Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > આ ગામમાં વગર ચિનગારીએ આગ ફાટી નીકળે છે

આ ગામમાં વગર ચિનગારીએ આગ ફાટી નીકળે છે

26 October, 2014 07:47 AM IST |

આ ગામમાં વગર ચિનગારીએ આગ ફાટી નીકળે છે

 આ ગામમાં વગર ચિનગારીએ આગ ફાટી નીકળે છે



caronia-panorama










સ્પેશ્યલ સ્ટોરી - સેજલ પટેલ

તમે ખુરસી પર બેઠા છો અને અચાનક એ ખુરસી સળગવા લાગે તો?

તમે જે પલંગ પર સૂતા છો એની બીજી બાજુએથી ધુમાડો નીકળવા લાગે તો?

અભરાઈ પરથી પુસ્તક લેવા હાથ લંબાવો અને પાસેનું પુસ્તક સળગી ઊઠે તો?

ઘરના આંગણામાં પડેલી કારનો દરવાજો ખોલીને અંદર બેસો અને ચાવીથી સ્ટાર્ટ કરો એ પહેલાં જ કારના એન્જિનમાંથી કાળો ડિબાંગ ધુમાડો નીકળવા લાગે તો?

આ કોઈ કાલ્પનિક ઘટનાઓ નથી, બલ્કે ઇટલીના એક ગામમાં છાશવારે બનતી ઘટનાઓ છે. પશ્ચિમના દેશોમાં આજકાલ ડરો-ડરાઓ, મૌજ મનાઓ જેવો હૅલોવીન ફેસ્ટિવલ ચાલે છે; પણ આ ગામના લોકો તો સતત ડરના ઓછાયા સાથે જ જીવે છે. ઇટલીના સિસિલિયા ટાપુ પર આવેલા કૅરોનિયા નામના ગામમાં છેલ્લાં દસ વર્ષથી અચાનક જ આગ ફાટી નીકળે છે. મૅટ્રેસ, કાર, હોમ-અપ્લાયન્સિસ, કુકર, સોફા, ખુરસી, પલંગ, કોઈ પણ પ્રકારનું ફર્નિચર, મોબાઇલ, બૅટરી સંચાલિત કોઈ પણ પ્રકારનાં ગૅજેટ્સ, પાણીની પાઇપલાઇન એમ ગમે ત્યાં અને ગમે ત્યારે આગ લાગવાના કિસ્સાઓ બન્યા જ કરે છે.

૨૦૦૪ની સાલમાં પહેલી વાર જ્યારે આવી ઘટનાઓ સતત બનવા લાગી ત્યારે ગામના લોકો અને લોકલ ઑથોરિટી ગભરાઈ ગયેલાં. એક દિવસમાં અગ્નિશામક ડિપાર્ટમેન્ટમાં કુકર, વૅક્યુમ-ક્લીનર, ફર્નિચરમાં આગ ફાટી નીકળ્યાના લગભગ ૧૦૦થી વધુ કિસ્સા નોંધાયા ત્યારે ઑથોરિટી હરકતમાં આવી ગઈ. નવાઈની વાત એ હતી કે આ તમામ આગ ફાટવા પાછળનું કોઈ જ કારણ જાણી શકાતું નહોતું. વૅક્યુમ-ક્લીનર ખૂણામાં પડ્યું-પડ્યું એમ જ સળગવા લાગે એની પાછળ શું કારણ હોઈ શકે? ટોસ્ટરનો પ્લગ પણ ઇલેક્ટ્રિક પૉઇન્ટમાં ન ભરાવ્યો હોય અને છતાં એ કેવી રીતે સળગવા લાગે? મોબાઇલ ફોન સ્વિચ્ડ-ઑફ કરીને ટેબલ પર પડ્યો હોય અને અચાનક ભડકે બળવા લાગે તો એનું કારણ શું? તરત જ આખા ગામનું ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન બંધ કરવામાં આવ્યું. એમ છતાં ભડકા થવાનું ચાલુ જ હતું. આખરે અકળ કારણોની ઊંડી તપાસ માટે ઑથોરિટીએ આખા ગામને ખાલી કરાવ્યું. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયોફિઝિક્સ અને વૉલ્કનોલૉજી એટલે કે ભૌતિકશાસ્ત્ર અને જ્વાળામુખીના નિષ્ણાતો અને ઇન્ડિયન નેવીના એક્સપટ્ર્સને બોલાવવામાં આવ્યા. માણસો વિનાના ખાલી ગામમાં પણ અચાનક જ્યાં-ત્યાં ભડકા થવાના કિસ્સાઓ તો ચાલુ જ હતા. મહિનાઓ વીતતા ગયા અને આગના બનાવોની ફ્રીક્વન્સી ઘટતી ગઈ, પણ નિષ્ણાતોની ટીમ માથું ખંજવાળતી જ રહી. આખરે કોઈ જ ઉકેલ વિના ગામના લોકો પાછા પોતપોતાનાં ઘરોમાં આવીને વસવા લાગ્યા.

આખરે ગામના લોકોએ આવી અચાનક ફાટી નીકળતી આગ સાથે જીવવાનું શીખી લીધું. ક્યાં અને કેમ આગ લાગે છે એ માટે સતત હાઈ-રૅન્કિંગ આમી ઑફિસર્સ, એન્જિનિયર્સ, ભૂસ્તરશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓની એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે જે સતત આ ગામને ફરતે આવેલા ઇલેક્ટ્રૉમૅગ્નેટિક ફીલ્ડ, રેડિયો ઇલેક્ટ્રિક સ્પેક્ટ્રમ, મૅગ્નેટોમેટ્રિક ફીલ્ડ અને જમીન અને હવામાંનાં કેમિકલ્સના ડેટાની તપાસ કરી રહી છે. જોકે શાના કારણે આગ લાગે છે એ હજી સુધી હાથ લાગ્યું નથી.

છેલ્લાં કેટલાંક વષોર્માં આગની ફ્રીક્વન્સી ઘટી ગઈ હોવાથી નિષ્ણાતો અને ગામવાળાઓ થોડોક રાહતનો દમ ખેંચી રહ્યા હતા. એવામાં ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિનાથી ફરીથી આવા બનાવોએ વેગ પકડ્યો છે. ઍર-કન્ડિશનર્સ આગ અને ધુમાડાથી ઓગળી ગયું, પાણીની પાઇપલાઇન અને કમ્પ્યુટરો સળગી ઊઠ્યાં. ૩૫ કલાકમાં ત્રણ વાર એકના એક ઘરની ચીજો વારાફરતી સળગી ઊઠી. વાળીને થપ્પી કરેલાં કપડાંમાં અચાનક જ આગ લાગી. એકસાથે એક જ દિશામાં આવેલાં ડઝનબંધ ઘરોમાં સોફા સળગી ઊઠ્યા... આવા લગભગ રોજના ૫૦-૬૦ કિસ્સા છેલ્લા દોઢ મહિનાથી બની રહ્યા છે.

આ બધાનું કારણ એક દાયકા પછીયે સમજાયું નથી. સાયન્ટિસ્ટો માત્ર એટલું જ કહે છે કે કોઈક અજાણ્યાં ઇલેક્ટ્રૉમૅગ્નેટિક રેડિયેશન્સ આવી ઘટના માટે જવાબદાર હોવાં જોઈએ, પણ કયા તરંગો છે એ શોધી શકાયું નથી. જ્યારે સાયન્સથી સમજી ન શકાય ત્યારે લોકો ભગવાનના શરણે જતા હોય છે. હવે અહીંના લોકો માનવા લાગ્યા છે કે કોઈ સુપરનૅચરલ એનર્જી તેમના ગામમાં છે જેને કારણે આગ ફાટે છે. કોઈકના મતે પરગ્રહવાસીઓ પણ આ માટે જવાબદાર છે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2014 07:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK