ફૅમિલી કોર્ટનાં ૨૫ વર્ષ

Published: 12th October, 2014 06:51 IST

એક સમયે ડિવૉર્સ કોર્ટ તરીકે ઓળખાતી અને માત્ર છૂટાછેડા આપવા માટે જાણીતી આ અદાલત છેલ્લાં થોડાંક વષોર્થી યુગલોને છૂટાં ન પડવા માટે સમજાવતી પણ થઈ ગઈ છે. સિલ્વર જ્યુબિલી નિમિત્તે ફૅમિલી કોર્ટની દાસ્તાન એની પોતાની જ જુબાનીમાં જાણીએ
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

હેલો એવરીબડી, હું છું મુંબઈની ફૅમિલી કોર્ટ. સાતમી ઑક્ટોબરે મને ૨૫ વર્ષ પૂરાં થયાં છે. મારા સંચાલનમાં મુખ્ય ભાગ ભજવી રહેલા ફૅમિલી કોર્ટના સ્ટાફના સભ્યોએ એની સરસ રીતે ઉજવણી પણ કરી. જોકે એ બધી જ ઉજવણીમાં હું એ વાત જરાય નથી ભૂલી કે મારું નામ બદનામ છે. લોકોનાં ઘર મારા દર પર આવીને તૂટે છે. અત્યાર સુધી હજારો લોકો પોતાનાં ઘર તોડવા માટે મારા શરણે આવ્યા છે. જોકે છેલ્લાં ૨૫ વર્ષમાં મેં જોયેલા દિવસોની આપવીતી મારે આજે કહેવી છે. ડિવૉર્સ, છૂટાછેડા, તલાક આ શબ્દોની ગરિમા, આ શબ્દોનો પાવર, આ શબ્દોની અસર બદલાતા સમાજ સાથે બદલાયાં છે અને એ મેં બહુ જ તીવ્રપણે મહેસૂસ કર્યું છે એ જ વાત એ જ સિનારિયો આજે તમારી સામે દિલ ખોલીને રજૂ કરવો છે.

મારો જન્મ

જેમ એક માનવે જન્મ લેતાં પહેલાં માતાના પેટમાં ગર્ભકાળ ભોગવવો પડે છે એમ મારો પણ ગર્ભકાળ હતો જે નવ મહિના નહોતો, પરંતુ વષોર્નો હતો. મારો જન્મ થાય એ માટે પ્રયત્નો સામાજિક અને પારિવારિક સંસ્થાઓએ ૧૯૭૪થી શરૂ કરી દીધા હતા, પરંતુ આમ તો મારા જન્મનું બીજ રોપનારાં હતાં કર્ણાટકનાં સ્વાતંhયસેનાની દુર્ગાબાઈ દેશમુખ. તેઓ વકીલ તરીકે પ્રૅક્ટિસ કરી ચૂક્યાં હતાં અને સાથે કેન્દ્રીય રાજકારણમાં પણ હતાં અને સમાજસેવિકા પણ હતાં. તેમની ચીનની મુલાકાત દરમ્યાન ફૅમિલી કોર્ટ વિશે અભ્યાસ કરવાની તક મળી. એ વિશે ભારત આવીને તેમણે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અને એ વખતના પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નેહરુ સાથે પણ ચર્ચા કરી હતી.

છેક ૧૯૫૩ની આ વાત છે. એટલે તમે કહી શકો કે એ અરસામાં મારી ઉત્પત્તિનો વિચાર થઈ ગયો હતો. એ પછી જેમ-જેમ જાગૃતિ અને જરૂરિયાત લાગવા માંડી એમ મારા જન્મને લઈને સમાજના અગ્રણીઓ આગળ આવવા માંડ્યા. ૧૯૭૪માં લૉ કમિશનમાં પહેલી વાર સત્તાવાહી ધોરણે અને લેખિતમાં મારા નિર્માણ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો. પારિવારિક મસલાઓ, ખાસ કરીને પતિ-પત્ની વચ્ચેના મતભેદો અને તેમને જોઈતા કાયદાકીય ન્યાય માટે એક સ્વતંત્ર ન્યાયાલય હોવું જ જોઈએ એ વાત પહેલી વાર સત્તામાં ચર્ચાઈ હતી. એ પહેલાં છૂટાછેડાથી લઈને મેઇન્ટેનન્સ, બાળકની કસ્ટડી, છૂટા પડતી વખતે લેવામાં આવતી સેટલમેન્ટની રકમ જેવી બધી જ બાબતોમાં ન્યાય લેવા માટે સિટી સિવિલ કોર્ટમાં જવું પડતું હતું. ન્યાયાલયના જે કઠેડામાં મર્ડર અને ચોરી કરનારા ક્રિમિનલને ઊભો રાખવામાં આવતો હતો એ જ કઠેડામાં પત્નીના સ્વભાવથી થાકીને છૂટાછેડા લેવા માગતા પતિને અને દારૂ પીને બધી કમાણી ઉડાવી નાખનારા પતિથી છૂટવા મથતી પત્નીને ઊભા રહેવું પડતું હતું.

પરિવારોની અતિસંવેદનશીલ બાબતોને પુરાવાને આધીન થઈ ન્યાયથી તોલવાને બદલે દંપતીને સમજાવવા અને તેમની વચ્ચેના ક્લૅશનું સમાધાન કોર્ટની બહાર જ તેઓ કરે અને આખરી નિર્ણય કોર્ટને સોંપે તો કોર્ટનો સમય બચે એ આશયથી ૧૯૮૦માં પહેલવહેલી વાર તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સે સિવિલ કોર્ટની બહાર બે કાઉન્સેલરને બેસાડીને તેમની પાસે આ પ્રકારના કેસને સમજાવટની દિશામાં કઈ રીતે વાળવા એનું એક મૉડલ આપ્યું. કોર્ટની બહાર જ સેટલમેન્ટ કરવાના આ પ્રયાસને સફળતા મળી. કેસનું નિવારણ ઝડપી આવવા લાગ્યું. એટલે કેન્દ્ર સરકારે આ દિશામાં આગળ પગલાં લીધાં. ફૅમિલી કોર્ટ ઍક્ટ ૧૯૮૪માં નિર્માણ પામ્યો જેનું પહેલું અમલીકરણ મહારાષ્ટ્રમાં થયું. મહારાષ્ટ્ર સરકાર અને હાઈ કોર્ટે પોતાના રાજ્ય માટે કેટલાક વધારાના નિયમો આ નવા કાયદાના સરળ અમલીકરણ માટે બનાવ્યા. તમે કહી શકો કે હવે મારું ગર્ભાધાન થઈ ચૂક્યું હતું. બસ, હવે મારા જન્મના ભણકારા વાગી રહ્યા હતા. સૌથી પહેલાં પુણેમાં રાષ્ટ્રની પહેલી ફૅમિલી કોર્ટનો ઉદ્ભવ થયો. એ પછી ૧૯૮૯ની ૭ ઑક્ટોબરે મુંબઈના બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ વિસ્તારમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના સાત માળના બિલ્ડિંગમાં પાંચ માળ સુધી પાંચ કોર્ટની શરૂઆત થઈ. એ પછી ૧૯૯૫ના મે મહિનામાં છઠ્ઠી અને સાતમી કોર્ટ પણ શરૂ થઈ. કોર્ટની શરૂઆત થઈ ત્યારે ૩૦૦૦ મૅટ્રિમોનિયલ કેસિસ સિવિલ કોર્ટમાંથી ફૅમિલી કોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ઘણુંબધું જોયું

લગ્નગ્રંથિથી જોડાયેલા બે જણને ન બને અને ઝઘડતા-ઝઘડતા મારા આંગણે આવતાં. મારા અસ્તિત્વના હિસ્સેદારો સમાન કાઉન્સેલર, વકીલ, જજ, હવાલદાર, જુડિશરી સ્ટાફ, ઍડ્મિનિસ્ટ્રેશન સ્ટાફ જેવા બધા જ મળીને તેમને તેમના મકસદમાં આગળ વધવા મદદરૂપ થતા. મારું નામ હતું ફૅમિલી કોર્ટ; પરંતુ ડિવૉર્સ કોર્ટ તરીકે લોકો મને વધુ ઓળખતા હતા. મને સમાજમાં અછડતી નજરે જોવામાં આવતી. તૂટતા, ઝઘડતા, બાળકો માટે ખેંચતાણ કરતા પરિવારોને જોઈને હું પોતે પણ હેબતાઈ જતી. જોકે ધીમે-ધીમે ડિવૉર્સ કોર્ટની છબિને ભૂંસવા માટેના પ્રયત્નો શરૂ થયા અને જાણે મને પ્રાણવાયુ મળ્યો હોય એમ મને રાહત થવાની શરૂ થઈ. કાઉન્સેલરો કપલ વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે અઢળક પ્રયત્નો કરવા માંડ્યા. વકીલો અને જજ પણ મિડિયેટર બનીને દિશા ભૂલેલાં કપલ માટે દિશાસૂચકનું કામ કરવા માંડ્યા. માત્ર કાયદા-કાનૂન નહીં, સંવેદના સાથેનો ધબકાર મને મળવા માંડ્યો. અનેક કેસોમાં તેમને છૂટાં પડવા નીકળેલાં જોડાંઓને ફરી ભેગાં કરવાનું શ્રેય પણ મળ્યું તો કેટલાક કેસમાં સંતાપ સાથે અને એકબીજા પર કીચડ ઉછાળીને અલગ થવાનું વિચારીને બેઠેલા લોકોને શાંતિ અને સમજદારીથી આ પગલું ભરવાની સૂઝ મળી.

૨૦૦૪માં કમ્પ્યુટર આવ્યાં, ઇન્ટરકૉમ આવ્યાં જેને કારણે મારી સાથે કામ કરનારા લોકોની સહુલિયત વધી.

જમાના સાથે બદલાવ

બદલાતા સમાજનો સૌથી મોટો પડઘો મેં સાંભળ્યો છે. મેં એ સમય પણ જોયો છે જ્યાં ૧૦-૧૦ વર્ષનું લગ્નજીવન સંતાપ સાથે ખેંચી કાઢ્યું હોય અને પછી નાછૂટકે છૂટાછેડા માટે મારા દાદરા દંપતી ચડ્યું હોય. છૂટાછેડાના કાગળો પર સહી કરતી વખતે રડતી આંખો અને પોતાના કારણે બાળકના ભવિષ્યની ચિંતાને કારણે ધ્રૂજતા હાથોને મેં જોયા છે. મારી શરૂઆતના દિવસોમાં લોકોને છૂટાછેડાનો છોછ હતો; જેમના માટે છૂટાછેડા શરમજનક બાબત હતી અને નિ:સહાય બનીને લેવાયેલું અંતિમ પગલું હતું. જોકે એ પણ એક જમાનો હતો અને આજનો પણ એક જમાનો છે જ્યાં લોકો લગ્નના છ મહિનાની અંદર નક્કી કરી લે છે કે આપણે સાથે નહીં રહી શકીએ અને છૂટાં પડવાની અરજી કરી નાખે છે. માણસમાં લોભ વધ્યો છે. મોટી રકમ મેઇન્ટેનન્સમાં મળે એટલે વર્ષો સુધી કેસ ખેંચાયા કરે છે. બાળકની કસ્ટડી માટે, બાળકને તેના પિતા કે માતા સાથે મળવા દેવામાં પણ આનાકાની કરવામાં આવે છે. પહેલાંનાં પ્રેમ-લાગણીઓનું સ્થાન અત્યારના સમાજમાં અહમ્ અને પૈસાએ લીધું છે. સહનશક્તિ અને સમાધાનવૃત્તિ ઓછી થઈ છે. છોકરીઓ સ્વાવલંબી બની છે. પોતાના હક અને અધિકાર સમજતી થઈ છે અને એટલે જ પહેલાં મૂક મોઢે સહેવામાં આવતા અત્યાચારોનો હવે પ્રતિકાર થવાને કારણે મારે ત્યાં ભીડ વધી છે. તેમ છતાં બને ત્યાં સુધી પરિવારોને તૂટતા અટકાવવા માટે આ ફૅમિલી કોર્ટના સદસ્યો પ્રયત્ન કરી રહ્યા છે એની રાહત છે.

કેટલાક ટેરિફિક કેસ

૧.

છેલ્લાં ૧૫ વર્ષથી એક કેસ ફૅમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. લગ્નના થોડાક જ મહિનાઓમાં આ કપલ વચ્ચે આપસી પ્રૉબ્લેમ થવા માંડ્યો. હસબન્ડને ડિવૉર્સ જોઈતા હતા અને વાઇફને નહોતા જોઈતા. હસબન્ડે વાઇફને તેનાં મમ્મીના ઘરે રવાના કરી દીધી અને ડિવૉર્સ-પેપર મોકલી આપ્યા. વાઇફે કોર્ટમાં કેસને ચૅલેન્જ કર્યો. હસબન્ડે છૂટાછેડા માટે કોર્ટમાં કરેલી દલીલો અને વાઇફે છૂટાછેડા ન લેવા માટે કરેલી દલીલોમાં વાઇફની જીત થઈ. ફૅમિલી કોર્ટ પાસે છૂટાછેડા ન મળ્યા એટલે હસબન્ડ હાઈ કોર્ટમાં ગયો. આગળ સુપ્રીમ કોર્ટમાં ગયો, પણ દરેક જગ્યાએ તેની પિટિશન ડિસમિસ થઈ. ફરી એક વાર હસબન્ડથી છૂટાછેડા લીધા વિના અલગ રહેતી વાઇફે મેઇન્ટેનેન્સ માટે ફૅમિલી કોર્ટમાં અપીલ કરી. અત્યાર સુધી દર તારીખે મેઇન્ટેનન્સના મામલે આ કપલ કોર્ટમાં આવે છે અને હજી સુધી લડી રહ્યું છે.

૨.

૨૦ વર્ષ જૂના એક કેસમાં પતિનું બહાર અફેર ચાલતું હોવાથી તેણે પત્ની સામે છૂટાછેડાનો કેસ કર્યો. વાઇફને અલગ નહોતું થવું એટલે તેણે શરૂઆતમાં ના પાડી દીધી. પતિએ કેસ આગળ ચલાવ્યો. શરૂઆતમાં પત્નીની નામંજૂરીને કારણે કેસ ખેંચાયો. એ પછી પતિએ સેટલમેન્ટ માટે પત્નીને કોઈ પણ જાતની રકમ આપવાની તૈયારી ન દાખવી એને કારણે સમય ગયો. પત્નીની ઇચ્છા હતી કે પતિ તેને બે બેડરૂમ-હૉલ-કિચનનો ફ્લૅટ કોલાબામાં લઈ આપે. પતિની ફાઇનૅન્શિયલ કન્ડિશન સારી નહોતી. તેની તૈયારી નહોતી. દરેક વખતે કોઈ એક મુદ્દે વાત અટકી જતી હતી. મેઇન્ટેનન્સ અને સેટલમેન્ટના મુદ્દા પર આજ સુધી તેમના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.

૩.

૧૨ વર્ષ જૂનો એક કેસ અત્યારે પણ ફૅમિલી કોર્ટમાં ચાલે છે જેમાં પત્ની પ્રેગ્નન્સી દરમ્યાન પોતાના પેરન્ટ્સને ત્યાં ગઈ એ પછી પાછી જ ન આવી અને તેણે પોતાના પતિ અને સાસરિયાં પર સેક્શન ૪૯૮ખ્ અંતર્ગત પોલીસ-કમ્પ્લેઇન્ટ કરી. પોલીસે સાસરિયાંને અરેસ્ટ કર્યા, પરંતુ તેનો પતિ ડરીને ક્યાંક ભાગી ગયો. લગભગ ૧૨ વર્ષ સુધી તે માણસ ગાયબ હતો. બે વર્ષ પહેલાં તે પાછો આવ્યો છે. તેને પાર્કિન્સન્સની બીમારી છે. પત્ની તેને ડિવૉર્સ આપવા તૈયાર છે પરંતુ તેને બહુ મોટી રકમ સેટલમેન્ટ માટે જોઈએ છે. પતિની ઇન્કમ ઝીરો છે અને પત્ની આટલાં વષોર્માં પોતાની પરિસ્થિતિનું વર્ણન કરીને એનું વળતર માગે છે. કેસ આજે પણ આ જ મુદ્દે કોર્ટમાં ચાલી રહ્યો છે.

૪.

એક કપલ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતું હતું. બન્ને વચ્ચે લગ્નના કરાર નહોતા અને એક દીકરીનો જન્મ થયો. પછી આપસી મતભેદને કારણે બન્ને જુદાં રહેવા માંડ્યાં. જોકે લગ્ન થયાં નહોતાં એટલે છૂટાછેડા થવા શક્ય નહોતા, પરંતુ મેઇન્ટેનન્સના મુદ્દે હજી પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કાયદા પ્રમાણે દીકરીના પિતા હોવાને નાતે દીકરીને મેઇન્ટેનન્સ આપીશ, પરંતુ તેની મમ્મીને નહીં આપું એવી દલીલ પુરુષ પક્ષેથી કરવામાં આવી રહી છે. જ્યારે મમ્મીનું કહેવું છે કે જે દીકરીના તમે પિતા છો એ દીકરીની મા હું છું એ ન્યાયે હું તમારી પત્ની છું તો મને પત્નીનો દરજ્જો આપો અને સાથે રાખો અથવા પત્ની તરીકેનું મેઇન્ટેનન્સ મને પણ આપો. આ મુદ્દે છેલ્લાં કેટલાંક વષોર્થી આ કેસ ફૅમિલી કોર્ટમાં અટવાયેલો પડ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે મોટે ભાગે મિડલ એજના લોકો એકબીજાને હૅરૅસ કરવા માટે જલદી સેટલમેન્ટ માટે તૈયાર થતા નથી. જે લોકોની નવેસરથી લાઇફ સેટલ કરવાની તૈયારી ન હોય અથવા એ સમય ન રહ્યો હોય એ લોકો વષોર્નાં વર્ષો સુધી કેસને લંબાવ્યા કરે છે.

અત્યારે ઈગો દરેક પ્રૉબ્લેમનું મૂળ બની ગયો છે : ફૅમિલી કોર્ટના જજ

કાયદા કરતાં ન્યાય મોટો છે. અને જેમ કહેવાય છે કે ન્યાયમાં થતો વિલંબ ન્યાય ન મળવા બરાબર જ છે. એટલે જ કોર્ટની કાર્યપ્રણાલી ઝડપી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અત્યારે આવતા મોટા ભાગના કેસના મૂળમાં ઈગો હોય છે. ૨૫ વર્ષમાં સમાજમાં આવેલા બદલાવનું આ પ્રતિબિંબ છે. ફૅમિલી કોર્ટમાં પણ કાઉન્સેલરથી માંડીને વકીલ અને જજ પણ મિડિએટરનું કામ કરી રહ્યા છે. હાઈ કોર્ટના બાકાયદા ટ્રેઇન્ડ મિડિએટર છે જે કપલ સાથે પૂરી સ્વસ્થતા અને સંવેદનશીલતાથી દરેક બાબતના પ્લસ અને માઇનસ સમજાવે છે. કોર્ટ છે એટલે કાયદાની જ ભાષામાં વાત થાય એ ફૅમિલી કોર્ટની તાસીર રહી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK