ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૬

Published: 30th November, 2014 07:08 IST

‘હત્ત તારીની, આ તો જૂનાગઢવાળી પેલી મીરા...’ ફોજદારની આંખો મોટી થઈ, ‘આ છોકરી ભૂપત ભેગી ચાલુ છે ને સાલ્લી ખબર પણ નો પડી!!!’


નવલકથા - રશ્મિન શાહ

ફોજદારના ચહેરા પર ચમક હતી, તો ચમકની સાથોસાથ તેના ચહેરા પર ખબર નહીં પડ્યો હોય એવો અફસોસ પણ પ્રગટી ગયો હતો. જો પહેલાં તેમને આ માહિતી મળી ગઈ હોત તો ફોજદાર એનો પૂરેપૂરો લાભ લઈ શક્યા હોત અને તેણે મીરાની આડશમાં ભૂપતની હાલત હડકાયા કૂતરા જેવી કરી નાખી હોત. ફોજદારનું દિમાગ મશીનની જેમ ધમરોળાવું શરૂ થઈ ગયું હતું. તેને એ વાતનું દુ:ખ થઈ રહ્યું કે તેના ખબરીઓ આ વાત લાવી નહોતા શક્યા. હકીકત એ હતી કે ફોજદારને ભૂપતને મારવા કરતાં પણ ભૂપતને સરાજાહેર બદનામ કરવાનું બહુ મન હતું અને મનસૂબાઓ હંમેશાં વધુ લોભામણા અને મધલાળ આપનારા હોય છે. જો ખબરીઓ સાવધાન હોત અને તેઓ પહેલાં મીરા-ભૂપતના પ્રેમપ્રકરણને લઈને આવી ગયા હોત તો ભૂપતને નાથ્યા પછી પોતાને બહુ મોટો ફાયદો થયો હોત.

ખબરીઓની આળસ કે પછી ખબરીઓની બેદરકારીને કારણે એ ન થઈ શક્યું એનો અફસોસ મન પર વધુ આક્રમક રીતે પ્રહાર કરે એ પહેલાં ફોજદારે માથું ઝાટકીને મનમાં ચાલી રહેલી નકારાત્મક માનસિકતા દૂર કરી અને દૂર થયેલી માનસિકતા વચ્ચે દાંત ભીંસીને હાથમાં રહેલું કામ આગળ ધપાવવાનું નક્કી કર્યું.

ફોજદાર જ્યારે ભૂપત અને મીરા પર હુમલો કરવાની દિશામાં આગળ વધી રહ્યા હતા ત્યારે મીરા ભૂપતને સંહારની દુનિયા છોડીને ફરી પાછો સંસારમાં આવવા માટે સમજાવી રહી હતી. હુમાતાઈથી લઈને રાંભી સુધીના સૌનો મદાર અત્યારે માત્ર અને માત્ર મીરા હતી અને મીરા પાસેથી તેમને અપેક્ષા હતી. ભૂપત જે હુમાતાઈ પાસે ઊછરીને મોટો થયો હતો તે હુમાતાઈ પોતાના જૂનાગઢના ઘરમાં દીકરાને સદ્બુદ્ધિ મળે એ માટે અલ્લાહને બંદગી કરી રહી હતી તો ભૂપતને જન્મદાતા રાંભી વાઘણિયા ગામે ચામુંડા માને વીનવી રહી હતી. આવતી ક્ષણોમાં ભૂપત પર આવનારી ઘાત પારખી ગયેલી ભૂપતની બીજલ પણ આ સંજોગોમાં આકુળવ્યાકૂળ થઈને ઊભી હતી અને કેવી રીતે માલિકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવું એની વેતરણમાં પડી હતી. એક અનોખો ચક્રવ્યૂહ ભૂપતની આસપાસ રચાઈ ગયું હતું અને એ ચક્રવ્યૂહમાં સૌ પોતપોતાની ચાલ રમી રહ્યા હતા. હા, આ ચક્રવ્યૂહમાં ફરક માત્ર એટલો હતો કે કોઈની ચાલમાં રાજનીતિ હતી તો કોઈની ચાલમાં પ્રેમનીતિ હતી. કોઈને પોતાના મનની ભડાસ માટે કોઈનો જીવ જોઈતો હતો તો કોઈ શ્વાસ ટકી રહે એ માટે અસ્તિત્વ ટકાવવા પ્રયાસ કરી રહ્યું હતું.

‘એની માને...’

ફોજદારના મનમાં અચાનક જ એક વિચાર ઝબકી ગયો અને ઝબકી ગયેલા એ વિચારે તેના મનમાં વિકૃતિ વાવી દીધી.

- જો આ ઘડીએ ભૂપતનું મોત થાય અને એ મોત પછી અખબારમાં એવી વાત છપાય કે પ્રેયસીએ જ પોલીસને માહિતી આપી હતી, તો... તો બદલાની આ આગ આખા ગામમાં ફેલાય અને ફેલાયેલી એ વાત વચ્ચે હિન્દુ-મુસ્લિમનો ભેદભાવ પણ ઊભો કરાવી શકાય. જો એવું કામ થઈ ગયું તો તો અંગ્રેજ સરકાર પણ અશાંતિ ઊભી કરવા બદલ અકરામ આપે અને આઝાદીના નામે ચાલી રહેલી ચળવળને ડામવાના કામમાં તેને સામેલ કરે...

ફોજદારે ભૂપત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ધીમેકથી રિવૉલ્વર કાઢી. ઘા ખાલી ન જાય એ માટે ફોજદારે ખુલ્લી આંખે જ માતાજીનું નામ લઈ લીધું અને નામ લઈને તેણે રિવૉલ્વર ભૂપતની દિશામાં તાકી. ભૂપત અને મીરા ફોજદારના આ ઘાથી બિલકુલ વાકેફ નહોતાં. તેઓ બન્ને તો અત્યારે નવા સંસારની દિશાઓ જોઈ રહ્યાં હતાં. જોવાઈ રહેલી એ દિશા વચ્ચે જ ફોજદારે હાથમાં રહેલી બૅરેટા રિવૉલ્વરની ટ્રિગર પર જમણા હાથની પહેલી આંગળીનું વજન મૂક્યું અને મૂંગી રિવૉલ્વરે ચૂપચાપ પોતાનું કામ કર્યું.

ધડામ...

રિવૉલ્વરમાંથી છૂટેલી કારતૂસે મીરાના પેટમાંથી આંતરડાં બહાર કાઢીને પોતાની જગ્યા બનાવી લીધી. એવું નહોતું કે ફોજદારે મીરાનું નિશાન લીધું હોય. એવું પણ નહોતું કે તે મીરાને મારવા માગતા હોય. તેમનો ઇરાદો તો બહુ સ્પષ્ટ હતો કે મીરા જીવતી રહે અને મીરાની હાજરીનો લાભ તે સત્તાવાર રીતે લે, પણ ફોજદારે જ્યારે ગોળી છોડી ત્યારે જ આ વાતાવરણથી બેખબર મીરા ભૂપતથી અળગી થઈ હતી અને અળગાં થવાની આ પ્રક્રિયા દરમ્યાન ભૂપત એક ડગલું પાછળ હટuો હતો તો મીરા એક પગલું આગળ આવી હતી. છોડવામાં આવેલી ગોળીને રસ્તો બદલવાની કોઈ સમજણ હતી નહીં અને એ સમજણ નહોતી એટલે જ એ એના ધાર્યા નિશાન પર જઈને અટકી અને એક એવા અનર્થની શરૂઆત થઈ જે આગળના ભવિષ્યને વધુ લોહિયાળ અને વધુ બિહામણો બનાવવાનો હતો.

પોતાના પર આ પ્રકારનો કોઈ હુમલો થશે એવું ભૂપતે ધાર્યું નહોતું. ભૂપત હંમેશાં સચેત રહેતો, પણ આજની વાત કંઈક જુદી હતી. આજે જ્યારે તે પહોંચ્યો ત્યાં સુધી સચેત હતો અને મીરાને મળ્યો ત્યારે પણ કંઈક એવી જ જાગૃતિ સાથે તે મળ્યો હતો, પણ મીરા અને ભૂપતની કમનસીબીએ બન્ને ભાવનાઓ સાથે વહ્યાં અને બેમાંથી કોઈને પણ આજુબાજુમાં ઘડાઈ રહેલા આતંકની બદબૂ આવી નહીં કે કોઈ પારખી શક્યું નહીં.

ફોજદારે કરેલા ગોળીબાર પછી બીજી જ ક્ષણે પલટન પણ ગોળીબાર માટે તૈયાર થઈ ગઈ પણ ફોજદાર જે જગ્યાએ હતા એ જગ્યાએથી તેમને ભૂપત અને ઘવાયેલી મીરા દેખાઈ રહ્યાં હતાં. પોતાનો વાર ખાલી ગયો એ જોયા પછી ફોજદાર ગિન્નાયા હતા અને તેણે બીજી જ ક્ષણે બૅરેટામાંથી વધુ એક ગોળીબાર કર્યો હતો. જોકે એ ગોળીબાર જ્યારે થયો ત્યારે ભૂપત સાવધ થઈ ગયો હતો અને તે ઘવાયેલી મીરાને લઈને બાજુમાં આવેલા પીપળાના ઝાડની આડશમાં પહોંચી ગયો હતો.

શું બન્યું અને કેવી રીતે બન્યું એ વિશે ભૂપત કે મીરાને કોઈ સમજણ આવી રહી નહોતી. મીરાના શરીરમાંથી લોહીનો રીતસર ફુવારો શરૂ થઈ ગયો હતો અને મીરાની આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. મીરાને આ અંધકાર વચ્ચે પણ એકમાત્ર ચહેરો દેખાઈ રહ્યો હતો અને એ ચહેરો ભૂપતનો હતો. મીરાને બહુબધું કહેવું હતું, પણ શરીરમાંથી ઓસરી રહેલી તાકાત જીભને સાથ આપવા તૈયાર નહોતી. મીરાએ વ્યર્થ પ્રયાસ કર્યો, પણ એ પ્રયાસે તેના શરીરને વધુ કષ્ટ આપવાનું કામ કર્યું.

‘નહીં બોલ, તું કાંઈ નહીં બોલ...’

ભૂપતના અવાજમાં વેદના પ્રસરી ગઈ હતી. આજે પહેલી વખત તે પોતાની આંખ સામે પોતાની વ્યક્તિને આ રીતે ઘવાયેલી પરિસ્થિતિમાં જોઈ રહ્યો હતો અને પોતે આ સંજોગોમાં લાચાર હતો. અગાઉ તેણે ક્યારેય આ લાચારી જોઈ નહોતી. ભૂપતને ચીસો પાડવાનું મન થઈ રહ્યું હતું અને સાથોસાથ તેને જીવનભરની ચુપકીદી સાધી લેવાની પણ તીવþ ઇચ્છા થઈ રહી હતી. મીરાની સાથે ઝાડની પાછળ આવ્યા પછી ભૂપતે પહેલું કામ મીરાને બરાબર સુવડાવવાનું કર્યું હતું. તે જ્યારે ઝાડની પાછળ જઈ રહ્યો હતો ત્યારે જ તેના પર બીજી વખત ગોળીબાર થયો હતો એ તેને ખબર હતી, પણ ભૂપતને અત્યારે કોઈ ગોળીબારીની પરવા નહોતી. જિંદગી જ્યારે હાથમાંથી સરકી રહી હોય ત્યારે શ્વાસનું મૂલ્ય શૂન્ય થતું જતું હોય છે. અત્યારે ભૂપત માટે પોતાના કરતાં મીરાની જિંદગી વધારે મહત્વની હતી. થોડી મિનિટો પહેલાં જે છોકરીની વાતમાં જિજીવિષા દેખાઈ રહી હતી એ જ છોકરી આ ઘડીએ લોહીના ખાબોચિયા વચ્ચે પડીને આંખ ખોલવાની હિંમત એકઠી કરી રહી હતી.

‘તને કાંઈ નહીં થાય...’ શું બોલવું એની ગતાગમ સ્વાભાવિક રીતે ભૂપતને પડી નહોતી રહી, ‘તું કહીશ એ કરીશું, તું ચિંતા નહીં કર... તને કાંઈ નહીં થાય.’

‘ભૂ...પ...ત...’

મોઢામાંથી નીકળી ગયેલા લોહીના કોગળાએ મીરાના બાકીના શબ્દોને અટકાવી દીધા.

‘મીરા, નહીં બોલ તું...’ ભૂપતે આજુબાજુમાં નજર ફેલાવી. તેની આ નજરમાં લાચારી હતી, ‘જો આપણે અહીંથી નીકળીએ છીએ... હમણાં નીકળીએ છીએ.’

‘નહીં જવાય...’

મીરાએ મહામહેનતે શબ્દો ઉચ્ચાર્યા, પણ ભૂપતે તરત જ તેને રોકી.

‘તું નહીં બોલ, મારા સમ છે તને...’

‘મોત આંખ સામે છે ત્યારે ક્યાં સમ આપીને હવે બાંધે છે ભૂપત...’

મીરાએ પહેલી વાર આંખ ખોલી. મીરાની આંખમાં આંસુ હતાં અને આંસુવાળી એ આંખ સાથે તેણે ભૂપતની આંખમાં પણ આંસુ જોયાં. ભૂપતની આંખમાં આંસુ જોઈને મીરાએ સહેજ સ્મિત કર્યું. શરીરમાં રહેલી કારતૂસને કારણે થઈ રહેલી પીડા એ હદે તીવþ હતી કે આ સમયે સ્મિત કરવામાં પણ મીરાથી ઊંહકારો થઈ ગયો હતો. જોકે અત્યારે તેને એ વેદનામાં કોઈ દિલચસ્પી નહોતી. તેને તો અત્યારે છ ફૂટ ઊંચાઈવાળા અને પથ્થર હૃદયના ડાકુની આંખનાં આંસુઓમાં સમાવું હતું.

‘તું રડે છે તો સારો નથી લાગતો...’

મીરાએ મહામહેનતે ભૂપતના ખોળામાંથી માથું ઊંચું કર્યું. ભૂપતે તેને હાથથી સહારો આપ્યો. મીરા અત્યારે શું કરી રહી છે એ તેને સમજાયું નહોતું પણ તે મીરાને અટકાવી પણ નહોતો શક્યો. મસ્તક ઊંચું કરીને સહેજ ઉપર આવેલી મીરા ધીમેકથી ભૂપતની આંખ પાસે ગઈ અને તેણે એ આંખ પર પોતાના હોઠ મૂકી દીધા.

‘મરદ માણસ રડે નહીં...’

‘તું નહીં બોલને...’

ભૂપત ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો અને તેનાં આંસુઓની જ રાહ જોવાઈ રહી હોય એમ એ જ સમયે ફોજદારે પલટનને ગોળીબાર શરૂ કરવાનો આદેશ આપ્યો. આદેશ મળતાંની સાથે જ અઢળક બંદૂક ગર્જી ઊઠી અને ઘંટારવના અવાજથી મદમસ્ત રહેતું મંદિર કારતૂસ ફૂટવાના અવાજથી ભરાઈ ગયું.

€€€

‘એ ડાબુ અંગ ફરકે તો શું થાય?’

રેલવેના નકશા માટે રાજકોટ ગયેલા કાળુને છેલ્લા અડધા કલાકથી અસુખ લાગી રહ્યું હતું. શરીરનો ડાબો ભાગ થોડી-થોડી વારે ફરકતો હતો અને આંખની પાંપણ પણ એકધારી ફરક્યા કરતી હતી. શરીરનું ફરકવું એ શુકન અને અપશુકન સાથે જોડાયેલું હતું એવું તેને યાદ હતું, પણ કયું અંગ ફરકવાથી શું થાય એ તેને યાદ નહોતું.

‘એ ડાબુ અંગ ફરકે તો શું થાય?’

ભૂપતે રાજકોટના તેના ખબરીને પૂછ્યુ તો ખરું પણ મનોમન એવી પ્રાર્થના પણ કરી લીધી કે અપશુકનની કોઈ વાત ન આવે, પણ બન્યું એવું જ.

‘ડાબુ અંગ ફરકે તો તો કાળુભાઈ નુકસાન થાય હોં.’ ખબરીએ જવાબ તો આપ્યો પણ સાથોસાથ મજાક પણ કરી લીધી, ‘આપણને નુકસાન સાથે શું. નુકસાન કરનારાઓએ થોડી કંઈ આવી ચિંતા કરવાની હોય...’

‘વાત તો તારી સાચી છે, પણ એક વાતની ચિંતા છે...’ કાળુએ આંખ મીંચકારી, ‘અંગ્રેજોને થનારા નુકસાનીને કારણે તો મારું અંગ નહીં ફરકતું હોયને...’

બન્નેએ અટ્ટહાસ્ય કર્યું પણ હસતી વખતે પણ કાળુના મનમાં ફિકરની એક આછી લહેર અકબંધ હતી.

- સાલ્લુ, આવું તો ક્યારેય થયું નથી. આજે શું કામ થાય છે? ક્યાંક કોઈ હેરાન તો નહીં થતું હોયને...

€€€

મંદિરના પટાંગણમાં દોઢથી બે મિનિટમાં કારતૂસોનો ઢગલો થઈ ગયો. એકસામટો થઈ રહેલો ગોળીબાર એ સમયે અટક્યો જે સમયે ફોજદારે હાથના ઇશારે એ બંધ કરાવ્યો. ફોજદારે આમ તો આ ગોળીબાર બંધ ન કરાવ્યો હોત પણ ભૂપત તરફથી કોઈ હિલચાલ નહોતી થઈ રહી એટલે આ પગલું તેમને માટે જરૂરી હતું. ઝાડ પાછળ છુપાયેલો ભૂપત મંદિરના બગીચામાં શું કરી રહ્યો છે એ તેમને દેખાતું નહોતું અને એ દૃશ્ય જોવું બહુ જરૂરી હતું. ફોજદારે નજર મંદિર તરફ ઘુમાવી. મંદિરમાં તેમણે પહેલેથી ચાર પોલીસ-કર્મચારીઓને મોકલી દીધા હતા. એ ચાર કર્મચારીઓ બૈરાનાં કપડાંમાં મંદિરના ગર્ભદ્વારમાં પહોંચી ગયા હતા અને અંદર જઈને ભૂપત પર વાર કરવાની વેતરણમાં ગોઠવાઈ ગયા હતા. ફોજદારને પહેલી તો એ વાતની નવાઈ લાગી હતી કે કઈ રીતે એવું બન્યું કે બધી દિશામાંથી ગોળીબાર શરૂ થયા પછી પણ મંદિરમાં રહેલા પોલીસ-કર્મચારીઓ શાંત રહ્યા અને તેમણે હજી સુધી ફાયરિંગ નથી કર્યું. આવું નહીં થવા માટેનું કારણ જાણવા અને ભૂપત પર મંદિરની દિશામાંથી પણ હુમલો થાય એ માટે જ ફોજદારે મંદિર તરફ જોયું હતું.

ફોજદાર જ્યાં ઊભા હતા ત્યાંથી તેમની આંખ સામે મંદિરનો પાછળનો ભાગ આવતો હતો અને એ ભાગ પણ તેમને વ્યવસ્થિત રીતે દેખાતો નહોતો. જો ટકાવારીમાં કહેવાનું હોય તો માંડ ૨૦ ટકા મંદિર તેમને દેખાતું હતું. મંદિરના ગર્ભદ્વારની કોઈ પણ એક બારી જોવા માટે પણ ફોજદારે બહાર નીકળવું જરૂરી હતું, પણ ફોજદારને બહાર નીકળવામાં ડર લાગી રહ્યો હતો. ભૂપતને તેઓ બહુ સારી રીતે ઓળખતા હતા. ભૂપતની ચપળતા અને તેની ચાણક્યનીતિથી તેઓ વાકેફ હતા. તેમને ખબર હતી કે જ્યાં સુધી ભૂપતની લાશ જોવા ન મળે ત્યાં સુધી એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ જેનું પરિણામ આકરું આવે.

ફોજદારની અત્યારે જે ધારણા હતી એ ધારણા બિલકુલ ખોટી હતી, કારણ કે ભૂપત અત્યારે કોઈ એવા માનસિક સ્તર પર જ નહોતો કે તે કોઈ પગલું ભરી શકે. તેની આંખો માત્ર અને માત્ર મીરા પર હતી અને તેના દિલોદિમાગ પર ફક્ત મીરા હતી. જો આ ક્ષણે, આ ઘડીએ ફોજદાર સામે પણ આવી ગયા હોત અને ભૂપતને શરણાગતિ માટે કહ્યું હોત તો એ માટે પણ તે રાજી થઈ ગયો હોત, પણ ભૂપતના સદ્નસીબે ફોજદાર ફટ્ટé હતો અને ફોજદાર એવું કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નહોતો. જો ફોજદારે આ તૈયારી દર્શાવી હોત તો આજનું વાતાવરણ અને ભવિષ્યનો ઇતિહાસ બન્ને બદલાયેલાં જોવા મળ્યાં હોત.

€€€

‘તું નહીં બોલને...’

મીરાને બોલતી રોકવાના પ્રયાસમાં ભૂપત ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો અને મીરા જહેમત સાથે ખોલેલી આંખ તેની સામે માંડીને અંતિમ શ્વાસ લઈ રહી હતી. મીરાની આંખ સામે એક એવો મર્દ માણસ રડી રહ્યો હતો જે સેંકડો લોકોની આંખમાં આંસુ લઈ આવવાને સક્ષમ હતો અને હજારો લોકોને રાતા પાણીએ રોવડાવવા માટે ખમતીધર હતો. રાંભી પાસેથી મીરાએ સાંભળ્યું હતું અને હુમાતાઈએ પણ કહ્યું હતું કે ભૂપતની આંખમાં આંસુની આછી લકીર પણ બેમાંથી એક પણ માએ ક્યારેય જોઈ નહોતી અને અત્યારે તે એ લકીરને બદલે એક આખું ઝરણું ભૂપતની આંખમાંથી વહેતું જોઈ રહી હતી અને એ ઝરણાની બુંદ પોતાના શરીર પર ઝીલી રહી હતી.

‘જો બાબુ, એક વાત યાદ રાખજે...’ મીરાના શ્વાસની જેમ જ તેના શબ્દો પણ તૂટી રહ્યા હતા, ‘હું જાઉંને તો પણ તારી આજુબાજુમાં જ રહીશ... ને તને હેરાન કરતી...’

‘ના, તારે નથી જવાનું...’ ભૂપતના શબ્દોમાં નાના બાળકની જીદ હતી અને એ જીદમાં મીરા પ્રત્યેનો અથાગ પ્રેમ છલકાઈ રહ્યો હતો, ‘નહીં જવા દઉં તને...’

‘જીદ નહીં કર તું...’

‘જીદ નથી, તારે નથી જવાનું...’

‘ફરી મળવા માટે પણ છૂટાં તો પડવું પડશેને બાબુ...’ મીરાએ ભૂપત પરની પકડ વધારી, ‘છૂટાં પડીશું તો મળીશુંને...’

‘નથી પડવું છૂટાં હવે. આમ જ રહીએ... ભલે, એક ગોળી મને પણ વાગી જાય.’

‘મરવાની વાત નહીં...’ મીરાએ ભૂપતના હોઠ પર હાથ મૂકી દીધો, ‘હજારોને જિવાડવાની ક્ષમતા ધરાવતાએ લાંબું જીવવાનું હોય.’

‘જે હજારોને જિવાડી શકે તેને આયુષ્ય આપનારું ન હોય તો ધૂળ છે એ જિંદગીમાં.’

‘મળીશું, બહુ જલદી મળીશું...’

મીરાના ઘામાંથી લોહી હજી પણ નીતરી રહ્યું હતું. નીકળી રહેલા એ રક્તની સાથે મીરાના હાથમાં રહેલો અંતિમ સમય પણ વહી રહ્યો હતો. મીરાની જીભ સુકાઈ ગઈ હતી અને આંખોમાં સફેદી પ્રસરવા માંડી હતી. મીરાએ ભૂપતના જમણા હાથની આંગળીઓ વચ્ચે પોતાનો હાથ પરોવ્યો કે ભૂપતે એ હાથ પર પોતાની પકડ વધારી.

‘ભૂપત, જવાનો સમય...’

‘મીરા નહીં...’

ભૂપતે આજુબાજુમાં નજર દોડાવી. તેને કાંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું અને કઈ રીતે કરવું. આ ક્ષણે તેના માટે મીરા ક્ષેમકુશળ બહાર નીકળે એ જ મહત્વ અને અગત્યનું હતું.

ભૂપત મનમાં આ અવઢવ સાથે અને તન પર લોહિયાળ કપડાં સાથે ઝાડની પાછળ બેઠો હતો ત્યારે ફોજદાર મંદિરમાં પોતાના સાથીઓને શોધવાનું કામ કરતો હતો. બન્ને પક્ષને જોડતો એક સેતુ હજી ત્યાં જ ઊભો હતો.

બીજલ.

બીજલ મંદિરની દીવાલ પાસે ઊભી હતી. મંદિરની આ દીવાલ ચાર ફૂટ ઊંચી હતી અને બીજલે પોતાના માલિક પર થયેલો હુમલો પણ જોયો હતો. બીજલ હોશિયાર હતી અને ચતુરાઈથી કામ લેવામાં માનતી હતી. હુમલા વખતે તેણે સમયસૂચકતા વાપરીને આગળના બન્ને પગ નીચે નમાવીને ઝૂકી જવાનું પસંદ કરી પાછા પગે દીવાલથી સલામત અંતર બનાવી લીધું હતું. જેવો ગોળીબાર બંધ થયો કે તરત જ બીજલ ચાર પગે ઊભી થઈ અને જીવ પર આવીને તેણે મંદિરની દિશામાં દોટ મૂકી હતી. ચાર ફૂટની દીવાલ કુદાવવાનું કામ બીજલ માટે ચપટી વગાડવાનું કામ હતું. ફાયરિંગ બંધ થયાની બીજી જ ઘડીએ મંદિર પાસે પહોંચેલી બીજલ દીવાલ કુદાવીને મંદિરના પટાંગણમાં પહોંચી. તેની નજર માલિક પર સ્થિર હતી અને માલિકની લાચાર અવસ્થાએ તેની છઠ્ઠી ઇન્દ્રિય સતેજ કરી દીધી હતી.

દીવાલ કુદાવીને મંદિરના બગીચામાં દાખલ થનારી બીજલ સીધી ભૂપત પાસે જઈને ઊભી રહી અને હણહણાટી સાથે તેણે ભૂપતને સવાર થવાનો આદેશ આપ્યો. બીજલને પોતાના તરફ આવતી ભૂપતે જોઈ નહોતી પણ ફોજદારે હવા ચીરતો એક તેજ લિસોટો મંદિરમાં દાખલ થયો એ નરી આંખે જોયું હતું.

ફોજદાર બીજલને બહુ સારી રીતે ઓળખતા હતા. કહોને કે વષોર્જૂની દુશ્મની એ બન્નેને હતી. બીજલની હાજરીમાં તો ફોજદાર અમરસિંહ અને રાંભીના ઘરમાં દાખલ થતાં પણ સહેજ ડરતા. બીજલનાં વખાણ તો તેઓ વષોર્થી સાંભળતા આવ્યા હતા. કર્ણવીરસિંહ અને કુલદીપસિંહ વચ્ચે થયેલા ઝઘડા પછી જ્યારે ફોજદાર કર્ણવીરસિંહની ધરપકડ માટે તેના ઘરે આવ્યા હતા ત્યારે પણ બીજલે તાંડવ મચાવી દીધો હતો. એ સમયે તો બીજલ હજી બચ્ચું હતી અને તો પણ તેણે જે રીતે ધમાલ કરી હતી એ જોઈને ફોજદારે પણ ત્યાંથી સરકી જવાનું પસંદ કરવું પડ્યું હતું. એ જ બીજલ આજે તો જાતવાન અને ધારદાર યૌવન સાથે ઊભી હતી. યુવાવસ્થાનો મિજાજ પણ બીજલે થોડા સમયે પહેલાં વાઘણિયામાં ત્યારે દેખાડી દીધો હતો જ્યારે ભૂપત પહેલી વાર ગામમાં આવ્યો હતો અને તેને કુલદીપસિંહના માણસો સાથે બબાલ થઈ હતી. એ સમયે બીજલ જ ઘરનો દરવાજો તોડીને બહાર આવી ગઈ હતી અને ભૂપતને એ જ રીતે સહકાર આપ્યો હતો જાણે કે એ ભૂપતની એક સાથી હોય. બીજલના એ સમયના સાથ અને આક્રમકતાની વાતો મહિનાઓ સુધી વાઘણિયા ગામમાં થતી રહી હતી અને ફોજદારે પણ અનેક વખત સાંભળી હતી.

એક તેજ લિસોટો હવામાંથી પસાર થઈ ગયો એ ફોજદારે જોયું અને એ જોયા પછી ફોજદારના મનમાં તરત જ બીજલ ઝબકી ગઈ હતી. બીજલ યાદ આવતાંની સાથે જ ફોજદારના મસ્તકમાં ઘડીભર માટે શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. આ શૂન્યાવકાશ ઓસરે કે ફોજદાર ફરીથી હરકતમાં આવે એ પહેલાં તો બીજલ ભૂપત પાસે પહોંચી ગઈ હતી અને માલિકને આદેશાત્મક હણહણાટી સાથે ઊભા થવાનો ઈશારો પણ કરી દીધો હતો.

બીજલને પાસે આવી ગયેલી જોઈને ભૂપતમાં પણ જીવ આવ્યો હતો અને તેની આંખોમાં પણ ઝબકારો પ્રસરી ગયો હતો. બીજી કોઈ ક્ષણ હોત તો ચોક્કસ તેણે એ સમયે બીજલને બિરદાવી હોત પણ અત્યારે ભૂપતના સંજોગો જુદા હતા. તેના હાથમાં મીરા હતી અને મીરાના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા.

‘મારી મા, તું ખરા સમયે આવી...’

ભૂપત મીરાને હાથમાં લઈને સાવધાની સાથે ઊભો થયો. આ સાવધાની ફોજદાર કે તેના માણસોથી જાતને બચાવવા માટેની નહોતી પણ મીરા પ્રત્યે કાળજી રાખવાના ભાવમાંથી જન્મી હતી. મીરાને લઈને ઊભા થતી વખતે પણ ભૂપત મીરા સાથે દબાયેલા અવાજે વાત કરતો હતો.

‘કાંઈ નહીં થાય... તું ચિંતા નહીં કર.’

‘ભૂ...પ...ત...’

મીરાનો અવાજ હવે તૂટવા માંડ્યો હતો. શરીરમાં રહેલો અંતિમ તબક્કાનો પ્રાણવાયુ હવે ખૂટી રહ્યો હતો અને નવા પ્રાણવાયુને છાતીમાં ભરવાની ક્ષમતા મીરામાં રહી નહોતી અને છતાં મીરા ભૂપત સાથેનો સંવાદ ટકાવી રાખવાની કોશિશ કરતી હતી.

‘તું હ...વે...’

‘તું નહીં બોલ મીરા...’ ભૂપતની આંખનાં આંસુ સુકાઈ ગયાં હતાં અને સુકાયેલાં એ આંસુઓમાં આગના લબકારા દેખાવાનું શરૂ થઈ ગયું હતું, ‘બધાં સારાંવાનાં થઈ જશે. બધું પતી જશે...’

‘તું... પાછો...’

‘આવીશ, પાછો આવીશ, પણ હવે પહેલાં જેને તારા પહેલાં ઉપર પહોંચવાનું છે તેને એ રસ્તો દેખાડીને આવીશ.’

‘ભૂ...પ...ત...’ મીરાએ ભૂપતનો હાથ પકડવાની કોશિશ કરી પણ એમાં હવે તાકાત રહી નહોતી, ‘નહીંને...’

ભૂપતે કોઈ જ જવાબ આપ્યા વિના મીરાને પૂરી સાવધાની સાથે બીજલની પીઠ પર સુવડાવી અને બીજલની ગરદનમાં બંધાયેલી લગામ મીરાની કમરમાં વીંટાળી, જેથી મીરા સંતુલન ગુમાવે તો પણ બીજલનું ધ્યાન પહેલું તેના પર જાય.

મીરાને બીજલની પીઠ પર સુવડાવીને ભૂપત બીજલના ચહેરા પાસે આવ્યો. બન્નેની આંખો એક થઈ અને ભૂપતની રડેલી આંખ જોઈને બીજલને પણ ધ્રુજારી આવી ગઈ. આજે પહેલી વખત એવું બન્યું હતું કે એ મૂંગા પ્રાણીએ તેના છપ્પનની છાતીવાળા માલિકની રડમશ આંખો જોઈ હતી.

‘બેટા, મીરાને સલામત રીતે સારવાર અપાવવાની જવાબદારી તારી છે...’

ભૂપતે બીજલના હોઠ પર હોઠ મૂક્યા. બીજલે પણ પૂરી સભાનતા સાથે પ્રેમનો જવાબ પ્રેમથી વાળ્યો અને પોતાની ખરબચડી જીભ ભૂપતના ગાલ પર ઘસી.

‘અહીંની ચિંતા નહીં કરતી અને...’ ભૂપતે મીરાની સામે જોયું, ‘...અને ત્યાંની ચિંતા કરાવતી નહીં.’

‘ભૂ...પ...ત...’ મીરાએ છેલ્લી ક્ષણની તાકાત પણ ખર્ચી નાખી, ‘તું સાથે ચાલ.’

‘આ ઘડીએ સાથે આવવાને બદલે એકબીજાને દૂરથી સાથ આપવો જરૂરી છે મીરા...’ ભૂપતે મીરા પરથી નજર હટાવીને આંસુ છુપાવ્યાં અને બીજી જ ક્ષણે બીજલની ગરદન પર થાપ મારીને તેને રવાના થવા કહ્યું, ‘નીકળ બેટા, આજે તારે પણ ખરાખરીની પરીક્ષા છે...’

બીજલે આગળનો જમણો પગ હવામાં સહેજ ઊંચો કર્યો અને માલિકના પગની સાથે ટકરાવ્યો. ભૂપત મૂંગી ઘોડીની બોલી સમજી ગયો.

‘ના મારી જાન... જો તારી સાથે આવીશ તો આ કૂતરાઓ દાક્તર સુધી તને પહોંચવા નહીં દે...’ ભૂપતે ઇચ્છા વિના સહેજ રીસ પણ દેખાડી દીધી, ‘હવે એકેય સવાલ કર્યો છે તો દુનિયાની જેમ તારી સાથે પણ અબોલા લઈ લઈશ. જા જલદી... કોઈક દિવસ તો માન મારું.’

બીજલે પગ ઉપાડ્યો અને પહેલા પગલે જ મીરાએ તીણી ચીસ પાડી.

‘ભૂ...પ...ત...’

ભૂપતે મીરાની સામે નજર માંડી. બન્નેની આંખમાં અનેક એવા સવાલો હતો જેના જવાબ ખુદ કુદરત પણ આપી શકવાને અસમર્થ હતી.

€€€

‘આમ બેસી રહેવાથી કાંઈ નહીં થાય...’ અમરસિંહે ઘરમાં આવીને પહેલી ટકોર રાંભીને કરી હતી, ‘કર્મના હિસાબનો તાળો ધર્મ ક્યારેય આપી નથી શકતો, એનાં લેખાંજોખાં તો માણસે જ પૂરાં કરવાં પડતાં હોય છે.’

રાંભીએ ચૂપ રહેવાનું પસંદ કર્યું પણ અમરસિંહને તેની ચુપકીદી સામે જાણે કે વાંધો હોય એમ કહ્યું: ‘જો ચામુંડા મા તને મદદ કરવાનાં હોત તો તેણે તો ક્યારનીય કરી દીધી હોત, પણ તેય બિચારી તારા લાડકાથી થાકી ગઈ છે.’

રાંભી અકળાઈ ગઈ.

‘હું કંઈક કહીશ તો તમને હાડોહાડ લાગી આવશે હોં.’

‘નહીં કહીને પણ ક્યાં શાંતિ રહેવાની છે...’ અમરસિંહે સહેજ પણ ચિંતા કર્યા વિના કહી દીધું, ‘મનમાં જે હોય એ કહી દે એટલે તને પણ રાહત ને મને પણ શાંતિ.’

‘પૂછવામાં આવે અને મળે એને સલાહ કહેવાય, પણ જો પૂછ્યા વિના આપી દેવામાં આવે તો એને દોઢડહાપણ કહેવાય.’

‘દીકરાનો પ્રેમ એવો તે કેવો આંધળો કે વરની વાત પણ ખરાબ લાગે છે.’

‘વર ૭ ફેરા ફર્યે મળે, પણ દીકરો ૭ જન્મના પુણ્ય પછી મળતો હોય છે.’

અમરસિંહને પત્નીના જવાબથી સંતોષ થયો હોય એમ તેમણે વાત બદલી. જોકે વાતનો વિષય તો ભૂપત જ રહ્યો હતો.

‘તો બસ હવે એ પુણ્યને ઘરમાં આવી જવાની સમજણશક્તિ મળે એવું કરો એટલે ઘડપણ સુધરે અને પેલા અંગ્રેજ સાહેબને જશ મળે.’

‘જશ તો ઉપરવાળો આપશે અને વાત રહી સમજણશક્તિની, તો એ આપવા તો મીરા ગઈ છેને, બધું સુખરૂપ પૂરું થઈ જશે. જોજોને તમે...’

મનમાં રાજીપો લઈને રસોડામાં જઈ રહેલી રાંભીને ક્યાં ખબર હતી કે સુખરૂપ પૂરું થવાના ખ્વાબની વચ્ચે અત્યારે એક નવો જ જંગ શરૂ થઈ ગયો છે અને એ જંગમાં સમજણશક્તિ આપવા જવાનું કામ કરનારી, આ ઘરની થનારી વહુ પોતાનો જીવ ગુમાવી ચૂકી છે.

(વધુ આવતા રવિવારે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK