Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > નયનને બંધ રાખીને...

નયનને બંધ રાખીને...

21 December, 2014 07:20 AM IST |

નયનને બંધ રાખીને...

નયનને બંધ રાખીને...



norvey



નવ રાત્રિ નૉર્વેમાં - સંગીતા જોશી - ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ


‘દોસ્તો, જરા નીચે નજર કરો,’ ગુડવાન્ગેનથી વૉસ બસમાં જતાં અમારા ડ્રાઇવરે અમને કહ્યું. અમે તો બસની પહેલી સીટમાં જ બેઠાં હતાં એટલે અમારી દૃષ્ટિ બસ્સો સિત્તેર ડિગ્રી સુધી પહોંચતી હતી. અમે આગળ નજર કરી અને પછી બાજુમાં ફેરવી અને અમારી છાતીનાં પાટિયાં બેસી ગયાં. અમારી ડાબી બાજુએ ઊંડી ખીણ હતી. સામેનો ઢળતો રસ્તો જમણી તરફ ફંટાતો હતો આથી આગળ પણ અમને ખીણ જ દેખાતી હતી. ઓછામાં ઓછી ૨૦૦૦ ફૂટ ઊંડી એ ખીણ હતી અને ખીણના તિળયે જાણે દૂધનો રેલો વહેતો હોય એવું એક ઝરણું દેખાતું હતું. આજુબાજુ કાળા ડિબાંગ પથ્થરો, એની ઉપર થોડે-થોડે અંતરે ઊગેલું લીલુંછમ્મ ઘાસ, બીક પમાડતું એ દૃશ્ય અદ્ભુત અને અપ્રતિમ હતું.

અમારી બસનો ડ્રાઇવર ખૂબ જ મોજીલો હતો. તેણે જેવી બસ ચાલુ કરી કે સાથે-સાથે પોતાની કમેન્ટ્રી પણ શરૂ કરી. નૉર્વેનો ઇતિહાસ, અમે જ્યાંથી પસાર થતાં હતાં એ પર્વતો, એની ઉપર ઊગેલાં ઝાડપાન, રસ્તો ક્યારે કોણે બાંધ્યો, એ બાંધતાં કેવી-કેવી તકલીફો પડી આ બધું જ તે અમને કહેતો હતો. વચ્ચે-વચ્ચે સવાલો પૂછીને અમે તેને ધ્યાનથી સાંભળીએ છીએ કે નહીં એની તે ખાતરી કરી લેતો હતો. નૉર્વેના પ્રચલિત રમૂજી ટુચકાઓ પણ તેણે અમને સંભળાવ્યા. અમને તો તે ડ્રાઇવર ઓછો, પણ એક અનુભવી ગાઇડ વધુ જણાયો. બસની સમગ્ર સફર દરમ્યાન બસના બધા જ પૅસેન્જરોના શ્વાસ અધ્ધર હતા. બહારનાં દૃશ્યો અદ્ભુત હતાં, પણ વળાંકો એટલા તીવþ હતા અને ક્યારે ચડાણ આવે ને ક્યારે ઢળાણ એ નિશ્ચિત નહોતું એથી બધા જ પૅસેન્જરોનાં મન ઊંચાં હતાં. ખટમીઠી પીપરના સ્વાદની જેમ એ મુસાફરીમાં અમને ભયમિશ્રિત આનંદ આવતો હતો.

બસ વૉસ આવીને ઊભી રહી અને અમારા બધાના શ્વાસ હેઠા બેઠા. આપોઆપ બધા જ પ્રવાસીઓથી આવા કપરા માર્ગ પર આટલી કુશળતાપૂર્વક ડ્રાઇવિંગ બદલ ડ્રાઇવરને બિરદાવવા માટે તાળીઓ પડાઈ ગઈ. દરેક પતિની જેમ સુધીર પણ પોતાની જાતને એકસ્પર્ટ ડ્રાઇવર સમજે છે અને આથી જ જ્યારે મુંબઈમાં સંગીતા ડ્રાઇવ કરતી હોય છે ત્યારે તેને વારેઘડીએ ‘ગિયર બદલ,’ ‘ઍક્સેલરેટર ઓછું આપ’, ‘જરા પાછળના કાચમાં પણ નજર રાખતી જા’, ‘અરે, જો-જો સંભાળ, હમણાં બાજુવાળી ગાડી જોડે ભટકાઈ જતે...’ આવી ટીકા-ટિપ્પણીઓ કરતો હોય છે. લગભગ બધા જ પતિદેવોની તેમની પત્નીઓ જ્યારે ડ્રાઇવિંગ કરતી હોય છે ત્યારે આવી ટોક-ટોક કરવાની આદત હોય છે. આથી સંગીતાએ એક્સ્પર્ટ ડ્રાઇવર સુધીરની ટીખળ કરતાં તેને સવાલ પૂછ્યો, ‘તું આવા રસ્તા પર ગાડી ચલાવી શકે?’ અને ના પાડવા કરતાં સુધીરે મૌન રહેવાનું જ ઉચિત માન્યું.

વૉસથી બર્ગન જતી ટ્રેનની મુસાફરી અત્યાર સુધી કરેલી મુસાફરીની સરખામણીમાં મોળી હતી. બર્ગન જેમ-જેમ નજીક આવતું હતું તેમ-તેમ આજુબાજુનાં ઘરો જોતાં વર્લ્ડ હેરિટેજ બિરુદ પામેલું બર્ગન શહેર કેવું હશે એ જોવાની અમારી ઉત્કંઠા વધતી જતી હતી.

સામાન ઘસડીને અમે બર્ગન સ્ટેશનની બહાર નીકળ્યાં અને ટૅક્સીની લાઇનમાં ગોઠવાયાં. ઑસ્લોની જેમ જ બર્ગનમાં પણ અમે ‘રેડિસન બ્લુ’ હોટેલમાં જ રહેવાનું ઠરાવ્યું હતું અને બુકિંગ પણ ઑસ્લોમાં ઑનલાઇન કર્યું હતું. બર્ગનમાં બે રેડિસન બ્લુ હોટેલો હતી, પણ અમને જાણ હતી કે અમારે કઈ રેડિસન બ્લુમાં જવાનું છે. ટૅક્સીની લાઇનમાં એક ઇન્ડિયન, પણ અમેરિકામાં રહેતું યુવાન કપલ હતું. તેમને જ્યારે ખબર પડી કે બર્ગનમાં ટૅક્સીનું ઓછામાં ઓછું ભાડું દોઢસો ક્રોનર છે એટલે ડૉલરમાં કમાતાં હોવા છતાં એ ભારતીય અમેરિકનોએ તેમનો વિચાર બદલ્યો અને ટૅક્સીને બદલે બૅગો ઘસડતાં, ચાલતાં તેમની હોટેલ જવાનો નર્ણિય લીધો. બીજા દિવસે બર્ગનમાં ફરતાં અમે જોયું કે જેમ અમારી હોટેલની બે શાખાઓ બર્ગનમાં જુદી-જુદી જગ્યાઓએ હતી એમ જ તેઓ જે હોટેલમાં રહેવાના હતા એ હોટેલની પણ ઘણીબધી શાખાઓ જુદે-જુદે ઠેકાણે હતી. અમે મનોમન વિચાર્યું કે તેઓ બર્ગનમાં તેમની હોટેલ કઈ છે એ શોધવા માટે કેટલું ચાલ્યાં હશે!

અમારું હોટેલનું સિલેક્શન ઉત્તમ હતું. પ્રવેશદ્વાર આગળ જ મોટો ચોક હતો. વચમાં સુંદર ફુવારો અને શિલ્પ. ફુવારાની આજુબાજુ બાગ હતો. બીજી તરફ તો દૃશ્ય એથી પણ વધુ સુંદર હતું. એક સુંદર બગીચો હતો, જેમાં વચ્ચોવચ્ચ ગઝીબો એટલે કે એક ચબૂતરો હતો. ગુલાબી પુષ્પો હતાં. એનાથી થોડે આગળ જઈને એટલે મેઇન રસ્તો હતો. એ રસ્તો ઓળંગો એટલે ફરી પાછો બગીચો. એ બગીચાની આગળ એક તળાવ, તળાવની ફરતે ફૂલોથી લદાયેલાં ઝાડ વડે ઢંકાયેલો રસ્તો. અમે તો જેવાં ટૅક્સીમાંથી ઊતયાર઼્ અને આ દૃશ્ય જોયું કે મંત્રમુગ્ધ બની ગયાં. મીટર પ્રમાણે ટૅક્સીનું ભાડું થયું હતું ૧૩૫ ક્રોનર, પણ બર્ગનના નિયમ મુજબ અમારે જે મિનિમમ દોઢસો ક્રોનરનું ભાડું હતું એ ચૂકવવું પડ્યું. વધારાના પંદર ક્રોનર એટલે લગભગ દોઢસો રૂપિયા ચૂકવવાનું અમને મુંબઈગરાંને જરા ભારે લાગ્યું.

હોટેલના છઠ્ઠે માળે આવેલો અમારો સ્વીટ પૂર્વ દિશા તરફ હતો અને એની ફ્રેન્ચ વિન્ડો આગળ ઊભા રહેતાં નીચેનો ગઝીબો અને એ પછી આવેલું તળાવ ખૂબ જ સુંદર દૃશ્ય ખડું કરતાં હતાં. ટૅક્સીમાંથી ઊતરતાં તો અમારું ધ્યાન ન ગયું, પણ જ્યારે અમારા સ્વીટની બારી આગળ આવીને ઊભાં રહ્યાં ત્યારે અમે જોયું કે આખા દૃશ્યને વધુ મોહક બનાવતા નૉર્વેનાં ટચૂકડા-ટચૂકડા પહાડો એ તળાવની પાછળ બંધાયેલાં મકાનો પછી દેખા દેતાં હતાં. બર્ગનની એ હોટેલમાં એ રાત્રિએ અમારા સ્વીટની બારી આગળ ઊભા રહીને બહારનું દૃશ્ય જોતાં ચાઇનાના ગુઇલિન શહેરની ‘ગુઇલિન બ્રાવો હોટેલ’ના અમારા રૂમની બાલ્કનીમાંથી દેખાતા તળાવ અને બગીચાનું દૃશ્ય અમારી સમક્ષ આવી ગયું. સુધીરે તો તેની આંખો જ મીંચી દીધી. સંગીતાએ જ્યારે પૂછયું કે આવું સુંદર દૃશ્ય જોવાને બદલે તેણે તેની આંખો કેમ બંધ કરી દીધી ત્યારે સુધીરે બીજું કંઈ ન કહેતાં મનહર ઉધાસની ગઝલ ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે ...’ તેના બેસૂરા અવાજમાં ગાઈ સંભળાવી અને સંગીતાને પણ એ સાંભળીને ગુઇલિનનું સુંદર દૃશ્ય જે તેની આંખોમાં સમાઈ ગયું હતું અને બર્ગનનું સુંદર દૃશ્ય જે એ સમયે જોઈ રહી હતી એ બેઉનું આંખો બંધ કરીને ફ્યુઝન કરવાનું મન થયું. પછી તો અમે બેઉ થોડીક ક્ષણો સુધી આંખો બંધ કરીને એ સુંદર દૃશ્યો મનમાં ને મનમાં જોતાં રહ્યાં. આપણે સૌ મંદિરમાં ‘દર્શન’ કરવા જઈએ છીએ અને ત્યાં પ્રભુની પ્રતિમા સામે હાથ જોડીને આંખો બંધ કરીને તેમની વંદના કરીએ છીએ એનું કારણ પણ એ જ છે કે ભગવાનના અપ્રતિમ સ્વરૂપને જોયા બાદ આપણે તેને આપણી આંખો વાટે મનમાં ઉતારી લઈએ છીએ અને પછી ચક્ષુઓ બંધ કરીને એ મનમાં ઉતારેલી છબી યાદ કરીને બંધ નેત્રોએ જ જોઈએ છીએ, જે આપણને ખુલ્લી આંખે જોયેલા દૃશ્ય કરતાં વધુ સુંદર ભાસે છે.

સવારના આઠ ને પાંચે ઑસ્લોથી નીકળેલા અમે બરાબર નવ ને આઠે બર્ગન પહોંચ્યા હતા. બર્ગન સ્ટેશનથી અમારી હોટેલમાં લગભગ પંદરેક મિનિટમાં પહોંચી ગયાં હતાં અને ચેક-ઇન કરીને અમારી હોટેલના રૂમમાં એમ કહોને કે દસ વાગતામાં પ્રવેશ કર્યો હતો અને તોયે પ્રકાશ તો જાણે સાંજના પાંચ વાગ્યા હોય એટલો હતો. સામાન્ય રીતે તો આટલી લાંબી અને આવી મુસાફરી કરતાં આપણે થાકી જ જઈએ, પણ નૉર્વેની નવીનતા અને ત્યાંના વાતાવરણની તાજગીએ અમને બિલકુલ થાક આપ્યો નહોતો. આથી સંગીતાએ સુધીરની સામે પ્રશ્નાર્થ દૃષ્ટિ કરી; જાણે પૂછતી ન હોય, ‘સામેના બાગમાં લટાર મારવા જઈશું?’

(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2014 07:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK