ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૪

Published: Nov 16, 2014, 07:15 IST

‘મૂંગી મર હરામખોર...’


નવલકથા - રશ્મિન શાહ


ભૂપતના આખા શરીરમાં લાય લાગી હતી. મીરાના શબ્દોએ તેના શાંત મનને એકઝાટકે આગ ભભૂકતું કરી દીધું હતું અને ભભૂકેલી એ આગ શબ્દો થકી જબાન પર ઊતરી આવી હતી.

‘ઔરતની જાત છો એટલે આ ક્ષણે જીવતી રહેવા દીધી છે, બાકી અહીં જ ચીરી નાખી હોત તને... સાલી, છૂટ આપી છે તો એનો અર્થ એવો નહીં કાઢવાનો કે તને માથે ચડીને મૂતરવાની પણ છૂટ છે. બોલવું હોય એ નહીં પણ જે ઔકાતમાં હોય એ જ બોલવાનું અને એટલું જ બોલવાનું... સાલી રાં...’

‘એય, મોઢું સંભાળીને બોલજે...’ ચૂપચાપ ભૂપતનો ગુસ્સો સહન કરી રહેલી મીરાએ એક જ ઝાટકે ભૂપતને રોક્યો, ‘ગાળનો ઉપયોગ દરેક છોકરીને આવડતો હોય છે, પણ તે માનતી હોય છે કે અપશબ્દોનો ઉપયોગ શક્ય હોય એટલો ટાળવો.’

થોડી વાર માટે સન્નાટો છવાયો અને એ સન્નાટા વચ્ચે ભૂપતની આંખ સામે થોડી વાર પહેલાંનો ભૂતકાળ પ્રસરી ગયો. હજી તો માંડ બે કલાક થયા હતા મીરાને મળ્યાને.

માનો સંદેશો લઈને મીરા આવશે એવું ભૂપતે ધાર્યું નહોતું. મીરાને જોઈને કાળુ તરત જ રવાના થઈ ગયો એટલે તે બન્ને એકલાં પડ્યાં. વાતની શરૂઆત કેમ કરવી અને ક્યાંથી કરવી એવી ગડમથલ ચાલી રહી હતી ત્યાં જ બે પોલીસ-જવાન ઘોડા પર ત્યાંથી પસાર થયા એટલે મીરાએ જ સામેથી કહેવું પડ્યું કે કોઈ સલામત જગ્યાએ જઈએ.

‘એક ગાઉ દૂર મંદિર છે ત્યાં મળીએ?’

ભૂપતે પૂછ્યું હતું પરવાનગી લેવા, પણ મીરા તો કોઈ જુદા જ મૂડમાં હતી.

‘મળીએ એટલે શું... લઈ જા મને ભેગી.’ ભૂપત કંઈ જવાબ આપે કે સાથે જવાનું કેમ ટાળવું એ વિશે વિચારે એ પહેલાં તો મીરાએ બીજો આદેશ પણ કરી દીધો, ‘હાથ આપ જલદી...’

ભૂપતે યંત્રવત્ હાથ આપ્યો એટલે મીરા અદા સાથે બીજલ પર સવાર થઈ ભૂપતની પાછળ ગોઠવાઈ ગઈ. ભૂપતે પહેલી વાર આ રીતે કોઈ છોકરીને પોતાની પાછળ બેસાડી હતી. સ્વાભાવિક રીતે તેના ચહેરાનું નૂર હણાઈ ગયું હતું અને શરીરમાં કોઈ ગજબનાક સંવેદના જાગૃત થઈ હતી. ભૂપતની પાછળ ગોઠવાયા પછી મીરાએ બે હાથથી કસીને ભૂપતની કમર પકડી લીધી હતી. પકડેલી કમરને કારણે ભૂપતની પીઠ પર મીરાનાં વક્ષ:સ્થળનો સ્પર્શ થઈ રહ્યો હતો. આ સ્પર્શમાં રહેલો ગરમાવો ભૂપતના અંગેઅંગ સુધી પહોંચી ગયો હતો.

‘હવે ગામ આખું જોઈ લે ત્યાં સુધી આમ જ ઊભો રહેવાનો છે કે પછી બીજલને રવાના થવાનું પણ કહેશે?’

મીરાને આ સ્પર્શ ગમી રહ્યો હતો અને ગમી રહેલા આ સ્પર્શ વચ્ચે તેણે આંખો પણ બંધ રાખી હતી. એમ છતાં ભૂપતને જાગૃત કરવા માટે જ તેણે આ શબ્દો વાપર્યા હતા. બાકી તેને કોઈ ફરક નહોતો પડી રહ્યો. તે તો મનોમન ઇચ્છતી હતી કે ભૂપત આમ જ સ્થિતપ્રજ્ઞ થઈને ઊભો રહે અને આ જ રીતે તે તેને વળગીને પોતાની જિંદગી પસાર કરી નાખે. બીજલ પણ જાણે કે મીરાના મનના ભાવ પારખી ગઈ હોય એમ રવાના થવા માટે માલિકે આદેશ કર્યો હોવા છતાં પણ હેતાળ ચાલે એણે ગામના પાદરથી નીકળીને મંદિરની વાટ પકડી. ભૂપતની પાછળ બેઠેલી અને ભૂપતની અધાર઼્ગિની થવાનાં ખ્વાબ જોઈ રહેલી મીરાએ મંદિર આવે ત્યાં સુધીમાં ભૂપત સાથે સંસાર માંડવાનું એક નાનકડું ખ્વાબ પણ મનમાં સેવી લીધું હતું અને બે બાળકો હશે એવું પણ મનોમન ધારી લીધું હતું. અરે ધારી શું, તે બન્ને બાળકોનાં નામ શું હશે એ પણ મીરાએ મનોમન નક્કી કરી લીધું હતું : ચંગુ અને મંગુ અને પોતે દરરોજ ભૂપતને બોલાવવા રાડ પાડશે : ‘એ ચંગુ-મંગુના બાપુ...’

મીરાનું આ ખ્વાબ થોડું વધુ લંબાયું હોત જો ભૂપતે તેને હાંક ન મારી હોત.

‘મંદિર આવી ગયું છે, હવે કહેતી હો તો સ્મશાને લઈ જઉં?’

ભૂપતના ટોણાનો જવાબ મીરાએ ઘોડા પરથી ઊતરતી વખતે વાળી પણ દીધો હતો.

‘તારી સાથે તો ત્યાં જવું પણ ગમશે... શરત એક, ત્યાં તારા ખભે લઈ જવાની.’

ભૂપતને આ શબ્દો સ્પર્શી ગયા હતા, પણ સ્પર્શી ગયેલા એ શબ્દો વચ્ચે પણ તેણે પોતાનો ચહેરો ભારે રાખ્યો હતો. મીરાની આવી માસૂમ પણ દિલમાં ઊતરી જનારી હરકતો આ અગાઉ પણ તેણે જોઈ હતી અને એ સમયે પણ તેને ઝણઝણાટી જન્મી હતી, પણ આ વખતનું વાતાવરણ જુદું હતું. આ

વખતે ભૂપતના મનમાં એક નિર્ધાર હતો અને એ નિર્ધારના આધારે જ તેણે અત્યાર સુધીનો સમય જંગલમાં પસાર કર્યો હતો.

ઘોડા પરથી ઊતરેલી મીરા મંદિરના પરસાળમાં જઈને દર્શન કરી રહી હતી ત્યારે બીજલને થોડી વાર છૂટી મૂકીને ભૂપત મીરાને જોવામાં તલ્લીન થઈ ગયો હતો. અગાઉ જ્યારે સામતના બાપુને છોડાવવાનું કામ કરવાનું હતું ત્યારે તેણે મીરાને જોઈ હતી, પણ એ વાતને લગભગ એક વર્ષ પૂÊરું થઈ ગયું હતું. આ એક વર્ષ દરમ્યાન મીરાનું કદ અને કાઠી વધી ગયાં હતાં. શરીર હવે વધારે ભરાવદાર થયું હતું. દેહનાં અમુક અંગો માંસલ બન્યાં હતાં. માંસલ બની ગયેલો એ દેહ કોઈને પણ મીરા તરફ આકર્ષવાનું કામ અદ્ભુત રીતે કરી રહ્યો હતો. ભૂપત પણ અત્યારે લોહચુંબક બનીને મીરાને ઘૂરી રહ્યો હતો.

ઘન...

મંદિરના ઘંટારવે ભૂપતને એ ચુંબકીય અસરમાંથી બહાર કાઢવાનું કામ કર્યું. મીરા દોડીને મંદિરની બહાર આવી અને બહાર આવીને તેણે પહેલો પ્રશ્ન ભૂપતને કર્યો, ‘કેમ, ભગવાન સાથે અબોલા છે?’

‘ના, એવું નથી...’

ભૂપતે નજર ચૂરાવી એ મીરાએ જોયું હતું. તેણે ભૂપતનો હાથ પકડી લીધો.

‘ચાલ, અંદર જઈએ... અંદર જવાથી મનની અંદર પણ શાંતિ મળતી હોય છે.’

ભૂપત એક ડગલું ચાલ્યો, એ જ રીતે જાણે તે એક ચાવી આપેલું રમકડું હોય; પણ પહેલા ડગલા પછી તરત જ ભૂપતે હાથ ઝટકાવી લીધો.

‘હું ને તું અહીં વનવાસ કરવા નથી આવ્યાં... તને માએ મોકલી છે, જે કામ હોય એ ફટાફટ બોલ.’

‘જો આમ વાત કરીશ તો એકેય વાત નહીં કરું...’

‘મને જરૂર પણ નથી.’

‘વાંધો નહીં, આમ પણ માની જરૂરી વાત હતી.’ મીરાએ પ્રેમ અને લાડ સાથે રિસાયાનું નાટક કર્યું, ‘મારે શું, મા

દુખી થશે.’

‘એ ભવાઈ મંડળી, તારા ખેલ બંધ કર...’ ભૂપતને મનોમન તો મીરાનાં આ નાટક ગમતાં હતાં, પણ તેણે ચહેરા પર ગુસ્સો જ રહેવા દીધો, ‘જે કહેવું હોય એ જલદી કહે, નહીં તો પેલા ખાખી લૂગડાવાળા મને અને તને બન્નેને ઝાલીને સળિયા પાછળ ઘાલી દેશે.’

‘વાહ, તો-તો મજા પડી જાય...’ મીરાએ પ્રેમથી તાલી માટે હાથ લંબાવ્યો, પણ ભૂપતે હાથ ન આપ્યો એટલે ભૂપતની છાતી પર જ ધબ્બો મારીને તેણે સંતોષ માની લીધો, ‘એવું થાય તો-તો હું અને તું જેલમાં સંસાર માંડીશું... એય, હું તને અંદર રોટલા ઘડી દઈશ ને તું પેટ ભરીને એ રોટલા ખાઈને ર્ઘોયા કરજે.’

ભૂપતને મિશ્ર લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો. સામે સંસાર ઊભો હતો, સંસારનું સપનું જોતી એક એવી છોકરી ઊભી હતી જેને જોઈને કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય અને બીજી તરફ મોત બનીને તે છાતી તાણીને ઊભો હતો. એક તરફ આશા હતી તો બીજી તરફ નિરાશાની મોટી ખાઈ હતી. એક તરફ ઉલ્લાસ હતો તો બીજી તરફ ગમગીની હતી. મીરાની તરફ જિંદગી જીવવાનું ઝનૂન હતું તો પોતાની તરફ લોહિયાળ અંતની દિશા હતી. અંતની એક એવી દિશા જેમાં માત્ર અને માત્ર લાશો પડી હતી.

€ € €

‘આગળની વાત કરતાં પહેલાં એક કામ કરીએ...’ કુતુબે વાત અટકાવી હતી, ‘ચાની તલબ લાગી છે, ચા પીએ?’

આ અંતરાલ ઇબ્રાહિમ માટે ત્રાસદાયી હતો. તેણે એ ત્રાસ શબ્દોમાં પણ વર્ણવી લીધો અને કુતુબચાચાને કહી પણ દીધું : ‘ચાચા, તમારી તલબને અત્યારે મૂકો ખાડામાં, મુઝે અભી દાદુ ઔર મીરા કી બાત કરની હૈ...’

કુતુબચાચાના ચહેરા પર સ્માઇલ આવી ગયું.

‘બચ્ચા, ધીરજ રખ... અપને દાદુ કે રાસ્તે પર મત ચલ.’

‘એમાં ક્યાં દાદુના રસ્તાની વાત આવી...’ ઇબ્રાહિમે લૂલો બચાવ કર્યો, ‘મારા માટે અત્યારે બીજું કંઈ મહત્વનું નથી. મીરા અને દાદુ મળ્યાં કે નહીં એ જ વાત મહત્વની છે...’

‘મળવું એટલે શું એ મને સમજાવશે?’ ઇબ્રાહિમે વાતનું અનુસંધાન જોડવાને બદલે પ્રશ્નાર્થ મૂક્યો અને પછી પોતે જ સ્પષ્ટતા પણ કરી, ‘મળ્યાનો અર્થ એક થઈને રહેવું એવો નથી થતો. મળવાનો અર્થ એકબીજા માટે સમર્પણની ભાવના સાથે ત્યાગ આપી દેવાનો ઉત્સાહ અકબંધ રહે એ પણ કાફી નથી?’

‘એ બધું બરાબર, પણ અત્યારે પહેલાં ચા...’

ઇબ્રાહિમને ગોળ-ગોળ વાતોમાં રસ નહોતો. તેને સીધી વાત સાંભળવી હતી અને તેને ખબર હતી કે ભૂતકાળની એ બધી વાત તેને ત્યારે જ સાંભળવા મળવાની હતી જ્યારે કુતુબચાચાના જઠરમાં ચાનો ઘૂંટડો ઊતરવાનો હતો અને ચાની તલબ ભાંગવાની હતી. ઇબ્રાહિમ ઊભો થયો અને સીધો ફાર્મહાઉસના આઉટહાઉસ તરફ ભાગ્યો. અંદર જઈને તેણે ચા બનાવવાની સૂચના આપી અને એ સૂચનાની સાથોસાથ વધુ ચા બનાવીને એ ચા થર્મોસમાં ભરીને બહાર મોકલવાનું પણ કહી દીધું. આદેશ બરાબર સમજાઈ ગયો એની ખાતરી કરીને ઇબ્રાહિમ દોડીને બહાર આવી સીધો કુતુબચાચાની સામે ગોઠવાયો.

‘ચા પાંચ મિનિટમાં આવે છે, આગળ વાત કરો...’

કુતુબને ઇબ્રાહિમના માથે ચુંબન કરવાનું મન થઈ આવ્યું હતું, પણ તેણે ભાવનાઓ કાબૂમાં રાખી.

‘ક્યાં હતા આપણે...’

‘મીરા અને દાદુ...’ ઇબ્રાહિમે વાતને જોડવાની સાથોસાથ ચોખવટ પણ કરી, ‘મને અત્યારે સૌથી પહેલી વાત તો એ જાણવી છે કે તે બન્ને મળ્યાં કે નહીં?’

કુતુબની આંખ સામે અનેક ઘટનાઓ પ્રસરવી શરૂ થઈ ગઈ. અફસોસની એક આછી લકીર પણ એ ચહેરા પર અંકાઈ ગઈ અને એ અફસોસ વચ્ચે પ્રયત્નપૂર્વક કરવામાં આવેલો આંસુ રોકવાનો પ્રયાસ પણ ચહેરા પર અંકિત થઈ ગયો. તેણે એક ઊંડો શ્વાસ લઈને છાતીમાં હવા ભરવાની વ્યર્થ પ્રયાસ કર્યો.

‘બન્ને મળ્યાં... પણ મંદિરવાળી એ મુલાકાત આખરી મુલાકાત સાબિત થઈ.’

‘કેમ, ઝઘડો થયો હતો?’

‘ઝઘડો કરવા માટે સ્વજનની હયાતી હોવી જરૂરી છે બેટા...’

‘એટલે?!’ ઇબ્રાહિમની આંખો મોટી થઈ ગઈ હતી, ‘મીરા...’

‘હા...’ ઇબ્રાહિમે ગળામાં અટવાયેલો ડૂમો દબાવ્યો, ‘એ દિવસે મંદિરમાં જ મીરાએ જીવ છોડ્યો...’

ઇબ્રાહિમના આખા શરીરમાં ચારસોચાલીસ વૉટનો કરન્ટ પસાર થઈ ગયો.

€ € €

માંડીને વાત કરી હતી મીરાએ.

માઇકલ ડગ્લસથી શરૂ કરીને માબાપુની ઇચ્છા વિશે પણ મીરાએ ભૂપતને કહ્યું હતું અને હુમાતાઈએ આપેલો સંદેશો પણ મીરાએ ભૂપતના કાનમાં મૂક્યો હતો.

‘ભૂપત, સમય આવ્યે પગ પાછા લેવામાં ક્યાંય ખુમારી ઘટતી નથી.’ મીરાએ ભૂપતના ખભા પર હાથ મૂક્યો હતો, ‘લાગણીના આવેશમાં લેવાયેલા પગલામાં જો ભૂલ થઈ હોય અને એ ભૂલ કોઈ જતી કરવા તૈયાર હોય ત્યારે એ ભૂલને ગળે બાંધી રાખવાને બદલે નવી દિશામાં પગ મૂકવા જોઈએ.’

એક કલાકથી મીરાને એકધારા સાંભળી રહેલા ભૂપતે પહેલી વાર મીરાની આંખમાં આંખ પરોવીને જોયું હતું.

‘મંજૂર છે મને... નવી દિશામાં આગળ વધવાની મારી તૈયારી છે, પણ મારી બે શરત જો માન્ય રાખવામાં આવે તો...’

મીરાને આ શબ્દો ગોળથી પણ ગળ્યા લાગ્યા હતા.

‘તું ખાલી બોલ, હું એ શરત મંજૂર કરાવી આવીશ...’ મીરાએ ભૂપતના જ માથે હાથ રાખી લીધો હતો, ‘તારા સમ ભૂપત ને તને ખબર છે કે મારે મન તારી શું કિંમત છે...’

‘તારા શબ્દો પર વિશ્વાસ છે મને... પણ એ શરત તારે માન્ય નથી રાખવાનીને?’

‘પણ હું મંજૂર કરાવીશને પણ.’

‘પેલો ધોળિયો એ મંજૂર નહીં કરેને પણ...’

‘તું એ મારા પર છોડને પણ...’

‘તારાથી કંઈ નહીં થાયને પણ...’

‘તું મારા ચાળા નહીં પાડને પણ...’ ભૂપતે ફરીથી મીરાના ચાળા પાડ્યા એટલે મીરા અકળાઈ, ‘નહીં તો એ હવે એક લાફો મારીશ.’

‘તે તો મારી આદત છેને પણ...

‘હું ના પાડું છુંને પણ...’

મીરાએ નાના બચ્ચાની જેમ પગ પછાડ્યા. મીરાની આ હરકત ભૂપતને ગમી હતી.

‘મને ગમે છેને પણ...’

‘ઊંહું... ઊંહું... ઊંહું...’

મીરા રીતસર બાળકની જેમ ઊંહકારા કરવા માંડી. ભૂપત માટે મીરાનું આ રૂપ શુકૂન આપનારું અને હૈયે ટાઢક ધરનારું હતું. ગીરના જંગલ વચ્ચે પડ્યા રહેતા ડાકુ માટે આ ક્ષણ કોઈ સુવર્ણ ક્ષણથી સહેજ પણ ઓછી નહોતી. પ્રેમથી વાતો થઈ રહી હતી અને એ પણ તે વ્યક્તિ સાથે જેની સોબત તેને હંમેશાં ગમી હતી.

‘હવે, હવે...’

મીરા મોટી આંખો કરીને ધમકી માટે શબ્દો શોધી રહી હતી. મીરાની આ અવઢવનો ફરી એક વખત ભૂપતે લાભ લીધો.

‘આગળ બોલને પણ...’

મીરાએ મોઢામાં આવ્યા એ શબ્દો વાપરી લીધા.

‘હવે ચાળા પાડ્યા છે તો એક લાફો મારીશ...’

મીરાની ધમકીથી ભૂપતને ચાનક ચડી.

‘તો મારને પણ...’

ધાડ...

મીરાએ ભૂપતના ગાલ પર થપ્પડ જડી દીધી. આ થપ્પડ પડી ત્યારે મંદિરની પાછળના ભાગમાં આવેલી ઝાડીમાં ઊભેલા એક શખ્સની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. રાજ્યના સૌથી મોટા એવા ડાકુને વીસ વર્ષની એક કન્યાએ ગાલ પર ઝાપટ મારી લીધી હતી. એ ડાકુને ઝાપટ મારી લીધી હતી જેના નામમાત્રથી ભલભલાનાં પાટલૂન ભીનાં થઈ જતાં હતાં. એ ડાકુને ઝાપટ મારી હતી જેના નામ પર દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું અને એક એવા ડાકુને ઝાપટ મારી લીધી હતી જેનો સ્પર્શ કરવાની હિંમત સપનામાં પણ પોલીસ-ધુરંધરો નહોતા કરી શકતા.

સમસમી ગયેલા ભૂપતનો ચહેરો જોવાની ઇચ્છા તો એ શખ્સને બહુ હતી, પણ એ ચહેરાને બદલે તેની આંખો સામે હજારો રૂપિયાની નોટો પડી હતી જે પોલીસને માહિતી આપવાથી તેને મળવાની હતી. પત્યું. ઝાડીમાંથી દૃશ્ય જોનારો શખ્સ સિફતપૂર્વક ઝાડીમાંથી સરકી ગયો. પંદરેક ડગલાં તે ધીમી ચાલે ચાલ્યો અને પછી ગામની તરફ એવી દોટ મૂકી જાણે પાછળ સિંહ પડ્યો હોય. હકીકત એ હતી કે પાછળ સિંહ આખેઆખો જીવતો ઊભો હતો, જે મરેલો તેના માટે સવા લાખનો થઈ જવાનો હતો.

€ € €

ધડાધડ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ અને થઈ રહેલી તૈયારીઓમાં સૌથી વધારે આધુનિક હથિયારો લેવામાં આવ્યાં હતાં. ફોજદારને એક ચમચો હવાલદાર આવીને કુલદીપસિંહની યાદ પણ અપાવી ગયો હતો, પણ આ વખતે ફોજદારને કુલદીપસિંહમાં કોઈ રસ નહોતો.

‘તે સાલો ભારેપગો છે... નથી લેવો આ વખતે તેને સાથે.’

હવાલદાર અને પોલીસકર્મીઓ તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે ફોજદારે ટેલિફોન પર મળેલી માહિતી વાગોળી લીધી હતી.

‘સાહેબ, જો ઇનામ મળવાનું હોય તો એક વાત કહું...’ ફોજદારે હા પાડી એટલે ટેલિફોન કરનારા શખ્સે માહિતી આપી હતી, ‘તમે જેને શોધો છો એ માણસ તો અત્યારે માણાવદર-રાજકોટના રસ્તા પર પોતાની પ્રેયસી સાથે મંદિરમાં મજા કરે છે.’

‘કોની તું વાત કરે છે? ચોખ્ખેચોખ્ખી વાત કર...’

‘તમારા એકમાત્ર દુશ્મનની સાહેબ...’

‘અત્યારે તો મને એ એકમાત્ર દુશ્મન તારામાં દેખાય છે નવરીના...’ ફોજદાર તે અજાણ્યા શખ્સ પર રીતસરના ભડકી ગયા, ‘તને કહું છું સીધું બોલ તોય તું તારા ભાષણની મા પરણે છે.’

‘માફ કરજો સાહેબ...’

‘હં... બોલ હવે.’

‘ભૂલ થઈ ગઈ સાહેબ...’

માફીનું પુનરાવર્તન થયું અને ફોજદારના મોઢામાંથી સરસ્વતી નીકળી ગઈ.

‘એ હરામખોર, તને શુદ્ધ ગુજરાતીમાં કહું છું એ સમજાતું નથી... વાત શું હતી એ કર જલદી. નહીં તો ત્યાં આવીને ગોળી મારી દઈશ. કોણ મારો દુશ્મન, બોલ મોઢામાંથી.’

‘સાહેબ, ભૂપત...’ નામ મોટેથી બોલાઈ ગયું એટલે શખ્સને પોતાની ભૂલ સમજાઈ. તેણે ટેલિફોનનો બોલવાનો ભાગ સાવ મોઢાની નજીક લઈ લીધો અને દબાયેલા અવાજે ફરી વખત નામ કહ્યું, ‘ડાકુ ભૂપતની વાત કરું છું. ઈ આંય માણાવદરમાં છે...’

‘કોણે કીધું?’ ફોજદારે પોતાનો સવાલ સુધાર્યો, ‘કોણે કીધું કે તેં જોયો ઈ જ ભૂપત છે...’

‘ઓલાં ચોપાનિયાં લાગ્યાં છે એમાં તેનું ફોટું જોયું... એટલે ખબર પડી.’ શખ્સે વિશ્વાસ સાથે કહ્યું, ‘સાહેબ, સાચે ભૂપત જ છે... હારે એક છોકરી પણ છે. તેની પ્રેયસી... બેઉને મેં મસ્તી કરતાં પણ જોયાં.’

‘શું કરતાં’તાં બેય...’

‘એય, એની માને મોજ કરતાં હતાં...’ અચાનક માહિતી આપનારાને યાદ આવ્યું, ‘એ સાહેબ, પેલી છોકરીએ તો ભૂપતને લાફો પણ મારી દીધો.’

‘હા... હા... હા...’ ફોજદારે અટ્ટહાસ્ય કર્યું, ‘નવરીના તેં બીજા કોઈને જોયો હશે. ભૂપતને કોઈ લાફો મારે ખરા?!’

‘અરે, ખોટું બોલે એની મા મરે સાહેબ... ભૂપત જ હતો અને ભૂપતને જ પેલી છોકરીએ લાફો માર્યો... તમારા સમ.’

ભમરડાના ભવાળી ગાળ બોલીને ફોજદાર પેલા પર ખીજવાયા.

‘મારા સમ શાના ખાય છે તું... ખાવા હોય તો તારી માના સમ ખાને.’

‘મારી માના સમ સાહેબ, ખોટું બોલું તો ગાયનું છાણ ખાઉં બસ? સાચે જ ભૂપત છે. નજરે ધોકો પણ નથી ખાધો.’

‘હં...’

ફોજદારે મશ્કરી કરવાનું બંધ કર્યું અને પેલા પાસેથી એનું સરનામું લઈને તરત જ પલટન તૈયાર કરવાનું આરંભી દીધું. ભૂપત જો મંદિરમાં હોય, ભૂપત જો તેની પ્રેયસી સાથે હોય અને જો ભૂપત રંગરેલિયા મનાવવા આવ્યો હોય તો નક્કી તે એકલો જ હશે. વધીને તેની સાથે તેનો ગોઠિયો કાળુ હોય, પણ તેના સિવાય બીજું કોઈ નહીં હોય એ પાકું છે અને જો એ પાકું હોય તો આ સર્વોત્તમ મોકો છે જેમાં ભૂપતના શરીરને ગોળીઓથી ચાળણી કરી નાખવી.

અદ્યતન હથિયારો સાથે પલટન તૈયાર થઈ એટલી વારમાં ફોજદારે અમદાવાદમાં ઉપરી અધિકારીની પરવાનગી પણ લઈ લીધી.

ફતેહ કરવાની પરવાનગી મળી એટલે ફોજદાર સૌથી આગળની જીપમાં ગોઠવાયા અને આખો કાફલો માણાવદરની દિશામાં રવાના થયો. આ કાફલો રવાના થયો ત્યારે ભૂપતે પોતાની બે શરતમાં એક શરત વધારી દીધી હતી.

€ € €

‘હવે બે નહીં પણ ત્રણ શરત છે... મંજૂર છે?’

‘હા, ચાલ બોલ...’

‘પહેલી શરત, હું તને એક લાફો મારીશ.’

મીરા ભૂપતના ખોળામાંથી ઊભી થઈ ગઈ.

‘એ પાગલ, તારો એક લાફો ખાઈને હું મરી જઈશ...’ મીરાએ ભૂપતને યાદ પણ દેવડાવ્યું, ‘હું મરી ગઈ હોઈશ તો પછી તારી બીજી બે શરતનું પાલન કોણ કરાવશે?’

‘અરે હા કાં, હું તો ભૂલી જ ગયો...’ ભૂપતે શરત બદલાવી પણ આંકડામાં, ‘ભલે, આ પહેલી શરત નહીં, ત્રીજી શરત...’

‘કહું છું, હું મરી જઈશ.’

‘હા, તો શું છે...’ ભૂપતે નિર્દોષભાવે કહ્યું, ‘આમ પણ તું મારી બે શરતનું પાલન કરાવી દે પછી તારી જરૂર પણ ક્યાં છે?!’

‘તું મરી જા વાંદરા...’

મીરા રિસાઈને ઊભી થઈ ગઈ. ભૂપતને મીરાનાં આ રિસામણાં ગમ્યાં હતાં.

‘એક વાત કહું?’

ભૂપતે ધીમેકથી મીરાના કાને પાસે જઈને કહ્યું. અવાજમાં રહેલી મૃદુતા મીરાને સ્પર્શી ગઈ. હંમેશાં કઠોર થઈને બોલતો શખ્સ આજે પ્રેમની બોલી ભાષા બોલી રહ્યો હતો.

‘હં... કહે.’

મનગમતા શબ્દો સાંભળવા માટે મીરાએ આંખો બંધ કરી. તે આ ક્ષણને તેના હૈયામાં ઉતારી રાખવા માગતી હતી. તે નહોતી ઇચ્છતી કે કાન વાટે અંદર જનારા શબ્દો આંખ વાટે પણ બહાર આવે.

‘સાચે જ કહી દઉં?’

‘હં... કહી દે.’

‘સમજી જાને...’

ગળામાંથી અવાજ કરીને નનૈયો ભણ્યા પછી મીરાએ આગ્રહ કર્યો.

‘નથી સમજવું, તું જ કહી દે...’

‘સાથે હોઈશું ત્યારે પણ મન થાય ત્યારે આમ જ લાફો મારી દેજે.’ મીરાની આંખો બંધ હતી અને તેના ચહેરા પર શરમની આછી ઝાંય ઊપસવી શરૂ થઈ ગઈ હતી. ‘સાથે હોઈએ ત્યારે પણ ઇચ્છા થાય ત્યારે આમ જ નાનું બચ્ચું બની જે અને જે કરવી હોય એ દાદાગીરી કરી લેજે... સાથે હોઈએ ત્યારે પણ આટલી જ શ્રદ્ધા સાથે જીદ કરજે અને જીદ કર્યા પછી એ પૂરી થાય તો આટલા જ હક સાથે, આવા જ હક સાથે રિસાઈ પણ જજે...’

‘તું મનાવીશ?’

‘હા, મનાવીશ...’

‘અને નહીં માનું તો?’

‘તો બીજી વાર મનાવીશ...’

‘એ પછી પણ નહીં માનું તો?’

‘ત્રીજી વાર મનાવીશ...’

‘અને એ પછી પણ ન માનું તો?’

‘તો માથે બંદૂક રાખીને ઊભો રહીશ...’

પ્રેમની વાતમાં અચાનક જ બંદૂક આવી ગઈ એટલે મીરાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને તેણે આંખો ખોલી નાખી.

‘તું મરી જ જા વાંદરા... પ્રેમથી વાત કરતાં પણ નથી આવડતું તને તો.’

મીરા બે પગલાં આગળ ચાલી, પણ ત્યાં જ પાછળથી ભૂપતે તેનો હાથ પકડીને તેને પોતાના તરફ ખેંચી લીધી. ભૂપતના શરીરની તાકાત મીરા કરતાં અનેકગણી વધારે હતી. ભૂપતે મારેલા ઝાટકાથી મીરાનું સંતુલન ગયું અને તે પાછળની તરફ ઝાટકા સાથે ખેંચાઈ. મીરાને આ ઝાટકો ગમ્યો હતો. તેણે શરીરના સંતુલનને જાળવવાનો પ્રયાસ કર્યા વિના જ ભૂપતના શરીર પર પોતાનું શરીર ઢાળી દીધું.

‘મરી જવાનું આટલી વારથી કહ્યા કરે છે, પણ મારા મર્યા પછી તું રહી શકશે ખરા?’

મીરાએ ગરદન હલાવીને ના પાડી.

‘મરવા જ નહીં દઉં તને...’

‘તો વારંવાર મરી જવાનું શું કામ કહે છે?’

‘એક સાધુમહારાજ કહેતા હતા કે તમને વહાલી વ્યક્તિને જો પ્રેમથી તમે મરી જવાનું કહો તો એની અસર અવળી થાય...’ મીરાએ ભૂપતની આંખોમાં આંખો માંડી હતી, ‘તમારા આયુષ્યની પાંચ ઘડી તમારી વહાલી વ્યક્તિને મળી જાય...’

‘સંસારમાં લાવવો છે અને તારા આયુષ્યમાંથી ઘડીઓ પણ આપવી છે.’

‘તમે જીવો એનાથી વિશેષ મને બીજું શું હોય સિંહ...’ મીરાની આંખમાં આંસુની ઝાંય પથરાઈ ગઈ, ‘મારું ચાલે તો આ ઘડીએ આખું આયુષ્ય તમારા ખાતામાં જમા કરી દઉં તે રાજીપા સાથે ઉપર...’

ભૂપતે મીરાના હોઠ પર ચાંપી દીધેલા પોતાના હોઠ વચ્ચે મોતની વાત અટકી ગઈ અને પ્રણયનાં સ્પંદનો વાતાવરણમાં રેલાઈ ગયાં.

€ € €

‘ક્યાં છે મંદિર?’

ફોજદારને જોઈને એક શખ્સ આગળ આવ્યો. તેણે ઝૂકીને સલામ કરી કે તરત જ ફોજદારે સવાલ કર્યો. જોકે આ સવાલનો સીધો જવાબ મળ્યો નહોતો. માહિતી આપનારો ઉસ્તાદ હતો.

‘સાહેબ, ઇનામ...’

‘પહેલાં ભૂપત મરવા તો દે...’

‘તે મરે પછી તમે પણ ફરી જાઓ તો...’

‘ભામણ બોલ્યો ફરે નહીં...’ ફોજદારે વચન આપ્યું, ‘જબાન છે કે એક માની ઔલાદ હોઉં તો તારું ઇનામ તને અપાવીને રહીશ.’

કાનમાં શબ્દો ઊતર્યાની બીજી જ ક્ષણે પેલા શખ્સે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આંગળી ચીંધી દીધી.

‘જો પેલી ધજા દેખાયને... એ મંદિરમાં જ અત્યારે ભૂપત બેઠો છે ને હારે પેલી તેની પ્રેયસી પણ છે.’

ફોજદારે કેસરી રંગની ધજા તરફ નજર કરી. હવામાં લહેરાતી એ ધજામાં ફોજદારને પોતાની વિજયપતાકા દેખાવા માંડી.

 (વધુ આવતા રવિવારે)

€€€€€€

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK