જમ્મુ-કાશ્મીરને બચાવવા માટે સરકાર અફઝલને ફાંસી આપવામાં ઢીલ કરે છે?

Published: 25th November, 2012 06:57 IST

મુંબઈ પર ટેરર અટૅક કરનાર આતંકવાદી કસબને દેહાંતદંડ મળ્યો, પણ દિલ્હીમાં સંસદભવન પર હુમલો કરનાર ગુનેગારને ફાંસી આપીને કેન્દ્ર તેને શહીદ હીરો બનાવવા નથી માગતું; કારણ કે તે ધર્મઝનૂની ટેરરિસ્ટ નહીં, વિદ્રોહી કાશ્મીરી છેનો નૉન્સેન્સ - રમેશ ઓઝા

મુંબઈ શહેર પર કરાયેલા આતંકવાદી હુમલાની ચોથી વરસીના પાંચ દિવસ પહેલાં એમાં સંડોવાયેલા અને દસમાંના એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસબને ફાંસી આપવામાં આવી છે. ૧૯૮૯માં ભારતમાં અને ભારત સામે આતંકવાદી પ્રવૃત્તિ શરૂ થઈ એ પછીનાં ૨૩ વર્ષમાં ભારતમાં મોટા કહી શકાય એવા સોથી વધુ આતંકવાદી હુમલાઓ થયા છે. એમાંના મોટા ભાગના હુમલાઓમાં આડકતરી રીતે પાકિસ્તાનના વહીવટી તંત્રનો અને સીધી રીતે પાકિસ્તાની નાગરિકોનો હાથ હોવાના પુરાવાઓ મળ્યાં છે; પરંતુ ભારત સરકારે રીતસર ખટલો ચલાવીને, ગુનો પુરવાર કરીને પાકિસ્તાની આતંકવાદીને ફાંસી આપી હોય એવી આ પહેલી ઘટના છે. એક બીજી રીતે પણ આ ઘટના ઐતિહાસિક છે. ૨૩ વર્ષમાં પહેલી વાર પાકિસ્તાને એના નાગરિકોની ભારત પરના આતંકવાદી હુમલામાં સંડોવણીને માન્ય રાખી છે અને હુમલાખોરોને આતંકવાદી તરીકે ઓળખાવ્યા છે.

આ ઘટના રાહત આપનારી પણ છે. ભૂતકાળમાં સુરક્ષા-જવાનોએ પાકિસ્તાની આતંકવાદીઓને જ્યારે પણ પકડ્યા છે ત્યારે કાં તો તેઓ જેલમાંથી નાસી છૂટવામાં સફળ થયા છે અને કાં તેમને આતંકવાદીઓ છોડાવીને લઈ ગયા છે. ૧૯૯૯ના ડિસેમ્બર મહિનામાં આતંકવાદીઓ કાઠમંડુથી દિલ્હી જનારા ઇન્ડિયન ઍરલાઇન્સના પ્લેનનું અપહરણ કરીને ત્રણ ખૂનખાર આતંકવાદીઓને છોડાવી ગયા હતા. એમાંનો એક મૌલાના મસૂદ અઝહર હતો, જેણે છૂટ્યાં પછી ભારતના સંસદભવન પર હુમલો કરવાની ઘટનાનું સફળ આયોજન કર્યું હતું. આ એ આતંકવાદી છે જેને ભારતના એ સમયના વિદેશપ્રધાન જસવંત સિંહ પોતાના પ્લેનમાં બેસાડીને અફઘાનિસ્તાનમાં કંદહાર મૂકી આવ્યા હતા. આવી શરમજનક ઘટનાઓને કારણે ભારતને કમજોર અને ભ્રષ્ટ દેશ તરીકેની જગતમાં ખ્યાતિ મળી હતી. ભારતના પાંગળા ન્યાયતંત્રની જગતમાં નિંદા કરવામાં આવે છે.

અજમલ કસબના કિસ્સામાં અનેક લોકો શંકા સેવતા હતા કે અંતે તેને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે કે કેમ? આમાં માત્ર વાંકદેખાપણું નહોતું. ભારતનો ટ્રૅકરેકૉર્ડ શંકા કરવા પ્રેરે છે. ગોકળગાયની ઝડપે ચાલતું ભારતનું ન્યાયતંત્ર કેટલાં વર્ષ લેશે એ પહેલો પ્રશ્ન હતો. એ દરમ્યાન આતંકવાદીઓ કોઈને બાન પકડીને કે પછી જેલ તોડીને અજમલ કસબને છોડાવી તો નહીં જાય એ બીજો પ્રશ્ન હતો. ખરું પૂછો તો સરકારને પોતાને ડર હતો. ફરી એક વાર જગતમાં નાલેશી ન થાય એ માટે સરકારે અજમલ કસબની સુરક્ષાની જડબેસલાક તૈયારી કરી હતી. એક-એક દિવસ સરકાર માટે ભારે વીતતો હતો. વાંકદેખાઓને અજમલ કસબમાં અફઝલ ગુરુ અને વોટની રાજનીતિ દેખાતી હતી, પરંતુ સરકાર વહેલી તકે અજમલ કસબને ફાંસીએ ચડાવીને દેશની આબરૂ બચાવવા તત્પર હતી. ટૂંકમાં, ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં થયેલા હુમલામાં અજમલ કસબ જીવતો પકડાયો ત્યારે કોઈને ખાતરી નહોતી કે આરોપી સામે ગુનો સિદ્ધ થશે, દયાની અરજી સહિતની ન્યાયની તમામ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે અને ગુનેગારને ફાંસીએ ચડાવવામાં આવશે.

૨૦૦૮ની ૨૬ નવેમ્બરની મુંબઈની આતંકવાદી ઘટના અત્યાર સુધીની તમામ આતંકવાદી ઘટનાઓમાં નોખી છે. સાધારણ રીતે ભીડવાળી જગ્યાએ આતંકવાદીઓ ચોરીછૂપીથી બૉમ્બ મૂકીને વિસ્ફોટ કરતા હોય છે. કેટલીક વાર વધારે મોટું આયોજન કરીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરતા હોય છે. આવા વિસ્ફોટોમાં પાકિસ્તાની આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેસીને સૂત્રસંચાલન કરે છે અને એનો અમલ ભારતના ગેરમાર્ગે દોરાયેલા યુવકો કરતા હોય છે. ૨૦૦૮ની ૨૬ નવેમ્બરની ઘટના અને ૨૦૦૧ના નવેમ્બર મહિનામાં દિલ્હીમાં સંસદભવન પરના હુમલાની ઘટના આમાં અલગ છે. એ ઘટનાઓ ભારત પરના હુમલાઓની ઘટનાઓ છે. રીતસર સામી છાતીએ કરવામાં આવેલા આતંકવાદી હુમલા હતા એ. આમાં મુંબઈમાં કરવામાં આવેલા હુમલામાં તમામ આતંકવાદીઓ પાકિસ્તાની હતા એ સાબિત થઈ ગયું છે અને પાકિસ્તાને એનો સ્વીકાર પણ કરી લીધો છે. વિદેશી નાગરિક ભારતમાં પ્રવેશીને ભારતના સૌથી મહત્વના શહેરનાં પ્રતિષ્ઠિત સ્થાનો પર રીતસર સામી છાતીએ હુમલો કરે અને એ પછી હાથ લાગેલા આરોપીને સરકાર સજા પણ ન કરી શકે તો કેટલી મોટી નાલેશી થાય એની કલ્પના કરો તો ખ્યાલ આવે કે અજમલ કસબને સજા કરવા સરકાર કેટલી કટિબદ્ધ હતી.

દિલ્હીમાં સંસદભવન પર હુમલાની ઘટના પણ આવી જ ગંભીર છે. એ પણ દેશ પર કરવામાં આવેલા આક્રમણની ઘટના છે. આમાં સંસદભવન વિશ્વના સૌથી મોટા લોકતંત્રનો પ્રતિષ્ઠિત ચોરો છે. આવા અતિશય ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી અફઝલ ગુરુ પકડાય, અદાલતમાં તકસીરવાર ઠરે અને સર્વોચ્ચ અદાલત સુધ્ધાં જેના ગુનાને માન્ય રાખે તો પછી તેને ફાંસીની સજા કેમ કરવામાં નથી આવતી એવો પ્રશ્ન પુછાય એ સ્વાભાવિક છે. આની પાછળની સરકારની વિમાસણ સમજવી જોઈએ. એ વોટબૅન્કની વિમાસણ નથી, દેશહિતની વિમાસણ છે. અજમલ કસબની જેમ અફઝલ ગુરુ પાકિસ્તાની નથી, ભારતીય કાશ્મીરી છે અને કાશ્મીરમાં ભારતનો સ્વાર્થ છે.

આ કૉલમમાં બીજી નવેમ્બરે મેં જે દલીલ કરી હતી એ આજે પણ પ્રાસંગિક છે. કૉન્ગ્રેસ સરકારે ૧૯૮૪માં વિદ્રોહી કાશ્મીરી હીરો મકબૂલ ભટ્ટને ફાંસી આપી હતી અને ફારુક અબદુલ્લાની ચૂંટાયેલી સરકારને કારણ વિના બરતરફ કરી હતી. આ એ જ કૉન્ગ્રેસ હતી જેણે ૧૯૮૭માં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી વખતે નૅશનલ કૉન્ફરન્સ સાથે મળીને લોકતંત્રનું રીતસર અપહરણ કર્યું હતું. પહેલાં ઘોંચપરોણા અને એ પછી ફારસરૂપ ચૂંટણીને કારણે જે અનેક યુવકો ભારત સામે ગિન્નાયા હતા એમાં અફઝલ ગુરુ એક હતો. એ સમયે એમબીબીએસના પહેલા વર્ષમાં ભણતા અફઝલે ભણવાનું છોડીને ભારત સામે બગાવત કરી હતી અને પાકિસ્તાન જતો રહ્યો હતો. ટૂંકમાં, અફઝલ ધર્મઝનૂની આતંકવાદી નથી, પરંતુ વિદ્રોહી કાશ્મીરી છે. તેણે ભારતની સનદી સર્વિસની પરીક્ષા પણ આપી હતી.

ભારત સરકારને એવો ડર છે કે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક વર્ષો થયાં પરિસ્થિતિ ધીરે-ધીરે થાળે પડી રહી છે અને એમાં જો અફઝલને ફાંસી આપવામાં આવે તો પરિસ્થિતિ કદાચ વણસી શકે છે. ભારત સરકાર અફઝલ ગુરુને મકબૂલ ભટ્ટની માફક શહીદ હીરો બનાવવાનું જોખમ લેવા નથી માગતી. આજી અને માજી રાષ્ટ્રપતિઓએ અફઝલની દયાની અરજી માન્ય રાખીને ફાંસીની સજા રદ નથી કરી એનો અર્થ એ થયો કે સરકાર પરિસ્થિતિ ચકાસી રહી છે. ૩૫ ગુનેગારોની ફાંસીની સજા માફ કરનારાં પ્રતિભા પાટીલે પણ અફઝલ ગુરુની ફાંસીની સજા માફ નહોતી કરી. કેટલીક વાર રાષ્ટ્રના હિતમાં પીછેહઠ કરવામાં આવતી હોય છે. અફઝલ ગુરુનો કિસ્સો આવો છે. અફઝલને જીવનદાન આપીને જો જમ્મુ અને કાશ્મીર ભારતમાં જળવાઈ રહે તો એ ખોટનો સોદો ન કહેવાય.

પાકિસ્તાનમાંથી આતંકવાદની નિકાસમાં મંદી

૨૦૦૮ના નવેમ્બર મહિનાની ઘટના પછી પાકિસ્તાનની લોકમાતાઓમાં ઘણાં પાણી વહી ગયાં છે. અમેરિકા માટે પાકિસ્તાનનો ખપ પૂરો થઈ ગયો છે. એમાં વળી ડેવિડ કોલમૅન હેડલી અને તહવ્વુર રાણાની ધરપકડ પછી પાકિસ્તાનમાં સરકાર, લશ્કર અને ગુપ્તચર તંત્રમાં કોણ કોની સાથે છે એ ખુલ્લું પડી ગયું છે. અધૂરામાં પૂરું, ઓસામા બિન લાદેન પાકિસ્તાનના ઍબટાબાદમાં લશ્કરી છાવણીની અંદર મળી આવ્યો એ પછી રહીસહી આબરૂ પણ ધૂળમાં મળી ગઈ છે. અમેરિકાએ અલ-કાયદાની કમર તોડી નાખી છે. આરબ સ્પ્રિંગને કારણે પેટ્રો ડૉલર આવતા બંધ થઈ ગયા છે. અફઘાનિસ્તાનની રાજકીય પ્રક્રિયામાં અફઘાન તાલિબાન ભાગ લઈ શકે એ માટે અમેરિકાએ રસ્તો ખોલી આપ્યો છે. આ રીતે અફઘાન તાલિબાન (જેને ગુડ તાલિબાન તરીકે ઓળખવામાં આવે છે) અને પાકિસ્તાની તાલિબાન (બૅડ તાલિબાન) વચ્ચે અંતર પેદા કરી દીધું છે. ભારતમાં કાશ્મીરમાં સ્થિતિ થાળે પડી રહી છે. આ બધાં પરિબળોનું કુલ પરિણામ એ આવ્યું છે કે પાકિસ્તાનમાંથી આતંકવાદની નિકાસમાં મંદી આવી ગઈ છે.

જે પોષતું એ મારતું એવી પાકિસ્તાનની સ્થિતિ થઈ છે. પાકિસ્તાન આતંકવાદીઓની જન્મભૂમિ પણ છે અને એનો શિકાર પણ છે. આતંકવાદીઓએ સામી છાતીએ હુમલો કર્યો હોય એવી ઘટના ભારતમાં કાશ્મીરની બહાર બે જ ઘટી છે, જ્યારે પાકિસ્તાનમાં હજી હમણાં સુધી આ રોજની ઘટના હતી. પાકિસ્તાનનો સૂર બદલાઈ રહ્યો છે અને એ હજી વધુ બદલાશે. આગ સાથેની રમત ક્યારેય દાઝ્યા વિના નથી રમી શકાતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK