2G સ્પેક્ટ્રમમાં સંભવિત નુકસાન કેટલું?

Published: 25th November, 2012 06:56 IST

૧૯૮૭માં વિશ્વનાથ પ્રતાપ સિંહે રાજીવ ગાંધી સામે બળવો કર્યો એ પછી કૉન્ગ્રેસ વિરુદ્ધ એક પ્રકારની ધરી રચાવા લાગી હતી. એ ધરીમાં વિશ્વનાથ પ્રતાપ સિંહ અને વિરોધ પક્ષો તો હતા જ; ઉપરાંત એમાં ઉદ્યોગપતિઓ હતા, છાપાના માલિકો અને તેમના માટે કામ કરતા પત્રકારો હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા, જાણીતા વકીલો હતા, પડદા પાછળ રહીને કામ કરતા કેટલાક કૉન્ગ્રેસીઓ હતા, કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ હતા, નિવૃત્ત સનદી અધિકારીઓ હતા અને પછી તો ભારતના રાષ્ટ્રપતિ ખુદ ગ્યાની ઝૈલ સિંહ પણ એમાં જોડાયા હતા.મોરચાબંધી કમાલની હતી. આક્રમણ પ્રચંડ હતું. હૅન્ડસમ રાજીવ ગાંધી હવે કદરૂપા વિલન જેવા લાગવા માંડ્યા હતા. વિરોધ પક્ષના નેતાઓ તારણહાર દેખાતા હતા. ભારતીય પત્રકારત્વની નિસરણીમાં છેક તળિયે સ્થાન પામતા ભાષાકીય પત્રકારો ગેલમાં આવી ગયા હતા અને અંગ્રેજી અખબારોમાંથી કૉન્ગ્રેસવિરોધી સ્ટોરીઝ ઉસેડી-ઉસેડીને વાચકોને પીરસતા હતા. બેગાની શાદી મેં અબદુલ્લા દીવાના જેવો ઘાટ હતો. આ લખનારના મનમાં પણ એ સમયે કૉન્ગ્રેસ માટે ભારોભાર ધિક્કાર હતો. જે અખબાર-સમૂહ રાજીવ ગાંધીને ખતમ કરવાના કામમાં લાગ્યું હતું એમાં હું કામ કરતો હતો એટલે બીજા કરતાં આ લખનાર વધારે દીવાનો હતો. જાણે-અજાણે ‘કૉન્ગ્રેસ હટાઓ, દેશ બચાઓ’નો હું એક સિપાઈ બની ગયો હતો. કોઈની નજરબહાર ન જાય એ રીતે અમે કૉન્ગ્રેસીઓનાં કુકર્મોના સમાચાર પહેલા પાને છાપતા હતા.

૧૯૮૯માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય થયો. હવે આ ધરી સત્તામાં આવી. દીવાનાઓને એમ હતું કે હવે બધું સાફસૂફ થઈ જશે, પણ થયું સાવ ઊલટું. સત્તામાં આવતાંની સાથે જ બોફર્સ કૌભાંડને હાંસિયામાં ધકેલી દેવાયું. તપાસનું નાટક કરાતું હતું, તપાસ આગળ નહોતી વધતી. બોફર્સમાં હિન્દુજાઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું કે તરત જ હમવતન સિંધી રામ જેઠમલાણીનો બોફર્સના સત્ય સુધી પહોંચવામાંથી રસ ઊડી ગયો હતો. હિન્દુજાઓના બીજેપી-કનેક્શનને કારણે અરુણ જેટલી, અરુણ શૌરી, એસ. ગુરુમૂર્તિ અને સંઘપરિવારને બોફર્સનો ખપ નહોતો. ઉપર કહી એ ધરીનું સૂત્રસંચાલન જે મંડળી કરતી હતી એણે ભ્રષ્ટાચારમુક્ત સ્વચ્છ સમાજનો એજન્ડા પડતો મૂકીને અયોધ્યાનો હિન્દુ કોમવાદી એજન્ડા અપનાવી લીધો.

મારા જેવા સેક્યુલરિઝમમાં પાકી નિષ્ઠા ધરાવનારા અબદુલા દીવાનાઓ ડઘાઈ ગયા હતા. ભલું થજો ધીરેન ભગત નામના દિવંગત પત્રકારનું જેણે અક્ષરશ: બૉમ્બવિસ્ફોટ કરીને ધરીનાં કાવતરાં ખુલ્લાં પાડી દીધાં હતાં. કમનસીબે ધીરેન ભગતનું ભલું થવાની જગ્યાએ તેમનું કાર-અકસ્માતમાં યુવાનવયે મૃત્યુ થયું હતું. ધીરેન ભગતે દસ્તાવેજી પુરાવાઓ સાથે સાબિત કરી આપ્યું હતું કે કૉન્ગ્રેસને નુકસાન પહોંચાડનારા કેટલાક દસ્તાવેજો અખબારી-સમૂહના ગેસ્ટહાઉસમાં તૈયાર થયા હતા. મુખ્યત્વે આ દસ્તાવેજો કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ-ઘ્ખ્ઞ્)ના હતા. રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલ સિંહે રાજીવ ગાંધીને પડકારતો જે પત્ર લખ્યો હતો એનો મુસદ્દો (ડ્રાફ્ટ) એસ. મૂળગાંવકર નામના વીતેલા યુગના જાણીતા તંત્રીએ તૈયાર કર્યો હતો. એ પત્રના હાંસિયામાં અરુણ જેટલી અને અરુણ શૌરીએ સુધારાઓ કર્યા હતા. મૂળ દસ્તાવેજો અને પત્રો અને એમાં સ્વચ્છ સમાજ માટે અથાક મહેનત કરતી ટોળકીના હસ્તાક્ષરો જોઈને આ લખનારે એટલી શરમ અનુભવી હતી કે એનું અહીં વર્ણન થઈ શકે એમ નથી. દિલ્હીના ગેસ્ટહાઉસમાં પાંચ જણ કાવતરાં કરતા હતા અને આખી અખબારી આલમ એનો હાથો હતી.

૧૯૮૯માં બેવકૂફ બન્યા પછી અકસ્માત અને કુદરતી હોનારતો છોડીને કોઈ સમાચારને હું ઍટ ફેસવૅલ્યુ સાચા માનતો નથી. આજે સ્થિતિ વધારે બદતર છે અને માટે વધારે સાવધાન રહેવાની જરૂર છે. એ સમયે મારા જેવા હજારો પત્રકારોને ફોગટમાં હાથો બનાવવામાં આવ્યા હતા, આજે દરેક હાથને એનો હિસ્સો આપી દેવામાં આવે છે.

એમ લાગે છે કે ૧૯૮૭-’૮૯નાં વર્ષોનું પુનરાવર્તન થઈ રહ્યું છે. 2G સ્પેક્ટ્રમના નુકસાનના આંકડા સામે જ્યારે શંકા ઉઠાવવામાં આવતી હતી અને પ્રતિવાદ કરવામાં આવતો હતો ત્યારે કૅગ ખુલાસો કરવાની જગ્યાએ ચૂપ રહેતા હતા ત્યારે પહેલી વાર દાળમાં કંઈક કાળું છે એવી શંકા ગઈ હતી. બીજેપીના નેતા મુરલી મનોહર જોશી જે સંસદીય બૉડીના અધ્યક્ષ છે તે પબ્લિક અકાઉન્ટ કમિટી દ્વારા જે કૌભાંડની તપાસ કરવાનો આગ્રહ રાખતા હતા એ જોઈને ફરી એક વાર શંકા ગઈ હતી. કોલસાકૌભાંડનો સંભવિત નુકસાનનો આંકડો ૧૧ લાખ કરોડ રૂપિયામાંથી ઘટીને એકદમ એક લાખ ૮૫ હજાર કરોડ રૂપિયા કરી નાખવામાં આવ્યો ત્યારે કૅગ સામેની શંકા પાકી થઈ ગઈ હતી. કૅગે એને પડકારનારા સુરજિત ભલ્લાના એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નથી. 2G સ્પેક્ટ્રમની જાહેર હરાજી દ્વારા કરવામાં આવેલા વેચાણમાં દસ હજાર કરોડ રૂપિયા પણ ન મળ્યાં એણે શંકાને લગભગ હકીકતમાં ફેરવી નાખી હતી. હવે કૅગના નિવૃત્ત અધિકારી આર. પી. સિંહે ભાંડો ફોડીને જે લગભગ હકીકત લાગતી હતી એને પાક્કી હકીકતમાં ફેરવી નાખી છે.

2G સ્પેક્ટ્રમનું ઑડિટ કરનારા આર. પી. સિંહ કહે છે કે બીજેપીના નેતા અને પબ્લિક અકાઉન્ટ કમિટીના અધ્યક્ષ ડૉ. મુરલી મનોહર જોશીએ કૅગના અધિકારીઓને તેમના ઘરે બોલાવ્યા હતા અને 2G સ્પેક્ટ્રમના સંભવિત નુકસાનના આંકડાને તેમણે બતાવેલી ફૉર્મ્યુલા મુજબ ગણવાનું કહેવામાં આવ્યું હતું. આર. પી. સિંહે જ્યારે કહ્યું કે આ રીતે ઑડિટિંગ કરવામાં આવતું નથી અને આજ સુધી થયું નથી ત્યારે ડૉ. જોશીએ તેમણે બતાવેલી ફૉર્મ્યુલા મુજબ જ ગણતરી કરવાનો આગ્રહ રાખ્યો હતો. એ મીટિંગ પછી કૅગ વિનોદ રાયે 2G સ્પેક્ટ્રમનું ઑડિટિંગ કરનારા અધિકારી આર. પી. સિંહને લેખિત આદેશ આપ્યો હતો કે સંભવિત નુકસાનની ગણતરી ડૉ. જોશી કહે છે એ ફૉર્મ્યુલા મુજબ કરવામાં આવે. સર્વિસ-રૂલ મુજબ આદેશ લેખિત હતો એટલે એનો અમલ કરવો જરૂરી હતો. હવે કૅગમાંથી નિવૃત્ત થયા પછી તેમણે ભાંડો ફોડી નાખ્યો છે. આર. પી. સિંહ કહે છે કે જો જૂની પ્રસ્થાપિત પદ્ધતિ મુજબ 2G સ્પેક્ટ્રમના સંભવિત નુકસાનનો અડસટ્ટો માંડવામાં આવ્યો હોત તો એ ૨૬૪૫ કરોડ રૂપિયાથી વધુ ન હોત.

રાજકારણ દેખાય છે એટલું સરળ નથી હોતું. મિડિયામાં જે લખાય છે કે બોલાય છે એ સત્ય નથી હોતું. અનેક લોકો અનેક એજન્ડા સાથે કામ કરતા હોય છે. રાજકારણમાં કોઈ દોસ્તી કે દુશ્મની કાયમી નથી હોતી, કાયમી હોય છે માત્ર અંગત સ્વાર્થ. રાજકારણની રમતમાં આમ આદમી એક પ્યાદું માત્ર હોય છે જેને ઇચ્છો ત્યારે અને ઇચ્છો એટલી વાર મૂર્ખ બનાવી શકાય છે.   

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK