે તેને ઊભા થવામાં મદદ કરી.

‘જગ્યા મળી ગઈ છે; ચાલ, આરામ કર. હુંય થાકી ગયો છું. બે રૂમની કૉટેજમાં છોકરાઓએ પલંગવાળો બીજો રૂમ આપ્યો છે. ત્રણ હજાર લીધા સાલાઓએ. બીજી વાર મરવાના સારા રસ્તા શોધજે હોં ભાઈ! આજે તો તેં કાંઈ નવટંકી કરી છે!’

શંકરના ગળામાં હાથ ભેરવી તરુણે ધીમેથી ચાલવા માંડ્યું, ચૂપચાપ. કૉટેજ પર આવ્યા. છોકરાઓ નશામાં ઘોરી રહ્યા હતા. માંડ બારણું ખોલ્યું. શંકરે બૅગમાંથી કપડાં કાઢી આપ્યાં. કપડાં બદલી ચાદર તાણતો તરુણ સૂઈ ગયો, પણ ભીતર મોજાંઓ ઘૂઘવતાં હતાં.

 જીવન કેમ અચાનક ઊબડખાબડ રસ્તે ચાલી રહ્યું હતું! મોતીની સેર તૂટે એમ સ્વજનો વિખરાઈ રહ્યા હતા. કાજલના મૉડલિંગથી; વધુ તો તેના ઝઘડાઓથી પપ્પા-મમ્મી એકમેકથી પણ નારાજ દેખાતાં હતાં.

કાજલની સ્વચ્છંદ જિંદગી વિશે જાણશે ત્યારે તો...

એક વાત તો નક્કી કે આજની વાત તે ઘરમાં કોઈને નહીં કરે, પ્રિયાને પણ નહીં. એનો અર્થ ઘરમાં કાજલ સાથે હવે સ્વાભાવિક રીતે વર્તવું પડશે.

છાતીમાં ડચૂરો બાઝ્યાની ગૂંગળામણ થઈ આવી. તે બેઠો થઈ ગયો. ચાદર ખેંચાતાં શંકર પણ જાગી ગયો. તરુણની પીઠ પર હાથ ફેરવ્યો, ‘તરુણ, હું જોઉં છું તું આજકાલ બહુ અપસેટ રહે છે. શું વાત છે યાર? મને નહીં કહે?’

‘થૅન્ક્સ શંકર. એક તું જ તો દોસ્ત છે, પણ સાચ્ચે જ કંઈ નથી. થાક લાગ્યો છે. શરીર એવું તૂટે છે! ઊંઘ નથી આવતી અને આંખમાં ઊંઘ ભરી છે.’

‘આજે તો હું સાચ્ચે જ ડરી ગયો હતો. એય પેમેન્ટ લઈ આવ્યો કે પછી...’

તરુણે તરત પૅન્ટના ખિસ્સામાંથી ભીંજાયેલી નોટો કાઢી. શંકરે ગાદલા નીચે અખબાર પર પાથરી અને તે ઊછળી પડ્યો, ‘તરુણિયા, કમાલ કરી, પાંચ હજાર રૂપિયાની ટિપ? જિયો બેટે.’

મન તો થયું કે બધા જ પૈસા ઉઠાવી બારીની બહાર ફગાવી દે, પણ માંડ મન પકડી રાખ્યું. નહોતું પૂછવું તોય પુછાઈ ગયું, ‘શંકર, ખબર છે તને કૉટેજમાં કોણ છે?’

‘ખુદ માલિક હૈ જી.’

‘ઓહ!’

‘જેણે મને ચાવી આપી છે તે કહે છે કે મહેતા બિલ્ડર્સની કૉટેજ છે. સાહેબ કોઈક વાર જલસો કરવા ગર્લફ્રેન્ડને લઈ આવે. આજે તેમના રાજકુંવર પધાર્યા છે, દોસ્તો સાથે. કોઈ લલના પણ હશે જ. અરે! પૈસા લેવા ગયો ત્યારે તેને જોઈને! ફસ્ર્ટ-ક્લાસ પરી હશે, ક્યૂં?’

તરુણ અંદરથી ઊકળી રહ્યો હતો, ‘શંકરિયા, છોકરીઓ માટે ખબરદાર કંઈ એલફેલ બોલ્યો છે તો!’

શંકરને ખીજ ચડી, ‘તારા ચોખલિયાવેડા છોડીશ? રંગરેલિયાં મનાવવા છોકરી આવી છે તે તારી કંઈ સગી થાય છે? તું આ લાઇનમાં શું કામ આવ્યો? તને ખબર છે કે આપણે બધું ખોટું જ કરીએ છીએ તોય રૂપિયાનો ખનકાર સાંભળીને આવ્યોને! છોકરીઓ પણ એટલે જ આવે છે. લટકમટક રૂપિયાની નોટો સૂંઘતી-સૂંઘતી. સોચ લે, પાછા ફરી જવું છે? ટ્યુશન કરવાં છે?’

કોઈની બૂમ સંભળાઈ, ‘અબે સો જાઓ, સાલે!’

શંકર ગુસ્સામાં પીઠ ફેરવીને સૂઈ ગયો. તરુણ જાગતો પડી રહ્યો. વરસાદ શરૂ થઈ ગયો હતો. ઓરડામાં ભેજવાળો અંધકાર ખરલની જેમ ઘૂંટાતો રહ્યો. પવનના જોરથી બારીની આંકડી ખૂલી ગઈ હતી અને બારી જોરથી ભટકાતી હતી. તરુણ ઊઠ્યો. બારી બરાબર બંધ કરી. શંકરને બરાબર ઓઢાડ્યું.

શું ખોટું કહ્યું હતું શંકરે? સૌ પોતાની ગરજે આવે છે. ખનખનિયાં કોને નથી જોઈતાં? કાજલ જે કરે છે તે પોતે પણ નથી કરી રહ્યો? પોતે વળી ક્યાં દૂધે ધોયેલા પૈસા કમાઈ રહ્યો છે.

ફરી બારી ખૂલી ગઈ. વરસાદનું જોર થોડું નરમ પડ્યું છે. હુહુકાર કરતો ઠંડો પવન ફૂંકાવા લાગ્યો, વાસ મારતી ચાદરમાં તે ગૂંચળું વળી ગયો.

€ € €

ઘણા દિવસે પ્રિયાને આજે રજા મળી હતી. કામનું ભારણ થોડું ઓછું હતું. દિવાળીના વેકેશનની રજાઓનું પ્લાનિંગ-બુકિંગ શરૂ થાય એ પહેલાં તેણે ત્રણેક દિવસની રજા લીધી હતી - બીનાનાં લગ્ન માટે. બપોરે ટર્ફ ક્લબમાં લગ્ન અને બીજે દિવસે રિસેપ્શન. પ્રિયા મોડે સુધી ઊંઘતી રહી. બહાર આવી ત્યારે સાવિત્રીબહેન ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરી રહ્યાં હતાં અને કોઈ પુસ્તક વાંચવામાં તલ્લીન હતાં. ઘરમાં કોઈ દેખાયું નહીં. તે સામેની ખુરસીમાં બેસી પડી.

‘મોડા-મોડા સુપ્રભાત મમ્મી.’

‘ઊઠી ગઈ બેટા!’

‘કેમ કોઈ દેખાતું નથી?’ પ્રિયાએ સાવિત્રીબહેનની પ્લેટમાંથી ટોસ્ટ લઈને ખાતાં-ખાતાં પૂછ્યું.

‘તારા પપ્પા ઑફિસ. તરુણ તો સવારે ચાર વાગ્યે નીકળી ગયો. ગુજરાતમાં ક્યાંક સેકન્ડ-હૅન્ડ કારમેળો છે ત્યાં જવાનો છે.’

‘અને કાજલ?’

‘તેને શૂટિંગનું મૉર્નિંગ શેડ્યુલ છે. સનસ્ક્રીન લોશન કે એવું કાંઈક છે એમ કહેતી હતી. અલીબાગના કોઈ બંગલામાં...’

‘મમ્મી, મારે તો સાથે જવાનો સવાલ જ નથી, તું કોઈક વાર સાથે જતી હોય તો?’

સાવિત્રીબહેને ડોકું ધુણાવ્યું, ‘શું નહીં કહી જોયું હોય? કાજલે ઘસીને ના પાડેલી : પ્લીઝ મમ્મી, તું કયા જમાનાની વાત કરે છે? મમ્મી દીકરીઓની ચોકી કરવા સેટ પર જતી એ બધું ભૂતકાળ, ગૉન વિથ ધ વિન્ડ, સમજી! હવે તો છોકરીઓ પોતે જ કરીઅર મૅનેજ કરે, એકલી જ જાય; મમ્મી નામની ગંધ પણ ઍડ-એજન્સી કે ક્લાયન્ટને ન આવવી જોઈએ, આઇ વિલ ટેક કૅર, બાય... કહેતી સવારે ૬ વાગ્યે નીકળી ગઈ છે. તું જાણે છે બેટા, તેની પાસે તેની મરજી વિરુદ્ધ કંઈ કરાવવું એટલે લોઢાના ચણા ચાવવાથીયે વિશેષ.’

પ્રિયા સમજે છે કે મમ્મી-પપ્પાના હાથમાંથી ઘરની લગામ જાણે સરકી ગઈ છે. તેણે ટોસ્ટરમાં બ્રેડની સ્લાઇસ મૂકી.

‘આ એટલી સરસ વાર્તાઓ છે,’ બોલતાં-બોલતાં સાવિત્રીબહેને પુસ્તક બાજુ પર મૂક્યું.

‘પ્રિયા, બીનાનાં લગ્ન કેટલા વાગ્યે છે?’

‘ચાર વાગ્યે.’

પ્રિયાને ખબર છે વાતનો ઢાળ કઈ દિશા તરફ છે. મમ્મી ફરી કોઈ મૅરેજ બ્યુરોની વાત કાઢશે. આમ તો બન્ને એકમેક સાથે ઓછું બોલતાં પપ્પા-મમ્મીએ આ વાત કરી હશે. પપ્પાએ બે-ચાર દિવસ પહેલાં અચાનક જ પૂછી લીધું હતું, ‘સાવિત્રીએ કોઈની સાથે તારું મળવાનું ગોઠવ્યું હતું. તેં ના પાડી પ્રિયા?’

ટોસ્ટ પર જૅમ લગાડી તેણે પ્લેટમાં મૂક્યા. કાજલ-તરુણ સ્વતંત્ર રીતે વર્તે છે, પપ્પા-મમ્મીને પૂરી વાત કરતાં નથી એ તેને ગમતું નથી. તો પોતે પણ ક્યાં અમરની વાત મમ્મીને કરી છે? વચ્ચે થોડો સમય પોતે જ ગૂંચવાયેલી રહી હતી ત્યાં મમ્મીને શું કહે? પણ કહેવું તો જોઈએ, માતા-પિતાના વિશ્વાસનો દ્રોહ તે તો નહીં જ કરે.

‘મમ્મી! મારે તને એક વાત કરવી છે. આમ તો ઘણા વખતથી કરવી હતી, પણ સાચું કહું તો મનમાં અવઢવ હતી.’

પ્રિયાએ સાવિત્રીબહેનને પાથરીને વાતની ગડ ખોલતા જઈ અમર વિશે; તેના સ્વજનો, તેમના સંબંધ વિશે વાત કરી. ટોસ્ટ ઠંડા થઈ ગયા હતા. ઘણે દિવસે ઉઘાડ નીકળ્યો હતો અને ઘરમાં ઉજાસ પાથરતો હતો. સાવિત્રીબહેન પ્રિયાની વાત સાંભળી રહ્યાં હતાં.

પ્રિયાએ ઊંડો શ્વાસ ભર્યો. હવે કહેવાનું કશું સિલકમાં નહોતું. સોયની અણીએ અંદર ખૂંપેલી ઝીણી ફાંસ ખોતરી કાઢી હોય એમ મનને ખૂબ સારું લાગ્યું.

‘તો પછી તમે શું કરશો? લિવ-ઇન રિલેશનશિપ? એમાં ચમકી શું જાય છે? આજકાલ યુવાનોમાં આવો વાયરો પણ વાય છે હું જોઉં છુંને!’

‘ના મમ્મી, એવું તો હું સપને પણ નહીં વિચારું.’

‘જાણું છું. તો લગ્ન? એનું શું?’ સાવિત્રીબહેને તરત જ પૂછ્યું.

પ્રિયાએ નિખાલસતાથી કહ્યું, ‘હું નથી જાણતી મમ્મી, સાચ્ચે જ અમર નથી ઇચ્છતો કે હું કોઈ બોજ કે બંધનમાં જીવું.’

‘એમ! તો એનો અર્થ એ જ થયો કે સંધ્યા મૃત્યુ પામે, અમરનાં માસી ઘરમાંથી ચાલી જાય પછી તને ઘર-વર સુવાંગ મળે ત્યારે જ તમે લગ્ન કરશો. તું કોઈના મૃત્યુની પ્રતીક્ષા કરે છે પ્રિયા?’

‘પ્લીઝ મમ્મી, ના.’

સાવિત્રીબહેને ટેબલ પર જરા ઝૂકીને કહ્યું, ‘પ્રિયા, એટલું યાદ રાખજે કે જો અને તોની ખીંટી પર જિંદગીને નથી ટીંગાડી શકાતી.’

‘તો હું શું કરું મા!’

‘જ્યારે તું અને અમર લગ્ન માટે તૈયાર હો ત્યારે પરણી જવું. આપણે કંકોતરીમાં લખીએ છીએને આ દિવસે, નિર્ધારિત સમયે દંપતી પ્રભુતામાં પગલાં માંડશે? લગ્ન દિવ્યતા તરફની ગતિ છે પ્રિયા.’

આ જ સમય હતો એક સખી તરીકે મમ્મીને પૂછી લેવાનો.

‘મમ્મી, લગ્ન જો આવું ઉદાત્ત સહજીવન છે તો તારી આંખમાં આટલી ઉદાસી શું કામ? સોળ વરસનું સંતાન તો મિત્ર કહેવાય છેને! તો મૈત્રીદાવે મને નહીં કહે શું થયું છે તારી અને પપ્પા વચ્ચે? સૉરી મા, તારા મનને ઠેસ પહોંચાડી હોય તો!’

સાવિત્રીબહેનને થયું કે આંગળી મૂકીને એ ક્ષણને ઓળખી બતાવી શકાતી હોત તો કેટલું સારું! વહેતી નદીમાં ઢોળેલી અંજલિનાં જળ શી રીતે શોધવાં? શું માત્ર તેમણે શરૂ કરેલું કેટરિંગનું નાનું કામ આટલા વર્ષના લગ્નજીવનમાં નરી આંખે ન દેખાય એવી ઝીણી તિરાડ પાડી શકે! કે પછી મનમાં ઊંડે-ઊંડે, ખબર પણ ન હોય એવું નાની ફોડલી જેવું દુ:ખ હશે કે જે સપનાંઓ લઈ ઉમંગથી બન્નેએ વતનની માયા છોડી આ મહાનગરમાં પગ મૂક્યો હતો એ કદી કોળ્યાં જ નહીં! પતિ કશું પામી જ ન શક્યા, કારણ કે આ મહાનગરની ભીંસ કે પછી સંજોગો કે પછી તેમનામાં જ પહોંચનો અભાવ કે પછી...

સુંદર વસ્ત્ર વણતાં-વણતાં તાણાવાણા ગૂંચવાઈ ગયા છે. ઘણાં વરસો ફરજથી, પ્રેમથી તે અભાવોમાં જીવી. હવે નવેસરથી નવું જીવન જીવવાની કોશિશ કરતી હતી એ શું કોઈ બહુ મોટો અપરાધ હતો? ધરતીમાં ઊંડે દટાઈ ગયેલું, નહીં કોળેલું બીજ અચાનક જ લીલોછમ તૃણાંકર બની લહેરાઈ ઊઠે એમ ઇચ્છાઓ પાંગરવા લાગી હતી. નાના ઘરમાં સૌને મોકળાશ પણ ક્યાં મળે છે? મુંબઈમાં તો ઘરની બહાર શ્વાસ લેવા જેટલી પણ જગ્યા ક્યાં છે? સૌના અહમ્ એકમેક સાથે ટકરાતા રહે છે, મન ઊચક થઈ જાય છે.

€ € €

એક પછી એક આવરણ ઉતારતા જઈ પ્રિયા સામે નિર્વસ્ત્ર થઈ ગયાં હોય એમ સંકોચથી સાવિત્રીબહેન ઊભા થઈ બાલ્કનીમાં ચાલી ગયાં.

પ્રિયા પાસે આવીને ઊભી રહી. મૃદુતાથી બોલી, ‘મમ્મી, પપ્પાને મનાવી લેને?’

દૂર જળભરેલાં વાદળાંઓ ફરી બંધવા લાગ્યાં હતાં. તડકો ઘેરા ભૂખરા રંગનો થવા લાગ્યો હતો. પ્રિયા કહી રહી હતી કે પપ્પાને મનાવી લેને! હા, ઇચ્છા તો હતી, બહુ કોશિશ પણ કરી જોઈ છે; પરંતુ શું તેનું મનગમતું કામ છોડી દેવાથી બધું ઠીક થઈ જશે! તો તે શું કરશે? કોશેટામાંથી નીકળી ગયેલો, નવી ફૂટેલી પાંખો સાથે મસ્તીથી ઊડતો કીટક ફરી કોશેટામાં શી રીતે જઈ શકે?

‘તેં જવાબ ન આપ્યો મમ્મી!’

સાવિત્રીબહેને સ્મિત કરતાં પ્રિયાના ખભે હાથ મૂક્યો, ‘હું જરૂર કોશિશ કરીશ.’

€ € €

ઋતુચક્ર ઘૂમતું રહે છે. મોસમ બદલાતી રહે છે. તોય જાણે એમ કેમ લાગે છે કે સમય થંભી ગયો છે.

સાવિત્રીબહેન હૉસ્પિટલના બિછાનામાં સૂતાં-સૂતાં બારીની બહાર જોયા કરે છે. ચોતરફ નાનાં-મોટાં મકાનોના અડાબીડ વચ્ચેથી આકાશનો નાનો ટુકડો દેખાય છે. સવારે જ ઑપરેશન થયું અને ગર્ભાશય કાઢી નાખ્યું. તે પેટ પર હાથ મૂકે છે અને અજબ લાગણી થાય છે. બ્લીડિંગની તકલીફ વધી ગઈ હતી. ડૉક્ટર જાગીરદારે કહ્યું હતું કે ગર્ભાશય નીચું આવી ગયું છે, ઑપરેશન કરવું પડશે. ઘરમાં વાત કરતાં તરુણે તરત જ હૉસ્પિટલની વ્યવસ્થા કરી ઑપરેશનના પૈસા ભરી દીધા હતા. ધીરુભાઈ હૉસ્પિટલની ઑફિસમાં જઈ ડિપોઝિટ વગેરેનું પૂછે, પૈસાની સગવડ કરે ત્યાં તો તરુણે કહી દીધું હતું, ‘પપ્પા, તમે શું કામ ચિંતા કરો છો? બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તમે બસ મમ્મીને કંપની આપો.’

દોડધામ કરવાની કોઈ જરૂર ધીરુભાઈને ન રહી. પ્રિયાએ આયા રાખી નહોતી, રજા લીધી હતી અને હૉસ્પિટલમાં જ રહેતી હતી. તો તેમણે કરવાનું શું રહેતું હતું? બે દિવસ ઑફિસ ન ગયા. બે-ત્રણ અખબાર-મૅગેઝિન લઈ એક બાજુ ખુરસીમાં બેસીને વાંચ્યા કરતા. પછીથી સાંજે ઑફિસથી આવીને થોડી વાર ખૂણામાં બેસી રહેતા. સાવિત્રીબહેનની તીવþ ઇચ્છા હતી કે પતિ સાથે થોડો સમય શાંતિથી એકાંતમાં ગાળે, મનમાં પડેલી થોડી ગાંઠોને છોડવાની કોશિશ કરી શકે; પણ સાંજે કોઈ ને કોઈ જ્ઞાતિજન, પાડોશી કે પછી તેમના રસોઈ-ગ્રુપનાં કોઈ ને કોઈ બહેન ડોકાઈ જતાં અને ધીરુભાઈ ઊઠીને ઘરે ચાલી જતા. તરુણ રોજ સવારે સાવિત્રીબહેનને મળીને કામ પર જતો. કાજલ બૅગ લઈને જ એક વાર મળવા આવી, ‘મમ્મી, હૈદરાબાદ શૂટિંગમાં જાઉં છું. ગેટ વેલ સૂન. બાય.’

પ્રિયાએ તરત બહાર જઈ તેને રોકેલી, ‘કાજલ, મા હૉસ્પિટલમાં છે અને તું આમ ચાલી જાય છે?’

‘તો? તું છેને! અને આમ પણ મમ્મી કાંઈ બીમાર નથી, બસ આરામની જરૂર છે. જેટલા ઓછા લોકો મળવા આવે એટલું સારું. હું તને ચેક આપી દઉં? જરૂર પડે તો મારા અકાઉન્ટમાંથી...’

‘ના, જરૂર નથી.’

કાજલ હસી પડેલી, ‘ઓ.કે., મારા પૈસા અસ્પૃશ્ય છે? તો ગંગાજળ છાંટીને કે દૂધે ધોઈને વાપરજે, બસ!’

‘નથી જોઈતો ચેક, એક વાર કહ્યુંને!’

‘ઓ યસ, તરુણે પૈસાની અરેન્જમેન્ટ કરી છે કેમ! વેરી ગુડ.’

તે ફરી હસી પડેલી. પ્રિયા ચિડાઈ ગઈ, ‘એમાં હસવા જેવું શું છે? તારા જેવો તે બેજવાબદાર નથી. દોડાદોડી કરીને આ ફસ્ર્ટ-ક્લાસ રૂમ બુક કર્યો, પેસા ભર્યા, મળવા પણ આવ્યો હતો.’

કાજલે હસતાં-હસતાં કહેલું, ‘મોટી બહેન, હું શું કામ હસું છું એ તને ક્યારેક સમજાશે. સિચુએશન આમ તો મેલોડ્રામૅટ્રિક છે, પણ મારા માટે રમૂજપ્રેરક છે. ન સમજાયું? મમ્મીના જે ગર્ભાશયમાંથી મારે જન્મ નહોતો લેવાનો એ જતી ઉંમરે કાઢી નાખ્યું છે અને હું મમ્મીની ખબર કાઢવા આવી છું. ટ્રાય ટુ ફિગર ધૅટ આઉટ. બાય.’

રોષમાં પ્રિયાએ કાજલની ટ્રૉલી-બૅગનું હૅન્ડલ પકડી લીધું, ‘કાજલ, શરમ નથી આવતી મા માટે આમ બેફામ, બેલગામ બોલે છે, જીવે છે! એક દિવસ તારે તારી સ્વચ્છંદતા માટે ચુકવણું કરવું પડશે. યાદ રાખજે, ઈશ્વર વ્યાજ સાથે વસૂલી કરે છે.’

‘મારી બહેના, મેં મારું સુખ ખરીદીને કિંમત ચૂકવી દીધી છે ઍન્ડ આઇ ઍમ એન્જૉઇંગ ઇટ. બાય. જેશીક્રષ્ણ.’

ઝટકો મારી પ્રિયાનો હાથ હૅન્ડલ પરથી હટાવી કાજલે હાઈ હીલ્સ પર મદભરી ચાલથી લિફ્ટ પાસે જઈને બટન દાબ્યું. સળવળી ઊઠેલા તેના હાથની પ્રિયાએ અદબ વાળી દીધી. લિફ્ટમાં દાખલ થતાં કાજલે ફ્લાઇંગ કિસ પ્રિયા સામે હવામાં તરતી મૂકીને દરવાજો બંધ કર્યો.

નીચે સરકતી લિફ્ટમાં કાજલના ચહેરા પર આછું હાસ્ય હતું. ગૉગલ્સ પહેરી લિફ્ટમાંથી બહાર નીકળતાં તેને થયું કે બસ, હવે સમય થઈ ગયો છે.

કરણે મોકલેલી કારનો દરવાજો શૉફરે ખોલ્યો.

‘ઍરપોર્ટ...’ બોલતી કાજલ કારમાં અદાથી બેસી ગઈ.

(ક્રમશ:)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK