Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > તમને અરીસામાં વારંવાર જોવાની આદત છે? તો ચેતી જાઓ

તમને અરીસામાં વારંવાર જોવાની આદત છે? તો ચેતી જાઓ

12 October, 2014 07:01 AM IST |

તમને અરીસામાં વારંવાર જોવાની આદત છે? તો ચેતી જાઓ

તમને અરીસામાં વારંવાર જોવાની આદત છે? તો ચેતી જાઓ







મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

પ્રેમની વાત નીકળે એટલે રોમિયો-જુલિયટ, શીરીન-ફરહાદ, હીર-રાંઝા, લૈલા-મજનૂ વગેરેનાં નામો યાદ આવ્યા વિના ન રહે. આ બધામાંથી લૈલા-મજનૂનો એક કિસ્સો ખૂબ જાણીતો છે. લોકવાયકા અનુસાર જેના માટે મજનૂએ પોતાના પ્રાણની પણ પરવા ન કરી તે લૈલા દેખાવમાં જરાય સારી નહોતી. તેથી કોઈએ આવીને તેને પૂછ્યું કે આવી કાળી લૈલામાં તને એવું તે શું દેખાઈ ગયું કે તું તેના પ્રેમમાં આટલો દીવાનો બની ગયો? ત્યારે મજનૂએ આપેલો જવાબ આજે કહેવત જેવો બની ગયો છે. મજનૂએ કહ્યું કે લૈલા કો દેખો તો મજનૂ કી નઝર સે. ટૂંકમાં, સૌંદર્ય જોનારની નજરોમાં હોય છે, તેના મનમાં હોય છે. નજરોમાં પ્રેમ હોય, મન પ્રફુલ્લિત હોય તો ચારે બાજુ સુંદરતા જ સુંદરતા દેખાય છે, પરંતુ મન જ અસ્વસ્થ હોય તો અરીસામાં ખુદ પોતાની જાત પણ સારી દેખાતી નથી. બલકે ક્યારેક તો એટલી કદરૂપી દેખાઈ શકે કે આપણને એક અડવીતરા માનસિક રોગનો ભોગ પણ બનાવી શકે છે. આ માનસિક રોગનું નામ છે બૉડી ડિસમૉર્ફિક ડિસઑર્ડર. ટૂંકમાં BDD તરીકે ઓળખાતો આ ડિસઑર્ડર મનની એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ પોતાના બાહ્ય દેખાવથી એટલી અસંતુક્ટ રહે છે કે સતત એક નહીં તો બીજી રીતે એમાં સુધારો-વધારો કરવાના પ્રયત્નો જ કર્યા કરે છે અને બધું કર્યા પછી પણ છેલ્લે તો તેને હતાશા જ સાંપડે છે, કારણ કે મૂળ ગરબડ બાહ્ય સુંદરતામાં નહીં પણ માનસિક સ્વસ્થતામાં હોય છે.

જાત પ્રત્યે વાંકદેખા થઈએ ત્યારે...

હવેનાં પ્રચારમાધ્યમોના સમયમાં અખબારો, રેડિયો, ટીવી-ચૅનલો પર આવતી જાહેરખબરોના મારાએ સૌ કોઈને પોતાના દેખાવ પ્રત્યે વધુપડતા સજાગ કરી દીધા છે. એમાં પણ સ્ત્રીઓની પરિસ્થિતિ તો વધુપડતી જ કફોડી થઈ ગઈ છે. હૉલીવુડની ઍન્જલિના જોલી અને કૅમેરન ડિયાઝથી માંડીને આપણા બૉલીવુડની કૅટરિના કૈફ તથા કરીના કપૂરને જોઈ-જોઈને તેઓ પોતાની જાત પ્રત્યે વધુપડતી વાંકદેખી થઈ ગઈ છે. પરિણામે હવે દાવા સાથે કહી શકાય કે દુનિયામાં એક પણ એવી સ્ત્રી નહીં હોય જે પોતાના શરીરના એક નહીં તો બીજા ભાગમાં સુધારો-વધારો નહીં ઇચ્છતી હોય. એમ છતાં મોટા ભાગના આપણે આપણી આવી નાનીમોટી ખામીઓથી વધુપડતા વિચલિત થઈ જતા નથી અને પોતાની રોજિંદી જિંદગીની ઘટમાળમાં એને વચ્ચે આવવા દેતા નથી, પરંતુ જો આપણે આપણા દેખાવની આ ખામીઓમાં જ સતત રમમાણ રહીએ તો બૉડી ડિસમૉર્ફિક ડિસઑર્ડર નામની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.

બધું કરાવ્યા પછીયે સંતોષ નહીં

એ સમસ્યાની વાત કરતા જાણીતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘બૉડી ડિસમૉર્ફિક ડિસઑર્ડર એક એવી ગંભીર માનસિક બીમારી છે જેમાં વ્યક્તિ પોતાના બાહ્ય દેખાવમાં રહેલી ખામીઓ પ્રત્યે એટલી સંવેદનશીલ બની જાય છે કે કેમેય કરીને એ વિષય પર વિચારવાનું બંધ કરી શકતી નથી. મજાની વાત તો એ છે કે મોટા ભાગના કિસ્સાઓમાં આ ખામી સાવ નાની અથવા કેટલીક વાર તો માત્ર કાલ્પનિક જ હોય છે, પરંતુ ખુદ દરદી માટે એ એની એટલી મોટી ખોટ હોય છે કે તે ગમે એમ કરીને એને લોકોથી છુપાડી રાખવા માગે છે. આ પ્રકારની વિચારધારા દરદી પર ગંભીર માનસિક તાણ ઊભી કરે છે અને તેના રોજિંદા જીવનમાં બાધા બની જાય છે. પરિણામે ક્યાં તો તે કલાકો સુધી અરીસા સામે ઊભા રહી એક નહીં તો બીજી રીતે એને છુપાડવાનો રસ્તો શોધ્યા કરે છે અથવા અરીસા સામે જવાનું જ સંપૂર્ણપણે ટાળે છે. સમસ્યા તેના દેખાવમાં નહીં, મનમાં છે એટલું સાધારણ સત્ય તેને ક્યારેય સમજાતું નથી. તેથી આ રોગના દરદીઓ મદદ માટે ક્યારેય સાઇકિયાટ્રિસ્ટ પાસે જતા નથી; પરંતુ સ્કિન-સ્પેશ્યલિસ્ટ, પ્લાસ્ટિક સજ્ર્યન કે કૉસ્મેટિક સજ્ર્યન પાસે એક નહીં તો બીજી સારવાર કરાવવામાં લાખો રૂપિયા ખર્ચી નાખતાં જરાય અચકાતા નથી. વળી એ બધું કર્યા પછી પણ તેઓ ક્યારેય ખુશ તો થતા જ નથી. તેમને કાયમ એવું જ લાગે છે કે તેમની સારવાર યોગ્ય રીતે થઈ નથી અને તેમનો કેસ બગાડી દેવામાં આવ્યો છે. તેથી આ રોગના ઘણા દરદીઓએ તેમની સારવાર કરનાર પ્લાસ્ટિક કે કૉસ્મેટિક સર્જ્યન પર કાનૂની કેસ કરી દીધા હોવાના કિસ્સા પણ વારંવાર સંભળાયા કરે છે.’

પુરુષોને પણ થાય આ ડિસઑર્ડર

BDD ઉપરાંત ડિસમૉર્ફોફોબિયા તરીકે પણ ઓળખાતા આ ડિસઑર્ડરની શરૂઆત સામાન્ય રીતે કુમારાવસ્થામાં થાય છે તથા એની અસર સ્ત્રી અને પુરુષ બન્ને પર સરખા પ્રમાણમાં જોવા મળે છે. એક અંદાજ મુજબ દર ૧૦૦માંથી એક-બે વ્યક્તિ આ રોગની શિકાર હોય છે. આમ તો તેઓ શરીરના કોઈ પણ ભાગ માટે ચિંતિત હોઈ શકે છે; પરંતુ મોટા ભાગે આ રોગની શિકાર મહિલાઓ પોતાના વક્ષ:સ્થળ, નાક, ત્વચાનો રંગ, ચહેરાની કરચલીઓ તથા પિગ્મેન્ટેશન જેવી બાબતો પ્રત્યે વધુ સંવેદનશીલ હોવાનું જોવા મળ્યું છે; જ્યારે પુરુષો માથાના વાળ, ટાલ, મસલ્સ તથા પોતાની ઇãન્દ્રયની લંબાઈ જેવી બાબતો પ્રત્યે વધુ ચિંતિત રહે છે.

અનેક વ્યસનો, બંધનો

આ ડિસઑર્ડરથી પીડાતા લોકોની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે ગમે એટલું સમજાવવા છતાં તેમનામાં કોઈ મોટી ખામી નથી એ વાત સ્વીકારવા તેઓ તૈયાર જ થતા નથી. તેમને હંમેશાં એમ જ લાગે છે કે તેમને મળનારી, તેમને જોનારી દરેક વ્યક્તિનું ધ્યાન ફક્ત તેમની આ બાહ્ય ખામી પર જ ચોંટેલું છે. તેમની આ માની લીધેલી કદરૂપતા તેમને મન એટલી શરમજનક બાબત હોય છે કે તેઓ લોકોની સામે જવાનું કે ફોટો પડાવવાનું પણ ટાળે છે. બલકે તેમનું ચાલે તો તેઓ સ્કૂલ, કૉલેજ કે ઑફિસ જવાનું પણ અવગણે છે. પોતાની ખામીને છુપાવવા તેઓ દિવસનો ઘણો મોટો સમય અરીસા સામે ગાળી શકે છે અને એને છુપાવવા દાઢી વધારવા, વધુપડતો મેક-અપ લગાડવા કે વધુ પ્રમાણમાં કસરત કરવા જેવાં ગતકડાં પણ કરી શકે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે લોકોની નજરથી દૂર રહેવાનો તેમનો અભિગમ તેમનો આત્મવિશ્વાસ ડગમગાવી જાય છે. માનસિક એકલતાથી પીડાતા આવા લોકો આસાનીથી ડિપ્રેશનનો ભોગ બની શકે છે એટલું જ નહીં; તેમને ઈટિંગ ડિસઑર્ડર્સ, ઍન્ગ્ઝાઇટી ડિસઑર્ડર્સ, ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર તથા મૂડ ડિસઑર્ડર્સ જેવી સમસ્યાઓ પણ આસાનીથી લાગુ પડી જાય છે. સાથે જ કોઈ માદક પદાર્થનું વ્યસન પણ તેઓ ખૂબ સરળતાથી ઉપાડી લે છે. આ દરદીઓની બીજી મોટી સમસ્યા એ હોય છે કે તેઓ માદક પદાર્થોની જેમ મેડિકલ પ્રોસીજર્સ તથા કૉસ્મેટિક સર્જરીના પણ બંધાણી થઈ જાય છે જેના માટે તેમણે વારંવાર હૉસ્પિટલનાં ચક્કર માર્યા કરવાં પડે છે અને બધું કર્યા પછી પણ જ્યારે સંતોષ ન મળે ત્યારે તેઓ આત્મઘાતી પગલાં ભરવાની હદ સુધી પણ જઈ શકે છે.

અનેક પરિબળો જવાબદાર

બૉડી ડિસમૉર્ફિક ડિસઑર્ડર નામની આ બીમારીનું કારણ તમારામાં રહેલા ખોટા જીન્સ, મગજમાં રહેલાં કેટલાંક કેમિકલ્સનું અસંતુલન અથવા તમારા પરિવારનો ઇતિહાસ પણ હોઈ શકે છે. આ સાથે તમારું સામાજિક બંધારણ અથવા બાળપણમાં થયેલો કોઈ એકાદ કટુ અનુભવ પણ એની પાછળનું કારણ બની શકે છે. કદાચ આ જ કારણસર BDDની શરૂઆત કિશોરાવસ્થામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. માટે તરુણાવસ્થાએ પહોંચેલા તમારા છોકરા કે છોકરીમાં ઉપર મુજબનાં કોઈ ચિહ્નો જોવા મળે તો મનોવૈજ્ઞાનિકની સલાહ લેવામાં જરા પણ વિલંબ કરવો જોઈએ નહીં. સારવારનો પ્રારંભ જેટલો જલદી થશે એટલી એની સફળતાની શક્યતા પણ વધુ રહેશે. કોઈ ખોટો વિચાર જેટલો લાંબો સમય તેના મનમાં રહેશે એટલો જ એને કાઢવામાં વધુ સમય નીકળી જશે.

જિદ્દી રોગની મુશ્કેલ સારવાર

મોટા ભાગે મનની અવસ્થા સાથે સંકળાયેલા રોગોના નિદાન માટેની કોઈ ચોક્કસ લૅબોરેટરી-ટેસ્ટ હોતી નથી. તેથી આવા રોગોનું નિદાન મનોવિજ્ઞાન દ્વારા તૈયાર કરવામાં આવેલા રેટિંગ સ્કેલ્સના આધારે જ કરવામાં આવે છે, જેનો નિર્ણય સાઇકિયાટ્રિસ્ટ દ્વારા પુછાયેલા પ્રfનો અને એ પ્રfનોના દરદીએ આપેલા ઉત્તરોના આધારે લેવામાં આવે છે. ડૉ. અશિત શેઠ કહે છે, ‘મુશ્કેલી એ છે કે BDDના દરદીઓ અમારી પાસે તો ક્યારેય આવતા જ નથી. પોતાની તકલીફ દૂર કરવા તેઓ હંમેશાં બ્યુટી-ક્લિનિક્સમાં જવાનું પસંદ કરે છે. એમ છતાં આવો કોઈ દરદી અમારી પાસે આવે તો અમે કૉગ્નેટિવ બિહેવિયરલ થેરપી તથા દવાઓના સંયોજનથી તેમની વિચારધારામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ માટે ઍન્ટિ-ડિપ્રેશન્ટ અને ઍન્ટિ-ઍન્ગ્ઝાઇટી દવાઓ ઉપરાંત લ્લ્ત્ય્ તરીકે ઓળખાતી સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક્સ ઇન્હિબિટર્સ નામની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી બાજુ તેમની સાથેની વાતચીતમાં ડૉક્ટર પોતાની જાત માટેની તેમની નકારાત્મકતાને હકારાત્મક વિચારો દ્વારા રિપ્લેસ કરવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત, આ એક અત્યંત જિદ્દી બીમારી છે જે આસાનીથી પીછો છોડતી ન હોવાથી એની સારવાર પણ લાંબી ચાલે છે. તેથી સારવારના કોઈ તબક્કે પરિસ્થિતિમાં સુધારો જણાય તો પણ ડૉક્ટરનો સંપર્ક છોડવો નહીં અને સમયાંતરે તેમની મુલાકાત ચોક્કસ લેતા રહેવી.’

બૉડી ડિસમૉર્ફિક ડિસઑર્ડરના કેટલાક જાણીતા કિસ્સા

ફૅશન-પરેડ અને બ્યુટી-પેજન્ટ્સના આ જમાનામાં પાંચ વર્ષની બાળકીથી માંડીને પંચાવન વર્ષની મહિલા સુધી સૌ કોઈ પોતાની સુંદરતા પ્રત્યે જરૂર કરતાં વધારે પડતા જ સંવેદનશીલ બની ગયાં છે તો વિચારો કે જેમને પોતાની સુંદરતાનો દેખાડો કરવાના જ કરોડો રૂપિયા મળે છે એવી સેલિબ્રિટીઝની તો શું હાલત થતી હશે. સ્વાભાવિક રીતે જ તેમનામાં બૉડી ડિસમૉર્ફિક ડિસઑર્ડરનું પ્રમાણ વધુ જોવા મળે છે. જોકે આ ડિસઑર્ડર તેમને કઈ હદ સુધી લઈ જઈ શકે છે એ જાણીએ તો રીતસરનો આઘાત જ લાગે...

મૅરલિન મનરો : આજે પણ દુનિયાઆખી નખશિખ સુંદરતા માટે જેને યાદ કરે છે તે અમેરિકન અભિનેત્રી મૅરલિન મનરો પણ BDDનો શિકાર હોવાનું મનાય છે. કહેવાય છે કે મૅરલિન દિવસના કેટલાય કલાકો પોતાની જાતને અરીસામાં જોવા પાછળ ખર્ચી નાખતી એટલું જ નહીં, પોતાના ચહેરાનો દેખાવ બદલવાનો પ્રયત્ન કર્યા કરતી.

હીડી મૉન્ટેજ : એક દિવસમાં દસ કૉસ્મેટિક પ્રોસીજર કરાવનાર અમેરિકન ટીવી-પર્સનાલિટી, સિંગર, ફૅશન-ડિઝાઇનર અને લેખિકા હીડી મૉન્ટેજ પણ આ જ ડિસઑર્ડરનો શિકાર હોવાની ચર્ચાએ થોડાં વર્ષો પહેલાં ખૂબ જોર પકડ્યું હતું.

જોસેલિન વિલ્ડનસ્ટેન : ન્યુ યૉર્કની જાણીતી સોશ્યલાઇટ જોસેલિન વિલ્ડનસ્ટેનની તો જીવનની સૌથી મોટી સિદ્ધિ જ તેણે ચહેરા પર અત્યાર સુધી કરાવેલી સંખ્યાબંધ સર્જરીઓ છે. કરોડો રૂપિયાના માલિક એવા ભૂતપૂવર્‍ પતિ ઍલેક વિલ્ડનસ્ટેનને બિલાડીઓનો ખૂબ શોખ હોવાથી પતિને રીઝવવા જોસેલિને પોતાના ચહેરા પર અઢળક સર્જરીઓ કરાવી એને બિલાડી જેવો બનાવવામાં અત્યાર સુધીમાં ૨૪ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હોવાનું કહેવાય છે.

માઇકલ જૅક્સન : દુનિયાભરમાં કિંગ ઑફ પૉપ તરીકે જાણીતા બનેલા માઇકલ જૅક્સનના જીવનનાં શરૂઆતનાં વર્ષોના ફોટામાં તેનો શ્યામવર્ણ તેના આફ્રિકન-અમેરિકન હોવાનો પૂરતો પુરાવો આપે છે, પરંતુ જીવનનાં પાછલાં વર્ષોના ફોટોમાં તેની ત્વચા કોઈ અમેરિકન યુવતી જેવી મુલાયમ અને સફેદ દેખાય છે. આ તફાવત પાછળનું કારણ માઇકલ જૅક્સને જીવનભર પોતાનો બાહ્ય દેખાવ બદલવા કરાવેલી ૩૦થી પણ વધુ પ્લાસ્ટિક સર્જરી તથા કરોડો રૂપિયાનો ધુમાડો હોવાનું મનાય છે. અલબત્ત તેણે ક્યારેય જાહેરમાં પોતાની આ માનસિકતાનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ બાળપણમાં પિતા તરફથી અનેક વાર પોતાના કદરૂપા દેખાવ માટે માર ખાધો હોવાની વાત તેણે અનેક મુલાકાતમાં કરી હતી. સંશોધકોના મત અનુસાર માઇકલ જૅક્સનના BDD પાછળ પિતાની આ ખરાબ વર્તણૂક જ જવાબદાર હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2014 07:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK