Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ૧૯૮૯ અને ૨૦૧૪ વચ્ચે કાર્યકારણ ભાવનો સંબંધ છે

૧૯૮૯ અને ૨૦૧૪ વચ્ચે કાર્યકારણ ભાવનો સંબંધ છે

16 November, 2014 07:39 AM IST |

૧૯૮૯ અને ૨૦૧૪ વચ્ચે કાર્યકારણ ભાવનો સંબંધ છે

૧૯૮૯ અને ૨૦૧૪ વચ્ચે કાર્યકારણ ભાવનો સંબંધ છે





નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

૧૯૮૯ના નવેમ્બર મહિનામાં જવાહરલાલ નેહરુની શતાબ્દી ઊજવાઈ હતી અને એ જ મહિનામાં જર્મનીમાં બર્લિનની દીવાલને લોકોએ તોડી પાડી હતી અને યુરોપમાં સામ્યવાદનું પતન થયું હતું. એ સમયે કેટલાક લોકોએ મૂડીવાદના વિજયની ઘોષણા કરી હતી અને મૂડીવાદને ખુલ્લા સમાજનો પર્યાય ગણાવીને ઓપન સોસાયટીના વિજય તરીકે સામ્યવાદના પતનને ઓળખાવ્યું હતું. ૧૯૮૯ના નવેમ્બર મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કૉન્ગ્રેસના પતનનો પ્રારંભ થયો હતો અને હિન્દુ કોમવાદી વિચારધારા ધરાવનારી ભારતીય જનતા પાર્ટીના ઉદયનો આરંભ થયો હતો. એ વર્ષમાં ચીનમાં ટીયનાનમૅન સ્ક્વેર ખાતે લોકતંત્ર માટે પ્રચંડ આદોલન થયું હતું જેને ચીની સત્તાવાળાઓએ કચડી નાખ્યું હતું. ૧૯૮૯માં સામ્યવાદી રશિયાએ અફઘાનિસ્તાન પરનો કબજો છોડ્યો હતો અને એ સાથે અફઘાનિસ્તાનને બચાવવા અમેરિકાની સહાય સાથે રશિયા સામે લડનારા મુજાહિદો નવરા પડ્યા હતા. ૧૯૮૯માં સોવિયેટ રશિયા એના અસ્તિત્વના છેલ્લા શ્વાસ લઈ રહ્યું હતું અને બે મહાસત્તાઓ તેમ જ બે વિચારધારાઓ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો હતો.

૧૯૮૯ અને ૨૦૧૪ વચ્ચે કાર્યકારણ ભાવનો સંબંધ છે. કઈ રીતે એ જોઈએ.

અત્યારે જવાહરલાલ નેહરુની સવાસોમી જન્મજયંતી ઊજવાઈ રહી છે ત્યારે નેહરુની કલ્પનાના ભારત સામે પડકારો પેદા થઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધાને સાથે લઈને ચાલનારા સર્વસમાવેશક (ઇન્ક્લુઝિવ) ભારત જવાહરલાલ નેહરુનો વારસો છે. કોઈ પણ પ્રકારની શરત વિનાનો નરવો રાષ્ટ્રવાદ નેહરુનો વારસો છે. મૂળભૂત માનવીય મૂલ્યો માટેની અંગત તો ખરી જ, પણ શાસકીય પ્રતિબદ્ધતા નેહરુનો વારસો છે. એ માટેની લોકતાંત્રિક સંસ્થાઓનું મજબૂતીકરણ નેહરુનો વારસો છે. દેશની પ્રજામાં વૈજ્ઞાનિક મિજાજ (સાયન્ટિફિક ટેમ્પર) વિકસે અને ભારતનો નાગરિક પરંપરાપરસ્ત બનવાની જગ્યાએ બુદ્ધિપરસ્ત બને એ માટેની જહેમત નેહરુનો વારસો છે. IIT, ISRO, BARC, AIIMS, IIM જેવી આધુનિક સંસ્થાઓ નેહરુનો વારસો છે. વિશ્વ રાજકારણનું ભારત નૈતિક નેતૃત્વ (મૉરલ લીડરશિપ) કરે એ નેહરુનો વારસો છે.

આજે આ વારસા સામે પડકારો પેદા થઈ રહ્યા છે. જે લોકો સર્વસમાવેશકતામાં માનતા નથી, જેમનો રાષ્ટ્રવાદ પક્ષપાતી અને શરતી છે એવા લોકો પ્રજાકીય માન્યતા મેળવી રહ્યા છે અને સંપૂર્ણ બહુમતી સાથે સત્તા સુધી પહોંચ્યા છે. આજે એક એવી વિચારધારા માન્યતા મેળવી રહી છે જે પરંપરાપરસ્ત છે, બુદ્ધિપરસ્ત નથી. નેહરુની કલ્પનાનું ભારત (આજની પારિભાષિક ફૅશનમાં આઇડિયા ઑફ ઇન્ડિયા) હાંસિયામાં ધકેલાય અને દીનાનાથ બાત્રા નામના કોઈ અલૌકિક પુરુષની કલ્પનાનું ભારત કેન્દ્રમાં આવે એને એક પ્રજા તરીકે આપણું આરોહણ થયું કહેવાય કે અવરોહણ એ વાચકે નક્કી કરવાનું છે.

૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને લોકસભાની ૫૩૩ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો મળી હતી અને ભારતીય જનતા પાર્ટીને માત્ર બે બેઠક મળી હતી. કૉન્ગ્રેસને ત્યારે કુલ થયેલા મતદાનમાંથી ૪૯.૧૦ ટકા મત મળ્યા હતા, જ્યારે BJPને માત્ર ૭.૭૪ ટકા મત મળ્યા હતા. તેલગુ દેસમ પાર્ટીને મળેલી ૩૦ બેઠકો છોડીને બીજા કોઈ પક્ષને બે આંકડામાં બેઠકો નહોતી મળી. માત્ર પાંચ વર્ષમાં સ્થિતિ બદલાવા લાગી હતી અને કૉન્ગ્રેસનાં વળતાં પાણી અને BJPનાં ચડતાં પાણી શરૂ થયાં હતાં. આ વળતાં અને ચડતાં પાણીનું કારણ હિન્દુઓમાં કૉન્ગ્રેસ વિશે વિકસેલી સાચી-ખોટી સમજ છે. શાહબાનોના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને રાજીવ ગાંધીની સરકારે કાયદો સુધારીને ઊલટાવ્યો એ પછી હિન્દુઓની કૉન્ગ્રેસ વિશેની સમજ દૃઢ થઈ હતી કે કૉન્ગ્રેસનું સેક્યુલરિઝમ પક્ષપાતી છે, એ મુસલમાનોની તરફેણ કરે છે અને હિન્દુઓને અન્યાય કરનારું છે. વાસ્તવમાં કૉન્ગ્રેસના સેક્યુલરિઝમે મુસલમાનોને કોઈ ફાયદો કરાવ્યો નથી, ઊલટું નુકસાન કર્યું છે. શાહબાનો કેસમાં સરકારે પીછેહઠ કરીને સાધારણ મુસ્લિમ સ્ત્રીને અન્યાય કર્યો હતો એ એનું પ્રમાણ છે. જે ફાયદો થયો હશે એ મૌલાનાઓને અને મુસલમાનોના દકિયાનુસ નેતાઓને થયો હશે, પ્રજાને નહીં. લોકસમજ જ્યારે વ્યાપક બને છે ત્યારે સત્ય કાને પડતું નથી અને આવી લોકસમજ પેદા થવા માટે મુખ્યત્વે કૉન્ગ્રેસ જ જવાબદાર છે. ૧૯૮૯માં ચૂંટણી યોજાઈ એ પહેલાં ૪૦૪ બેઠકો ધરાવતો પક્ષ આજે નીચે ઊતરીને ૪૪ બેઠકે પહોંચી ગયો છે. 

વિશ્વમાં સામ્યવાદી શાસનના પતનને ૨૫ વર્ષ થયાં છે અને આ ૨૫ વર્ષ દરમ્યાન કોઈ દેશમાં સામ્યવાદી પક્ષ પુનર્જી‍વિત થયો નથી કે સામ્યવાદી વિચારધારા નવાં કલેવર ધારણ કરીને પાછી ચર્ચામાં આવી નથી. સામ્યવાદી વિચારધારા મૃત અવસ્થામાં પણ નથી, ચેતન અવસ્થામાં પણ નથી અને સુષુપ્ત અવસ્થામાં પણ નથી. સામ્યવાદી વિચારધારાએ પ્રાસંગિકતા ગુમાવી દીધી છે અને એ હવે ક્યારેય પ્રાસંગિક બની શકે એમ નથી એવું ખાતરીથી કહેવું મુશ્કેલ છે. એટલું નક્કી છે કે જે દેશોમાં સામ્યવાદી રાજવટ હતી એમાંના કોઈ દેશની કોઈ પ્રજા જૂના સામ્યવાદી દિવસોને યાદ કરીને અતીતરાગ આલાપતી નથી, પણ હજી આજે પણ છુટકારાનો અનુભવ કરે છે. આ ૨૫ વર્ષ દરમ્યાન ચીને વિરોધાભાસી અને અતાર્કિક ઢાંચો જાળવી રાખ્યો છે અને એ એકંદરે વધારે મજબૂત થયો છે. ચીન રાજકીય રીતે સામ્યવાદી દેશ છે અને આર્થિક રીતે મૂડીવાદી દેશ છે. મૂળમાં તો સામ્યવાદને અને મૂડીવાદને પરસ્પરવિરોધી વિચારધારા ગણવામાં આવતી હતી. ચીને આ બે વિચારધારાને પરસ્પરપૂરક બનાવીને જગતને મૂંઝવણમાં મૂકી દીધું છે. ઝડપી આર્થિક વિકાસ માટે અંકુશરહિત ખુલ્લો સમાજ જરૂરી છે એવી મૂડીવાદી વિચારધારાને ચીને ખોટી પાડી છે. ઊલટું ચીને બતાવી આપ્યું છે કે ઝડપી વિકાસ સાધવો હોય તો મુક્ત સમાજ કરતાં અંકુશિત સમાજ વધારે ઉપયોગી સાબિત થાય છે. આ મૉડલ દ્વારા ચીનનો આર્થિક વિકાસ આજે એની ચરમસીમાએ છે અને ચીન આર્થિક મહાસત્તા બની ગયું છે. ૨૫ વર્ષ પહેલાં ખુલ્લા સમાજના થયેલા વિજય માટે ગેલમાં આવી ગયેલા દેશોમાં આજે ઝડપી વિકાસ માટે થોડુંક ઓછું લોકતંત્ર હશે તો ચાલશે એવી લેસ ડેમોક્રસીનું માનસ વિકસી રહ્યું છે.

આ ૨૫ વર્ષ દરમ્યાન અમેરિકાના પ્રભુત્વનો અંત આવ્યો છે અને ૧૯૮૯માં વિજયી જાહેર કરવામાં આવેલા મૂડીવાદ સામે આજે ૨૫ વર્ષ પછી બીજા કોઈએ નહીં પણ મૂડીવાદે જ અસ્તિત્વનું સંકટ પેદા કર્યું છે. ૧૯૮૯માં સામ્યવાદ સામે અસ્તિત્વનું જેવડું સંકટ પેદા થયું હતું એવડું જ મોટું સંકટ આજે મૂડીવાદ સામે છે. મૂડીવાદ અકરાંતિયા ઉપભોક્તાવાદમાં ફેરવાઈ ગયો છે જેમાં વિકાસનો અર્થ ઉપભોગ કરવાની ક્ષમતા કરવામાં આવે છે. ઝડપી વિકાસ માટે રાજ્યે પોતાને સંકોરવાનું શરૂ કર્યું હતું એનું આજે પરિણામ એ આવ્યું છે કે કૉર્પોરેટ કંપનીઓ રાજ્યને હાઇજૅક કરી રહી છે અને સામાન્ય માણસ નોંધારો થઈ ગયો છે. ૧૯૮૯ પહેલાં રાજ્ય છેલ્લા માણસના પડખે ઊભું હતું જે હવે ધનપતિઓના પડખે ઊભું છે. ૧૯૮૯ પછીથી જેટલી સંપત્તિ સર્જા‍ઈ છે એમાંથી અડધાથી વધુ સંપત્તિ મુઠ્ઠીભર શ્રીમંતોના હાથમાં જમા થયેલી છે.  

૧૯૮૯માં મૂડીવાદના વિજય સાથે વિશ્વમાં વૈશ્વીકરણ (ગ્લોબલાઇઝેશન)નો યુગ શરૂ થયો હતો. વૈશ્વીકરણના બે પ્રકાર છે : એક આર્થિક છે અને બીજો સામાજિક છે. સંપત્તિના વધુ અને ઝડપી સર્જન માટે વિશ્વદેશોએ સરહદો ખોલી નાખવી જોઈએ એ આર્થિક પ્રકારનું વૈશ્વીકરણ થયું. વિશ્વ નજીક આવે ત્યારે જે-તે દેશની સરહદો સાથે જોડાયેલી રાષ્ટ્રવાદી કે પ્રાદેશિક સંકુચિતતા છોડી દેવી જોઈએ એ બીજા પ્રકારનું સામાજિક વૈશ્વીકરણ થયું. ૧૯૮૯ પછીનાં આ ૨૫ વર્ષમાં વિશ્વદેશો આર્થિક વિકાસ માટે એટલે કે વેપાર-વાણિજ્ય માટે સરહદો ખોલી રહ્યા છે, પણ રાષ્ટ્રવાદી ગ્રંથિઓ અને પૂર્વગ્રહોથી મુક્ત થઈ શકતા નથી. બહારના માણસો પોતાને ત્યાં આવે એનો પ્રતિકાર થઈ રહ્યો છે. બહારના માણસો આપણા કરતાં આગળ નીકળી જાય તો હિંસા કરવામાં આવી રહી છે. આજે વૈશ્વીકરણના યુગમાં વિશ્વની સૌથી મોટી સમસ્યા બહુસાંસ્કૃતિક સહઅસ્તિત્વની છે. આમ છેલ્લાં ૨૫ વર્ષમાં જે કંઈ વૈશ્વીકરણ થયું છે એ એકપક્ષીય અને અધૂરું છે.

૧૯૮૯માં પૂરું થયેલું મુજાહિદોનું યુદ્ધ આજે ૨૫ વર્ષ પછી ખલીફાના ઇસ્લામિક રાજ્ય માટેના યુદ્ધમાં પરિણમ્યું છે. ૧૯૭૮માં સોવિયેટ રશિયાએ અફઘાનિસ્તાનમાં પોતાના સૈનિકો મોકલીને અફઘાનિસ્તાનનો કબજો કર્યો હતો. શીતયુગના એ દિવસોમાં રશિયાના વિસ્તારવાદ સામે અમેરિકાને વાંધો હતો. અમેરિકાએ રશિયન કબજા સામે લડતા અફઘાનોને શસ્ત્રો અને પૈસાથી મદદ કરી હતી. અમેરિકાએ બીજા મુસ્લિમ દેશો રશિયા સામેના યુદ્ધમાં જોડાય એ માટે ઇસ્લામનો ઉપયોગ કર્યો હતો. વિશ્વના મુસ્લિમ દેશોનું રાજકારણ સહિયારું છે એવા પાન-ઇસ્લામીઝમનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાંથી મુસ્લિમ યુવકોને અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવ્યા હતા અને તેમને પાન-ઇસ્લામીઝમ અને ધર્મયુદ્ધ (જેહાદ)નું અફીણ પીવડાવવામાં આવ્યું હતું. અંતે ૧૯૮૯માં રશિયા ખસી ગયું અને અફઘાનિસ્તાન મુક્ત થયું, પણ પેલા મુજાહિદોએ જગત આખાના મુસલમાનોના સહિયારા રાજકારણ અને સહિયારી અભિલાષાને ત્યાં સુધી વિસ્તારી છે કે હવે તેઓ જગતભરના મુસલમાનો માટે એક ઇસ્લામિક રાજ્ય ઇચ્છે છે. આનો અર્થ એ થયો કે તેઓ આધુનિક રાજ્યવ્યવસ્થાને નકારે છે અને એનો કબજો લેવા માગે છે. આધુનિક યુગમાં ધર્મના નામે જેટલી હિંસા આ ૨૫ વર્ષમાં થઈ છે એટલી એ પહેલાં ક્યારેય નથી થઈ.

તો આ છે ૧૯૮૯થી ૨૦૧૪નાં ૨૫ વર્ષનો કાલખંડ જેમાં આગળ કહ્યું એમ કાર્યકારણ ભાવનો સંબંધ છે. ૧૯૮૯નું વર્ષ અનેક અર્થમાં નિર્ણાયક વર્ષ હતું અને ૨૦૧૪ એનું પરિણામ ભોગવી રહ્યું છે. સમાજમાં અનેક પરિબળો એકસાથે અને એકબીજાની વિરુદ્ધ કામ કરતાં હોય છે. એમાંનાં કેટલાંક પરિબળો આપણી દ્રષ્ટિએ સમાજહિતમાં હોય છે અને કેટલાંક સમાજના હિતમાં હોતાં નથી. કેટલાંક પરિબળો આપણને ગમે છે તો કેટલાંક આપણને ગમતાં નથી. કેટલાંક પરિબળો સમજાય છે તો કેટલાંક ઝટ સમજાતાં નથી. આપણા ગમાઅણગમાથી સમાજની ચાલ બદલાતી નથી. સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે બને એટલી તટસ્થતાથી એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2014 07:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK