ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૫

Published: 23rd November, 2014 06:41 IST

ફોજદાર અને તેનો કાફલો આવ્યો એ જોઈને એક શખ્સ આગળ આવ્યો. આગળ આવીને તેણે ફોજદારને ઝૂકીને સલામ કરી કે તરત જ ફોજદારે તેને સવાલ કર્યો હતો : ‘ક્યાં છે મંદિર?’


નવલકથા - રશ્મિન શાહ


ફોજદારે ધાર્યું હતું કે આવનારી વ્યક્તિ સીધો જવાબ આપશે, પણ તેની ધારણા ખોટી હતી. તેને જવાબ આપવાને બદલે માહિતી આપનારા શખ્સે ઉસ્તાદી કરી અને સામો સવાલ કર્યો.

‘સાહેબ, ઇનામ?!’

ફોજદાર અકળાઈ ગયો હતો.

‘હરામખોર, પહેલાં ભૂપત મરવા તો દે...’ ફોજદારના મોઢામાં આવી ગયેલી ગંદી ગાળ તેણે કફના ગળફા સાથે બહાર થૂંકી કાઢી, ‘જન્મ્યો ત્યારથી ઇનામ-ઇનામની રટ લઈને બેઠો છે...’

‘રટ ખોટી નથી હોં સાહેબ...’ માહિતગારે મન મૂકીને કહી પણ દીધું, ‘તે મરે પછી તમે પણ ફરી જાઓ તો...’

વાત ફોજદાર પર આવીને ઊભી રહી ગઈ હતી.

‘ભામણ બોલ્યો ફરે નહીં...’ ફોજદારે વચન આપ્યું, ‘જબાન છે કે એક માની ઔલાદ હોઉં તો તારું ઇનામ તને અપાવીને રહીશ.’

ફોજદારના શબ્દો અને ફોજદારે આપેલું વચન જેવાં કાનમાં ઊતર્યા કે બીજી જ ક્ષણે પેલા શખ્સે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આંગળી ચીંધી દીધી.

‘જો પેલી ધજા દેખાયને... એ મંદિરમાં જ અત્યારે ભૂપત બેઠો છે ને હારે પેલી તેની પ્રેયસી પણ છે.’

ફોજદારે કેસરી રંગની ધજા તરફ નજર કરી. હવામાં લહેરાતી એ ધજામાં ફોજદારને પોતાની વિજયપતાકા દેખાવા માંડી. જે માહિતી મળી હતી એ તો ગોળના ગાડા જેવી ગળી અને મીઠી હતી. ભૂપત પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હોય એવા સમયે સ્વાભાવિક રીતે લાંબું લશ્કર લઈને ન જ આવ્યો હોય. ભૂપત એકલો અને વધીને તે પોતાના પેલા ચમચા એવા કાળુને લઈને આવ્યો હોય અને જો એવું પણ બન્યું હોય તો આ સમયે કાળુ આજુબાજુમાંથી સરકી ગયો હોય, જેથી ભૂપત અને તેની પ્રેમિકાને થોડું એકાંત મળે. જોકે આ કલ્પના પછી પણ ફોજદાર કંઈ કાચું ન કપાઈ જાય એની સાવચેતી રાખવા માગતો હતો. તેણે તરત જ પોતાના બે માણસોને મંદિરની આસપાસના વિસ્તારમાં નજર કરવા માટે મોકલી દીધા હતા તો બે માણસોને મંદિરની ફરતે બનાવવામાં આવેલા બગીચાને કેટલા રસ્તા છે એ ચકાસવા માટે મોકલી આપ્યા હતા. આ ચકાસણી થઈ એટલી વારમાં ફોજદારે પોતે પણ આંખે દેખાય એટલું મંદિરનું નિરીક્ષણ કરી લીધું હતું અને એ સિવાયના વિસ્તાર વિશે માહિતી આપનારા શખ્સને પૂછી લીધું હતું.

‘જુઓ સાયબ, મંદિરની પાછળના ભાગમાં ખેતર છે ને ઈમાંથી સીધા જંગલમાં જવાય છે. મંદિરની ડાબી બાજુએ નાનકડી ધરમશાળા છે ને ઈ ધરમશાળામાં અત્યારે એકેય માણા રેતો નથી...’ માહિતી આપનારા શખ્સે વર્ણન શરૂ કર્યું હતું અને એ વર્ણનની સાથોસાથ તેણે આજુબાજુની બીજી જે કોઈ માહિતી મેળવી હતી એ પણ આપી દીધી, ‘આ બાજુએ મંદિરના ભાગમાં પૂજારી અને તેની દીકરી રહે છે અને એ મકાનને છોડીને થોડા આગળ જઈએ તો એ બાજુએ પાંચસો ડગલાં છોડીને હરિજનની વસ્તી શરૂ થઈ જાય છે.’

‘હં...’

‘જુઓ સાયબ, જંગલમાં જે રસ્તો જાય છે એ રસ્તાને સાચવી રાખવામાં આવે તો ભૂપતની મજાલ નથી કે તે અહીંથી જીવતો બહાર નીકળે... તમે છેને એ બાજુને પાક્કી બાંધી લો એટલે વાત પતે.’

ફોજદારે પેલા શખ્સની સામે જોયું અને આંખો ઝીણી કરી.

‘બીજી કોઈ સલાહ આપવાની છે હવે તમારે?’

પેલો છોભીલો પડી ગયો, પણ તેણે હસતું મોઢું રાખીને ના પાડવાની ગુસ્તાખી પણ કરી લીધી. ના પાડ્યા પછી તેણે ફરી એક વાર સ્પષ્ટતા પણ કરી, ‘શું ક્યો છો તમે, ઇનામ માટે મારે ક્યારે આવવાનું?’

‘છાપામાં ભૂપત મરી ગ્યો એવા સમાચાર વાંચી લે એટલે ઇનામ લેવા આવી જજે હોં...’

શખ્સ જવાબ આપવા માટે હોઠ ખોલવા જતો હતો ત્યાં જ ફોજદારે તેને મસમોટી ચકલીના ‘ચ’ની અને ભમરડાના ‘ભ’ની એક ગાળ સંભળાવી દીધી, ‘હવે એક ઘડી આંય ઊભો ર્યો છો તો ભૂપતની પહેલાં તને ગોળીએ દઈ દઈશ...’

ફોજદાર જ્યારે પોતાના જ માહિતગારને ગોળીએ દેવાની વાત કરી રહ્યો હતો ત્યારે મંદિરના બગીચામાં ભૂપત અને મીરા વચ્ચે શરણાગતિનો મુદ્દો ગંભીર રીતે ચર્ચાઈ રહ્યો હતો અને એ ચર્ચામાં મીરાના કેટલાક શબ્દો સાંભળીને ભૂપતનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

‘મૂંગી મર હરામખોર...’

ભૂપતના આખા શરીરમાં લાય લાગી હતી. મીરાના શબ્દોએ તેના શાંત મનને એકઝાટકે આગ ભભૂકતું કરી દીધું હતું અને ભભૂકેલી એ આગ શબ્દો થકી જબાન પર ઊતરી આવી હતી.

‘ઔરતની જાત છો એટલે આ ક્ષણે જીવતી રહેવા દીધી છે. બાકી અહીં જ ચીરી નાખી હોત તને... સાલી, છૂટ આપી છે તો એનો અર્થ એવો નહીં કાઢી લેવાનો કે તને માથે ચડીને મૂતરવાની પણ છૂટ છે. બોલવું હોય એ નહીં પણ જે ઔકાતમાં હોય એ જ બોલવાનું અને એટલું જ બોલવાનું... સાલી રાં...’

‘એય, મોઢું સંભાળીને બોલજે...’ ચૂપચાપ ભૂપતનો ગુસ્સો સહન કરી રહેલી મીરાએ એક જ ઝાટકે ભૂપતને રોક્યો, ‘ગાળનો ઉપયોગ દરેક છોકરીને આવડતો હોય છે, પણ તે માનતી હોય છે કે અપશબ્દોનો ઉપયોગ શક્ય હોય એટલો ટાળવો.’

થોડી વાર માટે સન્નાટો છવાયો અને એ સન્નાટા વચ્ચે ભૂપતની આંખ સામે થોડી વાર પહેલાંના મીરાના શબ્દો આવી ગયા હતા.

‘માફી આપવાની જો ક્ષમતા હોય તો એ ક્ષમતાની સાથોસાથ કોઈ માફી આપે એ પચાવવાની ત્રેવડ પણ કેળવી લેવી જોઈએ ભૂપતસિંહ...’ મીરાએ સહેજ ભાર સાથે કહ્યું હતું, ‘જો એ કામ ન થઈ શકતું હોયને તો મર્દાનગીનું ફાળિયું માથે પહેરીને ફરવાને બદલે હીજડાઓનો ઘાઘરો પહેરી લેવો જોઈએ.’

મીરાના શબ્દોએ ભૂપતને અકળાવી દીધો હતો. કઈ રીતે એક ઔરત એવું કહી શકે કે બહારવટિયા એવા ભૂપતે હીજડાનાં લૂગડાં પહેરી લેવાં જોઈએ. કઈ રીતે એક ઔરત આ શબ્દો બોલી શકે અને જેની બહાદુરીના દાખલાઓ લોકસાહિત્યમાં ઉમેરાઈ ચૂક્યા હોય તે બહારવટિયો એ શબ્દો સાંભળી શકે. કઈ રીતે એક એવો બહાદુર માણસ એવા શબ્દો સાંભળે જેની બહાદુરીને કારણે અંગ્રેજો પણ મૂંઝાઈ ચૂક્યા હોય અને બેઠક પર બેઠક કરવામાં આવતી હોય.

‘માફી આપવાની જો ક્ષમતા હોય તો એ ક્ષમતાની સાથોસાથ કોઈ માફી આપે એ પચાવવાની ત્રેવડ પણ કેળવી લેવી જોઈએ ભૂપતસિંહ... જો એ કામ ન થઈ શકતું હોયને તો મર્દાનગીનું ફાળિયું માથે પહેરીને ફરવાને બદલે હીજડાઓનો ઘાઘરો પહેરી લેવો જોઈએ...’

‘મૂંગી મર હરામખોર...’

ભૂપત રીતસરનો ઉશ્કેરાઈ ગયો હતો. ઉશ્કેરાટ વચ્ચે તેનો જીભ પરનો કાબૂ પણ ચુકાઈ ગયો હતો.

‘વાત બોલવાની સભાનતા ન હોય તો એ વાતની કાળજી રાખવી જોઈએ કે કઈ વ્યક્તિ સામે શું બોલવું અને શું ન બોલવું... તું સમજે છે શું તારા મનમાં.’

‘તારી હિતેચ્છુ...’   

‘હિત ગયું ભાડમાં...’ ભૂપતને અત્યારે કોઈ શબ્દો અને શબ્દોમાં રહેલી લાગણી સમજાઈ નહોતી રહી, ‘તારા જેવા એક લાખ લોકો મારું હિત જોવા માટે બેઠા છે અને મને કોઈની પરવા નથી...’

‘પરવા કરવી એ જુદી વાત છે અને પરવા રાખવી એ જુદી વાત છે ભૂપત...’ મીરાના અવાજમાં સહેજ પણ ઉશ્કેરાટ નહોતો, ‘તું પરવા કરી જાણે છે, પણ તારા માટે પરવા કરનારા લોકોની કદર કરવાની આવડત તારામાં નથી... શક્ય હોય તો લાગણીનો જવાબ લાગણીના ગોત્ર સાથે જોડેલો રહેવા દઈશ તો એ સારું છે.’

‘મને કોઈની લાગણીની જરૂર નથી...’

‘તને નથી, પણ અમને બધાને તો તારી લાગણી જોઈએ છેને...’ મીરા પ્રેમથી ભૂપતને વળગી, ‘તું નહીં હોય એની કલ્પના અશક્ય છે અને આજે પરિસ્થિતિ એ છે કે તું દરેક ઘડીએ મોતની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે... અને અમે મોતના એ ઓછાયા વચ્ચે જીવી રહ્યા છીએ.’

ભૂપત ચૂપ રહ્યો અને તેની ચુપકીદીનો લાભ મીરાએ લાગણી સાથે લીધો.

‘એક મા, એક માના રૂપમાં જઈને ક્યારેય તેં વાતને વિચારવાની કોશિશ કરી છે ખરી... ભૂપત, મા પોતાના દીકરાના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે અને આપણી મા...’ મીરાએ રાંભીને આપણી માનું સંબોધન કર્યું એ ભૂપતે નોંધ્યું હતું, ‘આપણી મા... આપણી મા તો બિચારી ભગવાનની સામે હાથ જોડવાને બદલે પોલીસની સામે હાથ જોડવાનું વિચારે છે. બાપુ, તેં બાપુની હાલત જોઈ છે. તૂટી રહેલા તેમના ખભાને એ માટે તે સાબૂત રાખે છે કે એક દિવસ તેમને ખબર પડશે કે દીકરાની લાશ લેવા જવાની છે ત્યારે એ ખભા સાથ છોડી ન દે... ભૂપત, તારી બહેનનો તો વિચાર કર. ભાઈ આવશે અને રંગેચંગે નિકાહ થશે એવી આશામાં તે બહેન દરરોજ ઘરના દરવાજા સામે તાકી રહે છે... અને હુમાતાઈ... શું કહું હું તને હુમાતાઈનું... તાઈ આજે પણ દરરોજ રાતે તારી પથારી પાસે પાણીનો લોટો મૂકે છે અને અલ્લાહને બંદગી કરે છે કે સવારે તેની આંખ ખૂલે ત્યારે તું એ પથારી પર સૂતેલો જોવા મળે...’

મીરાના શબ્દોની ભૂપત પર ધારી અસર થઈ રહી હતી. આ અસરને ઘેરી બનાવવાનું કામ મીરાએ અસરકારક રીતે જ ચાલુ રાખ્યું હતું.

‘ભૂપત, એક સમય હોય છે જેમાં માત્ર અને માત્ર જાતનો વિચાર આવે, પણ એ સમયે જો લોહીની વાત હોય તો એ સમયને આપણે જાતે જ કાપી નાખવો જોઈએ. જરૂરી નથી કે દરેક વખત મનની વાત માનવી. જરૂરી એ છે કે મનની એ વાત માનતી વખતે દિલના શબ્દોને પણ સાંભળતા રહેવા... મા, બાપુ, તાઈ અને બહેન તારી જવાબદારી છે અને એ જિંદગીભર રહેશે. તારા આધારે એ સૌ આજ સુધી ટક્યાં છે અને તું તારી વેરની વસૂલાતના આધારે ટકવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યો છે... ભૂપત, વેરને નહીં, પ્રેમને વરવાનો સમય આવી ગયો છે અને એ પ્રેમ સૌને આસાનીથી જીવવાની દિશા આપશે એ પણ નક્કી છે...’

‘મારી જેલ નક્કી છે...’

‘હા...’ મીરાએ કોઈ ગોળ વાત કરી નહીં અને વાસ્તવિકતાને મહત્વ આપ્યું, ‘તારે જેલમાં જવું પડશે એ પાકું છે, પણ કેટલાં વર્ષ... બે, ચાર, છ વર્ષ? ભૂપત, એ વષોર્ દરમ્યાનની ગણતરી કંઈક જુદી હશે. જેલમાં પસાર થઈ રહેલો એક-એક દિવસ અમારા માટે જિંદગીની દિશા તરફનો દિવસ હશે, પણ અત્યારે તું જે સમય પસાર કરી રહ્યો છે એ સમય અમને દરરોજ મોતની દિશામાં ખેંચી રહ્યો છે.’

‘મારા વિના રહી શકાશે?’

મીરાએ એક ઊંડો શ્વાસ લીધો અને ભૂપતની આંખમાં જોયું.

‘હા, રહી શકાશે... કારણ કે તારા વિના રહેવાની એ રીતમાં તારી આવવાની આશા જીવતી હશે અને પ્રેમ આશાના આધારે જ ટકી રહેતો હોય છે...’ મીરાએ ધીમેકથી કહ્યું, ‘વાત રહી બાકીના સૌને ટકાવી રાખવાની... તો એ કામ હું કરી લઈશ. તું મને આશાના આધારે જિવાડજે, હું એ આશાના આધારે બાકીના સૌને જીવતાં શીખવી દઈશ.’

ભૂપતે બે હાથ ફેલાવ્યા. જાણે કે મીરા એ હાથ ફેલાય એની જ રાહ જોઈ રહી હોય એ રીતે તેની બાહોંમાં સમાઈ ગઈ. ભૂપતના પહાડી શરીરમાં સમાઈ ગયેલી મીરા એક વહેતા ઝરણા જેવી દેખાઈ રહી હતી. મનની જે શાંતિની અપેક્ષાઓ તે વર્ષોથી સેવી રહી હતી એ જ શાંતિ અત્યારે તેને સાંપડી રહી હતી તો દશકાઓથી ભૂપતના મનમાં ભરેલો અગ્નિ પણ આ ક્ષણે શાંત પડી રહ્યો હતો. ડાકુ બન્યા પછી ભૂપતે ક્યારેય પ્રેમ, લાગણી, સંવેદના અને સંબંધોની પરવા નહોતી કરી. આ બધા વ્યવહારો તેના માટે ત્યારે જ જાગતા જ્યારે કોઈ જરૂરિયાતમંદને એની જરૂર પડે, પણ લોહીમાં મળતા અને લાગણીથી જોડાતા સંબંધોનું ખાનું તો તેણે સાવ ખાલી કરી નાખ્યું હતું. એકમાત્ર કાળુ એવો હતો જેની સાથે તેને સ્નેહથી જોડાયેલા રહેવું ગમતું હતું, પણ કાળુને છોડીને તેણે કોઈની બાબતમાં વિચાર સુધ્ધાં નહોતો કર્યો. આજે પહેલી વખત એવું બન્યું હતું કે મીરાએ એ તમામ સંબંધોને એકસાથે જગાડી દીધા હતા અને એ તમામ સંબંધો સમૂળગા જાગી પણ ગયા હતા.

‘મીરા, એક વાત કહું?’

‘મનની વાત તો અત્યારે તારા ધબકારામાં સંભળાઈ રહી છે... બીજું કંઈ કહેવું છે?’

‘હા...’ ભૂપતે મીરાના વાળ પર પોતાનો ગાલ ઘસ્યો, ‘તું પહેલાં મળી હોત તો?’

‘તો તેં ક્યારની મને અપનાવી લીધી હોત...’ મીરાએ ભૂપતની સામે જોયું, ‘હું છું જ એવી કે જેની પણ નજીક જઉં એ બધા પ્રેમમાં પડી જાય...’

ભૂપતે આંખ મોટી કરી એટલે મીરાએ ખરાઈ પણ કરી.

‘સાચું કહું છું વાંદરા...’

મીરાના આગળના શબ્દો ભૂપતે તેના હોઠ પર મૂકી દીધેલા હોઠની સાથે જ ઓસરી ગયા હતા. ફરી એક વખત એકમેકમાં ઓતપ્રોત થઈ ગયેલાં ભૂપત અને મીરામાંથી કોઈને ખબર નહોતી કે જિંદગીની દિશામાં આગળ વધવાનું ભલે તેઓ વિચારી રહ્યાં હોય, પણ તે બન્નેને મોતના આગોશમાં મૂકી દેવાનું ષડ્યંત્ર ફોજદારની મંડળીએ બરાબર રચી લીધું હતું. રચાઈ રહેલા એ ષડ્યંત્રમાં ફોજદારે કોઈ કચાશ બાકી રાખી નહોતી.

મંદિરની પાછળના ભાગમાં સૌથી વધુ પોલીસ ગોઠવવામાં આવી હતી તો મંદિરની જમણી બાજુના ભાગ પર આવેલી વસાહતમાં પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. ચાર પોલીસ-કર્મચારીઓના વાઘા બદલીને તેમને બૈરાં બનાવીને મંદિરમાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કર્મચારીઓ મહિલાનું રૂપ ધરીને મંદિરમાં જવાના હતા તેમના ઘાઘરામાં બંદૂક સંતાડવામાં આવી હતી.

‘જુઓ, ભૂપતની નજીક પહોંચીને તેના પર વાર કરવાની આ સૌથી ઉમદા તક છે અને આ તક ગુમાવવાનો અર્થ એ છે કે આપણે બધા ઘેલસફા છીએ...’ ફોજદારે બૈરાં બનેલા ચારેચાર કર્મચારીઓને કહ્યું હતું, ‘મંદિરમાં દાખલ થઈને ભૂપત જે દિશામાં હોય એ દિશામાં ચારેએ ઊભા રહી જવાનું છે. મંદિરના ગર્ભદ્વારમાં સંતાવાની જગ્યા મળી જશે. તમારી ઇશારત પરથી ભૂપત પર બહારથી વાર શરૂ થશે અને એ વાર શરૂ થયા પછી તમારે ભૂપતને પાછળથી ઝબ્બે કરવાનો છે...’

ફોજદાર જમીન પર થૂંક્યા.

‘આજે મને ભૂપતની લાશથી ઓછું કંઈ ખપતું નથી... કાં તો તેની લાશ અને કાં તો...’

ફોજદારને લાગણીવશ થયેલા જોઈને બૈરું બનેલો એક ચમચો આગળ આવ્યો.

‘સાહેબ, એવું કંઈ નહીં થાય... આ વખતે ફતેહ આપણી જ થશે...’

‘હા, એવું જ થાય એવું ભગવાનને કહી દેજો... નહીં તો ભૂપતની લાશ નહીં હોય તો તમારા ચારની લાશ લઈને અહીંથી જઈશ.’

ફોજદારની નીચતા પર સ્વાભાવિક રીતે પેલા ચારેયને પરસેવો છૂટી ગયો, પણ એ છૂટી ગયેલા પરસેવા વચ્ચે પણ મંદિરમાં દાખલ થવા સિવાયનો બીજો કોઈ રસ્તો તેમની પાસે વધ્યો નહોતો. એ ચાર પોલીસ-કર્મચારીઓ મંદિરમાં દાખલ થયા ત્યારે મંદિરની આખી પરસાળ ખાલી હતી.

બે કર્મચારીઓ સીધા મંદિરમાં જઈને દર્શને લાગ્યા તો મહિલા બનેલો એક કર્મચારી નંદીને પગે લાગવામાં વ્યસ્ત થયો, જ્યારે ચોથાએ ઘંટનાદ કર્યો. આ ઘંટનાદ ભૂપત માટે લાભદાયી પુરવાર થયો.

થયેલા ઘંટનાદે મંદિરની પાછળના ભાગમાં છૂટી મૂકવામાં આવેલી બીજલના કાન સરવા કર્યા. છેલ્લા એક કલાક દરમ્યાન મંદિરની બાજુએથી કોઈ અવાજ આવ્યો નહોતો એટલે બીજલ શાંતિથી ઊભા રહીને પોતાનો થાક ઉતારી રહી હતી. થાક ઉતારવાના આનંદ વચ્ચે પણ એ માલિક પ્રત્યેની એની જવાબદારી ચૂકી નહોતી. એનું ધ્યાન વારંવાર ભૂપત અને મીરાની દિશામાં જતું હતું. માલિક અને મીરાને મજાકમસ્તી કરતાં જોઈને બીજલને અનહદ આનંદ થઈ રહ્યો હતો. ભૂપતને આ રીતે નિષ્ફિકર થઈને ખુશી માણતો બીજલે ક્યારેય જોયો નહોતો. ભૂપતને એ જન્મ સમયથી જોતી આવતી હતી. શરૂઆતમાં બીજલે એના પર ધ્યાન તો નહોતું આપ્યું, પણ એ પોતાનીની નજીક ન આવે એવું પણ વર્તન એણે કર્યું હતું. એ સમયની વાત જુદી હતી અને જો બીજલની પાસે વાચા હોત તો ચોક્કસ એણે એ બાબતનો ખુલાસો પણ કર્યો હોત કે એ શરૂઆતના સમયમાં શું કામ ભૂપતથી અકળાયેલી રહેતી હતી. બીજલની એ અકળામણ દૂર કરવાનું કામ કર્ણવીરસિંહે કર્યું હતું. ભલે બીજલે કર્ણવીરસિંહને કંઈ ન કહ્યું હોય, પણ એમ છતાં કર્ણવીરસિંહ બીજલના એ અતડા વર્તનને સમજી ગયા હતા. એક વખત ખેતરમાં તેણે એક મજૂરને કહ્યું પણ હતું : ‘ઘરમાં જો કોઈ સૌથી વધુ સંવેદનશીલ હોય તો એ તમારું પાલતુ પ્રાણી હોય છે અને પોતાની એ સંવેદનશીલતાને કારણે જ એ સૌથી વધારે અસુરક્ષિતતા અનુભવતું હોય છે. બીજલ પહેલાં ઘરમાં સૌથી નાની હતી, પણ હવે એને સૌથી વધુ ચિંતા એ વાતની છે કે ઘરમાં નવું કોઈ એવું આવી ગયું છે જે સૌથી નાનું છે. હવે તેને પ્રેમ વધારે મળશે અને મારું મહત્વ ઘટશે... મહત્વ ઘટે ત્યારે અકળામણ શરૂ થાય અને એ અકળામણ વચ્ચે આડાઈ શરૂ થાય. બીજલની જે કોઈ આડાઈ છે એમાં એના મનમાં રહેલી અસુરક્ષિતતા નીતિ છે...’

‘તો શું કંઈ આમ જ થોડી આડાઈ સહન કરતા રહેવાનું...’

‘આડાઈ સહન ન કરવાની હોય, પણ આડાઈને સીધી કરીને એને પ્રેમમાં ફેરવવાની હોય...’

ભૂપત અને બીજલ વચ્ચે પ્રેમ જગાડવાનું કામ કર્ણવીરસિંહે બખૂબી નિભાવ્યું હતું અને એ નિભાવ્યા પછી કર્ણવીરસિંહે ફાની દુનિયા છોડી દીધી હતી. હવેની જવાબદારી બીજલ પર આવી ગઈ હતી અને બીજલ એ કામ જ્યારે પણ એણે નિભાવવાનું આવતું ત્યારે બહુ પ્રેમથી સંભાળી લેતી. અત્યારે, આ સમયે પણ બીજલ પોતાનું એ કામ કરી રહી હતી અને કામ કરવામાં એ સહેજ પણ ચૂકતી નહોતી. બે-પાંચ મિનિટે પોતાના માલિકને જોઈને ખુશ થતી બીજલ જ્યારે પણ મીરા અને ભૂપતની મસ્તી જોતી હતી ત્યારે નજર ચુકાવીને ફરીથી પોતાનામાં મસ્ત થઈ જતી હતી.

બીજલને છૂટી મૂક્યા પછી એ સીધી જંગલની દિશામાં ગઈ હતી, પણ એણે મંદિરની નજીકનું અંતર જાળવી રાખ્યું હતું. મંદિરનો ઘંટરાવ સંભળાયાની સાથે જ એની નજર મંદિર તરફ ગઈ હતી. બીજલે કાન ઊંચા કરીને મંદિરની દિશામાં નજર કરી લીધી અને પછી એ ધીમી ચાલે મંદિર તરફ ગઈ હતી. મંદિરમાં તેને એક-બે ઔરત દેખાઈ હતી. બન્ને ઔરત મંદિરમાં ભક્તિભાવ સાથે દર્શન કરી રહી હતી. બેમાંથી કોઈની હિલચાલ એવી શંકાસ્પદ નહોતી જે જોઈને બીજલને મનમાં સંદેહ જન્મે. જોકે એમ છતાં બીજલ થોડી વાર માટે એમ જ ઊભી રહી, એ બન્ને ઔરતની હરકત જોતી રહી અને જોવાઈ રહેલી એ હરકત વચ્ચે જ અચાનક બીજલનું ધ્યાન મંદિરના ગર્ભદ્વારમાં થઈ રહેલી હિલચાલ પર ગયું.

મંદિરમાં દાખલ થયેલા પોલીસ-કર્મચારીએ ધીમે રહીને મંદિરના ગર્ભદ્વારની બારીઓ ખોલી નાખી હતી. મંદિરમાં કુલ ત્રણ બારી હતી. એ ત્રણ બારીમાંથી એક બારીને બાદ કરતાં બાકીની બન્ને બારીઓ પેલા લોકોએ ખોલી નાખી હતી. પહેલાં દક્ષિણની અને પછી ઉત્તરની બારી ખૂલી અને બીજલ જે જગ્યાએ ઊભી હતી એ દિશાની બારી હજી બંધ રહી એટલે બીજલે પોતાની ચાલની દિશા બદલી દક્ષિણ દિશાની લીધી. દક્ષિણ દિશામાં જઈને પણ બીજલે સાવચેતી સાથે એક ઝાડની ઓથ લઈ લીધી. આ ઓથ લઈને બીજલે આંખ બારી પર માંડી રાખી.

€ € €

‘એની માને, ફોજદાર તો ગજબ છે હોં...’ ગર્ભદ્વારમાં રહેલા એક કર્મચારીએ બળાપો કાઢ્યો, ‘જો આપણી ભૂલ થાય તો પણ આપણે ગાળો ખાવાની અને જો તેની ભૂલ થાય તો પણ આપણે ગાળો ખાવાની... આ કઈ રીત થોડી છે.’

‘સાચું કહું તો મારી તો ઇચ્છા છે કે આ માણસને અત્યારે આ ઘડીએ ભૂપત જ ઉડાડી દે તો શાંતિ થાય.’

‘સાચી વાત છે...’ હવાલદારે તો તરત જ શિવલિંગને પગે પણ લાગી લીધું, ‘ભોળેનાથ આજે જ આ કમાલ કરે તો જામલો પડી જાય.’

‘વાતું બંધ કર, નહીં તો નવરીનો બહારથી આપણને જોઈ ગ્યો તો... આંય જ જમેલો કરી નાખશે.’ હવાલદારે ચેતવણી આપી, ‘અત્યારે તો બસ ખાલી આંયથી નીકળવા મળે એટલે ઘણું...’

‘હા, આંયથી નીકળવા મળે એટલે ઘણું... પીઠ પાછળ વાર કરવાનું પાપ જલદી છૂટે તો સારું...’

બન્ને હવાલદાર તરત જ પોતાની જગ્યાએ ગોઠવાયા અને ઘાઘરામાં સંતાડી રાખેલી બંદૂક લઈને તૈયાર થઈ ગયા. બંદૂક બહાર નીકળી એ ઝાડની ઓથમાં રહેલી બીજલે જોઈ. બીજલનો પનારો તો આખો દિવસ બંદૂક અને રિવૉલ્વર સાથે જ પડ્યો હતો. લોખંડનો રંગ અને લોખંડની સુગંધથી હવે બીજલનાં નાક અને આંખ ટેવાઈ ચૂક્યાં હતાં. બંદૂકને જોતાંની સાથે જ બીજલમાં ચપળતા આવી ગઈ હતી અને એની બધી શક્તિઓ કામે લાગી ગઈ હતી.

બીજલે ચપળતા સાથે તરત જ ભૂપત અને મીરા ક્યાં છે એ ચકાસી લીધું અને એ ચકાસ્યા પછી તરત જ એણે આજુબાજુનું વાતાવરણ પણ જોવાનું શરૂ કરી દીધું. આજુબાજુમાં કોઈ હરકત દેખાઈ નહીં, પણ અગાઉ આ જ પ્રકારનું શંકાસ્પદ વાતાવરણ જોઈ ચૂકેલી બીજલ માટે આ શાંત વાતાવરણ પણ ચિંતાજનક હતું. એણે આંખ બંધ કરીને ધરતી પર કાન માંડીને જોડાનો અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો.

ધરતી પર ઊગી નીકળેલા ઘાસ પર વજન સાથે મુકાતા પગનો અવાજ બીજલના કાન બહુ સારી રીતે સાંભળી શક્યા અને સંભળાઈ રહેલા એ અવાજ વચ્ચે બીજલની કપાળની રેખાઓ એકઠી થઈ. આજુબાજુમાં હવે દુશ્મનો ફરી રહ્યા છે એ એને બરાબર સમજાઈ ગયું હતું અને આ સંજોગો વચ્ચે માલિકને અંદેશો આપવો બહુ જરૂરી હતો.

બીજલ જે ક્ષણે માલિકને ઇશારત કરવાના વિચારો કરી રહી હતી એ સમયે ફોજદારના બધા સાથીઓ ગોઠવાઈ ગયા હતા અને ફોજદાર આદેશ આપે કે હુમલો કરવાનો ઇશારો કરે એની રાહ જોઈ રહ્યા હતા.

ફોજદાર આ વખતે ભૂપતનો સામનો કરવાની દૃષ્ટિએ મંદિરની પાછળના ભાગમાં રહ્યો હતો. મંદિરની પાછળના ભાગમાં તેણે સલામત રીતે એક મોટા ઝાડની ઓથ લઈ રાખી હતી. આ ઓથમાંથી તેને ભૂપત સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ ભૂપતની બાંહોમાં રહેલી પેલી છોકરીને જોવાની તેને તાલાવેલી લાગી હતી. - ભૂપત જેવા ભારાડીને લાફો મારી લે એવી તે વળી કઈ છોકરી છે.

ફોજદારના મનમાં આ જ વિચાર ઘૂમરાઈ રહ્યો હતો અને એ જ સમયે મીરા ભૂપતના હાથોમાંથી બહાર આવી અને એ ચહેરો ફોજદારે જોયો.

‘હત્તારીની, આ તો જૂનાગઢવાળી પેલી મીરા...’ ફોજદારની આંખો મોટી થઈ ગઈ, ‘ઈ આ ભૂપત ભેગી ચાલુ છે!’

ફોજદારના ચહેરા પર ચમક હતી તો એ ચમકની સાથોસાથ તેના ચહેરા પર ગ્લાનિ પણ હતી. આ જે ગ્લાનિ હતી તે એ વાતની હતી કે સાલી આટલી માહિતી જો પહેલાં મળી ગઈ હોત તો ભૂપતને કૂતરાની જેમ ચાર પગે ગામમાં ફેરવી શકાયો હોત. જોકે ફોજદાર આ ક્ષણે અફસોસ કરવાની કોઈ ફિતરતમાં નહોતો. તેણે તરત જ માથું ઝાટકીને નકારાત્મક માનસિકતા દૂર કરી અને દૂર થયેલી માનસિકતા વચ્ચે દાંત ભીંસીને આગળનું કામ આગળ વધારવાનું નક્કી કર્યું.

એ ક્ષણે અત્યારે દરેક જગ્યાએ એક મહત્વની ઘટના ઘટી રહી હતી. ફોજદાર ભૂપતનો સંહાર કરવાની તૈયારી કરી રહ્યો હતો તો એ જ સમયે મીરા ભૂપતને બધું છોડીને ફરીથી દુનિયામાં પાછા આવવા માટે સમજાવી રહી હતી. હુમાતાઈથી લઈને રાંભી સુધીના સૌનો મદાર અત્યારે માત્ર અને માત્ર મીરા પર હતો. જૂનાગઢના ભૂપતના ઘરમાં આ સમયે ભૂપતને સાચા રસ્તે વાળવાની સદ્બુદ્ધિ માટે એક મા અલ્લાહને પ્રાર્થના કરી રહી હતી તો વાઘણિયાના ભૂપતના ઘરમાં અત્યારે બીજી મા માતાજીને એ જ અરજ કરી હતી. જીવન અને મરણ વચ્ચેના આ જંગમાં બીજલ માલિકને બચાવવાની ફિતરત સાથે વ્યાકુળ હતી અને એ કેવી રીતે માલિકનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવું એની વેતરણમાં હતી. એક અનોખો ચક્રવ્યૂહ ગોઠવાઈ ચૂક્યો હતો અને એ ચક્રવ્યૂહમાં સૌ પોતપોતાની ચાલ રમી રહ્યા હતા. ફરક માત્ર એટલો હતો કે કોઈની ચાલમાં રાજનીતિ હતી તો કોઈની ચાલમાં પ્રેમનીતિ હતી. કોઈને પોતાના મનની ભડાશ માટે કોઈનો જીવ જોઈતો હતો તો કોઈ શ્વાસને ટકાવી રાખવા માટે, અસ્તિત્વ ટકી રહે એ માટે પ્રયાસ કરી રહ્યું હતું.

‘એની માને...’

ફોજદારના મનમાં અચાનક જ એક વિચાર ઝબકી ગયો અને ઝબકી ગયેલા એ વિચારે તેના મનમાં વિકૃતિ વાવી દીધી.

- જો આ ઘડીએ ભૂપતનું મોત થાય અને એ મોત પછી અખબારમાં એવી વાત છપાય કે પ્રેયસીએ જ પોલીસને માહિતી આપી હતી તો... તો બદલાની આ આગ આખા ગામમાં ફેલાય અને ફેલાયેલી એ વાત વચ્ચે હિન્દુ-મુસ્લિમનો ભેદભાવ પણ ઊભો કરાવી શકાય. જો એવું કામ થઈ ગયું તો-તો અંગ્રેજ સરકાર પણ અશાંતિ ઊભી કરવા બદલ અકરામ આપે અને આઝાદીના નામે ચાલી રહેલી ચળવળને ડામવાના કામમાં તેને સામેલ કરે...

ફોજદારે ભૂપત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ધીમેકથી રિવૉલ્વર કાઢી. ઘા ખાલી ન જાય એ માટે ફોજદારે ખુલ્લી આંખે જ માતાજીનું નામ લઈ લીધું અને નામ લઈને તેણે રિવૉલ્વર ભૂપતની દિશામાં તાકી. ભૂપત અને મીરા ફોજદારના આ ઘાથી બિલકુલ વાકેફ નહોતાં. તે બન્ને તો અત્યારે નવા સંસારની દિશાઓ જોઈ રહ્યાં હતાં. જોવાઈ રહેલી એ દિશા વચ્ચે જ એક મોટો અવાજ થયો.

ધડામ...

બૅરેટા રિવૉલ્વરમાંથી ગોળી છૂટી અને છૂટેલી ગોળીએ મીરાના પેટમાંથી આંતરડાં બહાર કાઢીને પોતાની જગ્યા બનાવી લીધી.

 (વધુ આવતા રવિવારે)

€€€€€€

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK