Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > અનેક વખત આગને કારણે ધ્વસ્ત થયું છે યુનિવર્સિટીઓના શહેર તરીકે જાણીતું બર્ગન

અનેક વખત આગને કારણે ધ્વસ્ત થયું છે યુનિવર્સિટીઓના શહેર તરીકે જાણીતું બર્ગન

23 November, 2014 07:01 AM IST |

અનેક વખત આગને કારણે ધ્વસ્ત થયું છે યુનિવર્સિટીઓના શહેર તરીકે જાણીતું બર્ગન

અનેક વખત આગને કારણે ધ્વસ્ત થયું છે યુનિવર્સિટીઓના શહેર તરીકે જાણીતું બર્ગન










નવ રાત્રિ નૉર્વેમાં - સંગીતા જોશી - ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ

સ્વીડનથી પૅરિસ થઈને સુધીર ન્યુ યૉર્ક જતો હતો. ઍર ફ્રાન્સના પ્લેનમાં તેની બાજુની બે સીટ પર વીસ-બાવીસ વર્ષની પ્રમાણમાં ઊંચી બે છોકરીઓ બેઠેલી હતી. એમાંની એક ઍરલાઇન્સના મૅગેઝિનમાં છેવાડે આપવામાં આવતા દુનિયાના નકશામાં તેની બહેનપણીને મુંબઈ દેખાડતી હતી. મુંબઈનું નામ પડ્યું એટલે સુધીરના કાન સરવા થયા અને તેણે તેની બાજુમાં બેઠેલી એ બે પૅસેન્જરોને પૂછ્યું:

‘તમે મુંબઈ જાઓ છો?’

પછી તો સ્ટૉકહોમથી પૅરિસ સુધીની ફ્લાઇટમાં સુધીરે જાણી લીધું કે તે બે યુવતીઓ નૉર્વેજિયન હતી અને જે શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે એ બર્ગનમાં રહેતી હતી. મુંબઈમાં બે દિવસ રોકાઈને ઉત્તર ભારતનો પ્રવાસ કરીને તેઓ ફરી પાછી મુંબઈ જવાની હતી. સુધીરે પૅરિસ ઍરપોર્ટ પરથી એ વખતે તેના પાંચ વર્ષના પુત્ર આશિત માટે નવા જ ખરીદેલા વિડિયો-પ્લેયર માટે ‘ઝોરો’ ફિલ્મની વિડિયો-કૅસેટ લઈને તેમને આપી અને કહ્યું કે ‘ઍરપોર્ટ પર મારી વાઇફ રૂપા આવશે. તેને એ આપી દેજો.’ પછી ફોન કરીને તેણે રૂપાને એ બે નૉર્વેજિયન યુવતીઓ વિશે વાત કરી. સુધીરની પ્રથમ પત્ની રૂપા તેના મળતાવડા સ્વભાવ મુજબ એ બન્ને છોકરીઓને મુંબઈમાં કોઈ હોટેલમાં ન રહેવા દેતાં પોતાના ઘરે લઈ ગઈ. પંદર દિવસ પછી સુધીર જ્યારે ન્યુ યૉર્કથી મુંબઈ પાછો ફર્યો ત્યારે એના અને ગુરો ઉત્તર ભારતનું ભ્રમણ કરી ચૂકી હતી અને નૉર્વે જવા ફરી પાછી મુંબઈ આવી પહોંચી હતી. સુધીરે તેમને આગ્રહ કરીને અઠવાડિયું પોતાને ત્યાં જ રોકી રાખી અને તેમને અલબેલા મુંબઈની સહેલ કરાવી હતી. નૉર્વે જોડે સુધીરનો આટલો સંબંધ.

એ બે છોકરીઓએ સુધીરને નૉર્વે આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો હતો, પણ વારંવાર પરદેશ જતો સુધીર કોઈ ને કોઈ કારણસર નૉર્વે જઈ શક્યો નહીં.

આજે એ વાતને લગભગ ત્રીસ વર્ષ વીતી ગયાં છે. એના અને ગુરો આટલાં વર્ષોમાં બર્ગનમાં જ રહી છે કે લગ્ન કરીને અન્ય કશે રહેવા ચાલી ગઈ છે એ વાતનો સુધીરને બિલકુલ ખ્યાલ નથી. એમ છતાં અમે જ્યારે ઑસ્લોથી બર્ગન જવા નીકળ્યા ત્યારે સુધીરના મનમાં ઊંડે-ઊંડે એમ થયા કરતું હતું કે એ બન્ને યુવતીઓ મળી જાય તો કેવું સારું! આટલાં વર્ષો બાદ તે તેમને ઓળખી શકશે કે નહીં એની પણ તેને ખાતરી નહોતી. જોકે નૉર્વેની એ વર્ષો જૂની ઓળખાણ તે ભૂલ્યો નહોતો. અમે ન્યુ યૉર્કથી નૉર્વે જવા નીકળ્યા ત્યારથી વારંવાર તે બે છોકરીઓને યાદ કરતો હતો અને નૉર્વેના વસવાટ દરમ્યાન સુધીરે નહીં-નહીં તોય પચીસ વાર એના અને ગુરોને કેવી રીતે મળ્યો હતો, તેમને પોતાના ઘરે કેવી રીતે રાખી હતી, મુંબઈમાં શું-શું દેખાડ્યું હતું એ બધું સંગીતાને કહ્યું હતું. સુધીરની વાતો સાંભળીને સંગીતાને પણ એના અને ગુરોને મળવાની ખૂબ ઇચ્છા જાગી હતી. જો આ કોઈ હિન્દી ફિલ્મની વાર્તા હોત તો જરૂરથી તે બન્ને યુવતીઓ સુધીરને બર્ગનમાં ફરી પાછી મળી હોત.

ઓલાવ કાયરે રાજાએ ૧૦૭૦માં બર્ગન શહેરની સ્થાપના કરી હતી. તેરમી સદીમાં એ નૉર્વેનું પહેલું પાટનગર બન્યું અને ૧૮૩૦ સુધીમાં નૉર્વેના સૌથી મોટા તેમ જ સ્કૅન્ડિનેવિયન દેશોના સૌથી વિશાળ શહેરમાં એની ગણતરી થવા માંડી. યુરોપના મુખ્ય વેપારી મથક અને મત્સ્યઉદ્યોગના સ્થાનક તરીકે એની ગણના થતી હતી અને આજે પણ બર્ગન યુરોપનું એક અગત્યનું બંદરગાહ છે. બર્ગનની વસ્તી આજે લગભગ બે લાખ સિત્તેર હજાર જેટલી છે. યુનિવર્સિટીઓના શહેર તરીકે જાણીતું આ શહેર અનેક વાર આગને કારણે ધ્વસ્ત થયું છે. ૧૭૦૨માં અહીં લાગેલી ભયંકર આગે આખા શહેરને ભસ્મીભૂત કરી નાખ્યું હતું. બારમી સદીનાં મકાનોના પાયા પર જ ફરી બંધાયેલું આ શહેર આજે જેમનું તેમ ખડું છે.

મુંબઈમાં જેમ ૧૯૪૪માં ગોદીમાં ધડાકો થયો હતો અને આખું મુંબઈ શહેર ઉચાળા ભરી ગયું હતું એ જ પ્રમાણે બર્ગનમાં પણ ૧૯૪૪માં એની ગોદીમાં એક જબરદસ્ત એક્સ્ાપ્લોઝન થયો હતો. એ સમયે દરિયાકિનારે આવેલાં જે મકાનો બચી ગયાં હતાં એમને શહેરવાસીઓએ દુરસ્ત કરીને ફરીથી એ જેવાં હતાં એવા એમના મૂળ સ્વરૂપમાં લાવી દીધાં હતાં. આ મકાનો જ્યાં છે એ વિસ્તારને કારણે બર્ગન શહેરને હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીના નાઝી સૈન્યે એ શહેરનો કબજો લીધો હતો અને અહીંના બંદરગાહને એમની સબમરીનના મથકમાં ફેરવી નાખ્યું હતું.

ઑસ્લોના પાંચમા દિવસની સવાર આગલા ચાર દિવસ જેવી જ હતી, પણ અમે એ દિવસે ‘નૉર્વે ઇન નટશેલ’ નામની આકર્ષક સફર ખેડવાના હતા એટલે અમને એ સવાર કંઈક વધુ ખુશનુમા અને રંગીન મિજાજ જણાઈ. ઝટપટ તૈયાર થઈ, બૅગો લઈને અમે પહોંચ્યા પહેલા માળના ડાઇનિંગ રૂમમાં અને નાસ્તો પતાવીને તરત ગયા નીચેના રસ્તા પર જ્યાંથી સેન્ટ્રલ સ્ટેશન જવાની ટ્રામ પકડવાની હતી. સુધીર તો વારંવાર ટૅક્સી કરી લઈએ એવું કહ્યા કરતો હતો, પણ સંગીતાએ જીદ કરીને તેને એમ કરતાં અટકાવ્યો અને ટ્રામની સ્ટેશન સુધીની સફર ખરેખર ખૂબ જ સરળતાથી પાર પડી. જોકે ત્યાર બાદ અમારો સંઘર્ષ શરૂ થયો. ટ્રામમાંથી ઊતર્યા, બૅગો ખેંચીને રસ્તો ક્રૉસ કર્યો અને સામે આવેલા સેન્ટ્રલ સ્ટેશન સુધી પહોંચતાં જે મોટો ચોક વટાવવો પડ્યો એ ખૂબ આકરું લાગ્યું. એ વખતે ચોકની મધ્યમાં મૂકવામાં આવેલું વાઘનું આકર્ષક પૂતળું નિહાળવાની અમને ફુરસદ નહોતી. ટ્રાફિકમાં આવતી-જતી ટ્રામો અને ગાડીઓથી બચતાં એક મોટી અને એક નાની બૅગ ઘસડતાં, વારંવાર ઊતરી જતા ખભા પરના થેલાઓ અટકાવતાં અમને એ અદ્ભુત શિલ્પકૃતિ તરફ દૃષ્ટિપાત કરવાનું એ સવારના અઘરું લાગ્યું. સારા નસીબે સ્ટેશનમાં લિફ્ટ હતી એટલે બૅગો એમાં મૂકીને પહોંચ્યા પહેલા માળે આવેલા મેઇન પ્લૅટફૉર્મ પર. બર્ગન જતી એ સ્પેશ્યલ ટ્રેન શોધતાં અમને વાર ન લાગી અને ટ્રેનમાં અમારી રિઝર્વ સીટ ખોળી કાઢતાં પણ તકલીફ ન પડી. ડબ્બામાં દાખલ થઈ લગેજ મૂકવાની રેક પર બૅગો ગોઠવી અને હા...શ કરીને સીટોમાં ગોઠવાયા ને પાંચ મિનિટમાં જ ટ્રેન ઊપડી. સુધીરે ફરી પાછી એના અને ગુરોને યાદ કરી. બર્ગનના અમારા ચાર દિવસના વસવાટમાં અમને એ બે બાળાઓ તો ન મળી, પણ બીજી બે બાળાઓ જે પોલૅન્ડની રહેવાસી હતી એ આના અને એડિથ જોડે ત્યાં ઓળખાણ થઈ અને અમે નૉર્વેથી જ્યારે પાછા ફર્યા ત્યારે બે જૂની અને બે નવી બાળાઓનાં સંસ્મરણો સાથે પાછા ફર્યા.

‘નૉર્વે ઇન નટશેલ’ સફરનાં અમે એટલાં બધાં વખાણ સાંભળ્યાં હતાં કે અમારી એ દિવસે જોવાલાયક સ્થળોની અપેક્ષા ખૂબ જ વધી ગઈ હતી. ટ્રેન જેવી ઊપડી કે અમે અમારા બન્નેના કૅમેરાના લેન્સ અને અમારી નજર બારી તરફ ઠેરવ્યાં.

(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2014 07:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK