ટમેટાં અને બટાટા બન્ને ઉગાડતો એક જ છોડ ટૉમ્ટૅટો

Published: 23rd November, 2014 06:51 IST

ઇંગ્લૅન્ડની એક હૉર્ટિકલ્ચર કંપનીએ એવો પ્લાન્ટ તૈયાર કયોર્ છે જેના મૂળમાં પટેટો ઊગે છે અને છોડની ડાળીઓ ટમેટાંથી લથબથ થઈ જાય છે. વનસ્પતિશાસ્ત્રીઓનો દાવો છે કે આ છોડ કોઈ જિનેટિકલી મૉડિફાઇડ નહીં પણ ૧૦૦ ટકા નૅચરલ છે
માનો યા ન માનો - સેજલ પટેલ


ઇંગ્લૅન્ડના સફૉલ્ક પરગણાના ઇપ્સવિચ ટાઉનમાં થૉમ્પ્સન ઍન્ડ મૉર્ગન નામની એક હૉર્ટિકલ્ચર કંપનીએ અજીબોગરીબ પ્લાન્ટ તૈયાર કયોર્ છે જે ટમેટાં પણ ઉગાડે છે અને બટાટા પણ. આ છોડનું નામ પાડ્યું છે ટૉમ્ટૅટો. ટમૅટો ઍન્ડ પટેટોનું મિશ્રણ. આજકાલ જિનેટિકલી મૉડિફાઇડ વેજિટેબલ્સની બોલબાલા વધી હોવાથી જાતજાતનાં સંકરણ શાકો ઉગાડવામાં આવે છે. જોકે ટૉમ્ટૅટો સંકરણ છોડ નથી. આ એવો છોડ છે જેમાં બન્નેમાંથી એક પણ વેજિટેબલના ગુણ કે જીન્સને ચેન્જ કરવામાં નથી આવ્યા.

વનસ્પતિશાસ્ત્રીઓનો દાવો છે કે આ છોડ પર ઊગતાં ટમેટાં અને બટાટા બન્ને ૧૦૦ ટકા નૅચરલ છે. એનાં ગુણ, રંગરૂપ અને સ્વાદ પણ ઓરિજિનલ બરકરાર રાખીને એક જ કૂંડામાં એક જ છોડ તરીકે બન્ને શાક ઊગે છે. કોઈ જ સંકરણ ક્રિયા વિના આવું કઈ રીતે શક્ય બને? તો નિષ્ણાતોનો જવાબ છે ગ્રાફ્ટિંગ. સાદી ખેતીની ભાષામાં કહીએ તો કલમ બનાવીને. કલમ બનાવવી એ ખેતીની ખૂબ બારીકી અને નિપુણતા માગી લેતી કળા છે. બે અલગ-અલગ છોડની એકસરખી સાઇઝની જીવંત ડાળીઓને કાપીને એ ભાગને એવો જડબેસલાક અટૅચ કરી દેવામાં આવે કે કુદરતી રીતે જ એ જોડાણ થઈ જાય અને પછી બેઉ બાજુની ડાળીઓનું મૂળ ભલે એક જ હોય, પણ પોતપોતાની ડાળીઓ પર અલગ-અલગ વનસ્પતિ બેસવા લાગે.

ટમેટાં-બટાટાની કલમો ભેગી કરીને ટૉમ્ટૅટો બનાવવાનો પ્રયોગ છેલ્લાં દસ વર્ષથી થઈ રહ્યો હતો. શરૂઆતના પ્રયોગોમાં છોડ ઊગ્યો. એના પર ફળ પણ બેઠાં, પણ એના સ્વાદમાં બહુ ગરબડ થવા લાગી હતી. મતલબ કે બટાટામાં ખટાશ આવી જતી હતી અને ટમેટાંમાં સ્ટાર્ચની મીઠાશ. ઇંગ્લૅન્ડની આ હૉર્ટિકલ્ચર કંપની ઉપરાંત પણ બીજા અનેક વનસ્પતિશાસ્ત્રીઓ બે શાકનું મિશ્રણ કરતા છોડ ઉગાડવા મથી રહ્યા હતા, પણ એમાં કુદરતી સ્વાદ અને રંગરૂપમાં ગરબડ થઈ જ જાય છે. આ કંપનીના ડિરેક્ટર પૉલ હૅન્સર્ડને ટમેટાં-બટાટાને ભેગાં કરવાનો વિચાર પંદર વર્ષ પહેલાં આવેલો. તેમણે અમેરિકાના એક ગાર્ડનમાં એક ફાર્મરે પૉટમાં બટાટાની ખેતીની વચ્ચે ટમેટાંનો છોડ ઉગાડીને આ બે છોડ એક જ છે એવો આભાસ પેદા કરવાનો પ્રયત્ન કરેલો. એ જ વખતે પૉલને થયેલું કે આ આભાસ હકીકતમાં પલટાઈ જાય તો કેવું?

આપણા જેવા જેમને ખેતીમાં ઝાઝી ગતાગમ નથી પડતી તેમના માટે આ ચીજો એક છોડ પર ઊગે કે બે છોડ પર એની સાથે કોઈ લેવાદેવા નથી, પણ ખેતીના ભવિષ્ય બાબતે ચિંતિત લોકો માટે આ બહુ ઉપયોગી આવિષ્કાર છે. ઓછામાં ઓછી જમીનમાં કુદરતી રીતે વધુ ને વધુ પાક આપતી તકનીકોની હાલમાં જબરી બોલબાલા છે.

લગભગ એક દાયકાની ટ્રાયલ ઍન્ડ એરર પછી હવે હૉર્ટિકલ્ચર કંપની ટૉમ્ટૅટો સાથે માર્કેટમાં ઊતરી છે. સામાન્ય રીતે આવા મિશ્રણના પ્રયોગો થાય ત્યારે ઝેરી કેમિકલ્સનું નિર્માણ થવાની શક્યતાઓ વધી જાય છે. જોકે આ છોડ પરનાં ફળોને પણ અનેક કેમિકલ પરીક્ષાઓમાંથી પાર થઈને સેફ સર્ટિફિકેટ પણ મળી ગયું છે.

બ્રિટનમાં હવે કમર્શિયલ ખેડૂતોથી માંડીને કિચન-ગાર્ડન બનાવનારા લોકોમાં પણ આ ટૉમ્ટૅટો વપરાય છે. એક છોડ પરથી લગભગ ૫૦૦ ટમેટાં ઊતરે છે અને લગભગ પચાસથી સિત્તેર જેટલાં નંગ બટાટાનાં ઊતરે છે. એપ્રિલ મહિનાના અંતમાં આ છોડ વાવવામાં આવે તો બેસ્ટ રિઝલ્ટ આપે. જુલાઈથી ઑક્ટોબર દરમ્યાન એનો પાક ઊતરે. જોકે આ છોડ એક જ સીઝન ચાલે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK