વર્લ્ડના સૌથી ઝડપી મેન્ટલ કૅલક્યુલેટર પર જગત ફિદા, પણ ઘરઆંગણે ઉપેક્ષા

Published: Oct 19, 2014, 05:10 IST

૧૩ વર્ષના ગ્રંથ ઠક્કરની ક્ષમતાથી પ્રભાવિત થઈને બીજા દેશો તેને ઑફર-લેટર અને સ્કૉલરશિપ મોકલાવી રહ્યા છે, પણ આપણા દેશમાં ક્યાંય તેની સિદ્ધિનો ઉલ્લેખમાત્ર નથી : વિશ્વની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા જવા માટે વાપીસ્થિત તેના મધ્યમવર્ગના પરિવાર પાસે ફન્ડની અછત હોય છે

ગ્રંથ તેની મમ્મી મિત્તલ અને પિતા રાકેશભાઈ સાથે.(સ્પેશ્યલ સ્ટોરી-રુચિતા શાહ)

વિશ્વના ગણિતક્ષેત્રના તજ્જ્ઞો અને દિગ્ગજો અત્યારે એક નામથી ફફડાટ અનુભવી રહ્યા છે અને એ નામ છે વાપીના ગ્રંથ ઠક્કરનું. ૧૩ વર્ષના આ બાળકે ગણિતને લગતી વિશ્વની ચાર મોટી સ્પર્ધાઓમાં અનેક વર્લ્ડ રેકૉર્ડ તોડ્યા છે. તાજેતરમાં જર્મનીના ડ્રેસ્ડન શહેરમાં યોજાયેલા મેન્ટલ કૅલક્યુલેશન વર્લ્ડ કપ ૨૦૧૪નો તે વિજેતા બન્યો છે. ૧૮ દેશોના ગણિતના ૪૦ વિદ્વાનો આ સ્પર્ધામાં સામેલ થયા હતા. આમ તો વિશ્વના ૧૭૨ દેશોમાંથી લાખોની સંખ્યામાં ઍપ્લિકેશન આવતી હોય છે આ સ્પર્ધા માટે. એમાંથી ૧૮ દેશોના ૪૦ સ્પર્ધકો ફાઇનલ માટે પસંદ થયા હતા જેમાં ગ્રંથ ઠક્કર વિજયી નીવડ્યો હતો અને ભારત વતી વર્લ્ડ કપની ટ્રોફી જીતી લાવ્યો છે. એમાં તેને વર્લ્ડના ફાસ્ટેસ્ટ માઇન્ડ કૅલક્યુલેટરનો ખિતાબ પ્રાપ્ત થયો છે તેમ જ જર્મન સરકાર અને જર્મનીની મેન્ટલ કૅલક્યુલેશન ગવર્નિંગ બોડીએ મળીને ૨૦૧૬માં યોજાનારી ઑલિમ્પિક્સમાં ગ્રંથને ભાગ લેવા માટે સ્કૉલરશિપ આપી છે. એમાં તેની ટ્રાવેલિંગ-કૉસ્ટ અને એ સ્પર્ધાને લગતો અન્ય ખર્ચ તેઓ પૂરો પાડશે. એ ઉપરાંત ગયા મહિને વૈશ્વિક સ્તરે જાણીતી મેમોરાઇડ સ્પર્ધામાં પણ ગ્રંથ ગોલ્ડ મેડલ જીતી લાવ્યો છે. ગ્રંથની આ સિદ્ધિ વિશે યુરોપનાં પચાસથી વધુ અખબારોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે અફસોસની વાત એ છે કે આપણા દેશમાં આ મૅથ્સ-ચૅમ્પિયનને જોઈએ એવું પ્રોત્સાહન મળ્યું નથી. તેની આટલી મોટી સિદ્ધિની આપણા દેશમાં ખાસ નોંધ પણ નથી લેવાઈ.

૨૦૧૩ની પહેલી મેના દિવસે ગુજરાતના સ્થાપનાદિને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રંથની સિદ્ધિઓ એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી હતી.


ગ્રંથની કમાલ

કોઈ પણ સદીના કોઈ પણ વર્ષની સાલ અને તારીખ તમે કહો તો ઘડીની છઠ્ઠી સેકન્ડે ગ્રંથ તમને એ દિવસે કયો વાર હતો એ જણાવી દેશે. તેના રેકૉર્ડ પ્રમાણે એક મિનિટમાં આવી ૬૭ તારીખના વાર તેણે કહી બતાવ્યા છે. એના પરથી તમને તેની સ્પીડનો અંદાજ આવી જ ગયો હશે. એકસાથે સાત આંકડાથી મોટી રકમ હોય તો બોલતાં આપણી જીભ થોથવાઈ જાય, જ્યારે ગ્રંથ એકસાથે ૨૦ આંકડાની રકમનો બીજી ૨૦ આંકડાની રકમ સાથે કૅલક્યુલેટર કરતાં વધુ ઝડપે સરવાળા-બાદબાકી કે ભાગાકાર-ગુણાકાર કરી આપે છે. અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવી જ એક મોટી રકમના ભાગાકાર કરીને પૂણાર઼્કમાં કુલ ૧૬૫ આંકડાઓ સુધી તે લાગલગાટ બોલતો રહ્યો હતો. સાંભળનારા લોકોએ તેને અટકાવવો પડ્યો હતો. એટલે કે કૅલક્યુલેટર જેમ પૉઇન્ટનો ઍક્યુરેટ જવાબ આપે એ જ રીતે ગ્રંથ પણ પૉઇન્ટમાં આવતા આંકડા સાથે આખો જવાબ આપે છે. એ ઉપરાંત એક કલાકમાં કેટલી સેકન્ડ હોય એ ગણવા માટે આપણે કૅલક્યુલેટર લેવું પડે પણ ગ્રંથ એકસાથે ૧૦૦-૧૫૦ વર્ષમાં કુલ દિવસો નહીં પણ કુલ કેટલી સેકન્ડ હોય એ પણ અમુક મિનિટમાં કહી આપે છે. તમારે માત્ર તેને લિમિટ આપવાની કે ૧૯૫૫થી ૨૦૧૪નાં વષોર્માં કુલ કેટલી સેકન્ડ થાય તો તે તમને મિનિટોમાં કહી આપશે. અમુક મિનિટો માટે તેની સામે એકસાથે ૧૫૦-૨૦૦ જેટલી વસ્તુઓ અને એનાં નામ મૂકવામાં આવે અને એ બધું જ તે ગણતરીની પળોમાં યાદ રાખીને કહી શકે છે. આ અને આવી સેંકડો મૅથેમૅટિકલ અને મેમરીની ખૂબીઓને કારણે વિશ્વકક્ષાની સૌથી સ્ટિÿક્ટ કહી શકાય એવી મૅથેમૅટિક્સને લગતી સ્પર્ધાઓમાં ગ્રંથ ભારતનું નામ રોશન કરી રહ્યો છે.

ટ્રેઇનિંગ અને પ્રૅક્ટિસ

ગ્રંથ ઠક્કર ભણવામાં પહેલાં ખૂબ જ વીક હતો. એકાગ્રતા અને યાદશક્તિ વધારવા માટે તેના પપ્પાએ તેને જિનીયસ કિડ્સ નામના વાપીના ટ્રેઇનિંગ સેન્ટરમાં મોકલ્યો. છેલ્લાં ૬ વર્ષથી કોઈ પણ જાતની ફી વિના તેને અહીં ટ્રેઇનિંગ આપવામાં આવે છે. પોતાની સિદ્ધિઓ વિશે ગ્રંથ મિડ-ડેને કહે છે,  હું નાનપણમાં ખૂબ તોફાની હતો એટલે જ કદાચ મમ્મી-પપ્પાએ મને ગણિતમાં પાવરફુલ બનાવવા માટે જિનીયસ કિડ્સમાં ટ્રેઇનિંગ માટે મોકલ્યો હતો. મોસ્ટ્લી સ્કૂલમાં સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકારને જ આપણે ગણિત માનતા હોઈએ છીએ; પણ અહીં મેં ગણિતને જુદા દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું. પુષ્કળ પ્રૅક્ટિસથી ધીમે-ધીમે ફૉમ્યુર્લાને અપ્લાય કરવાની સ્પીડ વધારી દીધી. મારે મોટા થઈને અવકાશયાત્રી બનવું છે. બેશક હજી તો મારે ઘણા રેકૉર્ડ સર કરવાના છે.

ફન્ડનો અભાવ

ગ્રંથના પપ્પા રાકેશ ઠક્કર વાપીની મ્યુનિસિપાલિટીમાં ક્લર્ક છે અને મમ્મી મિત્તલ ઠક્કર ઘરે બ્યુટિશ્યનનું કામ કરે છે. અતિશય મધ્યમવર્ગીય પરિવાર હોવાથી વિદેશમાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે થતા ખર્ચને પહોંચી વળવું તેમને માટે શક્ય નથી. ૨૦૧૩માં અંતાલિયોમાં, એ પછી ટર્કીમાં અને જપાન વર્લ્ડ કપમાં ભાગ લેવા ગયેલા ગ્રંથ ઠક્કરને ટ્રાવેલિંગ ખર્ચમાં તેના ટ્રેઇનિંગ સેન્ટર દ્વારા સારીએવી મદદ મળી હતી. એ ઉપરાંત તેના પપ્પાએ માથે દેવું કરીને પણ તેને આગળ વધવા માટે અને દેશનું નામ રોશન કરવા માટે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા મોકલ્યો હતો. જોકે દયનીય વાત એ છે કે આટલી નાની ઉંમરે દુનિયાભરમાં દેશનો ડંકો વગાડી રહેલા ગ્રંથને દેશ તરફથી કે બીજી કોઈ સંસ્થા તરફથી અનુદાન દ્વારા કોઈ આર્થિક સહાય નથી મળી. આ સંદર્ભે તેના પપ્પા કહે છે, મહેનત આપણે કરાવી શકીએ. ગ્રંથ પણ દરરોજ ૮થી ૧૨ કલાક પ્રૅક્ટિસ કરે છે. તેની ટ્રેઇનિંગ સેન્ટરના કોચ પીટર નોરોન્હા અને ગ્વેન્લિન નોરોન્હા દિવસરાત મહેનત કરી રહ્યા છે, પરંતુ અમને ફન્ડનો અભાવ સતત નડી રહ્યો છે. બીજા દેશો દ્વારા આ પ્રકારનું જિનીયસ મગજ ધરાવતાં બાળકોને સરકાર તરફથી ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે, પરંતુ આપણા દેશમાં એનો અભાવ છે.

કોચની હતાશા

ગ્રંથ જેવાં કેટલાંય અલભ્ય પ્રતિભા ધરાવતાં બાળકો છે જેઓ ખરેખર દેશને દુનિયામાં સૌથી અગ્રેસર બનાવી રહ્યાં છે. તો શા માટે તેમની તરફ સરકારનું વલણ ઉદાસીન છે? એ દિશામાં પોતાનો રોષ પ્રગટ કરતાં ગ્રંથના કોચ ગ્વેન્લિન નોરોન્હા કહે છે, આપણી પાસેથી લેવાતા ૧૨.૩૬ ટકાના સર્વિસ-ટૅક્સમાંથી ૦.૩૬ એજ્યુકેશન સેસ રૂપે લેવામાં આવે છે, પણ એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એનો જવાબ કેમ ક્યારેય આમ જનતાને નથી મળતો. આપણે ત્યાં સ્પોર્ટ્સમાં માત્ર ક્રિકેટને જ શા માટે પ્રાધાન્ય અપાવું જોઈએ? શું સરકારને આવી કોઈ ગેમ વિશે ખબર જ નથી અને તો પછી સરકારી યંત્રણાનો હિસ્સો બનેલો સ્પોર્ટ્સ-વિભાગ શા માટે હોવો જોઈએ? આપણાં બાળકોથી પ્રભાવિત થઈને વિદેશી દેશો તેમને પોતાના નાગરિક બનાવીને આગળ વધવા માટે બધી જ સુવિધા આપવા તૈયાર છે, પરંતુ તેમની શરત હોય છે કે તેઓ પછી તેમના દેશ વતી રમે. આપણાં આવાં અનેક બાળકો આ ઑફરોનો સ્વીકાર કરીને વિદેશમાં સ્થાયી થયાં છે. ગ્રંથને પણ ઑફર-લેટર આવ્યો છે, પરંતુ તેને આપણે કઈ રીતે બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારવા દઈ શકીએ જ્યારે તે આપણા દેશનું ગૌરવ છે. શા માટે સરકાર કે કોઈ શૈક્ષણિક સંસ્થાઓ આવાં બાળકોની વહારે ન આવી શકે? માત્ર પૈસાના અભાવે વૈશ્વિક સ્તરે નામ રોશન કરી શકવાની ક્ષમતા ધરાવતાં બાળકો પાછળ ન રહી જાય એ જોવાની જવાબદારી આપણી નથી?

અગણિત સિદ્ધિઓ

સૌપ્રથમ વાર ૨૦૧૨માં મૅથેમૅટિકલ ઑલિમ્પિક્સમાં ભાગ લેનારો ગ્રંથ ઠક્કર કુલ ૮ મેડલ જીત્યો હતો. વિશ્વભરમાં ઓપન કૅટેગરીમાં કુલ ૪ વર્લ્ડ કપ જીતનારો તે એકમાત્ર ચૅમ્પિયન છે. ૨૦ આંકડાની રકમનો બીજી ૨૦ આંકડાની રકમ સાથે સૌથી ઓછા સમયમાં એટલે કે બે મિનિટ અને ૪૮ સેકન્ડમાં ગુણાકાર કરવાનો ૧૫૨ વર્ષ જૂનો વિશ્વરેકૉર્ડ તેણે તોડી બતાવ્યો છે. કુલ ૧૧ ગિનેસ વર્લ્ડ રેકૉડ્ર્સ તેણે બનાવ્યા છે. તે જુનિયર વર્લ્ડ કપ વિનર બન્યો છે. એ ઉપરાંત રુબિક ક્યુબમાં ટૉપ ૧૦૦માં આવે છે. ગ્રંથ બહુ સારો ચેસ-પ્લેયર છે. ભણવામાં સ્કૂલમાં પ્રથમ આવે છે. ગણિતવિશ્વમાં ચૅમ્પિયન ગણાયેલા અને હ્યુમન કમ્પ્યુટર તરીકે જાણીતાં બૅન્ગલોરનાં શકુંતલાદેવી પણ આટલા રેકૉર્ડ નહોતાં બનાવી શક્યાં. સ્પેનના પ્રોફેસર આલ્બટોર્ કુટોનો સરવાળાનો રેકૉર્ડ તેણે તોડ્યો છે. ટર્કીના પ્રોફેસર હકન ગોર્બાટલરનો સ્ક્વેરરૂટનો રેકૉર્ડ તેણે તોડ્યો છે તેમ જ જૅપનીઝ પ્રોફેસર નાઓફુમી ઓજાસવારાનો રેકૉર્ડ પણ તોડ્યો છે. આ બધા લોકો ગણિતના વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડરો છે અને તેમની ઉંમર ગ્રંથ કરતાં ત્રણગણી છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK