ખરેખર જોવાલાયક છે સ્કી ટાવર અને સ્કીનું મ્યુઝિયમ

Published: Oct 26, 2014, 07:25 IST

ન્યુ યૉર્કથી નૉર્વે જવા નીકળ્યાં ત્યારે સ્કૅન્ડિનેવિયન દેશોમાંના એ દેશમાં શું-શું જોઈશું એનો અમે બિલકુલ વિચાર કર્યો નહોતો. ઑસ્લોના નોબેલ પીસ સેન્ટર વિશે થોડુંઘણું સાંભળ્યું હતું અને વષોર્ પહેલાં બર્ગનની બે યુવતીઓ જોડે સુધીરનો પરિચય થયો હતો. આથી એ શહેરના અસ્તિત્વ વિશે સુધીરને જાણ હતી. બસ, એથી વધુ અમને આ દેશ વિશે કંઈ જ જાણકારી નહોતી. એ તો અમારા કુતૂહલે અમને ઑસ્લોના અમારા વસવાટના ચોથા દિવસે એ શહેરના સ્કી ટાવરને જોવા પ્ર્રેયા. અન્યથા અમે ઑસ્લો શહેરના આ ભાગમાં ફરકત પણ નહીં.


નવ રાત્રિ નૉર્વેમાં - સંગીતા જોશી - ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ

બે વર્ષ પહેલાં અમેરિકાના લુઇવિલે શહેરમાં આવેલા એક કુદરતી જબરદસ્ત મોટા ભોંયરામાં સંગીતાએ અંધારામાં ૧૨૦ ફૂટ ઊંચે લોખંડના તાર પર લટકીને ઝીપલાઇનમાં સરકવાનો એક હિંમતભર્યો અને રોમાંચક અનુભવ કર્યો હતો.

ઑસ્લોના એ ચર્ચથી અમે થોડાક આગળ ચાલ્યાં કે સામે તોતિંગ સ્કી ટાવર હતો. અમે સ્કી ટાવરની લગભગ મધ્યમાં હતાં. જમણી બાજુ જોઈએ તો અધધધ ઊંચો સ્કી ટાવર હતો અને ડાબી બાજુએ એટલો જ નીચાણવાળો એનો બેઝ હતો. એ ટાવરની છેક ઉપરથી નીચે સુધી લોખંડના તાર હતા અને અમારી દૃષ્ટિ જે સમયે એ સ્કી ટાવર પર પડી એ જ સમયે એક રમતવીરે એ સ્કી ટાવરની લગભગ ૨૦૦ ફૂટ ઊંચી ટોચ ઉપરથી છેક નીચે સુધીનું પેલા લોખંડના તાર પર પોતાની જાતને બીજા એક લોખંડી તાર વડે લટકાવીને પ્રયાણ આદર્યું હતું.

એકાએક અમારા હૈયામાં હામ અને પગમાં જોર આ સ્કી ટાવરને જોતાં આવ્યું. ‘હાશ... આખરે સ્કી ટાવર પર પહોંચ્યાં તો ખરાં! એવો વિચાર જેવો અમારા મનમાં આવ્યો કે તરત જ અદૃશ્ય થઈ ગયો. અમે ઊભાં હતાં ત્યાંથી સ્કી ટાવર જાણે કે આભમાં હોય એટલો છેટો દીસતો હતો. મંઝિલ પર નહીં પણ એની નજીક તો પહોંચી ગયાં છીએ એમ વિચારીને અમે એ સ્કી ટાવરની નજીક જવાનું શરૂ કર્યું. થોડું ચાલ્યાં અને સ્કી ટાવરના પ્રાંગણના કિનારે ઊભી કરવામાં આવેલી લોખંડના સળિયાઓની બાઉન્ડરી આવી પહોંચી. એની લગોલગ ચાલતાં થોડે દૂર એક ખૂબ જ ભવ્ય સ્કી કરતા માણસનું અને એની આગળ દોડતા કૂતરાનું પૂતળું દેખાયું. એ પૂતળાની થોડેક આગળ ગયા એટલે નીચે ખૂબ ઊંડે એક મોટું મેદાન દેખાયું. એમાં-બે ત્રણ યુવતીઓ રાઇફલ-શૂટિંગ કરતી હતી. સ્કી ટાવરના કમ્પાઉન્ડમાં શૂટિંગનો આ વળી શું તમાશો છે એવું અમે વિચારતાં હતાં ત્યાં જ એક યુવતી ખભે રાઇફલ લટકાવતી અમારા તરફ આવતી દેખાઈ. સુધીર તો તેના સ્નાયુબદ્ધ, સુડોળ, અર્ધઉઘાડા, ગોરા પગ જોવામાં મગ્ન થઈ ગયો; પણ સંગીતાએ સમયસૂચકતા વાપરીને તે ઍથ્લીટ યુવતીને પૂછ્યું, ‘સ્કી ટાવર પર ક્યાંથી જઈ શકાય?’ તેણે દૂર-દૂર ઊંચે જતો રસ્તો દેખાડ્યો. હવે સુધીર તે યુવતીને જોવાને બદલે તેણે દર્શાવેલો રસ્તો જોવા લાગ્યો અને સંગીતાને તેણે ચોખ્ખેચોખ્ખું કહી દીધું કે છેલ્લા એક કલાકથી તેઓ ચાલ્યા જ કરે છે, પણ એ તો ઉતરાણ હતું અને તે સ્ત્રીએ દેખાડેલો રસ્તો કપરું ચડાણ હતું અને એ ચડાણ ચડવાની તેની બિલકુલ તૈયારી નહોતી. સમયસૂચકતા વાપરીને સંગીતાએ એ વખતે સુધીર જોડે કોઈ દલીલ ન કરી. બલકે તેણે પેલા સ્કી કરતા પુરુષના પૂતળાના ફોટો પાડવાનું શરૂ કર્યું. દૃશ્ય ખરેખર મનોહર હતું. અદ્ભુત કારીગરીવાળું આબેહૂબ મિલિટરીનો કોઈ અફસર બરફમાં તેના કૂતરાને લઈને નીકળી પડ્યો હોય અને પગમાં પહેરેલી લાંબી-લાંબી સ્કી હાથમાં ઝાલેલી લાકડીઓના ટેકાથી સરકાવતો હોય એવું એ પૂતળું હતું. એની પાછળ દૂર સુધી નીચે વીસ-ચાલીસ ફૂટ ઊંડે સપાટ ચોગાન હતું જેમાં પેલી યુવતીઓ નિશાન તાકવાની પ્રૅક્ટિસ કરતી હતી. એક યુવતી ત્યાં સ્કેટિંગ પણ કરતી હતી. તેની પછવાડે ઉપર સ્કી ટાવરનું બે માળનું મકાન હતું અને એની પાછળ ઊભું હતું ઑસ્લોનું સ્કી ટાવર. અમે દૂરથી જોયું કે એ સ્કી ટાવરના મકાન આગળ એક ટૂરિસ્ટ-બસ જઈને અટકી અને થોડી વારમાં એમાંથી એ બસના પ્રવાસીઓ બહાર નીકળ્યા. એ બધા જ ત્યાં આવેલી પાળી આગળ ગયા અને નીચે જોવા લાગ્યા. તેઓ શું જોતા હતા એ અમને દેખાતું નહોતું. સંગીતાએ ઇશારાથી ત્યાં જવાની ઇચ્છા દર્શાવી અને સુધીરે વિવેકને વિસારે પાડીને એટલે દૂર સુધી જવાની સાફ નારાજગી દર્શાવી. સંગીતા પણ થોડીઘણી થાકેલી તો હતી જ. આથી તેણે પણ એ ટૂરિસ્ટ-બસ જ્યાં ઊભી હતી ત્યાં જવાનું ટાળ્યું. એ અંતર પણ ખાસ્સુંએવું લગભગ એકાદ-બે માઇલ જેટલું દૂર અને પાછું ઊંચાઈ પર હતું.

થોડી વાર આજુબાજુનું દૃશ્ય જોઈને સ્કી ટાવરને છેવાડે નીચાણવાળા ભાગ પ્રત્યે અમે ઉતરાણ શરૂ કર્યું. ઢળાણ હતું એટલે આપોઆપ ઝડપથી ચલાતું હતું, પણ અમે બેઉ વારંવાર ઊભા રહીને આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કરતાં હતાં અને શિયાળામાં જ્યારે અહીં બરફ છવાયેલો હોય અને સ્કીની રમત રમાતી હોય, રમતવીરો ૨૦૦ ફૂટ ઉપરથી સરકતા આવે અને પછી કલ્પી ન શકાય એટલા ઊંચા કૂદકા મારતા હોય, તેમને જોતા આજુબાજુમાં બેઠેલા સેંકડો પ્રેક્ષકો હર્ષની ચિચિયારીઓ પાડતા હોય એ સમયે ત્યાંનું દૃશ્ય કેવું લાગતું હશે એનો વિચાર કરતાં હતાં. આખરે અમે આવી પહોંચ્યા સ્કી ટાવરના નીચલા છેવાડે. ત્યાં પેલો ઉપરથી સરકીને નીચે આવેલો સાહસવીર બેઠો હતો. સંગીતા તેને બિરદાવ્યા સિવાય રહી ન શકી. કંઈકેટલીયે વાર તેણે એ સરકનારા યુવાનને ‘યુ વર મૅગ્નિફિસન્ટ, વૉટ એ કરેજ’ વગેરે કહીને અભિનંદનથી નવાજ્યો. તે યુવકે પણ અત્યંત નમ્રતાપૂર્વક સંગીતાને કહ્યું, ‘આ તો બહુ સહજ હતું.’ સંગીતાને તે યુવાનનું સરકવું સહજ લાગ્યું કે નહીં એ તો સંગીતા જ જાણે, પણ સુધીરને તેનું એ સરકવું બહુ ખતરનાક અને જોખમભર્યું લાગતું હતું. આમ બસો ફૂટ ઊંચે એટલે સમજોને કે વીસ માળ ઊંચેથી હવામાં અધ્ધર દોરડા પર સરકતા જવું એ કંઈ નાનીસૂની વાત છે! એને માટે તો ગજબની હિંમત જોઈએ.

અમે જોયું કે અમારા જેવા જ બીજા પચીસ-પચાસ સહેલાણીઓ એ સ્કી ટાવરની નીચલી છાવણીમાં બેઠા હતા અને ત્યાંથી ઉપર સ્કી ટાવરને જોતા હતા. અમે પણ તેમની જોડે જોડાયા. થોડો સમય ત્યાં બેઠા એટલામાં પેલા રમતવીરે અમને કહ્યું, ‘ઉપર આવેલું સ્કીનું મ્યુઝિયમ અને સ્કી ટાવર ખરેખર જોવાલાયક છે.’ સંગીતાને તો તેણે મજાકમાં એમ પણ કહ્યું કે ‘તમે સ્કી ટાવર પર જશો તો જરૂરથી તમને મારી જેમ જ ત્યાંથી સરકીને અહીં નીચે આવવાનું મન થશે!’ સંગીતાનું મન આ સાંભળીને ઉપર જવા માટે ઊડું-ઊડું થઈ રહ્યું. તેણે સુધીર તરફ એક દૃષ્ટિ કરી અને કોણ જાણે સંગીતાને રાજી કરવા કે સ્કી મ્યુઝિયમ ખૂબ જોવાલાયક છે એ જાણીને જોવાના શોખીન સુધીરે સ્કી ટાવર તરફ જતાં પગથિયાંઓ પ્રતિ પ્રયાણ આદર્યું.

સ્ટેનલેસ સ્ટીલના બાંકડાઓથી બનાવેલા સ્કી ટાવર તરફ જતાં એ ૨૫૦ પગથિયાં હતાં. એ પગથિયાંઓ પર સ્કીની રમતના સમયે પ્રેક્ષકો બેસીને એ રમતને નિહાળે છે. હોંશમાં ને હોંશમાં સુધીર લગભગ સો જેટલાં પગથિયાં તો ચડી ગયો, પણ પછી તેને ખ્યાલ આવ્યો કે બાકીનાં દોઢસો પગથિયાં ચડવાં તેના માટે અતિ મુશ્કેલ હતાં. તેણે એક નજર ઊંચે કરી અને બીજી નજર નીચી કરી અને તેને સમજાયું કે ઊંચે ચડવું જેટલું કઠણ હતું એથી પણ વધુ જોખમી સ્ટીલનાં પગથિયાં પરથી નીચે ઊતરવાનું હતું.

(ક્રમશ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK