આ ઝવેરી માટે સંગીત જ રિયલ ઝવેરાત છે

Published: 16th November, 2014 07:22 IST

ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીની છઠ્ઠી પેઢીના નિશ્ચલ ઝવેરી માટે મ્યુઝિક પૅશન કરતાં પણ અધિક છે અને પોતાના શોખનું સંવર્ધન તે અનોખી રીતે કરી રહ્યો છેગુજરાતીની પૅશનપંતી - કૃપા પંડ્યા

મ્યુઝિકનાં પૅશન અને પ્રેમ નિશ્ચલ ઝવેરીને દિલ્હીથી મુંબઈ ખેંચી લાવ્યાં. નિશ્ચલ ખ્યાતનામ ઝવેરી ત્રિભોવનદાસ ભીમજીની છઠ્ઠી પેઢી છે. તેમના પરિવારમાંથી કોઈ પણ પોતાનો બિઝનેસ છોડીને બહાર નથી ગયું. નિશ્ચલ પહેલો છે જેણે પોતાનો પારંપરિક બિઝનેસ છોડીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. નિશ્ચલે ૬ વર્ષની ઉંમરથી તેના ગુરુ વાચસ્પતિ મિશ્રાના હાથ નીચે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. મ્યુઝિકની તેની અત્યાર સુધીની સફરમાં તેના દાદા કિશોર ઝવેરીનો સૌથી મોટો હાથ છે. જ્યારે તેના દાદાએ તેને તબલાં આપ્યાં ત્યારે એ કેવી રીતે વગાડવાં અને એની સાથે શું કરવું એની પણ તેને ખબર નહોતી, પણ હવે ૨૪ વર્ષના નિશ્ચલને મ્યુઝિકની એટલી જાણકારી આવી ગઈ છે કે તેણે પોતાનો મ્યુઝિક-સ્ટુડિયો ખોલ્યો છે જ્યાં બહારના મ્યુઝિક-ડિરેક્ટરો અને સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ આવીને ફિલ્મો અને આલબમોનું મિક્સિંગ કરે છે.

જીવનમાં આવ્યો નવો વળાંક

નિશ્ચલ ઝવેરીએ પહેલેથી નક્કી કર્યું હતું કે તે એન્જિનિયરિંગ કરીને MBA કરશે અને પછી બિઝનેસ જૉઇન કરશે. નિશ્ચલ સન્ડે-સરતાજને કહે છે, ‘મેં વિચાર્યું જ હતું કે હું સાયન્સ લઈશ એના પછી એન્જિનિયરિંગ કરીશ અને પછી MBA કરીને બિઝનેસ કે પછી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈશ. એ માટે હું અમેરિકામાં વર્જિનિયા પૉલિટેક્નિક સ્કૂલમાંથી ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ કરવા અમેરિકા પણ ગયો હતો. ત્યાં બે વર્ષ સુધી મેં કેવળ ભણવા પર જ ધ્યાન આપ્યું.’

નિશ્ચલે હજી બે વર્ષ ભણવા પર જ ધ્યાન આપ્યું હોત, જો તેને એક શોમાં કીબોર્ડ વગાડવાની ઑફર ન મળી હોત. નિશ્ચલ કહે છે, ‘મેં અમેરિકા જઈને બે વર્ષ સુધી તો કેવળ ભણવામાં જ ધ્યાન આપ્યું. બે વર્ષ સુધી મ્યુઝિકને હાથ પણ નહોતો લગાડ્યો, પણ એ જ અરસામાં મને એક શો માટે કીબોર્ડ વગાડવાની ઑફર મળી અને મેં એ ઑૅફર સ્વીકારી લીધી અને ત્યાં દિવસના ૧૨ કલાક સુધી મ્યુઝિક જ વગાડતો હતો અને એન્જિનિયરિંગ સાઇડ પર રહી ગયું હતું અને ફોકસ પણ લૂઝ થઈ ગયું હતું.’

પોતાનું બૅન્ડ - ‘ઓસ બૅન્ડ’

નિશ્ચલને શોમાં જે કીબોર્ડ વગાડવાનો ચાન્સ મળ્યો એણે તેની જિંદગીનું આખું ધ્યેય જ બદલી નાખ્યું અને જન્મ થયો બૅન્ડ ‘ઓસ’નો. તે કહે છે, ‘દિવસમાં રોજ ૧૨ કલાક હું શો માટે પ્રૅક્ટિસ કરતો એના લીધે મારા જીવનની આખી દિશા જ બદલાઈ ગઈ. ધીરે-ધીરે હું મ્યુઝિક તરફ વળવા લાગ્યો. મેં અમેરિકામાં મારું એક પોતાનું બૅન્ડ પણ બનાવ્યું જેને નામ આપ્યું ‘ઓસ’. આ બૅન્ડમાં મારી સાથે ત્રણ જણ હતા. અમે ઇન્ડિયન મ્યુઝિક જ વગાડતા. હું બૅન્ડમાં કીબોર્ડ વગાડતો હતો, સાથે-સાથે ગીત પણ ગાતો. અમે ત્યાં ઘણા પ્રચલિત થઈ ગયા હતા. પછી મેં નક્કી કર્યું કે આ વસ્તુ મને આટલી ખુશ કરે છે તો કેમ ન આમાં જ આગળ વધું.’

બાથરૂમ સિંગર

નિશ્ચલ કહે છે, ‘સિન્ગિંગની પ્રૅક્ટિસ હું બાથરૂમમાં કરતો, કેમ કે હું ત્યારે ઘણો શરમાળ હતો. મને એ ડર લાગતો કે હું જોર-જોરથી ગીતો ગાઉં અને આજુબાજુવાળા મારા પર ચિલ્લાશે તો? એટલે હું બાથરૂમમાં ગાવાની પ્રૅક્ટિસ કરતો. ફોન પર તાનપૂરો ડાઉનલોડ કર્યો હતો. એ તાનપુરા સાથે હું ક્લાસિકલ રાગોની પ્રૅક્ટિસ કરતો.’

અટકી ગયેલી સફરની શરૂઆત

નિશ્ચલે મ્યુઝિક શીખવાનું નક્કી કર્યું એની સાથે તેણે બધી જગ્યા પર અપ્લાય કરવાનું શરૂ કરી દીધું હતું. જે કૉલેજમાં અપ્લાય કર્યું હતું એની ડેડલાઇન નીકળી ગઈ હતી. નિશ્ચલ કહે છે, ‘હું જ્યારે ૬ વર્ષનો હતો ત્યારે અલાહાબાદની પ્રયાગ સમિતિ (પ્રભાકર)માંથી કિરાના ઘરાનામાં ક્લાસિકલ વોકલ અને તબલામાં ગ્રૅજ્યુએશન કર્યું. એ પછી મારું મ્યુઝિક છૂટી ગયું હતું, પણ પછી જ્યારે બૅન્ડમાં દિવસના ૧૨ કલાક કીબોર્ડ વગાડવાનું થયું ત્યારે નાનપણની ઇચ્છાએ પાછો ઊથલો માર્યો અને લૉસ ઍન્જલસ ઑફ મ્યુઝિક ઍકૅડેમીમાંથી મ્યુઝિક શીખવાનું નક્કી કર્યું, પણ એની ઍડ્મિશનની ડેડલાઇન નીકળી ગઈ હતી એટલે મારી પાસે એક વર્ષનો સમય હતો. મેં એ એક વર્ષનો સદુપયોગ કર્યો અને એ. આર. રહમાનની KM મ્યુઝિક કન્ઝર્વે‍ટરીમાંથી પિયાનોનો કોર્સ કર્યો. ત્યાં મારો પહેલી વાર વેસ્ટર્ન મ્યુઝિક સાથે પરિચય થયો, કેમ કે અત્યાર સુધી હું કેવળ ક્લાસિકલ મ્યુઝિક શીખતો હતો. ચેન્નઈમાં કોર્સ પૂરો કરીને હું ત્યાંથી લૉસ ઍન્જલસ મ્યુઝિક ઍકૅડેમીમાં મ્યુઝિકનો ત્રણ વર્ષનો કોર્સ કરવા ગયો. ત્રણ વર્ષના એ કોર્સમાં મને ઘણું શીખવા મળ્યું. મ્યુઝિક એકદમ બારીકાઈથી જાણવા મળ્યું. લૉસ ઍન્જલસમાં મ્યુઝિકની ડિગ્રી લઈને ત્યાં જ ૬ મહિના અલગ-અલગ જગ્યા પર ઇન્ટર્નશિપ કરી.’

મ્યુઝિક-સ્ટુડિયોનો જન્મ

નિશ્ચલને લૉસ ઍન્જલસમાં જ તેના મ્યુઝિક ક્ષેત્રમાં નોકરી મળતી હતી, પણ તેણે ભારત આવીને પોતાનો મ્યુઝિક-સ્ટુડિયો બનાવવાનું પસંદ કર્યું. નિશ્ચલે સ્ટુડિયો બનાવવાનો પ્લાન લૉસ ઍન્જલસમાં જ ઘડી કાઢ્યો હતો. તેણે અંગ્રેજી મૂળાક્ષર પરથી ENZY મ્યુઝિક-સ્ટુડિયો નામ પણ નક્કી કરી નાખ્યું હતું. તે કહે છે, ‘મેં મારા મિત્રો જે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં છે તેમની સાથે ચર્ચાઓ કરી અને તેમણે મને કહ્યું કે ભારતમાં હજી સુધી મોટા પાયા પર એક પણ મ્યુઝિક-સ્ટુડિયો નથી. એટલે પછી મેં ભારતમાં આવીને મારો પોતાનો મ્યુઝિક-સ્ટુડિયો ખોલવાનું નક્કી કર્યું. એવો મ્યુઝિક-સ્ટુડિયો જે મારો પોતાનો હોય. એ સાથે બહારથી કોઈ રેકૉર્ડિંગ કરવા આવે એ પણ સ્ટુડિયો વાપરે. ENZY મ્યુઝિક-સ્ટુડિયો બનાવવાનું પ્લાનિંગ મેં લૉસ ઍન્જલસમાં જ કરી નાખ્યું હતું. ત્યાંના સ્કાયવૉકર સાઉન્ડ-સ્ટુડિયોમાં કામ કરતા ડિઝાઇનરો પાસે બેસીને એક વર્ષમાં સ્ટુડિયોનું આખું પ્લાનિંગ કર્યું. પછી ભારત આવીને સ્ટુડિયો બનાવવાનું શરૂ કર્યું. સ્ટુડિયો ૬ મહિનામાં બનીને તૈયાર થઈ ગયો. ૨૦૧૨માં સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું.’

ENZY મ્યુઝિક-સ્ટુડિયોમાં અત્યાર સુધી કેટલીયે ફિલ્મોનાં મિક્સિંગ થયાં છે. ‘ગુલાબ ગૅન્ગ’, ‘બેશરમ’ જેવી ફિલ્મોના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનું મિક્સિંગ અહીં થયું છે. એ સિવાય પાંચથી છ ફિલ્મો લાઇનમાં છે જેનું મિક્સિંગ અને ડબિંગ અહીં થવાનું છે.

ફૅમિલીનો સપોર્ટ

નિશ્ચલ અમેરિકા ગયો હતો ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ કરવા માટે, પણ એન્જિનિયરિંગનાં જે બે વર્ષ બાકી હતાં એ અધવચ્ચે જ છોડી મ્યુઝિકમાં જ પોતાની કરીઅર બનાવાનું નક્કી કર્યું. તે કહે છે, ‘મેં ત્યારે જ નક્કી કર્યું અને ત્યાંથી જ મેં મમ્મી અને પપ્પાને ફોન કરીને કહી દીધું કે મને હવે એન્જિનિયરિંગ નથી કરવું. એક અજીબ ટાઇમ હતો એ. મેં નક્કી જ કર્યું કે હવે કહેવું જ પડશે અને મેં મારા ઘરે રાત્રે ફોન કર્યો. મને લાગ્યું કે તેઓ ગુસ્સો કરશે, પણ માની જશે. મારા આશ્ચર્ય વચ્ચે તેઓ તરત માની ગયાં. તેમણે કહ્યું કે તને જેમાં ખુશી મળે અને જે તને આગળ લઈ જાય એ કામ કર.’

દાદા પણ મ્યુઝિકના શોખીન

નિશ્ચલના દાદા કિશોર ઝવેરી મ્યુઝિકના શોખીન હતા. નિશ્ચલ નાનપણમાં તેમની સાથે ક્લાસિકલ કૉન્સર્ટમાં જતો. તે કહે છે, ‘મારા દાદાને મ્યુઝિક સાંભળવાનો ઘણો શોખ હતો. તેઓ અમજદ અલી ખાનસાહેબ અને ઝાકિર હુસેનની કૉન્સર્ટમાં જતા ત્યારે તેમની સાથે હું પણ જતો. ક્યારેક મ્યુઝિક કૉન્સર્ટ તેઓ પોતે પણ ઑર્ગે‍નાઇઝ કરતા. આમ મારા દાદાને લીધે મ્યુઝિક સાથે હંમેશાં જોડાયેલો જ રહેતો. અમજદ અલી ખાનસાહેબ અમારા ફૅમિલી-ફ્રેન્ડ હતા. એટલે તેમના ઘરે જતો, તેમને મ્યુઝિક સંભળાવતો. તેઓ મને હંમેશાં ગાઇડ કરતા. તેમની પાસેથી મને ઘણું મોટિવેશન મળતું.’

નિશ્ચલ માટે મ્યુઝિક મેડિટેશનનું પણ કામ કરે છે. નિશ્ચલ કહે છે, ‘હું જ્યારે મ્યુઝિક સાંભળું છું ત્યારે એમાં ખોવાઈ જાઉં છું. મને એના સિવાય એક પણ વસ્તુ નથી મળી જેમાં હું આટલો ડૂબી શકું. આ કારણથી મ્યુઝિક હંમેશાં મારી સાથે જ રહે છે.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK