ચીને આખેઆખું પૅરિસ શહેર કૉપી કર્યું

Published: 14th December, 2014 07:07 IST

જોકે એ પણ અન્ય ચાઇનીઝ પ્રોડક્ટની જેમ ખોખલું નીકળ્યું. ચીનમાં શાંઘાઈ શહેરથી ૧૨૦ કિલોમીટર દૂર ટિઆન્દુચેન્ગ નામનું ટાઉન આઇફલ ટાવરની રેપ્લિકાની આસપાસ પૅરિસની આગવી સ્ટાઇલથી બનાવવામાં આવ્યું છે, પણ એ હવે ભૂતિયા શહેર જેવું બની ગયું છે.માનો યા ન માનો- સેજલ પટેલ

ચલે તો ચાંદ તક, નહીં તો શામ તક ચાઇનીઝ પ્રોડક્ટ માટે અમથી જ આ કહેવત નથી પડી. કોઈ પણ ચીજની કૉપીકૅટ તૈયાર કરવા માટે ચીનની તોલે કોઈ ન આવે. આપણે કલ્પી પણ ન હોય એવી-એવી ચીજોની ચીનમાં કૉપી થતી હોય છે. હદ તો ત્યારે થઈ જ્યારે ચીને ફ્રાન્સના આખેઆખા શહેર પૅરિસની કૉપી કરવાનો પ્રયત્ન કયોર્. પૅરિસના જગપ્રસિદ્ધ આઇફલ ટાવરની પ્રતિકૃતિઓ અવારનવાર બનતી રહે છે, પણ ચીનના લોકોએ પોતાના દેશનો આગવો આઇફલ ટાવર બનાવી દીધો છે. ૨૦૦૭ની સાલમાં ચીનના હેન્ગઝોઉ શહેરની નજીકમાં ટિઆન્દુચેન્ગ નામનું ટાઉન તૈયાર કરવામાં આવ્યું હતું જે ફ્રાન્સના પૉપ્યુલર શહેર પૅરિસની કૉપી હોય.

ચીનના લોકોમાં ફ્રાન્સ એ રોમૅન્ટિક ડેસ્ટિનેશન છે. ફ્રેન્ચ બૅગ્સ, ફ્રેન્ચ વાઇન અને ફ્રેન્ચ સ્ટાઇલનું આર્કિટેક્ચર પણ અહીં બહુ ફેમસ છે. એટલે જ એક વિશાળ ટાઉનશિપ જેવું પૅરિસનું ટ્વિન ટાઉન ચીનમાં તૈયાર કરવામાં આવેલું. આઇફલ ટાવર વિનાનું પૅરિસ તો હોય જ નહીંને? આ શહેરમાં ૩૫૪ ફૂટ ઊંચી આઇફલ ટાવરની રેપ્લિકા પણ છે. આઇફલ ટાવરની આસપાસ ફ્રેન્ચ સ્ટાઇલનાં રહેઠાણો પણ અહીં બનાવવામાં આવ્યાં છે.


૨૦૦૭માં જ્યારે આ ટાઉનનું પ્લાનિંગ થયું ત્યારે એ એક્સ્ક્લુઝિવલી રિચ લોકો માટે જ હશે એવું લાગતું હતું. એટલે જ વિશાળ શહેરમાં માત્ર ૧૦,૦૦૦ લોકો રહી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવ્યું હતું. આ ટાઉનમાં ફ્રાન્સની મોટી-મોટી બ્રૅન્ડ્સને પણ ઇન્વાઇટ કરવામાં આવી હતી જેનાથી નકલી પૅરિસમાં ઓરિજિનલ ફ્રાન્સની આઇટમો પણ ઉપલબ્ધ કરાવી શકાય. જોકે ચીનનો આ તુક્કો જેટલો ગાજ્યો એટલો ચાલ્યો નહીં.


ટિઆન્દુચેન્ગ ગામ ખૂબ જ ખૂણામાં પડી જતું હોવાથી તેમ જ ત્યાંની મેઇન શહેરો સાથેની કનેક્ટિવિટીમાં ઊણપ હોવાથી કાળજીપૂર્વક નકલ કરીને તૈયાર કરાયેલું ટાઉન રહેવાસીઓ કે સહેલાણીઓને આકર્ષી શક્યું નહીં. હાલમાં આ ટાઉનમાં માત્ર ૨૦૦૦ લોકો રહે છે. એમાંથી ૫૦ ટકા લોકો નજીકમાં આવેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં જૉબ કરે છે. રિચ કમ્યુનિટી ડેવલપ કરવાની વાતો તો ક્યાંય છેવાડે રહી ગઈ છે. અહીંના રહેવાસીઓ આઇફલ ટાવરની આજુબાજુના ખુલ્લા વિસ્તારમાં શાકભાજીઓ ઉગાડીને એમાંથી કમાણી કરે છે. અહીંનું ફ્રેન્ચ સ્ટાઇલનું સુપરમાર્કેટ ધૂળ ખાય છે. ચીનનું પૅરિસ ભૂતિયું શહેર બની ગયું છે અને આઇફલ ટાવરની રોનક શાકભાજીના પાકની અંદર ખોવાઈ ગઈ છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK