ઠંડીમાં વરિયાળી ખાવી જોઈએ, કેમ કે એ જઠરાગ્નિ પણ વધારે છે
Published: 25th November, 2012 06:45 IST
સાધારણ રીતે વરિયાળી માટે એવી માન્યતા છે કે વરિયાળી ખાવાથી શરીરને ઠંડક મળે છે. તો એ શિયાળામાં શા માટે ખાવી?
આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી
સાધારણ રીતે વરિયાળી માટે એવી માન્યતા છે કે વરિયાળી ખાવાથી શરીરને ઠંડક મળે છે. તો એ શિયાળામાં શા માટે ખાવી?
આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. બની શકે કે આ લેખ વાંચતી વખતે તમે વરિયાળીવાળું પાન ખાતા હો અથવા મોંમાં વરિયાળી ચાવતા હો, કારણ કે જમ્યા બાદ ચા-નાસ્તા પછી કે મહેમાનના સ્વાગતમાં ક્યારેક એકલી વરિયાળી તો ક્યારેક ખડીસાકર, ધાણાની દાળ કે અન્ય ચીજો સાથે વરિયાળી પીરસવાનો રિવાજ યુગોથી ચાલ્યો આવે છે. ગામડામાં તો આજે પણ મહેમાનો તેમ જ જાનૈયાઓને વરિયાળીનું શરબત પાવામાં આવે છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં વરિયાળીનાં અનેક પર્યાયવાચી નામો જણાવ્યાં છે એમાંનું એક નામ છે મધુરિકા. સ્વાદિષ્ટ વરિયાળીમાં મધુર ઉપરાંત તીખો અને કડવો રસ પણ હોવાથી એ મોંને ચોખ્ખું રાખે છે અને મોંના રોગો મટાડે છે. આ રસને કારણે એ ખાસ કરીને ખોરાક પ્રત્યે રુચિ વધારે છે. ઉષ્ણ, હલકી, કટુ વિપાકી હોવાથી એ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. દીપન ગુણવાળા એટલે કે પાચકાગ્નિને પ્રદીપ્ત કરનારાં તમામ દ્રવ્યોમાં વરિયાળીને સર્વશ્રેષ્ઠ કહી છે. એટલે જ એને મિશ્રયા પણ કહેવાય છે.
જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા બાદ વરિયાળી ખાવાને બદલે જમ્યા પહેલાં વધુ માત્રામાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. વરિયાળી પિત્તકર, વાયુ અને કફનાશક હોવા છતાં શીતળ અને મધુર વિપાકી છે. કેટલાક નિઘંટુકારોએ તેને ત્રિદોષશામક પણ કહી છે.
વરિયાળીના સરણ ગુણને કારણે મળમૂત્રાદિનું સમ્યક સરણ કરાવે છે. બળપ્રદ, તૃષાશામક, દાહશામક, રુચિકર, જ્વરહર હોવાથી ઉનાળામાં કે ગરમ પ્રદેશમાં વરિયાળીનું શરબત હંમેશાં પીવું હિતાવહ છે. આવા નિદોર્ષ અને ગુણકારી શરબતના અનેક ગુણો શરીર માટે સ્વાસ્થ્યકર છે. શિયાળામાં કફ વધુ થતો હોવાથી માત્ર વરિયાળી જ નહીં, કોઈ પણ પ્રકારનાં શરબતોનું સેવન ઠીક નથી. શિયાળામાં જો વરિયાળીના ઉત્તમ ગુણ લેવા હોય તો એને કાચી ખાવી જોઈએ.
ભૂખ ન લાગતી હોય, પાચકરસો યોગ્ય માત્રામાં ઝરતા ન હોય તો કાચી વરિયાળી જમતાં પહેલાં ખાવી જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ. ઍસિડિટીની તકલીફ હોય અને જો તમે કાચી વરિયાળી ભૂખ્યા પેટે ખાશો તો તકલીફ વધશે. તમારે પિત્તનું પાચન થઈને સરણ થઈ જાય એ માટે શેકેલી વરિયાળી ખાવી જોઈએ. ઔષધ માટે વપરાતી વરિયાળીને શેકીને એનું ચૂર્ણ કરીને ભરી રાખવી બહેતર છે. ઉનાળામાં જો પાચનસંબંધી તકલીફો માટે વરિયાળી ખાવી હોય તો એ જમ્યા પછી અને શેકેલી વરિયાળી જ ખાવી. ધારો કે કાચી વરિયાળી ખાવી હોય કે ખવાઈ જાય તો એ પછી થોડુંક ખાઈ લેવું, નહીંતર ઍસિડિટી થઈ શકે છે.
દિવસ દરમ્યાન એમ જ વરિયાળી ખાવી હોય તો એ સાદી શેકેલી હોય એ જરૂરી છે. બાકી મુખવાસમાં વપરાતી આ વરિયાળીને પહેલાં મીઠું, લીંબુ અને હળદર નાખીને થોડોક સમય રાખી મૂકવી ને પછી ધીમી આંચે શેકવી. નમક-લીંબુને કારણે પાચન સુધરે છે અને હળદરથી કફ છૂટો પડે છે. જો બ્લડપ્રેશરની તકલીફ હોય તો સાદી જ વરિયાળી ખાવી બહેતર રહેશે. જમ્યા પછી એક્સ્ટ્રા નમક લેવાથી બીપીની તકલીફ વધુ થઈ શકે છે. અન્ય પ્રયોગો
વરિયાળી મેદ્ય છે એટલે કે ગ્રહણશક્તિ વધારે છે. વિદ્યાર્થીઓ અને બુદ્ધિજીવી લોકોએ એનો છૂટથી ઉપયોગ કરવો. વૃષ્ય ગુણવાળી વરિયાળી પુરુષોમાં પુરુષત્વ વધારે છે. ગર્ભધારણમાં મદદ થાય તેમ જ અબૉર્શન ન થાય એ માટે વરિયાળીનો ઉકાળો કરીને એની બસ્તિ પણ અપાય છે.
ગર્ભશુદ્ધિકર હોવાથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય એવી સ્ત્રી માટે ઉપયોગી છે.
તાવ, શૂળ, આંખના રોગ, ઊલટી, ઘા, મ્યુકસ કોલાઇટિસ, બરોળવૃદ્ધિ, કૃમિ આ તમામ રોગોમાં ઘરગથ્થુ અને નિદોર્ષ ઔષધ તરીકે વરિયાળી વાપરી શકાય.
મરડામાં વરિયાળીને સૂંઠ સાથે છાશના અનુપાન સાથે આપવું.
મુખપાક, ચામડીના રોગ, કબજિયાત માટે જે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ અપાય છે એમાં પણ વરિયાળી મુખ્ય દ્રવ્ય હોય છે. વરિયાળીનું તેલ દુર્ગંધનાશક હોવાથી ઘણી દવાઓમાં પણ વપરાય છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK