Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > અમેરિકા પર સૅન્ડી વાવાઝોડું ત્રાટક્યું એ માટે જવાબદાર ઓશન વૉર્મિંગ એટલે શું?

અમેરિકા પર સૅન્ડી વાવાઝોડું ત્રાટક્યું એ માટે જવાબદાર ઓશન વૉર્મિંગ એટલે શું?

17 November, 2012 05:42 PM IST |

અમેરિકા પર સૅન્ડી વાવાઝોડું ત્રાટક્યું એ માટે જવાબદાર ઓશન વૉર્મિંગ એટલે શું?

અમેરિકા પર સૅન્ડી વાવાઝોડું ત્રાટક્યું એ માટે જવાબદાર ઓશન વૉર્મિંગ એટલે શું?




સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ

થોડા સમય પહેલાં અમેરિકા પર સૅન્ડી નામના વાવાઝોડાનો મહાકોપ ઊતર્યો હતો. ૧૩૦થી ૧૪૦ કિલોમીટરની પ્રચંડ ઝડપે ફૂંકાયેલા હરિકેન સૅન્ડીએ ચારે બાજુ મહાવિનાશ વેર્યો. ૧૦૦ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં અને અબજો ડૉલરની સંપત્તિનું ભારે નુકસાન પણ થયું. આમ તો હરિકેન સૅન્ડી છેક કૅરિબિયન ટાપુઓ પરથી ગોળ-ગોળ ઘૂમતું-ઘૂમતું અમેરિકા સુધી આવ્યું હતું. જોકે ભારત સહિત વિશ્વભરના નિષ્ણાત હવામાનશાસ્ત્રીઓના મત મુજબ અમેરિકાને ધમરોળી નાખનારું સૅન્ડી આટલું બધું શા માટે જીવલેણ અને ખતરનાક બન્યું એનાં પરિબળો જાણવા જેવાં છે. આમ તો ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઇમેટ-ચેન્જ જેવાં પરિબળોને કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર ઊલટું-સૂલટું થઈ જ રહ્યું છે. આમ છતાં સૅન્ડી માટેનું ખરું પરિબળ ઓશન વૉર્મિંગ છે એવો ઓપિનિયન સ્પષ્ટ થયો છે એટલું ચોક્કસ.

આ ઓશન વૉર્મિંગ એટલે શું? સમુદ્રનું પાણી ગરમ થવું એટલે શું? દરિયાની સપાટી ગરમ થવાનાં કારણો કયાં હોઈ શકે? સમુદ્રની સપાટી ગરમ થાય એને સાઇક્લૉન સાથે વળી કઈ રીતે સંબંધ હોઈ શકે? આવા સવાલો સામાન્ય માનવીને થાય એ સહજ સ્વાભાવિક પણ છે.

ભારત સહિત જગતભરના અનુભવી અને અભ્યાસી હવામાનશાસ્ત્રીઓ છેલ્લા ઘણા સમયથી દુનિયાની તમામ ગવર્નમેન્ટ્સને ગંભીર ચેતવણી આપી રહ્યા છે કે તમારા દેશમાં જે ભારે ઉદ્યોગો અને કેમિકલ્સનાં કારખાનાં છે એમાંથી તથા વાહનોમાંથી જે ખતરનાક પૉલ્યુશન બહાર ફેંકાય છે એના પર નિયંત્રણ રાખો. ઇન્ડસ્ટ્રીઝ, ફૅક્ટરીઝ અને વેહિકલ્સમાંથી કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા આરોગ્યને હાનિકારક વાયુઓ આકાશમાં એટલે કે વાતાવરણમાં સતત ફેંકાય છે. એટલું જ નહીં, ભારત સહિત વિશ્વભરના દેશોના લોકોનાં ઘરોમાં ફ્રિજ પણ છે જેની સંખ્યા કરોડો-અબજોમાં છે. ફ્રિજમાંનું વાતાવરણ ઠંડુંગાર હોવાથી એમાં મૂકેલાં દૂધ, દહીં અને શાકભાજી વગેરે તાજાં અને ચોખ્ખાં રહે એ ફાયદો ખરો; પરંતુ મહાગેરફાયદો પણ સાથે જ આવે છે. આ મોટો ગેરફાયદો એટલે ફ્રિજની કૂલિંગ સિસ્ટમ માટે વપરાતું ક્લોરોફ્લોરો કાર્બન (સી.એફ.સી.). આ સી.એફ.સી. કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ કરતાં પણ સમગ્ર જીવસૃષ્ટિના આરોગ્ય માટે વધુ ખતરનાક ગણાય છે. નરી આંખે ન દેખાતો આ વાયુરૂપી દુશ્મન વિશાળ વાતાવરણને અત્યંત પ્રદૂષિત કરી નાખે અને અનેક રોગને સુધ્ધાં નોંતરે.

આ બધા પ્રદૂષિત ગૅસનાં વાદળાંઓ છેવટે તો આકાશના નજીકના વાતાવરણના પટ્ટામાં ઉપર ચડી જાય અને ત્યાં ગોળ-ગોળ ઘૂમતાં રહે. ગગનનો નજીકના વાતાવરણનો પટ્ટો એટલે ૧૫થી ૫૦ કિલોમીટરનો હિસ્સો. દુનિયાભરના આકાશ પર ઝળૂંબી રહેલા ઝેરી પૉલ્યુશનના આ વિરાટ વાદળાંઓમાંની ગરમીની અસર છેવટે તો પૃથ્વીના પટ પરનાં મહાસાગરોની સપાટી પર પણ થાય એ સ્વાભાવિક છે.

આ ઉપરાંત સૂર્યની ગતિની અસર પણ સમુદ્રની સપાટી પર થાય. સૂર્ય છ મહિના પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં અને છ મહિના દક્ષિણ ગોળાર્ધમાં રહે. અત્યારે સૂર્ય પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ગતિ કરી રહ્યો હોવાથી ઉત્તર ગોળાર્ધમાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધશે અને દક્ષિણ ગોળાર્ધમાં ગરમી વધશે. વળી એ ઉત્તર ગોળાર્ધમાં જશે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઠંડી વધશે અને ઉત્તર ગોળાર્ધમાં ગરમી વધશે. જોકે આ કુદરતી ફેરફાર સાથે સમગ્ર વિશ્વમાં ગ્રીન હાઉસ ઇફેક્ટનું ફૅક્ટર પણ ગંભીર રીતે કાર્ય કરી રહ્યું છે. આ બન્ને ફેરફાર વિરોધાભાસી હોવાથી એની વિપરીત અસર પૃથ્વીના સમગ્ર વાતાવરણ પર પડે એ સ્વાભાવિક છે. એટલે સૂરજની ગરમીને કારણે દરિયાની સપાટી ગરમ થાય અને પરિણામે ગરમ વરાળનો વિપુલ જથ્થો વાયુમંડળમાં જમા થઈ જાય. સરવાળે ઉપરનું વાયુમંડળ પણ ગરમ બની જાય. પરિણામે સમુદ્રની સપાટી અને ઉપરના વાતાવરણ વચ્ચેનો પટ્ટો ખાલી થઈ જાય અને એમાં આજુબાજુના ઠંડા પવનો તીવ્ર ગતિથી ધસી આવે. આવી અતિ વિચિત્ર કહી શકાય એવી પરિસ્થિતિને કારણે સાઇક્લૉનનું કુદરતી જોખમ સર્જાય. પવનની ગતિ વધે અને દરિયો તોફાને ચડે. સાગરનાં પ્રચંડ મોજાં ઊછળે. આવી જોખમી પરિસ્થિતિને કારણે સમુદ્રનાં વિકરાળ મોજાં કિનારાના નીચાણવાળા વિસ્તારો પર ફરી વળે અને ચારે તરફ તબાહી સર્જે.

અમેરિકા પર હજી હમણાં જ ફૂંકાયેલું સૅન્ડી હરિકેન પ્રકારનું હતું. વળી વિશ્વભરના હવામાનશાસ્ત્રીઓએ પણ સૅન્ડી માટે ઓશન વૉર્મિંગનું ફૅક્ટર મહત્વનું ગણ્યું છે. હા, ઓશન વૉર્મિંગની પરિસ્થિતિના સંશોધન અને અભ્યાસમાં એક મહત્વની બાબત એ જાણવા મળી છે કે સમગ્ર વિશ્વના દરિયાની સપાટી જરૂર ગરમ થઈ રહી છે, પરંતુ એના નીચેના પ્રવાહોનું ટેમ્પરેચર પ્રમાણમાં ટાઢું રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2012 05:42 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK