સેક્સક્રીડામાં જ્યારે પ્રેમ, હૂંફ ને સમજણનો અભાવ હોય છે ત્યારે સ્ત્રીઓ નીરસ થઈ જાય છે

Published: 28th December, 2014 06:49 IST

ઘર અને પરિવારની ઝીણી-ઝીણી જરૂરિયાતોનું ધ્યાન રાખનારી પત્ની માટે અનેક પતિદેવોને ફરિયાદ હોય છે કે પત્ની શયનખંડમાં નીરસ છે. તેને સમાગમનું મન નથી હોતું.


સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી

સમાગમ ન કરવાનાં કે ટાળવાનાં હજાર બહાનાં પત્ની પાસે હોય છે. એને કારણે દામ્પત્યજીવનમાં વણજોઈતી ખારાશ આવી જાય છે. પતિ, બાળકો, દિયર, નણંદ, સાસુ-સસરા, દૂર-દૂરનાં સગાંઓને સદા ખુશ રાખવા મથતી પત્ની શયનખંડમાં જ્યારે શુષ્કતા બતાવે ત્યારે થોડુંક આશ્ચર્ય થાય. પતિ-પત્નીના સંબંધને સહજીવનનું રૂપ ત્યારે જ મળે જ્યારે બન્ને વ્યક્તિ પરસ્પરની ભાવનાઓને સમજે. સ્ત્રીઓના સમર્પિત સ્વભાવને કારણે તેઓ સાસરિયાંમાં દૂધમાં સાકરની જેમ ભળી જવાની કોશિશ સહજતાથી કરવા લાગે છે.

સમસ્યા એ છે કે પત્નીએ લગ્ન પછી ક્યાં, શું અને કેટલું કૉમ્પ્રોમાઇઝ કરવાનું એ વિશે લાંબુંલચક ભાષણ સૌ આપી શકે છે; પરંતુ લગ્ન પછી પુરુષે શું કરવાનું એની કોઈ ગાઇડલાઇન કે સલાહો બહાર પડી નથી. તેને પોતાનાં મા-બાપ અને ભાઈ-બહેન વિશે વિચારવાનો સમય તો નથી જ હોતો, પણ તે પોતાની પત્ની વિશે પણ ઝાઝું નથી વિચારતો. પત્નીના ગમા-અણગમા વિશે તેને બહુ ખબર નથી. પત્નીને પીળો રંગ ગમે છે કે પિન્ક, ગુલાબજાંબુ ભાવે છે કે વૉલનટ બ્રાઉની જેવી ચીજો યાદ રાખવાનું તેને જરૂરી નથી લાગતું. એટલે જ તેને સેક્સલાઇફમાં પણ પત્નીને શું ગમે છે અને શું નહીં એ સમજવા-જાણવાની જરૂરિયાત નથી લાગતી.

સ્ત્રી સેક્સ આપે છે પ્રેમ મેળવવા માટે, પરંતુ જ્યારે તેને પ્રેમ નથી મળતો ત્યારે તે સેક્સ પ્રત્યે નીરસ થઈ જાય છે. સવાલ એ છે કે સ્ત્રીઓને પ્રેમ શામાં અનુભવાય છે? તો જવાબ છે રોમૅન્સમાં. પુરુષ કોઈ પણ પ્રકારના નાજુક સંવાદ, ચેષ્ટા વિના સીધી જ સંભોગની ક્રિયામાં સરી પડે છે. સ્ત્રીને એકાદ-બે વાર આવું થાય એમાં વાંધો નથી હોતો, પણ જ્યારે આ જ રૂટીન થઈ જાય છે ત્યારે તેને સેક્સમાંથી જ રસ ઊડી જાય છે. ફોરપ્લેમાં પૂરતો સમય ગાળવાથી સ્ત્રીને પોતાનો પતિ ખૂબ પ્રેમ કરે છે એ ફીલ થાય છે. સેક્સક્રીડા વિશે વાત કરતી વખતે આપણે અનેક વાર જોઈ ગયા છીએ કે ફોરપ્લે અને આફ્ટરપ્લે ખૂબ જ મહત્વના છે. ફોરપ્લેનો સાયન્ટિફિક ઉપયોગ સ્ત્રીને ઉત્તેજિત કરવાનો છે, જેનાથી યોગ્ય લુબ્રિકેશન થાય છે તેમ જ સ્ત્રી માનસિક રીતે તૈયાર થાય છે. સંબંધ સરળ અને એન્જૉયેબલ રહે એ માટે સ્ત્રીની શારીરિક તૈયારી એટલે કે યોનિમાર્ગમાં યોગ્ય લુબ્રિકેશન જરૂરી હોય છે. એનાથીયે વધુ અગત્યનું છે માનસિક તૈયારી. એવું કહેવાય છે કે સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ આપે છે અને પુરુષ પ્રેમ કરે છે સેક્સ મેળવવા માટે. ઘણા અંશે આ વાત સાચી છે. શરૂઆતના તબક્કામાં પુરુષો પણ થોડીક કાળજી રાખી લેતા હોય છે, જેમાં પત્ની કે પાર્ટનર પ્રત્યે તે થોડીક નરમાશ દાખવે છે. થોડા જ સમયમાં સેક્સ એક રૂટીન પ્રક્રિયા થઈ જાય છે અને પુરુષ માટે એ એક મેકૅનિકલ ક્રિયા થઈ જાય છે.

ઘણા પુરુષો દલીલ કરતા હોય છે કે તેને જે ગમતું હોય એ સામેથી કહી દેતી હોય તો એમાં શું વાંધો છે? એ વાત સાચી કે સ્ત્રીઓ પોતાના ગમા-અણગમા વિશે હવે થોડુંક બોલતી થઈ છે અને ફલાણી ચીજ ભાવે છે કે મને અમુક કલરની સાડી ગમે છે એટલે એ જ લાવી આપજો એવું હકથી કહે છે, પરંતુ સંબંધોની અત્યંત અંગત પળો દરમ્યાન તેની વાચા ખૂલતી નથી. સમભોગ એ બન્ને વ્યક્તિ દ્વારા સરખી રીતે એન્જૉય કરવામાં આવતી ક્રિયા છે. મોટા ભાગના પુરુષ સમભોગની બાબતમાં પણ સ્વાર્થી પુરવાર થતા હોય છે. કદાચ જીવનની નાની-મોટી બાબતો પુરુષ નજરઅંદાજ કરે તો એ માટે સ્ત્રી રિસાઈને, લડીને તો ક્યારેક જીદ કરીને મેળવી લે છે. જોકે શારીરિક સંબંધોની બાબતમાં હજીય સ્ત્રીઓ બહુ ખૂલીને વાતચીત નથી કરી શકતી, પણ એનું રિફ્લેક્શન નીરસતામાં પરિણમે છે.

‘મને આ રીતે નહીં, પેલી રીતે પ્રેમ કરો’ એવી ડિમાન્ડ થઈ શકે ખરી? ધારો કે ડિમાન્ડ કરવામાં આવે અને એ મુજબ પતિ કરે તોપણ જે માગ્યા વિના મળેલું હોય એના જેટલી પૉઝિટિવ અસર સંબંધો પર થાય ખરી?

તમે જ વિચારી જોજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK