ડાકુ-વટ, વચન અને વેર -પ્રકરણ-98

Published: 14th December, 2014 06:47 IST

ઝાડ પર સલામત જગ્યાએ પહોંચ્યા પછી ભૂપતે પહેલું કામ પોતાના ગળામાં રહેલું માદળિયું હોઠે લગાડીને એને ચૂમવાનું કર્યું હતું. હોઠ જ્યારે માદળિયું ચૂમી રહ્યા હતા ત્યારે જીભ પર ઈશ્વરને પ્રાર્થના હતી.‘હે માતાજી, મીરાને હેમખેમ રાખજે...’


નવલકથા- રશ્મિન શાહ


માતાજીને વિનંતી કર્યા પછી ભૂપતની આંખ અનાયાસ એ જ મંદિર તરફ વળી જેમાં દેવોના દેવ મહાદેવ બિરાજતા હતા. ભૂપતે આંખો મહાદેવના મંદિર પર જડી રાખી અને મનોમન મહાદેવને પણ ર્શીષ ઝુકાવી લીધું.
‘દેવાધિદેવ મહાદેવ, તારી પાસે માગ્યું ક્યારેય નથી... ક્યારેય હાથ ફેલાવ્યો નથી ને ક્યારેય તને શરમાવ્યો નથી, પણ આજે પહેલી વાર કહું છું ને માગું છું...’ ભૂપતની બંધ આંખમાંથી આંસુનું એક ટીપું સરી આવ્યું હતું. જોકે આ સરી પડેલાં અશ્રુ વચ્ચે પણ ભૂપતની અરજ અટકી નહોતી. ‘મહાદેવ, મીરાને હેમખેમ રાખજે. તું માગશે એ આપીશ, તું કહેશે એ કરીશ... કહીશ તો જાતે તારા શિવલિંગ સમક્ષ માથું મૂકી લોહીથી કમળપૂજા કરીશ, પણ મીરાને સલામત રાખજે...’
પ્રાર્થના પૂરી કરીને ભૂપતે આંખ ખોલી અને તેની ખુલ્લી આંખોમાં એક ચમકારો થયો. મંદિરના ગર્ભદ્વારમાં મહિલાના સ્વાંગમાં સંતાયેલા મૂછવાળા જવાનો તેને દેખાયા. જવાનો દેખાતાંની સાથે જ ભૂપતની આંખોમાં લોહી ધસી આવ્યું અને ચહેરા પર સ્મિત પણ પ્રસરી આવ્યું.
‘એની જાતને... પલાન તો ઊંચા માયલો ઘડ્યો છેને કાંઈ!’
ઝાડ પર ચડીને ભૂપત આજુબાજુમાં પથરાયેલી પોલીસ-પલટનને શોધવાનું કામ કરવાનો હતો, પણ આજુબાજુમાં પથરાયેલા પોલીસવાળાને શોધવાને બદલે ભૂપતે હવે પહેલું નિશાન મંદિરના ગર્ભદ્વારમાં છુપાઈને બેસી રહેલા એક હવાલદારનું લીધું. હવાલદારે કપડાં કાઢી નાખ્યાં હતાં પણ છાતી ઢાંકી રાખવા માટે તેણે હજી શરીર પર પોલકું પહેરી રાખ્યું હતું.
વાળવાળી છાતી, હોઠ પર રહેલી મૂછ અને છાતી પર બૈરાંઓ પહેરે એવું પોલકું.
બહુ બીભત્સ દૃશ્ય હતું એ. હવાલદાર આ સ્વાંગમાં માનસિક વિકૃતની ગરજ સારતો હતો. ચોક્કસપણે હવાલદારને પોતાના આ સ્વાંગ માટે મનમાં તો શરમ જ જન્મી રહી હતી, પણ એ શરમ વચ્ચે પણ તે પોતાની ફરજ અને ફોજદારનો આદેશ પાળવા તૈયાર થયો હતો. તેની આ તૈયારીનો પૂરેપૂરો લાભ લઈને ભૂપતે એ હવાલદાર પર આંખ માંડી રાખી. હવાલદારની નજર બારીમાંથી આકુળવ્યાકુળ રીતે બહાર ફરી રહી હતી. ફરી રહેલી એ નજર ભૂપતને શોધવાનું કામ કરી રહી હતી એ ભૂપતને સમજાવવાની જરુર પડે એવું બિલકુલ નહોતું.
ભૂપતે ઝાડની ડાળી પર બેઠક જમાવીને આજુબાજુની ડાળીઓનાં પાંદડાં હટાવીને પોતાને શોધી રહેલા હવાલદારના કપાળનું નિશાન લીધું. એ નિશાન લેવાયા પછી ભૂપતની આંખોમાં ખુન્નસ ઉમેરાઈ ગયું હતું, જ્યારે હોઠ પર આક્રમકતા ભિડાઈ ચૂકી હતી. નજર સામે મીરા હતી તો દૃષ્ટિમાં વેરનો વલોપાત અને કાનમાં મીરાનો ચિત્કાર ગુંજતો હતો. એ ચિત્કાર વચ્ચે જ ભૂપતે પોતાના જમણા હાથની પહેલી આંગળીનું વજન રિવૉલ્વરના ટ્રિગર પર વધારી દીધું હતું. ટ્રિગર સહેજઅમસ્તા ખટાકા સાથે પાછળની તરફ ખેંચાયું અને એ ખેંચાતાંની સાથે એમાંથી મોત ઓકતી ગોળી કોઈની પણ શરમ રાખ્યા વિના સીધી નિશાન પર જઈને જડાઈ. એક જોરદાર ઝટકો હવાલદારના શરીરને લાગ્યો અને એ ઝાટકાની સાથે હવાલદાર હવામાં ઊછળીને પીઠના ભાગ પર આવેલી ગર્ભદ્વારની દીવાલ સાથે જોરથી અથડાયો.
‘ઓમ નમ: શિવાય.’
ભૂપતના મોઢામાંથી શિવજીનો fલોક નીકળ્યો અને એ fલોકની સાથે જ તેની આંખ ગર્ભદ્વારમાં છુપાયેલા બીજા હવાલદાર પર પડી. બાજુમાં ઊભેલા સાથીહવાલદાર પર થયેલા હુમલાથી તે રઘવાયો બન્યો હતો અને એ રઘવાટ સાથે તેણે બારીમાંથી બગીચામાં અંધાધૂંધ ગોળીબાર શરુ કર્યો હતો. અલબત્ત, આ ગોળીબાર કરતી વખતે તેણે ન તો ફોજદારના આદેશનો વિચાર કર્યો હતો કે ન તો તેના મનમાં ભૂપતને ખોજવાનો વિચાર આવ્યો હતો.
આડેધડ ગોળીબાર કરી રહેલા એ હવાલદારને જોઈને જાણે કે મજા આવતી હોય એમ ભૂપત એમ જ બેસી રહ્યો. પોતે સલામત જગ્યા પકડી લીધી છે એ વાતનો તેને આનંદ પણ મનમાં હતો અને એ આનંદની સાથોસાથ તેને એ વાતની ખુશી પણ હતી કે કેટલીક વખત બળની સરખામણીએ ચતુરાઈ ચડિયાતી પુરવાર થતી હોય છે. અત્યારે તે ચતુરાઈના રસ્તા પર હતો અને ફોજદાર આણિ મંડળી નાહકના બળાબળના ખેલ પર આવી રહી હતી. અધીરાઈ કેટલીક વખત માણસના મનમાં અજંપો પેદા કરી દેતી હોય છે. અત્યારે, આ સમયે, આ ઘડીએ ભૂપત એ અજંપાનો જ લાભ લેવા માગતો હતો અને એ લઈ પણ રહ્યો હતો.
મંદિરમાં છુપાયેલા એ હવાલદારે લગભગ ૮થી ૯ ગોળી છોડી અને એ ગોળી છોડ્યા બાદ તે ઘડીભર અટક્યો. તેનું અટકવું અને ભૂપતનું તૈયાર થવું એ બન્ને કામ લગભગ એકસાથે જ થયાં. હવાલદારે ગોળીબાર અટકાવ્યો અને ભૂપતે પોતાની રિવૉલ્વર પરની હથેળીની પકડ મજબૂત કરી. મજબૂતાઈ સાથે ભૂપતે દાંત ભીંસ્યા અને બરાબર એ જ સમયે હવાલદારે પણ બારીની બહાર જોવા માટે ડોકિયું કર્યું. ફરી એક વખત સંયોગો ભૂપતની તરફેણમાં ઊભા થયા અને ભૂપતે એ સંયોગ-સંજોગનો લાભ લઈને રિવૉલ્વરના લોખંડના ટ્રિગર પર વજન આપી દીધું.
ધાંય...
ધડામ...
માણસ કામ કરવામાં થાપ ખાઈ જાય, પણ મશીન પોતાનું કામ હોશિયારીથી કરી લેતું હોય છે. અત્યારે હવાલદારના પદ પર રહેલા માણસે થાપ ખાઈ લીધી હતી અને ભૂપતના હાથમાં રહેલા મશીને પોતાનું કામ પૂરુ કરી લીધું હતું. આ મંદિરમાં બીજી લાશ પડી હતી. મંદિરમાં ૪ પોલીસકર્મીઓ હતા એમાંથી બે હવે સ્વર્ગવાસી બની ગયા હતા, જ્યારે બાકીના બન્નેનો ફફડાટ વધી ગયો હતો. આ ફફડાટ વચ્ચે તેમની હિંમતનું સ્તર નીચું ઊતરી રહ્યું હતું અને ઘટી રહેલી એ હિંમત વચ્ચે મર્દાનગીનું પ્રમાણ પણ નિમ્ન થઈ રહ્યું હતું.
મંદિરમાં રહેલા બાકીના બન્ને હવાલદારોએ પોતાના સાથીહવાલદારોના હાલ જોઈને હાથમાં રહેલી બંદૂક ફેંકી દીધી હતી અને ગર્ભદ્વારના એક ખૂણામાં જઈને છુપાઈ ગયા હતા. એક કર્મચારીના તો આખા શરીરે એવો પરસેવો વળી ગયો હતો જાણે તે આ જ ક્ષણે સ્નાન કરીને બહાર આવ્યો હોય. હથિયાર ફેંકીને બન્ને જે ખૂણામાં ઘૂસ્યા હતા એ ખૂણાઓ બારીમાંથી દેખાઈ રહ્યા હતા. જોકે તેમને આ વાતનો અણસાર નહોતો. ધ્રૂજી રહેલા એ બન્ને હવાલદારોને જોઈને ભૂપતને વિકૃત આનંદ મળી રહ્યો હતો. આ વિકૃત આનંદ વચ્ચે જ તેણે ફરી એક વખત પોતાની રિવૉલ્વરને સજ્જ કરી. આ વખતે તેણે પોતાની બીજી રિવૉલ્વર પણ કમરમાંથી બહાર ખેંચી લીધી હતી.
બન્ને હાથમાં રિવૉલ્વર લઈને ભૂપતે ઝાડની ડાળી પર બેઠક જમાવી. અત્યારે તેની આંખો માત્ર અને માત્ર બારીની પાછળ દેખાઈ રહેલા એ દૃશ્ય પર હતી, જેની જિંદગી તેના હાથમાં હતી. ઝાડ અને બારી વચ્ચે લગભગ ૧૦૦ ફૂટ જેટલું અંતર હતું. જો પેલા બન્ને હવાલદારે થોડી ધીરજ સાથે અને થોડું બુદ્ધિપૂર્વક વિચાર્યું હોત અને ભૂપતને શોધવાની કોશિશ કરી હોત તો તેમને તેમનાથી થોડે દૂર આવેલા ઝાડ પર બેઠેલો ભૂપત દેખાય એવી સંભાવના હતી. જોકે ભૂપતે પોતાની જાતને ઝાડની બીજી ડાળીઓની આડશમાં ગોઠવી રાખી હતી. આ આડશનો લાભ લઈને જ ભૂપતે તેના બન્ને હાથ આગળની બાજુએ લંબાવ્યા અને મંદિરના ગર્ભદ્વારમાં સંતાઈ ગયેલા પેલા બન્ને હવાલદારને નિશાન પર લીધા. સામાન્ય સંજોગોમાં તો ભૂપત કોઈ હિસાબે મંદિર કે પવિત્ર જગ્યાએ આ પ્રકારે ખૂનખરાબા કરવા માટે તૈયાર ન થયો હોત, પણ આજના જેકોઈ સંયોગ ઊભા થયા હતા એમાં સામાન્ય સંજોગોની કોઈ ખુશ્બૂ નહોતી. આજની આ પરિસ્થિતિમાં તો ભૂપત અત્યંત વ્યાકુળ હતો અને વ્યાકુળ થયેલી અવસ્થા માણસને કોઈક વખત હિંસક બનાવી દેતી હોય છે. અત્યારે એ જ અવસ્થા ભૂપતની હતી.
ધાંય...
ધાંય...
મંદિરના ગર્ભદ્વારની બારીના સળિયામાંથી ગર્ભદ્વારમાં દાખલ થયેલી બન્ને ગોળીઓએ ચીંધ્યું કામ કર્યું.
અંદર રહેલા છેલ્લા બન્ને પોલીસકર્મીઓના શરીરમાં ગોળી ધરબાઈ ગઈ અને લોહીનો નાનોસરખો ફુવારો તેમની છાતી પર પથરાઈ ગયો. તેમના અંતિમ શ્વાસ ચાલી  રહ્યા હતા ત્યારે ભૂપતના હોઠ પર ગંદી ગાળ હતી. આ ગાળની સાથે જ ભૂપતે પોતાની નજરની દિશા બદલી અને બગીચાની પાછળના ભાગમાં આવેલા ખેતરાઉ વિસ્તાર પર આંખ માંડી. આમ તો એ વિસ્તાર અત્યારે સાવ શાંત દેખાઈ રહ્યો હતો, પણ કેટલીક શાંતિ છેતરામણી હોય છે. આ શાંતિ પણ છેતરામણી હતી. ખેતરાઉ જગ્યામાં ઉગાડવામાં આવેલાં ઝાડ અને આડબીડ ઝાડીઓની પાછળ પોલીસકર્મીઓ સંતાયેલા હતા, જેની એક જ મકસદ હતી,
ભૂપતસિંહ ચૌહાણ.
ભૂપતની આંખો એ પોલીસ-કર્મચારીઓને શોધી રહી હતી તો પોલીસ-કર્મચારીઓ ફોજદારના નવા આદેશની રાહ જોતાં અધ્ધરજીવે ઝાડીની પાછળ સંતાયેલા હતા. આમ તો અત્યારે ફોજદારનો જીવ પણ અધ્ધર જ હતો.
ભૂપત એકલો છે એ વાતની ખરાઈ કર્યા પછી જ્યારે તેને ઘેરો ઘાલવામાં આવ્યો ત્યારે ગણતરી એવી હતી કે ભૂપતને કોઈ જાતની તક આપ્યા વિના સીધો જ રામશરણ પહોંચાડવો, પણ બન્યું હતું અવળું. લીધેલું નિશાન એકદમ યોગ્ય હતું, પણ વચ્ચે અનાયાસ મીરા આવી જતાં ભૂપત બચી ગયો અને વાર મીરા પર થઈ ગયો હતો. ફોજદારે બીજલને બગીચામાં દાખલ થતી જોઈ હતી. મીરાને લઈને બીજલ રવાના થઈ ગઈ એ પણ ફોજદારે જોયું હતું. ફોજદારની નજર જ્યારે મીરા અને બીજલ પર સ્થિર હતી ત્યારે જ ભૂપતે પોતાનો રસ્તો બનાવી લીધો હતો. મીરા અને બીજલ રવાના થયાની બીજી જ ક્ષણે ભૂપતે ઝાડીમાં સંતાયેલા પોલીસ પર વાર કર્યો હતો. એ વારને ઓળખવામાં આવે એ પહેલાં જ ભૂપત ઝાડ પર ચડી ગયો હતો અને ઝાડ પર ચડ્યા પછી તેણે ગર્ભદ્વારમાં સંતાયેલા અન્ય ચાર પોલીસકર્મીઓને સ્વર્ગવાસી બનાવી દીધા હતા. મંદિર તરફ થયેલા એ ગોળીબાર ફોજદારે જોયા હતા, પણ ગોળીની દિશા પારખવામાં તેઓ થાપ ખાઈ રહ્યા હતા. જોકે દિશા પારખવામાં થાપ ખાઈ રહેલા ફોજદારે આગળ વધવાની કે ઝાડની ઓથ છોડીને બહાર આવવાની થાપ નહોતી ખાધી.
યુદ્ધનો પહેલો નિયમ છે સ્વબચાવ. જો જીવતા હશો તો જ સામેના પક્ષ પર વાર થઈ શકશે, પણ જો જીવતા રહેવાની દરકાર ન કરીએ તો શહીદી સિવાય કાંઈ સાંપડતું નથી.
ફોજદાર આ નિયમથી વાકેફ હતા. નિયમોથી વાકેફ હોવા ઉપરાંત ફોજદાર પોતે કુળકપટમાં માહેર હતા. કપટના હેતુથી પણ ફોજદારની કોઈ ચાલ એવી નહોતી રહેવાની જેમાં તેણે મર્દાનગી દર્શાવવાનો સમય આવે.
ફોજદાર ઝાડની ઓથ છોડવા રાજી નહોતા. આડશ વચ્ચે જ તેણે ભૂપતને શોધવાનો પ્રયાસ કર્યો. મંદિરમાં થયેલા હુમલા વિશે ફોજદાર વાકેફ હતા, પણ એ હુમલામાં પોતાના ચાર સાથી માર્યા ગયા છે એનો તેમને અંદાજ નહોતો. હુમલાની દિશા ખબર ન હોવાથી ફોજદારે પણ ઉતાવળિયું પગલું લેવાને બદલે સાવચેતી રાખવાનું પસંદ કર્યું અને દસેક મિનિટ પસાર થવા દીધી. એ દસ મિનિટ દરમ્યાન તેમને હતું કે ભૂપત અકળાશે અને અકળામણ વચ્ચે તે બહાર આવશે પણ એવું ન થયું. ધીરજની બાબતમાં તો ભૂપત સૌનો બાપ હતો અને એનો દાખલો અત્યારે તે આપી રહ્યો હતો.
૧૦ મિનિટ.
૧૫ મિનિટ.
૨૦ મિનિટ.
અકળામણ આપવાની ધારણાથી સ્થિતપ્રજ્ઞ થઈ જવાનું ધારતી વ્યક્તિ જ ક્યારેક અકળામણ દર્શાવી દેતી હોય છે. અત્યારે પણ એવું જ થયું. ફોજદારની અકળામણ છતી થઈ ગઈ અને તેણે ઇશારત કરીને પોતાના સાથીઓને આગળ વધવાનું કહ્યું. હુકમનો ઇશારો મળતાંની સાથે જ સાથીઓએ પણ સાવચેતી અને સાવધાની સાથે આગળ વધવાનું શરુ કર્યું. ભૂપતનું ધ્યાન પણ એ જ દિશામાં હતું. ઝાડીમાં સળવળાટ થતાંની સાથે જ ભૂપતે આંખો ઝીણી કરી.
ઝાડીનાં પાંદડાંઓ જરુરિયાત કરતાં પણ બહુ ધીમી હિલચાલ કરી રહ્યાં હતાં, પણ એ હિલચાલ વચ્ચે પણ ઝાડી વચ્ચે બેઠેલાં પક્ષીઓ ધીમેકથી ઊડ્યાં. બપોરનો સમય હતો. ચણ જમીને આરામ કરી રહેલાં પક્ષીઓ ફફડીને ઊડ્યાં એટલે ભૂપતે એ દિશામાં ધ્યાન કેãન્દ્રત કર્યું. આછીસરખી હિલચાલ ભૂપતની નજરે નોંધી એટલે ભૂપતે બન્ને રિવૉલ્વર પરની પોતાની મુઠ્ઠીઓનું વજન વધાર્યું અને ઝીણી નજરે ઝાડીને ઘૂરી. ઇચ્છા થઈ કે એકાદ-બે પોલીસવાળા દેખાઈ જાય તો તેમને રામશરણ પહોંચાડવા. કહેવાય છેને કે ભારોભાર ઝનૂનથી કરવામાં આવેલી ઇચ્છા ઈશ્વર પણ પૂરી કરતો હોય છે. અત્યારે એવું જ થયું હતું. ભૂપતની ઇચ્છામાં ઝનૂન હતું અને આત્મબળ પણ હતું.
આગળ વધી રહેલા એ પોલીસકર્મીઓમાંથી ૩ પોલીસકર્મીઓ પાછળની હરોળમાં હતા. પાછળની હરોળના આ પોલીસકર્મીઓને આગળના પોલીસવાળાઓની ઓથ મળી રહી હતી, પણ તાલમેલનો અભાવ હોવાથી એ ઓથમાં ઉતાર-ચડાવ આવી રહ્યો હતો. ઝાડ પર ચડીને બેસી ગયેલા ભૂપતને આ તાલમેલના અભાવનો લાભ મળ્યો અને તેણે પાછળની હરોળમાં ચાલતા પોલીસકર્મીઓને પોતાના નિશાન પર લીધા. એ પોલીસકર્મીઓ આ વાતથી અજાણ હતા. હા, તેમની નજર અત્યારે ચોક્કસપણે ભૂપતને શોધવામાં લાગેલી હતી, પણ એ નજરની દિશા સમાંતર હતી. તેમને ખબર જ નહોતી કે જેને શોધવા માટે અત્યારે તેમની આંખો સીધી દિશામાં ફરી રહી છે તે જ વ્યક્તિ કાળ બનીને તેમની નજરની એ દિશાથી લગભગ ૧૦ ફૂટ ઉપર બેઠેલી છે.
ભૂપતે ફરી એ જ રીતે બન્ને હાથ લંબાવ્યા અને આંAો ચડેલા એ નિશાન પર રિવૉલ્વર તાકી. તકાયેલી એ રિવૉલ્વરની નિશાન લેવાની જગ્યાએ ભૂપતની આંખ મંડાયેલી હતી અને એ આંખમાં ભૂખ્યાડાંસ વરુનો વાસ થઈ ચૂક્યો હતો.
ધાંય...
એક પોલીસકર્મી સીધો જમીનદોસ્ત થયો. બાજુમાં ચાલતો સાથીપોલીસ જમીન પર પટકાયો એટલે સ્વાભાવિક રીતે બાજુમાં રહેલા પોલીસનું ધ્યાન તેના પર ગયું. સાથીના ફૂટી ગયેલા કપાળને જોઈને તેનું હૃદય બેચાર ધબકારા ચૂકી ગયું, પણ એ ચૂકી જવાયેલા ધબકારા વચ્ચે જ વધુ એક ગોળી આવી. આવેલી એ ગોળીએ પેલા પોલીસકર્મીની ડાબી બાજુએ ચાલતા સાથીને જમીન પર પછાડ્યો.
પહેલાં જમણી બાજુનો અને પછી ડાબી બાજુનો સાથી.
વચ્ચે રહેલા પોલીસકર્મીના હાંજા ગગડી ગયા. હવાતિયાં મારતી નજરે તેણે આગળ જોયું. આવેલા આ બે ગોળીબારે તેની આગળ ચાલતા સાથીઓને ફરીથી ઓથ લઈને ઊભા રાખી દીધા હતા, પણ એ સાથીઓની હરકતમાં કોઈ ફરક નહોતો આવ્યો. તેઓ બધા પોતપોતાનું આરક્ષણ શોધીને એમ જ ઊભા રહી ગયા હતા. જોકે તેમની જેમ છુપાઈ જવાને બદલે બચી ગયેલા પેલા પોલીસકર્મીએ હાથમાં રહેલી બંદૂકનું નિશાન મંદિરની દિશામાં તાક્યું અને કોઈના પણ આદેશ વિના અંધાધૂંધ ગોળીબાર માંડી દીધો.
‘હરામખોર...’ ફોજદાર ગિન્નાયો, પણ તે રાડ પાડીને પોતાના સાથીને ગાળ દઈ શકે એવી અવસ્થામાં નહોતો અને છતાં તેનાથી ઊંચા અવાજે કહેવાઈ જ ગયું, ‘મૂંગીનો મર, નઈ તો તારો બાપ બધાને ભાળી જશે...’
ગુસ્સા વચ્ચે ક્યારેય સમજાવટના શબ્દો સંભળાતા નથી. એવું જ અત્યારે પેલા હવાલદાર સાથે બની રહ્યું હતું. ફોજદારના, પોતાના ઉપરીના એક પણ શબ્દની તેના પર અસર નહોતી થઈ રહી. અરે, તેને તો એ પણ ખબર નહોતી કે ફોજદાર તેને કંઈક કહી રહ્યો છે. તેનું ધ્યાન તો મંદિરની દિશામાં જ હતું અને એ જ દિશામાં તે કાંઈ વિચાર્યા વિના જ ગોળીબાર કરી રહ્યો હતો.
એ દૃશ્ય ભૂપત બહુ આસાનીથી જોઈ શકતો હતો. પોલીસ-વિભાગમાં હજી હમણાં જ જોડાયા હોય એવા એ લબરમૂછિયા પર ભૂપતને આમ તો દયા આવવી જોઈએ, પણ અત્યારે તેના મનમાં દયાની એક આછીસરખી લકીરનો પણ અવકાશ નહોતો. જો બીજી કોઈ પરિસ્થિતિ હોત તો ભૂપતે ચોક્કસપણે તેના તરફથી ધ્યાન હટાવી લીધું હોત. અરે, એ પછી પણ જો પેલો લબરમૂછિયો ન અટક્યો હોત તો ભૂપતે તેની આજુબાજુમાં ફાયરિંગ કરીને તેને ડરના હેતુથી પરચો આપીને પણ ત્યાંથી ભગાડ્યો હોત, પણ આજે તેણે એવું કાંઈ કર્યું નહીં અને પોતાની રિવૉલ્વરથી નિશાન એ લબરમૂછિયાની છાતીનું લીધું. આંખ છાતીની મધ્યમાં ગોઠવાયા પછી તરત જ ભૂપતે એ દિશામાં ગોળી છોડી.
ધડામ...
બંદૂકમાંથી છૂટેલી ગોળીએ પેલા પોલીસની છાતીમાં બે વેઢા જેવડું કાણું પાડી દીધું. કાણું પાડીને પીઠમાંથી બહાર આવેલી એ ગોળીએ તેના હૃદયને પણ વીંધી નાખ્યું હતું. વીંધાયેલા એ હૃદયે એકનો જીવ લીધો તો બીજાના હૈયાને શાતા આપવાનું કામ કર્યું. આવી જ શાતા જૂનાગઢમાં પણ પ્રસરેલી હતી. ફરક માત્ર એટલો હતો કે જૂનાગઢમાં બેઠેલાં હુમાતાઈના મનમાં આશાનો સંચાર હતો.
મીરા સવારે રવાના થઈ ત્યારે હુમાતાઈએ તેના માથે હાથ ફેરવ્યો હતો. કહ્યું હતું, ‘બેટા, કેટલાયની જિંદગીમાં ટાઢક આપવાનું કામ કરવા જઈ રહી છો. ખુદા તારાં બધાં સપનાં અને તારી બધી ઇચ્છા પૂરી કરે.’
‘તાઈ, મીરાના ખ્વાબની વાત કરવાનું રહેવા દે... તે તો અત્યારે ખ્વાબને હકીકતમાં ફેરવવા જ જઈ રહી છે...’ રાબિયાએ ટીખળ કરી મીરાને પ્રેમથી મીઠો ટોણો પણ મારી લીધો, ‘આપણાં બધાંમાં સૌથી મોટી સ્વાર્થી જો કોઈ હોય તો તે આ જ છે...’
‘જો બેટા, તું કહે છે એમ, આ સ્વાર્થી હોય તો તો મારુ કામ એ ચોક્કસ કરી શકશે...’ રાબિયા અને મીરાના ચહેરા પર રહેલા અચરજને જોઈને હુમાતાઈએ બન્નેને સમજાવટ સાથે કહ્યું હતું, ‘જ્યાં સ્વાર્થ હોય ત્યાં કામ કરવા માટે મહેનત કરવામાં આવે અને મહેનત અંત ઘડી સુધી કરવામાં આવે...’
‘તાઈ, મારો સ્વાર્થ શું છે અને કેવો છે એ વાત કરતાં પણ અત્યારે હું એ વાતનું ધ્યાન રાખીશ કે કોનું હિત કેટલું છુપાયેલું છે...’ આંખનાં આંસુ છુપાવવા મીરાએ હુમાતાઈ પરથી નજર હટાવી, ‘ભૂપત આવશે તો કોઈ એક દિવસ એવો આવશે જેમાં અમે સાથે હોઈશું પણ સાચું કહું તો એ દૂરની વાત છે... પણ ભૂપત આવશે તો એક દિવસ એ પોતાનાં માબાપની સાથે રહેશે અને બહેનના નિકાહ કરાવશે એ વાત તો ચોક્કસ બનશે અને એ વાત હું નહીં ભૂલું...’
‘બેટા... જ્યારે કોઈકનું હિત જોવાનો પ્રયાસ થતો હોય છે ત્યારે ખુદા તમારુ હિત પહેલાં સાચવી લેતો હોય છે.’ તાઈએ મીરાની હડપચી પકડીને તેની રડમશ આંખ પોતાની સામે લીધી, ‘આ ઘડીએ આ જે આંસુ છે એની વેદના જુદી છે અને એ વેદના પણ અલ્લાતાલા સુધી પહોંચે જ છે...’
‘તો બસ, તમારા અલ્લાતાલાને એટલું કહેજો કે તમારો દીકરો બધી વાતને પ્રેમપૂર્વક સાંભળે અને એનો અમલ કરવા વિશે દૃઢતાપૂર્વક વિચારે.’
‘માત્ર મારા ખુદા જ નહીં, તારો ઈશ્વર પણ એ કામ કરવાનો છે...’ તાઈના ચહેરા પર ચમક અને આંખોમાં આશાનું વાવેતર થઈ ગયું હતું, ‘આજે તો તે બેઉ પણ બીજાં બધાં કામ પડતાં મૂકીને તારી સાથે ભૂપતને મળવા આવવાના છે.’
વાતમાં ઉમેરાઈ ગયેલી ભીનાશમાં વધારો કરવાનું કામ રાબિયાએ કર્યું.
‘મીરાદી, જો ભાઈ માને તો તેને આજે જ લઈ આવજેને... તેની ચિલ્લમચિલ્લી બહુ યાદ આવે છે.’
ક્ષણભરમાં જૂનાગઢના એ ઘરમાં પાંચ વર્ષ પહેલાંનો અતિત પથરાઈ ગયો. રાબિયા, અઝાન અને ભૂપતે કરેલી તમામ ધિંગામસ્તીઓ સૌની આંખ સામે આવી ગઈ તો હુમાતાઈની આંખ સામે એ બાળક પણ આવી ગયું જેણે તેના પતિની ગેરહાજરીમાં ૧૦ વર્ષની ઉંમરે બદલો લેવાની હિંમત કરી એક એવા નરાધમને નાથ્યો હતો જે આખા જૂનાગઢ રાજ્ય પર કાળ બનીને ઊભો હતો. તાઈની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી.
‘તાઈ, મન મક્કમ રાખો. આંસુ લૂછનારો હવે બહુ જલદી પાછો આવવાનો છે...’ મીરાએ તાઈને ન સંભળાય એમ મનોમન કહી પણ દીધું હતું, ‘જો તે નહીં આવે તો તેને પાછો લઈ આવવા હું પણ તેની સાથે જવા તૈયાર રહીશ.’
બન્યું એવું જ હતું. ભૂપત હવે પાછો આવવાનો નહોતો અને મીરાને પણ આ જ વાત લાગુ પડતી હતી.
€€€
કાળુને ચેન નહોતું પડી રહ્યું. બહુ પ્રયાસ કર્યો તેણે વાતને બીજા પાટે ચડાવવામાં અને પોતાનું ધ્યાન બીજી દિશામાં વાળી રાખવામાં, પણ મનમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે ક્યાંક કોઈક જગ્યાએ અપશુકન થઈ રહ્યાં છે અને એનો અણસાર છેક તેના સુધી પહોંચે છે. એક પળ માટે તો કાળુએ પોતે સંકટમાં મુકાશે એવો વિચાર પણ કરી લીધો અને એ કલ્પનાને પણ તેણે મનમાં રોપી જોઈ પણ એનું મન માનતું નહોતું કે એવું કંઈ બને અને હૈયું કંઈક જુદી જ દિશામાં અંગુલિનિર્દેશ કરી રહ્યું હતું.
‘બહાર તો કોઈ છે નહીં તો પછી કોના પર સંકટ આવે... ઘરના પર હશે કે પછી ફરીથી સામત અને રણજિતની જેમ ટોળીમાંથી કોઈક છૂટું પડવાની દિશામાં આગળ વધતું હશે?’
કાળુએ માથું ઝાટકીને મનમાં ચાલી રહેલા વિચારોને અટકાવવાની કોશિશ કરી, પણ એ વિચારો ગુંદર લઈને મસ્તક પર ચોંટી ગયા હતા.
‘માળુ બેટું, આ સાલું ખરાબ હોં...’ કાળુએ ખબરીને કહ્યું, ‘ખરાબ વાત તરત જ મનમાં ઘર કરી જાય...’
‘હા, ઈ ઘર કરી જાય, પણ ઘર કરી ગયેલી વાત સાવધાની પણ આપી જાયને.’
‘સાવધાની શાની ભાઈ... બધા પોતપોતાના મલકમાં જ છે ને રાજ કરે છે...’
‘સરદાર ક્યાં છે?’
‘સરદાર તો...’
કાળુનું મોં ખુલ્લું રહી ગયું. શબ્દો હવામાં ઓગળી ગયા અને જીભ તાળવે ચોંટી ગઈ.
ક્યાંક મીરા અને ભૂપત પર તો આફત નથી આવીને?
કાળુ સફાળો ઊભો થઈ ગયો હતો. ઊભા થઈ તેણે પહેલું કામ ત્યાંથી નીકળી જવાનું કર્યું હતું. રાજકોટથી માણાવદરનું અંતર આમ તો લગભગ અઢીથી ત્રણ કલાકનું હતું. અગાઉ અનેક વખત કાળુ આ રસ્તે આવ્યો હતો. કાળુને આ અંતર ક્યારેય લાંબું લાગતું નહીં. એ બડી મસ્તીથી આ અંતર કાપતો અને આ અંતરનો આનંદ પણ લેતો, પરંતુ આજે આ સમય અને આ અંતર કાળુને અત્યંત લાંબાં લાગી રહ્યાં હતાં. વચ્ચે બેથી ત્રણ વખત તો તેણે પોતાની ઘોડીને આક્રમક બનીને મારી પણ લીધું હતું, પણ કાળુના મનમાં ચાલતી વ્યથાને જાણે કે એ મૂંગું પ્રાણી સમજી ગયું હોય એમ ચૂપચાપ તેણે દોડતા રહેવાનું કામ કર્યું હતું. ઘોડાને એકધારા દોડાવવાને બદલે પોણો કલાકથી એક કલાક વચ્ચે આરામ આપતા રહેવું જોઈએ એની કાળુને ખબર હતી છતાં તેણે આજે કોઈ રાહત આપી નહીં. દોઢેક કલાક સુધી એકધારુ અંતર કાપ્યા પછી તેણે જ્યારે ઘોડીના મોઢામાંથી ફીણ આવી ગયેલી જો ત્યારે નાછૂટકે તેણે એક કૂવા પાછી ઘોડી ઊભી રાખી.
ઘોડી પણ જાણે કે વષોર્થી તરસી હોય એમ પાણી જોઇને એના પર તૂટી પડી. બાજુમાં જ પાણીયારુ હતું. કાળુને તરસ પણ લાગી હતી પણ કાળુએ ગળાનો ત્રોસ અત્યારે અટકાવ્યો અને અટકાવ્યા પછી મનોમન નક્કી પણ કરી લીધું કે હવે એ જ્યાં સુધી માણાવદર ભૂપત પાસે નહીં પંહોચે ત્યાં સુધી એ પાણી નહીં પીવે. કાળુએ માતાજીને પ્રેમપૂર્વકની વિનંતી કરી અને એ વિનંતીમાં જ તેણે ધમકીનો અણસાર પણ આપી દીધો.
‘માડી, બધું સાજુનરવું રાખજે... બાકી, બહુ ખોટું થઇ જશે.’
ઘોડીએ ધરાઇને પાણી પી લીધું એટલે કાળુ ઘોડી પાસે આવ્યો. ઘોડીના ગળા પર વ્હાલથી હાથ ફેરવ્યો અને હાથ ફેરવીને તેણે ધીમેકીથી એના કાનમાં કહ્યું: ‘માણેક, જલ્દી પંહોચાડી દે મને... એકવાર પંહોચાડી દેશે પછી તને હાથ પણ નહીં લગાડું પણ બેટા, આજે એક વખત મારુ સાચવી આપ. છું અત્યારે તારી સાથે પણ મારો જીવ તો ક્યારનો આગળ પંહોચી ગયો છે...’
માણેક પણ જાણે કે કાળુની વાત સમજી રહી હોય એમ એણે આછી હળહળાટી કરી કાળુની વાતમાં હોંકારો પુરાવ્યો. ઘોડીના હોંકારાની સાથે જ કાળુએ એની ગરદન થપથપાવી એના પર સવાર થઇ ગયો. માલીકનો રઘવાટ જાણી ચુકેલી ઘોડી હવે તો માલિકના મનમાં ચાલતો ઉદવેગ પણ પામી ચુકી હતી અને એટલે જ એણે પણ જીવ પર આવીને દોટ મુકી દીધી.
€€€
સાંજનો સૂરજ હવે લાલ થઇ ગયો હતો અને બનાવેલી વ્યુહરચના મુજબ ફોજદાર પણ છૂટક ગોળીબારી કરીને સમય ખેંચી રહ્યો હતો. ખેંચવામાં આવતા આ સમયનો લાભ ફોજદાર પોતાના પક્ષે ઉમેરવા માંગતા હતા જ્યારે ભુપતને એનાથી કોઇ ફરક નહોતો પડી રહ્યો. એ ઝાડ પર શાંતચિતે બેઠો હતો. ખબર હતી એને કે આ સમય કટોકટીનો છે અને કટોકટીના સમયમાં સૌથી ઉત્તમ પરિણામ જોઇતું હોય તો એની માટે મનમાં શાંતિ હોવી જોઇએ. બીજલ મીરાને લઇને રવાના થયાને પણ ચારેક કલાક જેટલો સમય થઇ ગયો હતો અને આ ચાર કલાકમાં બીજલના પાછાં આવ્યાના પણ કોઇ અણસાર તેને મળ્યા નહોતા. આમ તો ભુપતે બીજલને પાછાં આવવા માટે કંઇ કહ્યું નહોતું પણ તેને ખબર હતી કે બીજલ આવા સંજોગોમાં કોઇ હિસાબે પાછી આવ્યા વિના રહેશે નહીં. જોકે આજે હજૂ એ પાછી આવી હોવાનો કોઇ ઇશારો બીજલે તેને આપ્યો નહોતો એટલે ભુપતને એની સહેજ ચીંતા થઇ હતી પણ જ્યારે સંકટનું વાદળ વિસ્તરેલું હોય ત્યારે વિસ્તરેલા એ વાદળ વચ્ચે કોઇ ભીંજાયા વિનાનું કોરુ રહી જાય એવી અપેક્ષા પણ કેમ રાખી શકાય.
કેસરી વાઘા પહેરેલા સુરજે પૃથ્વીની બીજી દિશાની પૂર્ણ રાહ પકડતાં પહેલાં અંતિમ વિદાયની નિશાનીરુપે છેલ્લા કિરણો પાથરવાનું શરુ કયુર્ અને ફોજદારે પણ પોતાની પોલીસ પલટનને અંધકારનો લાભ લઇને આગળ વધવાનો ઇશારો કર્યો. આ ઇશારતમાં સહેજ ઉચાટ હતો તો સાથોસાથ સફળતા તરફ આગેકદમ થયાનો ઉત્સાહ પણ દેખાય રહ્યો હતો.
‘આ સૂર્યોસ્ત બહારવટીયા ભુપતની જિંદગીનો આખરી સૂર્યાસ્ત છે...’
ફોજદારે મૂંછને વળ ચડાવતાં પહેલાં ખિસ્સામાં રહેલાં હાથબોમ્બને સ્પર્શ કરી લીધો. હાથ બોમ્બનો સ્પર્શ ફોજદારના શરીરમાં ગરમાવો ભરવાનું કામ કરી ગયો.
(વધુ આવતાં રવિવારે)


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK