ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૯

Published: 21st December, 2014 07:00 IST

સાંજ સાથે ફોજદારને હંમેશાં લગાવ રહ્યો હતો. શરાબ અને શબાબની રહેમ વચ્ચે ફોજદારની રાત પડતી અને જે રાતના ફોજદારને આ બે પૈકીનું કંઈ ન મળે એ રાતે ફોજદારમાં શેતાનનો વાસ જાગતો. ફોજદાર કહેતા પણ ખરા, ‘શેતાનને શાંત રાખવા શરાબ અને શબાબ આપતાં રહેવું પડે, પણ જો એ આપવાનું ચૂક્યા તો પછી દુ:ખી થવાની તૈયારી રાખવી પડે.’


નવલકથા - રશ્મિન શાહ

માણાવદર અને જૂનાગઢને જોડતા રસ્તા પર આવેલા મહાદેવના મંદિરની પાસે ડેરો નાખીને બેઠેલા ફોજદારને પણ પડી રહેલી સાંજ અત્યારે વધારે મીઠી લાગી હતી. ભૂપત બરાબરનો ઝલાયો હતો. તેને ભાગવું હતું, પણ બધી બાજુએથી ઘેરાયેલા ભૂપતને ભાગવાનો કોઈ રસ્તો મળતો નહોતો એટલે તે અત્યારે વળતો હુમલો કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો હતો. એ સમયે ફોજદાર એવું જ માનતા હતા કે ભૂપત જે હુમલો કરી રહ્યો છે એ હુમલામાં સ્વબચાવનો જ ભાવ છે. ભૂપતે વળતો પ્રહાર શરૂ કરીને ખાસ્સાએવા પોલીસકર્મીઓને અટકાવી રાખ્યા હતા. અટકાવીને રાખવામાં આવેલા આ પોલીસપહેરા માટે સૌથી કફોડી હાલત એ હતી કે એણે ભૂપતનો હુમલો ખાળવાનો હતો, પણ ભૂપત તેમને ક્યાંય દેખાઈ નહોતો રહ્યો. લાંબી મથામણ વચ્ચે અને અઢળક પ્રયાસ વચ્ચે પણ ભૂપતને શોધવાનું કામ અઘરું થઈ રહ્યું હતું.

વડના ઝાડ પર ચડી ગયેલા ભૂપતને વડના ઘેરાવાનો લાભ ભરપૂર રીતે મળ્યો હતો. ઝાડ પર ચડી ગયેલા ભૂપતને હવે વળતા પ્રવાહનો પ્રશ્ન સહન નહોતો કરવો પડતો. પોલીસ દ્વારા જ્યારે પણ કોઈ હુમલો થતો હતો ત્યારે એ હુમલો સીધી દિશામાં થતો હતો. ભૂપત હતો એ દિશામાં, પણ એ દિશાની ઊંચાઈ તરફ તેનું આસન હતું એટલે એ બધા વાર હવામાં ખાલી જતા હતા.

ભૂપતે એક વાતની ખાસ ચીવટ રાખી હતી.

જ્યારે પોલીસ-પલટન દ્વારા ગોળીબાર શરૂ થતો ત્યારે તે બિલકુલ ખામોશ રહેતો અને કોઈ વળતો વાર નહોતો કરતો. આ ઉપરાંત ભૂપત એ વાતની પણ દરકાર રાખતો હતો કે જ્યારે તે વાર કરતો ત્યારે પોતાના બે વારની વચ્ચે વધુ સમય લેતો નહીં કે જેથી પોલીસ-પલટન સાવધાન થઈ જાય અને આવી રહેલા ગોળીબારની દિશા શોધવાનું કામ કરી શકે. તે ચપળતા સાથે અને બે વાર વચ્ચે સહેજ પણ સમય ન મળે એનું ધ્યાન રાખીને વાર કરતો હતો. જોકે ફોજદાર પણ કંઈ ઓછી માયા નહોતા. તેમનું પણ ધ્યાન ભૂપતની આ કરામત પર હતું જ અને તે પણ લાંબા સમયથી ભૂપતની પાસે ભૂલ કરાવવાની વેતરણમાં હતા. આ ભૂલ ભૂપતથી ત્યારે થઈ જ્યારે ઢળતી સાંજે તેણે પોતાની હુમલાની ગતિ નાછૂટકે ઘટાડવી પડી.

લગભગ બપોરથી એકધારો હુમલો ખાળવામાં આવી રહ્યો હતો. બન્ને પક્ષ એકબીજાને ખતમ કરવાની વેતરણમાં હતા. ફોજદારે જ્યારે માહિતી મળી ત્યારે તેમણે તો એવી ધારણા રાખી હતી કે ટોળકી વિના આવેલા ભૂપતને ઝબ્બે કરવાનું કે ખતમ કરવાનું કામ થોડી જ મિનિટોમાં પૂરું થઈ જશે, પણ એવું થયું નહીં અને સમય ખેંચાતો ચાલ્યો. ફોજદારને આ સમય સામે કોઈ વાંધો નહોતો, પણ જે રીતે ભૂપત આખી ઘટનાને ધીમે-ધીમે પોતાના હાથમાં લઈ રહ્યો હતો એ જોતાં ફોજદારે હુમલામાં માત્ર ચીલઝડપ જ નહીં, પણ ચતુરાઈ ઉમેરવાનું પણ શરૂ કર્યું.

ફોજદારે સમય ખેંચવાનું શરૂ કર્યું. સમય ખેંચવાની સાથોસાથ ફોજદારે ભૂપતની ગોળીઓ ખર્ચવાનું પણ શરૂ કર્યું. ફોજદારે જોઈ લીધું હતું કે ભૂપત અંધાધૂંધ ગોળીબાર નથી કરી રહ્યો. તેમણે એ વાત પણ નોંધી લીધી હતી કે ભૂપત સરકારી રૅશનનું અનાજ વાપરવાનું હોય એ રીતે પોતાની એકેક ગોળીનો વપરાશ બુદ્ધિપૂર્વક કરી રહ્યો હતો.

‘મારો બેટો, જેમ વિચારવામાં ભૂલ નથી કરતો એવી જ રીતે સાલ્લો ગોળી ચલાવવામાં પણ ખતા નથી ખાતો.’

ફોજદારથી સહેજ મોટા અવાજે બબડાટ થઈ ગયો હતો. આ બબડાટની સાથે જ ફોજદારથી મનોમન ગણતરી પણ શરૂ થઈ ગઈ હતી.

- અંદરના ચાર તો ગ્યા. મારી બાજુના દસમાંથી પણ ચાર ગ્યા... ડાબી બાજુમાં ત્રણને ઉડાડ્યા એવું લાગે છે ને જમણી બાજુમાં પણ બે-ચારને તો ઢાળી જ દીધા છે.

ફોજદારે બાજુમાં ઊભેલા જીવણને હાથના ઇશારેથી પાસે બોલાવ્યો. જીવણ આવ્યો એટલે ફોજદારે તેની કમરેથી પટ્ટો ઉતારીને એમાં રહેલાં કારતૂસના ખાનાં ગણવાનાં શરૂ કયાર઼્. ચોવીસ ખાનાં હતાં. ફોજદારનું ગણિત ફરીથી મનમાં શરૂ થયું.

ચોવીસ ખાનાંની ચોવીસ ગોળી ને એ ઉપરાંતની રિવૉલ્વરમાં જે ગોળી હોય એ જુદી. ફોજદારને આમ તો રિવૉલ્વરમાં કેટલી ગોળી આવે એ ખબર જ હતી અને એમ છતાં તેમણે રિવૉલ્વરનું ખાનું ખોલીને એની પણ ગણતરી કરી લીધી.

- છ ને આ એક સાત.

માણસ જ્યારે સંજોગોથી લાચાર હોય ત્યારે ગણતરીઓ તેને ચાલાક બનાવવાની દિશામાં ખેંચી જવાનું કામ કરતી હોય છે. ફોજદાર લાચાર હતા અને એટલે જ તેમને આ ચાલાકી સૂઝી રહી હતી, પણ ફોજદારની લાચારી સામે ભૂપતની લાચારી મોટી હતી. સંકટ જ્યારે મોટું હોય ત્યારે એનો રસ્તો પણ વધારે આક્રમક સૂઝતો હોય છે. ફોજદાર ભૂપતની પાસે કેટલી ગોળી છે એની ગણતરીની વેતરણમાં હતા ત્યારે જ ભૂપત પણ કંઈક એવો જ હિસાબ કરી રહ્યો હતો, જેમાં તેની ગણતરી જરા જુદી હતી.

ઢળતી સાંજનો લાભ જે રીતે ફોજદારને લેવો હતો એ જ રીતે ભૂપતને પણ એ જ સાંજનો અને સાંજ પછી થનારી રાતનો લાભ લેવો હતો. ભૂપતને ખબર હતી કે રાત પડતાં સુધીમાં તો ફોજદાર અને તેમની પલટન વધુ નજીક આવશે અને મંદિરના ઘેરાને વધુ આકરો બનાવી દેશે.

€ € €

એક મોડી સાંજનો સમય હતો અને એ સાંજના સમયે માણાવદરના લશ્કરી મથકમાં ઘેરો કેસરી અંધકાર પ્રસરી ચૂક્યો હતો. દિવસ દરમ્યાન જવાનોએ જબરદસ્ત મહેનત કરીને તાલીમ લીધી હતી અને એ તાલીમનો થાક ઉતારવા સૌ પોતપોતાની રીતે મજામસ્તી કરી રહ્યા હતા. કેટલાક તાલીમી જવાનોએ તંબુની બહાર તાપણું કરીને ડાયરો જમાવ્યો હતો તો કેટલાક વળી તાશનાં પત્તાંની રમત લઈને બેસી ગયા હતા. એક ખૂણામાં એક જૂથ ચોપાટ પાથરીને રમી રહ્યું હતું તો કાળુ અને તેના ભાઇબંધો થપ્પો રમી રહ્યા હતા. ભૂપત પણ એ સમયે ત્યાં જ હતો, પણ તેને આ રમતોમાં કોઈ રસ નહોતો. તે મુસ્તફા પટેલ પાસે બેસીને જૂનાગઢના નવાબ માટે ખેલવામાં આવેલા યુદ્ધની વાતો સાંભળી રહ્યો હતો.

કાળુ બે-ત્રણ વખત આવીને ભૂપતને રમવા માટે બોલાવી પણ ગયો, પણ ભૂપતે દરેક વખતે તેને ભગાડી દીધો હતો. એક વખત તો કાળુ ભૂપતના કાનમાં ફૂંક પણ મારી ગયો : ‘વાંદરા, આવા બૂઢિયા ભેગા રે’વાને બદલે અમારી ભેગો રહે, મજા આવશે.’

પોતાને વાંદરો કહ્યો એને બદલે મુસ્તફાને બૂઢિયા કહેવામાં આવ્યું એ ભૂપતને વધારે ચચરી ગયું હતું. ભૂપતે કાળુ સામે આંખ મોટી કરી એટલે કાળુ ત્યારે તો ભાગી ગયો, પણ કાળુનો જીવ ભૂપતમાં અટવાયેલો હતો. દિવસ આખામાં ભાઈબંધી નિભાવવાની આ એક તક મળતી, રાત. રાત પડ્યે બધા એક થતા અને પોતપોતાની રીતે મોજમસ્તી કરતા, પણ ભૂપત તો એ સમયે પણ મુસ્તફાની આગળપાછળ ફરતો રહેતો. કાળુને એ વાતનું બહુ નવીન લાગતું કે ભૂપત તેમની પાસેથી એવી તે કઈ વાતો સાંભળ્યા કરે છે કે જે સાંભળવામાં તે આટલો મશગૂલ રહે છે. એક વખત કાળુએ ભૂપતને પૂછી પણ લીધું હતું. ભૂપતે એ સમયે કહ્યું, ‘અનુભવે શીખવા ન મળે એ અનુભવી પાસેથી શીખવા મળે.’

કાળુએ ચહેરા પરથી રજાઈ હટાવીને ભૂપતની સામે આંખો ફાડીને જોયું હતું.

‘તું બોલે છે એ તને તો સમજાય છેને?’

‘સાંભળવા માટે કાન જોઈએ, પણ સમજવા માટે દિમાગ જોઈએ.’ ભૂપત હસ્યો હતો, ‘તું સાબિત કરે છે કે તારી પાસે કાન છે.’

કાળુ ઝાટકો મારીને પડખું ફરી ગયો હતો. જોકે આ વર્તન પછી પણ કાળુને ખબર જ હતી કે ભૂપત જે કંઈ કહી રહ્યો હતો તે પોતે જ પુરવાર પણ કરી દેતો હતો. પેલી રાતે પણ એવું જ થયું હતું.

થપ્પો રમી રહેલા જૂથના સૌએ કાળુ પર દાવ ઉતારવાનું શરૂ કર્યું. પહેલાં દાવ ઉતારવાનું શરૂ થયું અને એ પછી દાવ ઉતારવાની સાથોસ્ાાથ કાળુની પદૂડી લેવાનું પણ શરૂ થયું. રમવામાં આવતી રમત થપ્પોના નિયમ મુજબ સૌ ખેલાડીઓને એક વાર પકડવાના હતા અને તેમનો થપ્પો કરવાનો હતો, પણ એક ખેલાડી એવો હતો કે જે સૌથી છેલ્લે આવીને બધા વતી થપ્પો કરીને કાળુ પાસેથી ફરીથી દાવ લેવડાવતો હતો. જે સમયે આ બધી રમત ચાલી રહી હતી એ સમયે ભૂપતને કાળુ કે તેની કોઇ રમતમાં સહેજ પણ રસ નહોતો. તે તો મજાથી મુસ્તફા પટેલ સાથે વાતો કરતો બેઠો હતો. ભૂપતની આ મજામાં ખલેલ પાડવાનું કામ કાળુએ કર્યું. કાળુએ આવીને ભૂપતની મદદ માગી.

‘ભૂપતા, મદદ તો કર ભલા માણસ... આ બધા બહુ હેરાન કરે છે.’

‘એ એવું નો ચાલે...’ એક જવાને આગળ આવીને સૌ વતી પક્ષ લીધો, ‘ભૂપતે તો જોયું હોય તો અમે બધા પકડાઈ જ જઈએને...’

‘પણ હું ક્યાં બધાને પકડવાનું કહું છું...’ કાળુએ ગણતરી કરીને કહ્યું, ‘તમારામાંથી એક તો પકડાવાનો બાકી છે, બાકી તો સૌ પકડાઈ ગયા.’

‘ના, તોય ખોટી વાત. ભૂપતે જોઈ લીધું છે પહેલેથી...’

‘ના, મેં કંઈ જોયું નથી...’ ભૂપતે બચાવ નહોતો કર્યો પણ સાચી વાત કહી હતી, ‘મને તો તમારી રમતમાં રસ પણ નથી અને મારું ધ્યાન પણ નથી.’

‘હા, એ સાચું, પણ આ વખતે તો જોયું નથી એનો પુરાવો શું?’

‘મારી જબાન...’ ભૂપતે જીભ કાઢીને સૌની સામે ધરી, ‘ભગવાને બધાને બબ્બે અંગ આપ્યાં છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, નાકનાં નસકોરાં પણ બે હોય છે... પણ ભગવાને જીભ એક આપી છે અને એટલે જ મારી જબાનની કિંમત છે. અને એટલે જ હું સાચું બોલવામાં માનું છું.’

‘વાત સાંભળવામાં સારી લાગી, પણ માનવી ગમે એવી નથી.’ એક જવાને આગળ આવીને કહ્યું, ‘જો તને બહુ ફિશિયારી સૂઝતી હોય તો ચાલ, રમવા આવ અને એક વાર મને પકડીને દેખાડ... દૂધનું દૂધ ને પાણીનું પાણી હમણાં થઈ જશે.’

ભૂપતે તીરછી નજરે શરત મૂકનારા જવાનની સામે જોયું.

‘શરત મંજૂર છે, પણ શરત જીતી જાઓ તો શું?’

‘જીતવાની વાત કરનારએ પહેલાં જીતવું પડે.’

ભૂપત ઊભો થયો.

‘જીતવાની વાત કરનારાએ પહેલાં જીતવું પડે તો ક્યારેય ભૂલવું નહીં, શરત મૂકનારાએ ઝિંદાદિલી પહેલાં દેખાડવી પડે.’

‘વાત સાંભળવામાં સારી લાગી...’ ભૂપતે શાબ્દિક પ્રહારની તક ચૂકી નહીં, ‘સાચું કહું તો માનવી પણ ગમે એવી લાગી.’

ચડસાચડસીની આ ક્ષણ હવે વધારે આકરી થઈ રહી હતી. વગર કારણે વાતમાં અટવાઈ ગયેલા ભૂપતના પક્ષે કોઈ નહોતું જ્યારે જે જવાન સાથે ભૂપતની ચડસાચડસી શરૂ થઈ ગઈ હતી તે જવાનની સાથે તેના બાકીના બધા ભાઈબંધો હતો.

‘તો ચાલ, માની જા.’

બધાએ ભૂપતને એક સૂરમાં કહ્યું, પણ ભૂપતના ઊંચા થયેલા આદેશાત્મક હાથના ઇશારાની સાથે સૌ ચૂપ થઈ ગયા.

‘જો જીતવાની વાત કરનારાએ પહેલાં જીતવું પડે તો ક્યારેય ભૂલવું નહીં કે શરત મૂકીને જંગ છેડનારાએ ઝિંદાદિલી દાખવવાની બાબતમાં પણ પૂરી મર્દાનગી દેખાડવી જોઈએ. મર્દાનગીની માપણી થાય ત્યારે માપપટ્ટી કેવી છે એ જોવાના બહાને મર્દાનગી ટાળવી ન જોઈએ.’

ભૂપત આગળ વધ્યો અને જવાનના બન્ને ખભા પર હાથ મૂકીને ઊભો રહ્યો, ‘મર્દાનગી માપવી જ છે તો માપી લે... શરત પણ તારી, જિગર પણ તારું અને હિંમત પણ તારી... મારા પક્ષેથી ખાલી ઝિંદાદિલીનો ઉમેરો કર.’

કાળુએ સહજભાવે તાળી પાડી.

‘વાહ...’

કાળુએ તાળી પાડી એમાં ભૂપતનું ધ્યાન તેના તરફ ગયું. તેણે કાળુ સામે સ્મિત કર્યું. સ્મિતનો જવાબ કાળુએ પણ એવા જ ઉમળકા સાથે આપ્યો, પણ ભૂપતના આગળના શબ્દોએ કાળુનો બધો ઉમળકો ભાંગીને ભુક્કો કરી નાખ્યો.

‘જો દોસ્ત, આપણે શરત રાખીએ... જો હું હારી ગયો તો તમારો આ ભાઈબંધ કાળુ તમારા બધાની સામે છોકરીનાં કપડાં પહેરીને તમને સૌને નાચ દેખાડશે.’ ભૂપતે સૌની તરફ નજર કરી, ‘મંજૂર છે?’

એકસૂરમાં સૌનો જવાબ આવ્યો, ‘મંજૂર... મંજૂર...’

મંજૂરના આ નારાની સાથે જ કેટલાકનો તો ગણગણાટ પણ શરૂ થઈ ગયો હતો, ‘એની માને, જામલો થઈ જશે.’

‘પાક્કું યાર. કાળિયો છોકરી બનશે... તેના ઠુમકા જોવામાં બખ્ખાં પડી જશે.’

એકે તો કહ્યું પણ ખરું, ‘આ ભૂપત ખરી ચાલ રમી છે. જીતે તો જશ તેને અને હારે તો નાલોશી ભાઈબંધના શિરે.’

થોડી શાંતિ થઈ અને આ શાંતિ દરમ્યાન કાળુને પણ ભૂપતના શબ્દોની કળ વળી. કળ વળતાંની સાથે જ કાળુ ભૂપતનો હાથ પકડીને ખૂણામાં ખેંચી ગયો.

‘અલ્યા, માણસ છો કે મદારી? મને મરાવી નાખવાના ધંધા ક્યાં માંડ્યા છે તેં. આ કંઈ રીત છે. મારે બૈરી બનવાનું?!’

‘એક મિનિટ...’ ભૂપતે સજ્જડ આંખ અને કડક શબ્દો સાથે કહ્યું, ‘મારા પર વિશ્વાસ છે...’

‘ના નથી હોં... વિશ્વાસના નામે તો તું કોઈક દિવસ શ્વાસ અટકાવી દે એમ છે.’

‘તો ત્યારે શ્વાસ અટકાવી દેજે.’ ભૂપતે ચાલતી પકડી, ‘બાકી અત્યારે મારી પાસે સમય નથી. રમતનું મોડું થાય છે.’

‘અલ્યા રમતવાળા... તું ચૂપ રહે મારા બાપ.’ કાળુ રીતસર કરગર્યો, ‘મારી ફાટે છે.’

‘ચિંતા નહીં કર...’ ભૂપતે કાળુની સામે આંખ મિચકારી, ‘આપણી પાસે સોયદોરો છે. સાંધી દઈશ.’

કાળુને ખરેખર ભૂપતને એક થપ્પડ ચોડી દેવાની ઇચ્છા થઈ આવી, પણ તે ઇચ્છાને હકીકતમાં બદલે એ પહેલાં તો ભૂપત ત્યાંથી રવાના થઈ ફરી વખતે પેલા જવાનોની વચ્ચે પહોંચી ગયો. કાળુની ઇચ્છા તો ત્યાંથી સરકી જવાની હતી અને એ ઇચ્છા મુજબ જ કાળુ દબાયેલા પગલે જઈ રહ્યો હતો, પણ તેને જતો પણ ભૂપતે જ જોયો અને ભૂપતે જ તેને રાડ પાડીને પાસે બોલાવ્યો.

‘જો કોઈને શંકા ન થવી જોઈએ... ને અહીં શંકા કરાવે એવું કોઈ હોય તો તે કાળુ છે. સૌથી પહેલાં તો તેની આંખે પટ્ટી બાંધી દો એટલે તે કંઈ જોઈ ન શકે.’

બધા સહમત થયા એટલે કાળુની આંખે પટ્ટી બાંધવામાં આવી. પટ્ટી બંધાઈ રહી હતી ત્યારે કાળુના ધ્રૂજતા હોઠમાંથી ભૂપત માટે ઢગલાબંધ ગાળો નીકળી રહી હતી. જોકે ભૂપતને એ ગાળોની કોઈ અસર થતી નહોતી. તે તો પોતાના ચિરપરિચિત સ્મિત સાથે તેને જોતો ઊભો હતો.

‘હવે મારો વારો...’

કાળુની આંખની પટ્ટી બંધાઈ ગઈ એટલે ભૂપત સામેથી આગળ આવ્યો, ‘જુઓ, મારી આંખ પર પહેલાં રૂનું પૂમડું મુકવાનું છે ને માથેથી પાટો બાંધી દેવાનો અને એ પછી મારે જાતે આંખ બંધ કરીને તમને ભાગવા દેવાના...’

બધા ખુશ થઈ ગયા, પણ એ ખુશીની સાથે જ હવે ભૂપતે શરત મૂકી, ‘આ બધું કર્યા પછી જો હું જીતી જાઉં... એટલે કે જો હું હારી જાઉં તો કાળુએ બૈરી બનીને તમને સૌને નાચ દેખાડવાનો જ છે, પણ ધારો કે હું જીતી જાઉં તો... ધારો કે હું જીતી જાઉં તો... તો તમારે પણ મારી કોઈ વાત તો માનવી પડશેને?’

‘મંજૂર, તું કહે એ...’

‘એમ નહીં ભલા માણસ, આ વાત તો સૌએ કરવી પડેને.’ ભૂપતે પેલા જવાનને ચાનક ચડાવી, ‘જો મારી વાતમાં કાળુને પૂછ્યા વિના હું તેને વચ્ચે લઈ આવી શકતો હોઉં તો કાં તો તારે સૌના વતી કહેવું પડે અને કાં તો સૌએ સાથે કહેવું પડે.’

બધા એકસાથે બોલ્યા... ‘મંજૂર, તું કહે એ...’

‘હં... હવે કંઈક લાગ્યું કે બધા એક છો.’ બધાને ધ્યાનથી જોઈ લીધા પછી ભૂપતે ધીમેકથી પોતાની શરત મૂકી દીધી, ‘જો હું જીતી જાઉં તો... તમે સૌ બૈરાંનાં કપડાં પહેરીને કાળુની સામે બે કલાકનું નાચગાન પેશ કરશો.’

‘હેં!’

‘એમાં આવા ઊહકારા શાના... જો કાળુ બૈરી બની શકે તો તમે પણ બની જ શકોને...’ ભૂપતે વાતને વધારે રમૂજી બનાવી, ‘માન્યું કે કાળુએ પોલકામાં ટમેટાં રાખવાં પડે, પણ તમે નારંગી, તરબૂચ જે રાખવું હોય એ રાખજો. તમારી ઇચ્છા પણ જો હું જીતી જાઉં તો... તો પછી તમારે સૌએ કાળુને પણ મજા કરાવવી પડે.’

જવાને આંખો ઝીણી કરી, ‘શરત મંજૂર, પણ અમારો નાચ ફક્ત કાળુ એક સામે...’

‘એકદમ કબૂલ... હું પણ નહીં એ નાચમાં...’

‘એક મિનિટ... વાત હજી પૂરી નથી થઈ.’ પેલા જવાને વળતી ચોખવટ પણ કરી લીધી, ‘જો તું હાર્યો તો કાળુએ આખી છાવણી સામે નાચવાનું રહેશે. બે કલાક...’

‘ભૂપતિયા...’

‘સીઇઇઇસસસ...’

ભૂપતે નાક પર આંગળી મૂકીને જોરથી સિસકારો કર્યો અને એ સિસકારાની સાથે જ તેણે આ આહ્વાન સ્વીકારી લીધું, ‘છાવણી સામે કાળુ બે કલાક સુધી નાચશે અને એ બે કલાક દરમ્યાન હું ઢોલક પર તેને સાથ આપીશ. હવે બસ?’

કાળુ હદયનો એક ધબકારો ચૂકી ગયો હતો.

જુગાર રમવાનો હરકોઈને હક છે, પણ એ હક પોતાના પૂરતો સીમિત હોવો જોઈએ. ભૂપત રમીનો જુગાર રમી રહ્યો હતો, પણ એ જુગારની રમતમાં ભોગ કાળુનો લેવાતો હતો.

શરતની મંજૂરી સાથે જ ભૂપતની આંખે પણ પટ્ટી બાંધવામાં આવી. ભૂપતના જ કહેવા મુજબ એ પટ્ટીની નીચે રૂનું પૂમડું પણ મૂકવામાં આવ્યું હતું.

રૂનું મોટું પૂમડું અને એના પર કાળા સૂતરની પટ્ટી.

એક... બે... ત્રણ... ચાર... પાંચ... છ અને સાત...

બધા ભાગીને સંતાઈ ગયા અને રમતમાં કંઈ રમત નથી રમાઈ રહી એ જોવા માટે ધ્યાન રાખી રહેલા એક જવાને ભૂપતની આંખ પરથી પટ્ટી ઉતારી. અંધકાર વચ્ચે આંખો પર પ્રસરેલા અંધકારને દૂર કરવા માટે ભૂપતે માથું બેચાર વાર ઝાટકવું પડ્યું. એ પછી પણ પળભર અંધકાર અકબંધ રહ્યો હતો. અંધકાર દૂર થયા પછી ભૂપતે સૌથી પહેલી નજર આકાશ પર માંડી.

આકાશમાં ઊડીને ચિચિયારી કરી રહેલાં પક્ષીઓનો કલરવ ભૂપતને વિજયી નાદ જેવો લાગ્યો હતો.

ભૂપત રખેવાળ એવા જવાન પાસે આવ્યો.

‘બોલ, એક ક્ષણમાં જીતી જાઉં કે પછી શિકાર કરતાં પહેલાં થોડી રાજરમત રમી લઉં?’

‘જો જીત નિશ્ચિત લાગતી હોય તો રાજરમતનો રંગ દેખાડી દેવો જોઈએ.’

‘બાત મેં દમ હૈ.’ ભૂપતને પેલા જવાનની વાત ખરેખર ગમી, ‘રાજરમત રમું છું, પણ તું સાક્ષીમાં રહેજે કે આંખ ખોલ્યાની બીજી જ ક્ષણે રમત મેં જીતી લીધી હતી.’

ભૂપતે એક પછી એક સૌને શોધવાના અને સૌનો થપ્પો કરવાનું શરૂ કર્યું. કરવામાં આવી રહેલા એ થપ્પો પછી પણ જેને શોધવાની અને જેને પકડવાની શરત નક્કી થઈ હતી એ વ્યક્તિ હજી સુધી હાથમાં નહોતો આવ્યો અને એ જ કારણે તે જવાનની ટોળકીના તમામ સાથીઓ ખુશમિજાજ હતા. અરે, કેટલાક તો પકડાયા પછી પણ તાળીઓ પાડતાં બહાર આવતા હતા અને રાડ પાડીને પેલા જવાનને કહેતા હતા, ‘ભીરુ, બચાવજે... તારા પર જ બધો મદાર છે.’

‘આઠ અને આ નવ...’

ભૂપતે દસમાંથી નવને પકડી લીધા એટલે હવે અંતે પેલા છેલ્લા જવાનને જ પકડવાનો બાકી રહ્યો. ભૂપત પકડાયેલા સૌ જવાનો પાસે પહોંચ્યો.

‘શું કરવું છે, બોલો... ભીરુને પકડી લઉં કે પછી છોડી દઉં?’

‘પકડાતો નથી એમ કહેને...’

અટ્ટહાસ્ય સાથે બધા હસી પડ્યા, પણ તેમનું અટ્ટહાસ્ય એક જ ક્ષણમાં હવામાં અલોપ થઈ ગયું, જ્યારે રખેવાળ બનેલા જવાને સૌને કહ્યું, ‘હસો નહીં, એ તો સૌથી પહેલો તેને પકડવાનું કહે છે, પણ મેં તેને કીધું કે થોડીક રમત રમીએ એટલે એ તમને બધાને પકડીને સમય પસાર કરે છે.’

‘ખોટી વાત છે... ભૂપત ચાલાકી કરે છે.’

‘વાત તો સાચી છે, ચાલાકી કરું છું, પણ તમને એ ગમતી નથી એટલે તમે એને ખરાબ રીતે રજૂ કરો છો.’

‘વાતોનાં વડાં નહીં કર... જલદી અમારા ભેરુને પકડ એટલે કંઈક વાત બને.’

એકે તો વળી ટીખળ પણ કરી.

‘અમને કાળુનો નાચ જોવો છો... કાળુના નાચ માટે હવે તો આંખમાં ચળ આવે છે.’

‘હા, કાળુના નાચ માટે આંખમાં ચળ અને ગવૈયા ભૂપતના તબલાનો નાદ સાંભળવા માટે કાનમાં ચળ...’

ફરી અટ્ટહાસ્ય થયું અને એ અટ્ટહાસ્યની વચ્ચે પણ ભૂપત એકદમ શાંત રહ્યો. હાસ્યના પડઘા ઓસર્યા એટલે ભૂપતે કાળુને પાસે બોલાવ્યો. કાળુ કંઈ કહેવા જતો હતો, પણ ભૂપતે તેને રોક્યો.

‘જો કાળુ, તેં પૂછ્યું હતું કે હું મુસ્તફાસાહેબ પાસે બેસીને શું ફીફાં ખાંડું છું... એ જે ફીફાં ખંડાયા એના કારણે જ તો ખબર પડી કે આપણે જેને શોધીએ છીએ તેની ઓળખ તો કુદરત પણ આપતી જ હોય છે. બસ, એ ઓળખતાં આવડવી જોઈએ.’

‘એ સંત મહોદય... પહેલાં રમત પૂરી કરો, રમત...’

‘કાળિયા, આ બધાને બૈરાં બનવાની બહુ ચળ ઊપડી છેને કંઈ...’ ભૂપતે કાળુની સામે જોયું, ‘કહું છું કે રમત પૂરી થઈ જશે તો બધાએ નાચવું જ પડશે તોય વગર કારણે વાતને ટૂંકાવવા માગે છે...’

‘વાતુ નહીં... શરત પૂરી કર.’ એક જવાને દલીલ કરી અને બીજા જવાને જોરથી રાડ પાડી, ‘ભીરુ બચાવજે, બધું તારા પર છે.’

સૌ એકઅવાજે બોલ્યા, ‘ભીરુ બચાવજે...’

ભૂપત જોરથી હસ્યો અને પછી જે જગ્યાએ થપ્પો કરવાનો હતો એ જગ્યાએ પહોંચીને જોરથી દીવાલ પર હાથ ફટકાર્યો, ‘સુખદેવસિંહનો પીપળાના ઝાડ પરથી થપ્પો...’

સન્નાટો પ્રસરી ગયો. પીપળાના ઝાડની એક ડાળી થોડી હલી અને હલ્યા પછી ફરીથી શાંત થઈ ગઈ.

‘સુખદેવસિંહ, નીચે આવી જાઓ... તમે પકડાય ગયા છો. નાચવું ન હોય તો વાંધો નહીં, કાળુની માફી માગી લેશો તો ચાલશે, પણ હવે કોઈ કપટ ન કરો.’

ધબાંગ...

સુખદેવસિંહ છલાંગ લગાવીને ઝાડ પરથી નીચે આવ્યો. સુખદેવસિંહનું નીચે આવવું અને કાળુના ચહેરા પર ગિરનાર પર્વત જેવડું સ્મિત આવવું એ કામ લગભગ એકસાથે થયાં. સુખદેવસિંહનો ચહેરો જોઈને કાળુના ચહેરા પર ખુશાલી પ્રસરી ગઈ. તે ઊછળીને ભૂપતને વળગી પડ્યો.

‘તું કમાલ છો યાર...’

‘કમાલ મારી નહીં, કમાલ અનુભવીની વાતોની છે.’

એ રાતે ભૂપતની સાથે સૌ બેઠાં ત્યારે ભૂપતે પેલા જવાનને કેવી રીતે તેણે પકડ્યો એ વાતનો ફોડ પાડ્યો હતો અને સમજાવ્યું પણ હતું.

‘જેવો સુખદેવસિંહ ઝાડ પર ચડી જતો એટલે બનતું એવું કે રાતે ઝાડ પર વિસામો કરતાં પક્ષીઓ બધાં ઊડતાં. ઝાડ પર સુખદેવ જગ્યા બનાવી લે એટલે પેલા પક્ષીઓ પાછાં આવે, પણ એ દરમ્યાન સુખદેવનો હાથ કે પગ હલે એટલે એ બધાં ફરી પાછાં ઊડે... રાતે ન ઊડવું એ પક્ષીઓનો ધર્મ છે, પણ સુખદેવ એ ધર્મ તોડાવતો એટલે એણે ઊડીને ચાડી ખાવાનું કામ કર્યું અને સુખુબાપુ પકડાઈ ગયા.’

………

વષોર્ પહેલાંનો આ અનુભવ એ ઢળતી સાંજે પણ ભૂપતના દિમાગ પર પ્રસરેલો હતો. ભૂપતને ખબર હતી કે સાંજ જેમ ઓસરશે એમ પક્ષીઓ બધાં ઝાડ પર પાછાં આવશે અને એ પાછાં આવશે ત્યારે એના ઘરમાં સંતાઈને બેઠેલા આ બહારવટિયાના ખબર નાછૂટકે એ ફોજદારને પહોંચાડશે. જો એ ખબર ન પહોંચાડવા હોય તો તેણે પક્ષીઓનું એ ઘર ખાલી કરવાનું હતું અને એ ઘર ખાલી કરવાની તક પણ તેને ત્યારે જ મળવાની હતી જ્યારે વાતાવરણ અંધકાર ઓઢી લે.

ભૂપત ઝાડ છોડવાનું નક્કી કરી ચૂક્યો હતો ત્યારે જ બીજલ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને કાળુ પણ લગભગ પહોંચવાની તૈયારીમાં હતો. બીજલ અને કાળુનું ધ્યેય એક જ હતું. ભૂપત અને ભૂપતનું ધ્યેય માત્ર એક હતું.

વેરની વસૂલાત.

(વધુ આવતા રવિવારે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK