Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > મરડો અને ઝાડા એ બે એક નથી

મરડો અને ઝાડા એ બે એક નથી

21 December, 2014 07:19 AM IST |

મરડો અને ઝાડા એ બે એક નથી

મરડો અને ઝાડા એ બે એક નથી





આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી


પેટમાં આંકડી આવ્યા કરે

જાણે આંતરડાં અંદર અમળાતા હોય એવું લાગે

વારંવાર ટૉઇલેટ જવાની ઇચ્છા થયા કરે, પણ ખૂબ થોડો મળ નીકળે

મળમાં ભારોભાર ચીકાશ હોય

જાણે આખું પેટ ખાલી થતું જ નથી એવું લાગે

કંઈ પણ પેટમાં નાખો એટલે ફરી પેટમાં અમળાટ શરૂ થઈ જાય

આ બધાં લક્ષણો છે મરડાનાં. મોટા ભાગે લોકો મરડો અને જુલાબ એ બન્ને વચ્ચેનો ભેદ સમજી શકતા નથી એટલે હંમેશાં ડાયેરિયા થયા છે એવો કૉમન શબ્દપ્રયોગ જ કરે છે. જોકે જુલાબ અને મરડો એ બે અલગ તકલીફો છે.  જુલાબમાં પાણી જેવો પાતળો મળ નીકળે છે. પેટ આખું ખાલી થઈ જાય એ પછી પણ ઝાડા અટકે નહીં. જેવું પાણી પીઓ કે થોડી જ મિનિટોમાં એ પાણી પણ નીકળી જાય.

મરડા અને ઝાડામાં ફરક

વાસી-બગડેલી ચીજ ખાવાને કારણે ફૂડ-પૉઇઝનિંગ થયું હોય, અકરાંતિયાની જેમ ખાધું હોય, પચવામાં ભારે ચીજ ખાધી હોય, વધુપડતી ઠંડી ચીજો ખાધી હોય તો પાચન-વ્યવસ્થા ખોરવાઈને ઝાડા થઈ જાય છે. ઝાડા એ ખરાબ પાચન-વ્યવસ્થાનું એક લક્ષણ છે. જ્યારે અપચન લાંબો સમય ચાલે, અર્જીણ અને આમ લાંબો સમય સુધી પેદા થયા જ કરતો હોય તો પાચન-વ્યવસ્થા સાવ જ ખોરવાઈ જાય છે. પાચનની સમસ્યા જૂની થઈ જાય ત્યારે મરડો થયો કહેવાય. મરડામાં મંદાãગ્નને કારણે કાચો રહેલો મળ આંતરડાંની કોમળ ત્વચા પર ચોંટે છે અને દૂષિત થયેલો અપાનવાયુ પીડા પેદા કરે છે. આયુર્વેદમાં મરડા માટે પ્રવાહિકા શબ્દ વપરાય છે. એમાં દરદીને વારંવાર મળ માટેની ઇચ્છા થાય છે, પણ ખૂબ બળ વાપર્યા પછી થોડોક મળ નીકળે છે. ખોરાક ખાધા પછી તરત પેટમાં દુખે છે. ખોરાક જઠર અને આંતરડાંમાંથી જસ્ટ પસાર થઈને પચ્યા વિના જ નીકળી જતો હોવાથી જરૂરી પોષક તત્વો નથી મળતાં. પોષણ ન મળતું હોવાથી વજન ઘટે છે, મોંમાં ચાંદા પડે છે અને શરીરમાં કળતર થવા લાગે છે. વારંવાર મળ કાઢવા માટે જોર કરવાથી આંતરડાંમાં સોજો, વþણ થાય અને ક્યારેક લોહી પણ પડવા લાગે.

ઝાડામાં મળબંધ જરૂરી

જ્યારે માત્ર ઝાડા થયા હોય ત્યારે એની ચિકિત્સારૂપે તરત જ પાણી જેવી મળપ્રવૃત્તિ બંધ થાય એવી સારવાર કરવી જરૂરી છે. વધુપડતું પાણી શરીરમાંથી વહી ન જાય અને ડીહાઇડ્રેશનને કારણે જીવ જોખમમાં ન મુકાય એ માટે પાચનતંત્રને સંપૂર્ણ આરામ આપવાનું જરૂરી છે. પાણી જેવા પાતળા ઝાડા થતા હોય ત્યારે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી થોડુંક-થોડુંક પીવું જોઈએ. તરત જ ઝાડા અટકે એ માટે સૂંઠ અને ગોળની લાડુડી બનાવીને ચણા જેટલી ગોળી મોંમાં ચૂસવા મૂકી શકાય. લગભગ બેથી ત્રણ સૂંઠગોળી લીધા પછી આપમેળે પાતળા પાણી જેવા ઝાડા થતા અટકી જાય છે. આ સાથે શરીરબળ ટકાવી રાખવા માટે ઇલેક્ટ્રૉલેટ પાઉડર અથવા તો ORS (ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટ્સ) પાણીમાં મેળવીને થોડી-થોડી વારે પીતા રહેવું. એમ કરવાથી શરીરમાં મિનરલ્સની કમી થઈને નબળાઈ આવતી અટકે છે. એક વાર ઝાડા અટકે એ પછી પાચન ક્રિયા સુદૃઢ બને એ માટે પચવામાં હલકી ચીજોથી ખોરાકની શરૂઆત કરવી. સાથે જ પાચકરસો ઉત્તેજિત થાય એવી ચીજો લેવી જોઈએ.

મરડામાં મૃદુ રેચન જરૂરી

પ્રવાહિકામાં વારંવાર થોડો-થોડો મળ થતો હોય ત્યારે લોકો એ કેમ બંધ થાય એનો ઉકેલ શોધતા હોય છે, જે જરાય યોગ્ય નથી. મરડામાં હળવા રેચનની જરૂર છે. એ પણ અપક્વ આમને પકવીને કાઢે એવા રેચનની. આંતરડાંમાં ભરાઈ પડેલો અપાચિત આમ પચીને પાચનતંત્ર સાફ થઈ જાય એ માટે હરડે ઉત્તમ ઔષધ છે. હરડે મળને પકવીને ઢીલો કરે છે અને નીચે તરફ ધકેલીને બહાર કાઢી દે છે. એનાથી વાયુનું શમન થાય છે એટલે વેદના ઘટે છે. મળસારણમાં સરળતા થવાથી ધીમે-ધીમે આંતરડાંનો સોજો પણ આપમેળે ઘટે છે.

મરડો થયો હોય ત્યારે ખાવાપીવામાં લાંબો સમય પરેજી અને કાળજી રાખવી જરૂરી છે. છાશ અને દહીંમાં શેકેલું જીરું લીધા કરવું એ બેસ્ટ છે. પાચન-વ્યવસ્થા થાળે પડવી શરૂ થાય એ વખતે દહીં-ભાત, મગનું પાણી, મગની દાળની પાતળી ખીચડી વગેરે લઈ શકાય. ઘી, તેલ, ફરસાણ, આથેલી ચીજો, મેંદો, પાપડ-અથાણાં વગેરે સદંતર બંધ કરવાં.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2014 07:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK