મહારાષ્ટ્ર કૉન્ગ્રેસનો છેલ્લો ગઢ હતો જે હવે તૂટી રહ્યો છે

Published: 26th October, 2014 07:31 IST

મહારાષ્ટ્રમાં દાયકાઓથી સત્તા બહુજન સમાજના નેતાઓના હાથમાં છે અને તેમણે અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું છે. જેમ કૉન્ગ્રેસના નેતાઓએ ગાંધીજી સાથે દગો કર્યો છે એમ બહુજન સમાજના નેતાઓએ મહાત્મા ફુલે સાથે દગો કર્યો છે. મહારાષ્ટ્રના બહુજન સમાજે દાયકાઓ સુધી જેમને ઝનૂનપૂર્વક સત્તાથી દૂર રાખ્યા હતા તેમને હવે સત્તાની નજીક લઈ ગયા છે અને કૉન્ગ્રેસે એનો ગઢ ગુમાવ્યો છે
નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો મહારાષ્ટ્રના રાજકારણ માટે ધરતીકંપ સમાન છે. લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને જેમ એના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠકો મળી છે એમ મહારાષ્ટ્રમાં આ વખતે બન્યું છે. કૉન્ગ્રેસ આમ તો અનેક રાજ્યોમાં અનેક વાર હારી છે, પણ મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસનો પરાજય ઐતિહાસિક ઘટના છે.

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસનો ગઢ હતો. ૧૯૬૭માં પહેલી વાર કૉન્ગ્રેસનાં કેટલાંક રાજ્યોમાં અને કંઈક અંશે કેન્દ્રમાં વળતાં પાણી થયાં ત્યારે પણ મહારાષ્ટ્રમાં એની કોઈ અસર જોવા નહોતી મળી. જમણેરી મૂડીવાદી પક્ષ સ્વતંત્ર પક્ષનો ઉદય થયો અને એણે ગુજરાત અને રાજસ્થાનમાં રાજકીય જગ્યા બનાવી ત્યારે એને પણ મહારાષ્ટ્રમાં સફળતા નહોતી મળી. સ્વતંત્ર પક્ષે એટલું ગજું કાઢ્યું હતું કે ચોથી લોકસભામાં એ મુખ્ય વિરોધ પક્ષ હતો. દેશની આર્થિક રાજધાની ગણાતા અને જ્યાં દેશનો સૌથી બહોળો મધ્યમવર્ગ હતો એ મુંબઈ શહેરમાં પણ સ્વતંત્ર પક્ષને સફળતા નહોતી મળી. ૧૯૬૯માં કૉન્ગ્રેસનું વિભાજન થયું ત્યારે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના તમામ નેતાઓ અપવાદ વિના ઇન્દિરા ગાંધીની સાથે ગયા હતા. સદોબા પાટીલને કારણે મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ એ સમયની સંસ્થા કૉન્ગ્રેસનું એકમ હતી, પણ એનું આયુષ ટૂંકું નીવડ્યું હતું. તરત જ મુંબઈ મહાનગરપાલિકા ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસના કબજામાં આવી હતી.

૧૯૬૨માં ઉત્તર મુંબઈમાં લોકસભાની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં આચાર્ય કૃપલાણી અને વી. કે. કૃષ્ણમેનન જેવા જાયન્ટ ઉમેદવાર હતા. કૃપલાણી વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવાર હતા જેમને ઉદ્યોગપતિઓનો ટેકો હતો અને ધનપતિઓએ પાણીની જેમ પૈસા ખચ્ર્યા હતા. ડાબેરી વિચાર ધરાવનારા મેનન કૉન્ગ્રેસના ઉમેદવાર હતા. એ ચૂંટણી વખતે જમણેરી વલણ ધરાવનારા કૉન્ગ્રેસીઓએ પણ પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ પડદા પાછળ રહીને કૃપલાણીને ટેકો આપ્યો હતો. એક બાજુ મેનન વિરુદ્ધ સાગમટી તાકાત અને બીજી બાજુ હિન્દી નહીં બોલી શકનારા દક્ષિણ ભારતીય મેનન, જેમની પાસે એક જ મૂડી હતી - કૉન્ગ્રેસનું બૅનર. અત્યાર સુધીની પેટાચૂંટણીઓમાં એ પેટાચૂંટણી ઐતિહાસિક ગણાય છે અને એ ઐતિહાસિક પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસનો વિજય થયો હતો. મુંબઈના મતદાતાઓએ ગાંધીવાદી કૃપલાણીને નકાર્યા હતા અને સામ્યવાદી ગણાતા મેનનને કૉન્ગ્રેસના ઉમેદવાર હોવાને કારણે આવકાર્યા હતા. આશ્ચર્ય એ વાતનું છે કે હજી થોડા મહિના પહેલાં જ મેનન દેશના સંરક્ષણપ્રધાન હતા અને ભારતનો ચીન સામે પરાજય થયો હતો. એ સમયે મેનન વિરુદ્ધ ચૂંટણીપ્રચારમાં ઉપયોગમાં લેવાતું સૂત્ર પણ મજેદાર હતું : ચીની હમલા હોતા હૈ, મેનનસાબ સોતા હૈ. સોતા હૈ તો સોને દો, કૃપલાણી કો આને દો. જે માણસને દેશના પરાજય માટે કારણભૂત સમજવામાં આવે છે તેનો પરાજય પછી થોડાક જ મહિનામાં મહારાષ્ટ્રમાં વિજય થયો હતો.

૧૯૭૭માં ઇમર્જન્સી પછી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ એમાં કૉન્ગ્રેસનો કારમો પરાજય થયો હતો, પણ મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસને ખાસ ઈજા નહોતી પહોંચી. ૧૯૭૮માં કૉન્ગ્રેસનું વિભાજન થયું હતું જેમાં મહારાષ્ટ્રના કૉન્ગ્રેસના ર્શીષસ્થ નેતા યશવંતરાવ ચવાણે ઇન્દિરા ગાંધીનો સાથ છોડ્યો હતો અને કૉન્ગ્રેસના કેટલાક નેતાઓએ અલગ કૉન્ગ્રેસની સ્થાપના કરી હતી. જનતા પાર્ટીની સરકારે કૉન્ગ્રેસના શાસનવાળી રાજ્ય સરકારોને બરતરફ કરીને વિધાનસભાની ચૂંટણી યોજી હતી જેમાં એક રાજ્ય મહારાષ્ટ્ર પણ હતું. એ ચૂંટણીમાં મહારાષ્ટ્રના મતદાતાઓએ યશવંતરાવ ચવાણની ઉપેક્ષા કરીને કૉન્ગ્રેસને સૌથી મોટા પક્ષ તરીકે વિજય અપાવ્યો હતો. એ પછી યશવંતરાવ ચવાણની રાજકીય કારકર્દિી રોળાઈ ગઈ હતી. જેમને મહારાષ્ટ્રના ઘડવૈયા તરીકે ઓળખાવવામાં આવે છે એ યશવંતરાવ ચવાણને ઇન્દિરા ગાંધીએ અપમાનિત કર્યા હતા, તેમને કૉન્ગ્રેસમાં પ્રવેશ નહોતાં આપતાં અને આપ્યા પછી તેમની ઉપેક્ષા કરતાં હતાં. યશવંતરાવ ચવાણ જેવા દિગ્ગજ નેતાનું અપમાન થવા છતાં મહારાષ્ટ્રના મતદાતાઓએ કૉન્ગ્રેસનો સાથ નહોતો છોડ્યો.

દેશમાં કૉન્ગ્રેસવિરોધી ગમે એવાં વાવાઝોડાં ફૂંકાય, મહારાષ્ટ્રે ક્યારેય કૉન્ગ્રેસનો સાથ નહોતો છોડ્યો. ખાસ કરીને મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે ગાંધીવિરોધી ધ્રુવની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ગાંધીનો અસ્વીકાર (ડિનાઇંગ ગાંધી) કરનારી વિચારધારા અને પ્રવૃત્તિમાં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું છે. વિનાયક દામોદર સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનારા ડૉ. હેડગેવાર મરાઠી હતા. સાવરકરે હિન્દુત્વવાદી વિચારધારા વિકસાવી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગાંધીવિરોધી પ્રવૃત્તિ શરૂ કરી હતી. સંઘનું નેતૃત્વ એની સ્થાપનાનાં ૮૯ વર્ષ પછી હજી આજે પણ મરાઠી બ્રાહ્મણોના હાથમાં છે. સંઘની વિચારધારાનો દેશભરમાં પ્રચાર કરનારા મોટા ભાગના પ્રચારકો હજી આજે પણ મરાઠી બ્રાહ્મણો છે. દેશમાં સંઘનું સંગઠન ફેલાવનારા પૂરા સમયના સંગઠકો મરાઠી બ્રાહ્મણો છે. આમ મહારાષ્ટ્ર ગાંધીવિરોધ માટે અને હિન્દુત્વવાદી વિચારધારા માટે વિચારકો અને કાર્યકરો પેદા કરનારી ફળદ્રુપ ભૂમિ છે. ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસે મરાઠી હિન્દુત્વવાદી હતો. ગાંધીજીની હત્યાનું કાવતરું કરનારાઓ સાવરકર સહિત બધા જ મહારાષ્ટ્રના હિન્દુત્વવાદી હતા. ગાંધીજીની હત્યા કરાઈ એ પહેલા ગાંધીજીની હત્યા કરવાના પાંચમાંથી ચાર પ્રયાસ મહારાષ્ટ્રમાં થયા હતા.

મહારાષ્ટ્રની ફળદ્રુપ ભૂમિ મોટી સંખ્યામાં ગાંધીવિરોધી વિચારકો અને નેતાઓ આપે, તેઓ દેશમાં પ્રચંડ કદનું સંગઠન સ્થાપે, તેમને દેશમાં અન્યત્ર સફળતા પણ મળે પણ મહારાષ્ટ્રમાં સફળતા ન મળે એનું કારણ શું? ગાંધીના ક્ષરદેહને અને અક્ષરદેહ (ગાંધીવિચાર)ને ખતમ કરવાના પ્રયાસ કરનારાઓ બધા જ મરાઠીઓ હોય એ પહેલું આશ્ચર્ય છે અને સામાન્ય મરાઠી પ્રજા તેમને ઘાસ ન નાખે અને ગાંધી અને ગાંધીની કૉન્ગ્રેસના પડખે ઊભી રહે એ એનાથી પણ મોટું આશ્ચર્ય છે. એવું શું છે મહારાષ્ટ્રમાં જેણે ગાંધીવિરોધીઓને મોટી સંખ્યામાં પેદા કર્યા છે અને એવું શું છે મહારાષ્ટ્રની સામાન્ય જનતામાં જેણે આજ સુધી તેમને ફાવવા નહોતા દીધા?

મહારાષ્ટ્રની ભૂમિ ગાંધીવિરોધ માટે ફળદ્રુપ બની એનાં ત્રણ કારણો છે. પહેલું કારણ એ છે કે ૧૮૧૮માં અંગ્રેજોએ પેશ્વાઓ પાસેથી સત્તા આંચકી લીધી અને એ સાથે મરાઠી બ્રાહ્મણોના શાસનનો અંત આવ્યો. પેશ્વાઓનું શાસન એટલું આતતાઈ હતું કે જ્યારે પુણેના શનિવારવાડા પર અંગ્રેજોનો યુનિયન જૅક ફરક્યો ત્યારે પુણેના બહુજન સમાજે બ્રાહ્મણશાહી અત્યાચારોથી છુટકારો મેળવવા માટે રીતસર દિવાળી જેવી ઉજવણી કરી હતી. સત્તા ગુમાવવાની અસૂયા મરાઠી બ્રાહ્મણો ધરાવતા હતા અને મ્લેચ્છ સંસ્કૃતિ સામે હિન્દુ સંસ્કૃતિની સર્વોપરિતા શોધતા હતા. બીજું કારણ એ કે ગાંધીજી ભારતમાં આવ્યા અને લોકમાન્ય ટિળકનું અવસાન થયું એ પછી દેશની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહારાષ્ટ્રના બ્રાહ્મણોના હાથમાંથી સરકી ગયું હતું જેણે અસૂયામાં વધારો કર્યો હતો. આમાં પાછા ગાંધીજી ઉદારમતવાદીઓમાં પણ ઉદાર હતા. જેમ ભારતના મુસલમાનો અંગ્રેજો સામે સત્તા ગુમાવવાનો ઘા રુઝાવા દેતા નહોતા એમ મહારાષ્ટ્રના બ્રાહ્મણો સત્તા અને વર્ચસ ગુમાવવાનો ઘા ભૂલવા માગતા નહોતા. ત્રીજું કારણ એ છે કે મહાત્મા ફુલેએ બ્રાહ્મણશાહીની માનસિકતા અને બ્રાહ્મણોના અત્યાચારો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. પેશવાઈની યાદ હજી ભુલાઈ નહોતી. તેમણે મહારાષ્ટ્રના બહુજન સમાજને જાગૃત કર્યો હતો જેણે આગળ જતાં પ્રચંડ આંદોલનનું સ્વરૂપ પકડ્યું હતું. એ આંદોલન બ્રાહ્મણવિરોધી કે બ્રાહ્મણેતર આંદોલન તરીકે ઓળખાય છે.

બ્રાહ્મણવિરોધી આંદોલન ચલાવનારા બહુજન સમાજના નેતાઓ ગાંધીજીના આગમન પહેલાં કૉન્ગ્રેસનો વિરોધ કરતા હતા, કારણ કે કૉન્ગ્રેસનું નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું. ગાંધીજીના આગમન પછી સ્થિતિ પલટાઈ ગઈ હતી. ગાંધીજી પરવડે નહીં એટલી હદે ઉદાર છે એની ખાતરી થતાં સંકુચિત મરાઠી બ્રાહ્મણોએ કૉન્ગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને તેઓ ગાંધીવિરોધી થઈ ગયા હતા. બીજી બાજુ ગાંધીજી પરવડે એવા પૂરતા પ્રમાણમાં ઉદાર છે એની ખાતરી થતાં બહુજન સમાજના નેતાઓ કૉન્ગ્રેસમાં જોડાઈ ગયા હતા. ગાંધીની કૉન્ગ્રેસને મહારાષ્ટ્રના બહુજન સમાજે અપનાવી લીધી હતી. દેશમાં સવર્‍ત્ર ગાંધીજીને બહુજન સમાજનો ટેકો સાંપડ્યો હતો; પરંતુ મહારાષ્ટ્રમાં બહુજન સમાજનો ટેકો ઝનૂનપૂર્વકનો હતો, કારણ કે એના મૂળમાં બ્રાહ્મણવિરોધ હતો. તમને આજે પણ ગાંધી ટોપી સૌથી વધુ મહારાષ્ટ્રમાં પહેરાતી જોવા મળશે. બ્રાહ્મણશાહીને નકારવાનું અને ગાંધીવિરોધી બ્રાહ્મણોને કૉન્ગ્રેસવટો આપવાનું એક ઝનૂન હતું. વિધિનો ખેલ જુઓ. મહારાષ્ટ્રના બહુજન સમાજને કૉન્ગ્રેસની નજીક લઈ જવામાં યશવંતરાવ ચવાણનો મોટો ફાળો હતો. એ જ ચવાણે જ્યારે કૉન્ગ્રેસમાંથી રુખસદ લીધી ત્યારે મહારાષ્ટ્રના બહુજન સમાજે તેમને સાથ નહોતો આપ્યો અને ચવાણે એકલા રઝળપાટ ભોગવવી પડી હતી. કૉન્ગ્રેસ છોડનારા નેતાને પણ છોડી શકે એવું ઝનૂન મહારાષ્ટ્રનો બહુજન સમાજ ધરાવતો હતો.

ગાંધીજીની હત્યા પછી બ્રાહ્મણો સામે હુલ્લડો થયાં હોય એવું માત્ર મહારાષ્ટ્રમાં બન્યું હતું, કારણ કે ગાંધીજીનો હત્યારો મહારાષ્ટ્રનો બ્રાહ્મણ હતો. જાનહાનિ તો ખાસ નહોતી થઈ, પરંતુ ઠેકઠેકાણે બ્રાહ્મણોનાં ઘર બાળવામાં આવ્યાં હતાં. આજે જેમ ગામડામાં રહેતો અસુરક્ષિત મુસલમાન શહેરમાં સ્થળાંતર કરે છે એમ ત્યારે મોટા પ્રમાણમાં મરાઠી બ્રાહ્મણોએ ગામડાં છોડીને શહેરોમાં સ્થળાંતર કર્યું હતું. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરનું આવું બહોળું અને તીવ્ર વિભાજન મહારાષ્ટ્ર અને તામિલનાડુ સિવાય ભારતમાં બીજે ક્યાંય નહોતું થયું. આમાં તમિલનાડુમાં બ્રાહ્મણો કૉન્ગ્રેસ સાથે રહ્યા હતા એટલે ત્યાંનો બહુજન સમાજ કૉન્ગ્રેસવિરોધી થઈ ગયો હતો જેને પરિણામે સાડાચાર દાયકાથી DMK અને AIADMK તામિલનાડુમાં રાજ કરે છે. મહારાષ્ટ્રના સંકુચિત બ્રાહ્મણોએ ગાંધીવિરોધથી પ્રેરાઈને કૉન્ગ્રેસનો સાથ છોડ્યો એટલે બહુજન સમાજે ઝનૂનપૂર્વક કૉન્ગ્રેસને સાથ આપ્યો હતો.

પણ હવે? હવે સમય બદલાઈ ગયો છે. હવે એ કૉન્ગ્રેસ પણ નથી રહી અને હવે એ બહુજન સમાજ પણ નથી રહ્યો. મહારાષ્ટ્રમાં દાયકાઓથી સત્તા બહુજન સમાજના નેતાઓના હાથમાં છે અને તેમણે અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું છે. જેમ કૉન્ગ્રેસના નેતાઓએ ગાંધીજી સાથે દગો કર્યો છે એમ બહુજન સમાજના નેતાઓએ મહાત્મા ફુલે સાથે દગો

કર્યો છે. મહારાષ્ટ્રના બહુજન સમાજે દાયકાઓ સુધી જેમને ઝનૂનપૂર્વક સત્તાથી દૂર રાખ્યા હતા તેમને હવે સત્તાની નજીક લઈ ગયા છે અને કૉન્ગ્રેસે એનો ગઢ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રની ફળદ્રુપ ભૂમિ મોટી સંખ્યામાં ગાંધીવિરોધી વિચારકો અને નેતાઓ આપે, તેઓ દેશમાં પ્રચંડ કદનચં સંગઠન સ્થાપે, તેમને દેશમાં અન્યત્ર સફળતા પણ મળે પણ મહારાષ્ટ્રમાં સફળતા ન મળે એનું કારણ શું? ગાંધીના ક્ષરદેહને અને અક્ષરદેહ (ગાંધીવિચાર)ને ખતમ કરવાના પ્રયાસ કરનારા લોકો બધા જ મરાઠી બ્રાહ્મણો હોય એ પહેલું આશ્ચર્ય છે અને સામાન્ય મરાઠી પ્રજા તેમને ઘાસ ન નાખે અને ગાંધી અને ગાંધીની કૉન્ગ્રેસના પડખે ઊભી રહે એ એનાથી પણ મોટું આશ્ચર્ય છે. એવું શું છે મહારાષ્ટ્રમાં જેણે ગાંધીવિરોધીઓને મોટી સંખ્યામાં પેદા કર્યા છે અને એવું શું છે મહારાષ્ટ્રની સામાન્ય જનતામાં જેણે આજ સુધી તેમને ફાવવા નહોતા દીધા?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK